ઉત્સવ

નકારાત્મક વ્યક્તિની કરી દો બાદબાકી આપણી જિંદગીમાંથી…

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

થોડા સમય અગાઉ એક મિત્ર કોઈ મુશ્કેલીભર્યા તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. એમની તબિયત પણ બહુ ખરાબ હતી. એ વખતે એના એક પરિચિતે કોઈ મુદ્દે વોટ્સએપ પર મેસેજ મોકલીને એની મદદ માગી હતી. મિત્રએ જવાબ આપ્યો કે ‘મારી તબિયત ખરાબ છે.’

જોકે પેલા પરિચિતે એમના જવાબની અવગણતા ફરી મેસેજ મોકલ્યો: ‘મને ફાયદો થાય એમ છે. તમે ફલાણી વ્યકિતને કહીને આટલું કામ કરાવી દો. તમે કહેશો તો તે ચોક્કસ આ કામ કરી આપશે.’

મિત્રએ પેલા પરિચિતના કામ માટે સંબંધિત વ્યક્તિ સાથે વાત કરી -વિનંતી પણ કરી. એ પછી એમણે પરિચિતને કહ્યું: ‘મેં તમારા માટે એમની સાથે વાત કરી છે, પણ એ બહારગામ છે એટલે આવે એ પછી તમારું કામ કરી આપશે.’

પરિચિતે મારા મિત્રને ધડાધડ કેટલાય મેસેજ મોકલી દીધા કે ‘હું નાનો માણસ છું એટલે તમે મારા કામને સિરિયસલી લેતા નથી. મને ખબર છે કે તે વ્યક્તિ તમારી વાત ટાળી નહીં શકે…’

પેલા પરિચિતે બીજી પણ ઘણી કડવી વાતો લખી, પણ મારા મિત્રની તબિયત વિષે પૃચ્છા ન કરી! મારા મિત્ર મુશ્કેલીમાં હતા એ જાણવા છતાં સતત કોલ્સ અને મેસેજીસ કરીને એમને પરેશાન કરી મુક્યા. છેવટે એ મિત્રએ પોતાની તકલીફ અને તબિયત બાજુ પર મૂકીને પરિચિતના કામ માટે કોઈનો ઉપકાર લેવો પડ્યો.

એ સમય દરમિયાન તે મિત્રની તબિયત વધુ લથડી હતી .એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી એમ છતાં એ પરિચિતના કામ માટે માનસિક તણાવ લઈ રહ્યા હતા આથી એમનાં સંતાનો અકળાઈ ઉઠ્યાં. એમણે કહ્યું, ‘પપ્પા, જે માણસને તમારી કશી પરવા નથી તેના માટે તમે તમારી જાત ભૂલીને શા માટે આટલો માનસિક તણાવ ભોગવી રહ્યા છો?’ અને સંતાનોએ પિતાને પેલા માણસ સાથે સંબંધ કાપી નાખવાની ફરજ પાડી.

મને તે મિત્રની તબિયત ને તકલીફ વિશે ખબર પડી ત્યારે હું એમને મળવા ગયો. શક્ય હતી એ પ્રકારની બધી મદદ કરી. એ પછી એ મિત્રએ પોતાની વ્યથા ઠાલવી સાથે અફસોસ પણ વ્યક્ત કર્યો કે ‘મેં સંતાનોની વાત માનીને તે પરિચિત સાથે સંબંધનો અંત આણી દીધો તો એ મારા વિશે કેવા વિચારો કર્યા હશે!’

મેં સલાહ આપી કે તમારે આવું વિચારવાની જરૂર નથી. ખરેખર તો તે પરિચિતે વિચારવું જોઈએ કે તમે એના માટે શું વિચારતા હશો? આપણી આજુબાજુની વ્યક્તિઓને મદદ ચોક્કસ કરવી જોઈએ, પરંતુ આપણી શાંતિના ભોગે કે આપણા જીવનના ભોગે તો બિલકુલ નહીં.’

