કેન્વાસ : હવે પતિ સશક્તિકરણનો યુગ લાવવો પડશે?
- અભિમન્યુ મોદી
ઑર્ગેનિક હ્યુમર લખી શકતા ને પડદા ઉપર મૌલિક રમૂજ સર્જી શકતા પટકથા લેખક – દિગ્દર્શક – ચિત્રકાર સંજય છેલની ‘ખૂબસૂરત’ નામની એક ફિલ્મ આવી હતી. જૂની નહીં, પણ નવી ‘ખૂબસૂરત’. જેનું ‘એ શિવાની…’ ગીત હિટ થયેલું. આ ફિલ્મમાં સંજય દત્ત બનાવટી નામે એક કુટુંબમાં રહે છે.
ચોરોની ટોળકીએ એને એ ઘરમાં ખાતર પાડવા મોકલ્યો હોય છે. એ ઘરના બધા સભ્યો સાથે એ એટલો હળીમળીને રહેવા લાગે છે કે કોઈનું પણ કામ સંજુ વિના અટકી પડે. ચોરોની ટોળકીના રિંગમાસ્ટરને સંજુનો કોઈ અતોપતો મળતો નથી એટલે ફિલ્મના અંતમાં એ સાથે બંદૂક ને બીજા ગુંડાઓને લઈને સીધો પેલા ઘરે આવી જાય છે. સંજુ એને વીનવે છે કે આ નિર્દોષ કુટુંબને છોડી દે – બીજેથી કમાઈ લઈશું, પણ દગો થવાથી તે કુટુંબના અમુક સભ્યને પણ સંજુ ઉપર ડાઉટ ગયો છે.. સંજુ જે થેલો લઈને નીકળતો હતો તેને ઝૂંટીને આંચકી લેવામાં આવે છે.
તે થેલામાં ઘરનો કીમતી સામાન હશે એવું બધાને લાગતું હતું. થેલાનો સામાન નીચે પડ્યો તો બધાની આંખો ફાટી રહી ગઈ. સાચે જ કીમતી સામાન હતો. ઢીંગલી, રાખડી, રમકડાંની બંદૂક, ફોટોગ્રાફ્સ, ભગવદ્ગીતા વગેરે. આઠાના, ચારાના, પાંત્રીસ પૈસાની વસ્તુઓ.
વિલન પરેશ રાવલ ત્યારે એક નક્કર ડાયલોગ બોલે છે: ‘અબે હીરો હોન્ડા, ઈસ ઘર કે દરવાજે સે લેફ્ટ લેગા તો એક દુનિયા શુરૂ હોતી હૈ, જહાં ઇન ચીજો કે રદ્દી કે દામ ભી નહીં મિલતે…!’
સનાતન સત્ય! 999 પ્યોરિટી ધરાવતા ગોલ્ડ જેવી તે કઠોર હકીકત છે. એ જ હકીકત સાથે છોકરાઓને મોટા કરવામાં આવે છે. એ હકીકત કહેવા માટે કોઈ વિલન નથી આવતો, મા-બાપ જ દીકરાઓની જુવાનીના આગમનની પહેલાં વિલન બની જાય છે. ‘દીકરી તો સાસરે ચાલી જશે, પણ તું તો છોકરો છો. ભણીશ નહીં તો કરીશ શું? કેળાંની રેકડી કાઢીશ?’ – દરેક મધ્યમવર્ગીય પરિવારની આ બેઠી સ્ક્રિપ્ટ છે. પેઢી દર પેઢી પુરુષ પ્રજાતિના ડીએનએમાં ઉમેરવામાં આવતું આ સંસ્કરણ છે.
દીકરીના જન્મ વખતે જલેબી ને દીકરાના જન્મ વખતે પેંડા વેંચતો આ દંભી સમાજ જો છોકરાને સહેજ વધુ લાડ લડાવતો હશે તો એની ઉપર પ્રેશર પણ વધુ નાખે છે. આમ પણ હવે એ સમય ગયો. દીકરા કરતાં દીકરીને જ લાડકોડ વધુ મળે છે. દીકરાને શું મળે છે? પુરુષને મળે ઠેંગો.
