હેં… ખરેખર?! : હિન્દુ સંસ્કૃતિ માટે વિદેશીનો 18 દેશમાં 6500 કિલોમીટરનો પગપાળા પ્રવાસ…

-પ્રફુલ શાહ
પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભ વિશેની જાણકારીમાં ડૂબકી મારીએ તો એનો અંત જ ન આવે. રોજ કરોડો માનવીઓને શ્રદ્ધા એક જ સ્થળે ભેગા કરતી હોય એવા સ્થળ, મેળા, ઉત્સવ કેટલાં હશે? અહીંની ધાર્મિક-આધ્યાત્મિક વિગતો સમુદ્ર જેટલી વિશાળ અને ઊંડી છે. એમાં ડૂબકી મારવાનું બધાનું ગજું નહીં.
Also read : અમેરિકન ગુજરાતીઓ અને રીયર વ્યુ મિરર-૬: ચન્દ્રકાંત શાહ
આ બધાં વચ્ચે ઘણાં વ્યક્તિત્વ મીડિયાની નજરે ચડી ગયાં હતાં. આમાં એક નામ છે બેન બાબા. પહેલી સ્પષ્ટતા એ કે ભલે કહેવાય ‘બેન’ પણ એ ભાઈ છે અને ‘બાબા’ એની અટક એટલે કે સરનેમ નથી. નથી ઉંમરમાં બાબો કે નથી સંસાર ત્યજી ચૂકેલા બાબા. ‘બેન બાબા’ તો ભારતીય મીડિયાએ આપેલું હુલામણું નામ છે, જે ખૂબ લોકપ્રિય થઈ ગયું છે.
બેન બાબાનું સાચું નામ છે બેન્જામિન વિયાટ્ટે (Benjamin Viatte)). આ ભાઈસાહેબે 2021ના ભારત અને કુંભમેળામાં પહોંચવા માટે જે કર્યું એ ખરેખર કલ્પનાતીત છે.
આ બેનભાઈએ એવાં તે શાં તીર માર્યાં કે મીડિયાવાળા એના પર સમરકંદ બુખારા ઓવારી જાય. આ 33 વર્ષનો યુવાન મૂળ સ્વિટઝલૅન્ડનો નિવાસી. ત્યાં આઈ.ટી. સેક્ટરમાં હા વેબ ડિઝાઈનર તરીકે કસદાર નોકરી કરતો હતો. કલાક દીઠ દશ યુરો ડૉલર (રૂપિયામાં ક્ધવર્ટ કરવા હોય તો ગુગલગુરુને મળો)ની આવક. સધ્ધર- પ્રેમાળ પરિવાર. પોતીકું ઘર અને કાર. ટૂંકમાં લકઝુરિયસ લાઈફ હતી બેનભાઈની. છોગામાં યુવાનીના દિવસો એટલે બીજી શેની ફિકર હોય?
પણ આ બેનભાઈ કંઈક અલગ માટીના ઘડાયેલા હતા. એને જીવનમાં ખાલીપો લાગે. કંઈક ખૂટતું હોવાને અહેસાસ સતત કોરી ખાય. માતા યોગ (યોગા નહિ) શિક્ષક એટલે ભાઈને યોગમાં રસ પડવા માંડ્યો.
અહીં મનના ઊકળતા ઉત્પાતને થોડીક શાંતિ મળી. આ સાથે હિન્દુત્વ, ધ્યાન અને યોગમાં એની દિલચસ્પી વધવા માંડી. આમાં ઊંડા ઊતરવા સાથે દિલ ભારત-ભારત કરવા માંડયું. હિન્દુસ્તાનની ધરતી જાણે એને બોલાવતી હતી. મન મૂંઝાતું હતું કે કરવું શું?
Also read : ઓહોહોહો….
એક દિવસ આ મૂંઝવણનો કાયમી ઉકેલ આવી ગયો. બેન નોકરી, ઘર, મોટર અને બધેબધું છોડીને નીકળી પડ્યો. સાથે કોઈ સામાન નહિ, ને પગમાં ચંપલ-બુટ સુદ્ધાં નહીં. એ ભારત ભણી પગપાળા ચાલવા માંડ્યો. ભારત એમ નજીક નહોતું. 18 દેશમાંથી પસાર થવાનું હતું. ને હજારો કિલોમીટરનું અંતર કાપવાનું હતું. બેન ચાલતો થયો. જ્યાં જે મળે એ ખાઈ લે. મેળ ખાય ત્યાં રાતવાસો કરી લે. સંન્યાસીની જેમ ભિક્ષા માંગીને પેટિયું ભરી લે. ક્યારેક સતત ત્રણ-ચાર દિવસ ચાલવું પડે. કારણ કે રસ્તામાં કોઈ શહેર, ગામ કે ઝૂંપડુંય નજરે ન પડે.