તે મિત્રએ કહ્યું : ‘તમે કહેતા હો છો કે આપણી આજુબાજુની વ્યક્તિઓને મદદ કરવી જ જોઈએ. તમે પણ મને મદદ કરી જ ને?’

મેં કહ્યું: ‘આપણી આજુબાજુની તો શું અજાણી વ્યક્તિઓને પણ ચોક્કસ મદદ કરવી જોઈએ, પણ જે લોકો જે માણસો આપણને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેતા હોય અને આપણે જાણે એમના માટે જ આ પૃથ્વી પર જન્મ લીધો હોય એવું માનતા હોય એવા લોકોને તારવીને અલગ કરી દેવા જોઈએ અને જે વ્યક્તિઓ આપણે મુશ્કેલીમાં હોય ત્યારે તેની નોંધ પણ ન લેતી હોય એવી વ્યક્તિઓને પણ આપણા જીવનમાંથી રવાના કરી દેવી જોઈએ.’

આપણા બધાની આજુબાજુ આ પ્રકારની -નકારાત્મકતા ફેલાવતી અને સ્વાર્થી કોઈ ને કોઈ વ્યક્તિઓ હોય જ છે. એમને પોતાના સ્વાર્થ સિવાય કશું દેખાતું નથી હોતું. આપણી તકલીફો વખતે એ પૂછતાં પણ ન હોય અને આપણે તકલીફમાં હોઈએ ત્યારે પણ એ મદદની અપેક્ષા રાખતા હોય એવા લોકો સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ, કારણ કે આવા માણસો આપણા જીવનમાં કશું પ્રદાન કરતા નથી હોતા, પરંતુ આપણી શક્તિ અને શાંતિ છીનવી લેતા હોય છે અને ઘણા કિસ્સામાં તો વળી ઉપકાર પર અપકાર જેવા અનુભવો પણ આવા માણસો કરાવતા હોય છે.

થોડા સમય અગાઉ ટીવી સિરિયલ્સ અને ભોજપુરી ફિલ્મ્સની એક્ટ્રેસ અનુપમા પાઠકે જીવન ટૂંકાવી લીધું એ અગાઉ ‘ફેસબુક’ પર લાઈવ જઈને દસ મિનિટ સુધી જે વ્યથા-વેદના ઠાલવી હતી એ સાંભળીને થયું હતું કે આપણી આજુબાજુ કોઈ નેગેટિવિટી ફેલાવતી વ્યક્તિ હોય તો એનાથી સો જોજનનું અંતર કરી નાખવું જોઈએ. અને આપણી કે બીજા કોઈની પણ ખરાબ સ્થિતિની પરવા ન કરનારાઓનો (અને એવી સ્થતિમાં મદદ કરવાને બદલે જે તે વ્યક્તિની મજાક ઉડાવનારાઓની કે વિકૃતિ ફેલાવતા લોકોની) આપણા જીવનમાંથી બાદબાકી કરી દેવી જોઈએ.

અનુપમા કહી ગઈ છે કે કોઈના પર વિશ્ર્વાસ કરવો એ મોટી મૂર્ખાઈ છે એટલે એની સાથે મોટો વિશ્વાસઘાત પણ થયો જ હશે. એણે એ વિશેની થોડી અછડતી વાત પણ ‘ફેસબુક’ પર લાઇવ થઈને કરી હતી.

આઘાતજનક વાત એ છે કે અનુપમાના કેટલાક મિત્રોને એની તકલીફો વિશે ખબર હતી અને એમાંના કેટલાકે તો એને ‘ફેસબુક’ પર સાંભળી, છતાં કોઈને એની મનોવ્યથા સમજાઈ નહોતી!

સાર એ છે કે નકારાત્મક વ્યક્તિઓની આપણી જિંદગીમાંથી બાદબાકી કરી દેવી જોઈએ. અને જેમને આપણી કશી પરવા જ ન હોય એવી વ્યક્તિઓથી પણ દૂર થઈ જવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button