ચઢાવો કોટ-સ્વેટર-બંડી, આવી ગઈ છે ઠંડી
આજે આટલું જ -શોભિત દેસાઈ
પૂરતાને પુષ્કળ સમજીને જીવવાવાળા આપણે મુંબઈગરાઓ માટે સારી મોસમના દિવસોની શરૂઆત થવામાં છે. ઋતુઓમાં રમ્યતમ શિયાળો એટલે સારી મોસમ. બે રીતે જોવાનો પ્રબંધ છે જ શિયાળાને. કાં તો રંગબેરંગી સ્વેટર માંડ વરસમાં એકાદ બે
વખત જ પહેરવા મળે છે ની ફરિયાદ કે
વરસમાં એકાદ બે વખત તો પહેરવા મળે છે નો ઉન્માદ.
North Indiaને આ ચાર મહિનાનો મોટો વિલાસ છે. Octoberના અંતથી જ ગરીબ ઘરની પતરાની પેટીઓમાંથી અને સમૃદ્ધ ઘરોનાwardrobesમાંથી ગરમ કપડાં ડોકિયાં કરતાં કરતાં બહાર નિકળવા માંડે, cold creamના orders અપાવાનું શરૂ થઈ જાય (અમુક cold cream તો એવા નસીબદાર કે સીધા નિર્જીવ કાચમાંથી સુંવાળા સજીવ ગાલ પર!), અડદનો લોટ-ખાંડ-ઘીનો તાજો નવો સ્ટોક લઈને કરિયાણેદાર આવી પહોંચે, સુકામેવાના જથ્થાબંધ વેપારીઓ છૂટક પેકેટો તૈયાર કરવામાં વ્યસ્ત બનતા જાય અને હોઠ ચામડી બદલવા માટે ફાટવાની હડતાલ પર જવાનું શરૂ કરે. હડતાલ પતી ગયા બાદ હોઠ આવ્યા હોય એ જે બીજા હોઠની રાહ જોતા હોય એની તો વાત જ જવા દો. દહાણુથી લઈને ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છને પણ આ વિલાસ મોજુદ છે. આખી નારી જાતી આ ચાર મહિના દરમિયાન ગાલ પર જે રાતો રંગ ઉછેરે છે એનો તો શિયાળાની ઋતુના સોગંદ ખાઈને કહું છું કે કોઈ જવાબ નથી. કપિલ દેવના પાલમોલીવ જેવો જ!
તમારું તો છે મુંબઈમાં હોવું,
એટલે આ બધું તો પડે ખોવું.
હજી નજીકના ભૂતકાળનાં ૨૫ વર્ષ પહેલાનું Narrow Guage lineનું નાનું સ્ટેશન વિચારો… દિવસમાં વધુમાં વધુ બે ટ્રેન જવાની અને બે ટ્રેન આવવાની હોય. છતાં ઓર્ડરલી સવારના ૬.૩૦ વાગે લાકડાના હાથાને તાંબા-લોખંડના વર્તુળાકાર ઘંટ પર મારવા માટે કાનટોપી-મફલરની નીચે બંડી સજાવી હાજર હોય જ અને કદાચ બીજા ત્રણ ચાર કલાક બીડી પીધા સિવાય અને મનોમન ઠંડીનો કયાસ કાઢવા સિવાય કંઈ જ નહીં કરવાનું! ૧૧-૧૨ વાગ્યા પછી, લખોટા બનાવવા માટે પાટાની આજુબાજુના, પ્રમાણમાં મોટા પથરા વિણવા માટે આવતા, મજૂરોના ગરીબડા બાળકારીગરોને અટકાવવા માટે થોડું દોડવાનું પણ આળસ થાય એવી બપોરના દૂરથી સંભળાતા હાકલા-પડકારાના અવાજોમાંનો cough પણ તમને ચોખ્ખો સંભળાય. અરે! સૂર્યના અસ્ત પામવાના કલાક દોઢ કલાક પહેલાં, બુટ ચંપલ વગરના તળિયા ઝાકળનો અનુભવ કરતાં તો વિચારવા ય માંડે કે આ મારુ વાળુ ઝાકળ થીજી તો નથી ગયું ને! અને આ તરફ ફળિયામાં તો ચાર વરસની હજી નથી થઈ એ આખી વસ્તી નાકનો શણગાર એમનો એમ રાખીને કોઈ અજાયબ કળાથી ચહેરા પર ધૂળના અઘરાળા સજાવતી જાય…
શહેરમાં પાછો આવું તો ગઈ રાતે તો કમાલ થઈ ગઈ. ઘણા વખત પછી એને જોઈ. જેવી દેખાઈ કે આંખો એને મુકવાનું નામ જ ન લે. મને સ્ટેજ પરથી કડકડાટ અને સડસડાટ રજૂઆત કરતો જોવા ટેવાયેલું શ્રોતાગણ મને આમ ખાસ્સો સમય ચૂપ જોઈને દિગ્મુઢ થઈ ગયું. ખરું કહું? એ કેસરી શાલ એનું જ કોઈ અંગ હોય એમ મને લાગ્યું… શરત બકીને કહું છું કે આ શાલ જો કોઈ બીજું ઓઢે તો સાવ બીજું જ લાગે… (બશીર બદ્ર)
ટાઢી અગિયારસ
સૂરજ છે નમ્ર ખાસો, પીળિયા તડકાઓ સોનેરી
ઝીણું જાગે હજી પણ આભમાંથી રાત રૂપેરી
બળેલા તાપણાનો શેષ છે અવશેષ સાયંકાળ
રજાઈમાં ભરાયો છે દિવસ, સૂમસામ છે શેરી
નથી ખોલી શકાતા હોઠ, ઉચ્ચારો બધા અસ્પષ્ટ
છે ઇચ્છાઓ કકડતી, મૌન ઊભું છે તને ઘેરી
જરા સરખા મળે ગરમાટો આજે તારી પાસેથી
કહું છું ખાઈ તારા સમ, દઉં પાછો હું, ઉમેરી
તેં જોયો હૂંફથી જેવો, કે પહેરી’તી જે શબ્દોએ
સુરક્ષિત કાનટોપી તો થઈ નક્કામી! હત્તેરી!!!
વગાડું ઘંટડી, સ્પર્શું, કરું અભિષેક તારામાં
હજી સુધી નથી પુજાઈ જે, તું એવી છે દેરી
તિમિર સંવાદ માંડે છે તિમિર સાથે જ, જાગી જઈ
શિયાળામાં સમય સૂતો લપેટી રાત રાનેરી
ધ્રૂજે ધીમું ને મૂકે ઉચ્છ્વાસોથી વરાળોને
અને આશ્ર્ચર્યથી તાક્યા કરે છે એક ગંજેરી
નથી મોજુદ હું? તું ધાબળાને કેમ ઓઢે છે?
પરમ શૃંગારની ઘડીઓમાં વહાલી! કાં થતી વેરી?!
હવા કે ચાંદની વ્હેંચે મફતમાં શેરના ભાવે
દીવાનો રાજવી, ઠંડી અને નગરી છે અંધેરી
શિશિરના સૂર્યનું પહેલું કિરણ પથરાય ધરતી પર
ઊઠે આળસ મરોડી ઘાસ જેવું ઓસ ખંખેરી!
આજે આટલું જ…