દીકરાને મળે છે ટાર્ગેટ. પર્ફોર્મ કરવાનું પ્રેશર. સ્કૂલમાં નંબર લઈ આવવાનું પ્રેશર, સ્પોર્ટ્સ- ડેના દિવસે ફિનિશિંગ લાઈન ઉપર પહેલા પહોંચવાનું પ્રેશર, એન્યુઅલ ફંક્શનમાં બેસ્ટ વેશભૂષાની ટ્રોફી જીતવાનું પ્રેશર, હાઈ સ્કૂલમાં બોર્ડમાં નંબર લઈને છાપામાં તેજસ્વી તારલાની યાદીમાં ચમકવાનું પ્રેશર, મા-બાપને ઓછી ફીઝ ભરવી પડે એવી કૉલેજમાં એડમિશન મળે એનું પ્રેશર અને કૉલેજના કેમ્પસમાંથી સારી નોકરી લેવાનું પ્રેશર, સારી નોકરી મળે તો સારી છોકરી મળશે એ પ્રેશરનું પ્રેશર, સારી છોકરી મળી તો વાઈફ અને મા વચ્ચે ચાલુ થઈ જતા ગજગ્રાહમાં પિસાઈ જઈને સેન્ડવીચ થવાનું પ્રેશર, નોકરીમાં બોસ ગાળો આપે અને બાજુમાં બેસતો કલિગ ત્રણ-ત્રણ લફરાં કરીને આબાદ છટકી જતો હોય એ જોઈને જીવ બાળવાનું પ્રેશર, વાઈફને મનાલીને બદલે મોરેશિયસ ટ્રીપ પર લઈ જવાનું પ્રેશર, અઠવાડિયાના ત્રણ દિવસ વાઈફ (કે જીએફને) બેસ્ટ પ્લેઝર આપવાનું પરફોર્મન્સ પ્રેશર.
પ્રેશર કૂકર શોધનાર એક પુરુષ હતો, પણ એને પણ ખબર નહીં હોય કે એ બંધ વાસણની અંદર સર્જાતાં દબાણ કરતાં અનેકગણું વધુ દબાણ પુરુષજાતિ વેઠવાની છે.
હજુ પણ, એકવીસમી સદી એના પચ્ચીસમાં વર્ષમાં ટકોરા મારે છે ત્યારે પણ છોકરી કંઈ નહીં કમાય તો ચાલશે, પણ છોકરાને સમયસર કમાઈ લેવું પડશે, નહીંતર ‘મા-બાપને માથે પડેલો અને ઘરે બેસીને રોટલા તોડતો’ ગણાય અને બીજી એક બનાવેલી મુદ્દત કરતાં એક વર્ષ સુધી ન પરણે તો એની ઉપર ‘વાંઢા’નું લેબલ લાગે. જો સમયસર નોકરી કે છોકરી ન મળી હોય તો પોતાના જ સગાંવહાલાઓથી ભાગતું રહેવું પડે છે.
સ્ત્રીઓની ઘૂંઘટ પ્રથા બંધ થઈ ગઈ, પણ આ યુવાન છોકરાઓ ક્યાંક પોતાની લાજ સાચવવા એ પુરુષોમાં એ પ્રથા શરૂ ન કરે! ઔદ્યોગિક ક્રાંતિ અને કમ્પ્યુટર યુગ પછી દુનિયાની રચના એવી થઈ છે કે પુરુષોનું શોષણ થવા લાગ્યું અને આની કોઈને હજુ સુધી પણ કાનોકાન ખબર નથી પડી.
