ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : ગરીબ દેશમાં વીઆઈપી સંસ્કૃતિની આ તે કેવી અમીરી!

-રાજ ગોસ્વામી

તાજેતરમાં કુંભમેળામાં નાસભાગ-ભાગદોડ થઈ એમાં અનેક લોકો મરી ગયા તે પછી ઉત્તરપ્રદેશ સરકારે તાબડતોબ અમુક પગલાં ભર્યાં ત્યારે આપણને ખબર પડી કે કુંભમાં સ્નાન અને દર્શન માટે વીઆઈપી પાસ – વીઆઈપી પાર્કિંગ અને વીઆઈપી ઘાટ પણ હતો. સરકારે તાબડતોબ તે વ્યવસ્થા રદ કરી.

Also read : કોમી એકતાનું ઉદાહરણ એટલે કાલાવડનું શીતળા માતાજીનું મંદિર, જ્યાં મુસ્લિમ ફકીરના વંશજો કરે છે પૂજા

ભારતમાં વીઆઈપી સંસ્કૃતિનું આ વરવું સ્વરૂપ છે. સરકારો આવી અને ગઈ, પણ વીઆઈપી સંસ્કૃતિ યથાવત્ છે. ગયા એપ્રિલ મહિનામાં જ ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડા પ્રધાને કહ્યું હતું કે, ‘વીઆઈપી સંસ્કૃતિ બ્રિટિશરોની દેન હતી અને એમના ગયા પછી નાબૂદ થઈ જવી જોઈતી હતી. મારા માટે એવરી પર્સન ઈઝ ઇમ્પોર્ટન્ટ (ઈપીઆઈ).’

મધ્યયુગીન યુરોપમાં જ્યારે સામંતવાદી સમાજવ્યવસ્થા એની સરગર્મી ઉપર હતી ત્યારે એના વિદ્રોહમાં લોકશાહીનો જન્મ થયો હતો. લોકશાહીનો પાયાનો આદર્શ બરાબરી અને એક જાતનો છે. સ્કૂલોમાં જે યુનિફોર્મનો નિયમ છે તે આ લોકતાંત્રિક વ્યવસ્થાનું પ્રતીક છે. જ્યાં દરેક વિદ્યાર્થી, સામાજિક ઊંચાઈ કે નીચાઈ, છતાં સમાન નજર આવે છે. અંગ્રેજો ભારતની સ્કૂલોમાં વર્દીની સમાનતા તો લઈ આવ્યા, પરંતુ વાઈસરોય માટેનું ભવ્યાતિભવ્ય રાષ્ટ્રપતિ ભવન, સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અને કલેક્ટર માટે વિશાળ બંગલો તેમ જ બ્રિટિશ રાજકર્તાઓની આગળ-પાછળ વળાવિયા (કોન્વોય)નાં પ્રતીકોમાં એ જ રાજા-મહારાજા અને ઠાકોરોના ‘વેરી ઇમ્પોર્ટેન્ટ પર્સન’ (વી.આઈ.પી.)ની તહજીબ મૂકતા ગયા.

વીઆઈપી સંસ્કૃતિ એ માનસિકતામાંથી આવે છે કે માણસો ‘હાઇરાર્કી’માં વહેંચાયેલા છે અને નીચેના માણસે ઉપરના માણસની અધિનતા અને અધિકાર સ્વીકારવાના હોય છે. જંગલના જીવનમાં ‘સબળા’ અને ‘નબળા’નો આવો ભેદ બહુ સ્પષ્ટ છે. માનવજીવનમાં આવી અસમાનતા સૌથી પહેલી ધર્મમાંથી આવી હતી. ગુજરાતીમાં ‘દેવના દીધેલ’ શબ્દપ્રયોગ છે (જે ઝવેરચંદ મેઘાણીએ પ્રયોજ્યો હતો). કેટલાક લોકો ભગવાનના ખાસ અથવા નજીક છે અને બીજાથી ઉપર છે. બાવા – સાધુ – સંત – પુરોહિત એટલે જ વીઆઈપી સન્માન મેળવે છે. એનું બીજું ઉદાહરણ આપણાં ઘર અને દફતરોમાં છે, જ્યાં નોકરો, પટાવાળા (જે કમરમાં પટ્ટો પહેરતા હતા તે) કે ઑફિસ બોય ‘સાહેબ’ની સેવામાં હોય છે. એમની રહેવાની (કે દફતરમાં બેસવાની) જગ્યા અલાયદી હોય છે. ઘરમાં તમારી કામવાળી તમારી સાથે સોફામાં બેસીને ટીવી ન
જોઈ શકે.