બેન બાબા એક દેશમાંથી રવાના થાય ત્યારે આગલા દેશના વિઝા કઢાવી લે. એના સામાનમાં એક પ્લાસ્ટિકની બેગ અને પાણી પીવાનો સ્ટીલનો ગ્લાસ. એના ધોળા વાળને લીધે સૌને કુતૂહલ થાય કે આ યુવાન શું કામ પગપાળા નીકળી પડયો છે. પણ આ બધા સવાલો અને આર્શ્ર્ચયથી વિસ્ફારિત થતી નજરો વચ્ચે બેન ચાલતો રહ્યો, ચાલતો જ રહ્યો.
સ્વાભાવિક છે કે પત્રકારો પગપાળા યાત્રા, ને એ દરમ્યાન થયેલા અનુભવો અને ખાસ તો પડેલી તકલીફ વિશે પૂછે જ. પુસ્તક અને ઑડિયો થકી હિન્દી શીખીને હવે અસ્ખલિતપણે આપણી રાષ્ટ્રીય ભાષાને આ વિદેશી બોલી શકે છે. એને કોઈ દેશ કે એની પ્રજા સામે લેશમાત્ર ફરિયાદ નથી.
ભારતમાં અચૂક પુછાય કે ભાઈ, પાકિસ્તાનમાં કેવું લાગ્યું? તેણે સરસ જવાબ આપ્યો: ‘વાસ્તવિકતાને બે દૃષ્ટિથી જોઈ શકાય. લોકોના મત મુજબ કાં પોતે અનુભવીને. મને બીજો વિકલ્પ ગમ્યો. જે જે દેશમાં હું ગયો ત્યાં બધે એમ જ કર્યું એનો મને આનંદ છે. આપણે જાણીએ છીએ કે પાકિસ્તાનની ઈમેજ બહુ સારી નથી. ઘણા મને મોઢા પર પૂછી બેસતા કે એ દેશ ખૂબ ભયંકર ને જોખમી છે, તું ત્યાં શું કરે છે? પરંતુ મારો અનુભવ એવો છે કે એ મને જરાય જોખમી દેશ ન લાગ્યો. હું ત્યાં અદ્ભુત માનવીઓને મળ્યો. મને પોતાના કુટુંબીજન જેવા લાગ્યા. એકેય સાથે ત્યાં જરાય ઘર્ષણ થયું નહોતું. મારું માનવું છે કે અમુક માણસોને ત્યાં નકારાત્મક અનુભવો થયો કારણ કે તેઓ એની પ્રતીક્ષા કરતા હતા.
હા, તુર્કીમાં બેનને તકલીફ પડી હતી ખરી. ત્યાંના લશ્કરને હું વિદેશનો લશ્કરી હુમલાખોર લાગ્યો. મારે સાબિત કરવું પડયું કે હું સ્વિટઝર્લૅન્ડથી આવું છું ને પગપાળા ચાલીને ભારત પહોંચવું છે. એકવાર મારી વાત ગળે ઊતરી ગયા બાદ એ લોકોએ મને આર્મી કેબિનમાં રહેવા દીધો અને ખાવા-પીવાની સગવડ પણ કરી આપી.’
સ્વિટઝર્લૅન્ડથી નીકળ્યા બાદ યુરોપ, તુર્કી, ઈરાન, આર્મેનિયા, જ્યોર્જિયા, રશિયા, કિર્ગીસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકસ્તાન, ચીન અને પાકિસ્તાન થઈને એ ચાર વર્ષે ભારત પહોંચ્યો અને એ બધો પ્રવાસ ગજવામાં એક કાણી કોડીય રાખ્યા વગર કર્યો હતો.
અહીં બેન બાબાએ હિમાચલ પ્રદેશની ધર્મશાળામાં ધામા નાખ્યાં. 2021ના માર્ચમાં ફરી 28 દિવસ પગપાળા ચાલીને બેન હરિદ્વાર પહોંચ્યો અને મહાકુંભમાં ભાગ લીધો.
Also read : ધનાધન બાપા
ભારતની ધરતી અને સંસ્કૃતિમાં પોતાના આત્માના ઉદ્ધાર કરનારા ઘણાં વિદેશી છે પણ આવાો આકરો માર્ગ અપનાવનારા વીરલા બહુ ઓછા મળશે.