‘પુરુષોનું શોષણ’… આ શબ્દો જો વધુપડતા લાગ્યા હોય તો શાંતચિત્તે વિચારજો અને વિચારમાંથી જવાબ ન મળે તો છેલ્લાં અઢીસો વર્ષની તવારીખ પર એક નજર કરજો..
વાચકો મિત્રો, બેંગલુરુના અતુલ સુભાષ નામના આઈટીના યુવાન પુરુષે આપઘાત કરવો પડ્યો અને આખું ‘ઈન્સ્ટાગ્રામ’ તેના સમાચારથી ઊભરાઈ ગયું તે પહેલો કેસ નથી. સ્ત્રીઓ માટે બનેલા કાયદાઓનો સ્ત્રીઓ દ્વારા ગેરઉપયોગ થવાની માત્રા દિનપ્રતિદિન વધતી જાય છે. (હમણાં કોર્ટે પણ એની સખ્ત શબ્દોમાં ટીકા કરી છે.) પેલા હતભાગી માણસના એંશી મિનિટના વીડિયોની ક્લિપ્સ જોઈએ એટલે ખબર પડે કે મેટ્રો સિટીના પુરુષ ઉપર શું શું વીતી શકે છે.
કોઈ પણ પુરુષને સોશિયલ મીડિયામાં કે ઑફલાઈન જાહેરમાં બદનામ કરવા માટેનું એક બ્રહ્માસ્ત્ર છે – એના ચરિત્ર પર આંગળીઓ ચીંધવી. એક નાનકડી અફવા એક પુરુષના કેરેક્ટરને ફાડી નાખે છે. એક જૂઠાણું પુરુષની આવકને અસર કરી જાય છે. એક શંકા પુરુષને એનાં વર્તુળોથી કાયમ માટે અળગો કરી નાખે છે, કારણ કે પુરુષની આગળ ‘અબળા’ વિશેષણ લાગતું
નથી ને..
આ બધી વાતનો અર્થ એ હરગિઝ નથી કે પુરુષજાત દૂધે ધોયેલી છે. ના, આ જ પુરુષ જાતમાંથી બળાત્કારીઓ, ખૂનીઓ, હિંસક તત્ત્વો, વિકૃત લોકો આવ્યા છે – હજુ આવે છે. સ્ત્રીઓને કચડવામાં પુરુષોએ કંઈ બાકી રાખ્યું નથી એટલે ગુનો આચરનારા અને સ્ત્રીનું સહેજથી લઈને અંતિમ સુધીનું અપમાન કરનારા પુરુષ સજાને પાત્ર છે જ (અને અમુક કેસમાં ફાંસીને પણ!), પરંતુ અહીં વાત જનરલાઇઝેશનના વિરોધીઓની છે.
પેલી દીદીઓને એ કહેવું છે કે તમને ચાર બોયફ્રેન્ડે ચીટ કર્યું તો ‘ઑલ મેન આર ડોગ્સ’ નથી થઈ જતું, બહેન. ફેક ફેમિનિસ્ટ લોબી સ્ત્રીઓને નુક્સાન કરી રહી છે. નોકરીમાં કે કુટુંબમાં, રાજકારણમાં કે વ્યવસાયમાં – આગળ વધવા માટે અનેક સ્ત્રીએ પોતાના સ્ત્રી હોવાનો નાનો કે મોટો લાભ એ પણ ખોટા રસ્તે અપનાવ્યો છે એ બધા જાણે છે. ‘સાબરમતી રિપોર્ટ્સ’ – ફિલ્મમાં એનું ઉદાહરણ જોવા મળશે.
સ્ત્રી ઉપર અત્યાચાર થાય ત્યારે કેન્ડલ માર્ચ થાય છે અને થવી જ જોઈએ, પણ પુરુષનું સામૂહિક શોષણ થઈ રહ્યું છે ત્યારે એ નિર્દોષ પુરુષો માટે સમાજના કેટલા સભ્યો અવાજ ઉઠાવવા આગળ આવે છે? વિચારો.