આવી વીઆઈપી સંસ્કૃતિ હવામાંથી નથી આવતી. એ આપણા દિમાગમાં છે, ઘરની ચાર દીવાલોમાં છે. જો ચાન્સ મળે તો અને જો કોઈ જોતું ન હોય તો, તમારામાંથી કેટલા ટ્રાફિક નિયમ તોડીને જતા રહેવાની અભીપ્સા ઉપર કાબૂ રાખી શકે?

Also read : બાવાના બારણે દટાયા ભક્તિ-ભીડ ભારે પડી

મુંબઈમાં અગ્રણી કૉંગ્રેસી નેતા મુરલી દેવરાનું અવસાન થયું ત્યારે શ્રદ્ધાંજલિ આપતાં અરુણ જેટલીએ કહ્યું હતું કે દેવરાની ઓળખાણ અને પહોંચને કારણે મારા વિસ્તારના ઘણા વિદ્યાર્થીઓને ગમતી સ્કૂલમાં એડમિશન મળી જતાં હતાં…!

ઓળખાણથી સ્કૂલમાં એડમિશન મેળવવું એ એક પ્રકારની ‘લાલબત્તી’ જ છે!

ભારતની આઝાદી માટે લડાઈમાં જોડાયેલા નેતાઓની એક લડાઈ ગોરા સામંતો, હાકેમો અને ઘરઆંગણાના જમીનદારો સામે પણ હતી. આ ‘રાજા-મહારાજાઓ’એ જ ભારતની પૂરી સંપદાને પોતાના ‘એકાધિકાર’માં રાખી હતી એટલા માટે જ આઝાદ ભારતે પ્રારંભમાં મૂડીવાદ નહીં, પણ સમાજવાદનો માર્ગ પકડ્યો હતો, જેથી દરેક વર્ગને સમાન જીવન મળે. આઝાદીના બે જ દસકમાં સમૃદ્ધિ ઉપર સવાર ભારતે વીઆઈપીઓનો એક નવો વર્ગ ઊભો કર્યો, જે પેલા સામંતો અને જમીનદારોની જ આગલી કડી હતી. આધુનિક શાસન વ્યવસ્થામાં ‘વીઆઈપી’ શબ્દ એક મહાન છોગું છે. વીઆઈપી ઝોન, વીઆઈપી ખુરસી, વીઆઈપી પેવેલિયન, વીઆઈપી સિક્યુરિટી, વીઆઈપી લગ્ન અને વીઆઈપી લાઈન જેવાં તો અનેક છોગાં છે. અલગ અને ઉપર હોવાની આ ‘વીઆઈપી લાગણી’ ભૌતિક સમૃદ્ધિ અને એકાધિકારમાંથી આવી છે, જે આત્મિક દેવાળિયાપણાની નિશાની છે.

Also read : પૂર્વજોની જીવંતકથા કહેતી કેરળની નૃત્યકળા ‘થેય્યમ’

આઝાદીના નેતાઓ દિમાગથી સમૃદ્ધ હતા એટલે લંગોટી અને ટ્રેનના ત્રીજા ડબ્બામાં ફરતા હતા. આજે ગેંગસ્ટરો અને કૌભાંડીઓને પણ ‘વિશેષ’ સન્માન મળે છે. બીજાના ચરણસ્પર્શ કરવાની આપણી માનસિકતા આના માટે જવાબદાર છે. કોઈનાય પગ (તમારા સહિત) વીઆઈપી નથી હોતા. વીઆઈપી સંસ્કૃતિ દિમાગ જ નહીં, સમાજની ગરીબી માટેય જવાબદાર છે. ભ્રષ્ટાચારની, અન્યાયની શરૂઆત જ ‘તને ખબર છે હું કોણ છું?’માંથી થાય છે. લોકશાહી માટે સૌથી મોટો ખતરો ગરીબી નથી, કારણ કે ગરીબીમાં તો એક પ્રકારની ઇજ્જત, આશા અને સંયમ હોય છે. વીઆઈપી સંસ્કૃતિમાં આ ત્રણેય ભાવોથી વિપરીત માનસિકતા છે અને એ માનસિકતા ભારતની મહાનતાને નડે છે. ભારતમાં ગરીબી દૂર કરવાની નહીં, વીઆઈપી સંસ્કૃતિ દૂર કરવાની તાતી જરૂર છે. ગરીબી આપોઆપ દૂર થઈ જશે.

એટલા માટે જ આપણે ‘લાલબત્તી’ બંધ કરવાથી પણ આગળ વધવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button