ઉત્સવ

હેં… ખરેખર?! : નામાંકિત લેખકોની લખવાની અનોખી આદતો: રોજ કેટલાં શબ્દો લખે?

-પ્રફુલ શાહ

ચાર્લી ચેપ્લિન, એચ. જી. વેલ્સ, જ્યોર્જ બર્નાર્ડ શૉ, (આગોતરી ચેતવણી. પ્રસિદ્ધિ પુરુષોત્તમ, વાંધા-પ્રેમી કે વિવાદ – પ્રિયોને કહેવાનું કે અહીં જે લખવું છે એ બાબતમાં ભારતીય અને ખાસ તો ગુજરાતી સર્જકો વિશે જાણકારી, માહિતી કે આંકડા ઉપલબ્ધ નથી. અહીં માત્ર ને માત્ર ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સર્જકોની વાત માંડવી છે. કૌંસ પુરો.)

અમુક કૃતિ, ખાસ તો નવલકથા, કવિતા કે નિબંધ દાયકાઓ – સદીઓ સુધી સમયની થપાટમાં ટકી જાય કાં વધુ નિખરી જાય છે. આવા સમયે એ અમર સર્જકોની સર્જન – પ્રક્રિયા વિશે જાણવું, સમજવું અને વિચારવું ગમે. એ કુતૂહલ ઉપજાવે અને ક્યારેક પ્રેરક બને. લેખકો – કવિઓ – નાટયકારની સમગ્ર સર્જન-પ્રક્રિયામાં ઊંડા ઉતરવા માટે તો ખૂબ સમય, સમજ અને લખવા સ્થળ જોઈએ જે શકય નથી. આજે આશ્ર્ચર્યજનક મુદ્દો હાથ ધરવો છે કે ખૂબ બધું લખનારા અને એની લોકપ્રિયતા લાંબો સમય ટકી રહે એ કેવી રીતે બનતું હશે? આ લેખક રોજ કેટલું લખતા હશે? બધાની ખબર ન પડે પણ અમુક વિશેની જાણકારી અચંબિત કરી મૂકનારી છે.

ધ ગ્રેટ જ્યોર્જ બર્નાર્ડ શૉ (26 જુલાઈ, 1856-2 નવેમ્બર, 1950)ની ઓળખ આપવાની ન હોય. ‘પિગ્મેલિયન’ (જેના પરથી ‘સંતુ રંગીલી’ બન્યું હતું) ‘સુપરમેન’ અને ‘સેંટ જોન્સ’ સહિત 80 નાટક લખનારા શૉ સાહેબ પોતાના સમયના ટોચના નાટયકાર હતા. આ ઉપરાંત તેઓ પ્રર્વતમાન સમય પર કટાક્ષ માટે જાણીતા હતા. 1925માં નોબેલ પ્રાઈઝ જીતનારા આ લેખક રોજ પાંચ -પાંચ પાનાં લખતાં હતા. પાંચમા પાનાનું છેલ્લું વાક્ય અધૂરું રહી જાય તો એ વાક્ય અધૂરું મૂકી દેતા હતા. સંજોગવશાત કોઈ દિવસ સાડા ચાર પાનાં લખાય તો એ બાકીનું અડધું પાનું આગલા દિવસના પાંચ પાનાં સાથે લખીને કવૉટાની સરેરાશ જાળવતા હતા.

એચ. જી. વેલ્સ (હબર્ટ જ્યોર્જ વેલ્સ, 21 સપ્ટેમ્બર, 1866-13 ઑગસ્ટ, 1946) ઘણાં પ્રકારનું સાહિત્ય લખતા હતા પણ સાયન્સ ફિકશનમાં ખૂબ માહેર અને લોકપ્રિય. ‘ફાધર ઑફ ધ સાયન્સ ફિક્શન’નું બિરૂદ જે મેળવનારા વેલ્સ સાહેબ રોજ સરેરાશ એક હજાર શબ્દો લખતા હતા. અમર ચાર્લી ચેપ્લિન (સર ચાર્લ્સ સ્પેન્સર ચેપ્લિન, 16 એપ્રિલ, 1889 – 25 ડિસેમ્બર, 1977)ની દિગ્દર્શક, અભિનેતા, લેખક અને કમ્પોઝર તરીકેની કારકિર્દી 75 વર્ષની રહી. ‘ટ્રમ્પ’નું હુલામણું નામ મેળવનારા સર ચાર્લી ચેપ્લિન રોજ સરેરાશ હજાર શબ્દોનું ડિક્ટેશન આપતા હતા. આમાંથી એમની ફિલ્મના સરેરાશ 300 શબ્દો મળતા હતા.

બ્રિટિશ કવિ, નવલકથાકાર અને નાટયકાર સર વિલિયમ જેરાલ્ડ ગોલ્ડિંગ (19 સપ્ટેમ્બર, 1911 – 19 જૂન, 1993) રોજ ત્રણ હજાર શબ્દ લખતા હતા. તેમને 1980માં બુકર અને 1983માં નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. વિલિયમ ગોલ્ડિંગની માફક નોર્મન મિલર અને આર્થર કાનન ડોયસ પણ રોજ ત્રણ હજાર શબ્દોનું અવતરણ કરતા હતા. મૂળ નામ નાચેમ માલેચ મિલર (31 જાન્યુઆરી, 1923 – 10 નવેમ્બર, 2007) નોર્મન કિંગ્સલે મિલરના નામે લખતા હતા, જાણીતા હતા. બીજા વિશ્ર્વ યુદ્ધ પછીના સાત દાયકામાં દરેક દશકામાં તેમણે એક – એક બેસ્ટ સેલર કૃતિ આપી હતી.

રોજ ત્રણ હજાર શબ્દો લખનારા સર આર્થર ઈગ્નાશિયલ કૉનન ડૉયલ (22મે, 1859- 7 જુલાઈ, 1930) સ્કોટિશ લેખક ઉપરાંત ડૉકટર હતા. લોકપ્રિય જાસૂસ શેરલૉક હૉમ્સને અમરતા બક્ષનારા ડૉયલે સાયન્સ ફિકશન, ઐતિહાસિક નવલકથા, નાટક, કાવ્ય અને પ્રેમકથા પણ લખ્યા હતા. પૉલ થોમસ માન (6 જૂન, 1875 – 12 ઑગસ્ટ, 1955) જર્મન નવકથાકાર. 1929માં સાહિત્ય માટેનું નોબેલ પ્રાઈઝ મેળવનારા પૉલ માન રોજ સરેરાશ 400 શબ્દ લખતા હતા. અમેરિકન લેખક થોમસ વુલ્ફ (3 ઑક્ટોબર, 1900 – 15 સપ્ટેમ્બર, 1938) પોતાના પહેલા જ પુસ્તક ‘લુક હોમવર્ડ’થી જાણીતા થઈ ગયા હતા. તેઓ રોજ 1800 શબ્દ લખાઈ ન જાય ત્યાં સુધી જંપતા નહોતા.

વિલિયમ સમરસેટ મોગમ (25 જાન્યુઆરી, 1874 – 16 ડિસેમ્બર, 1965) નાટક, નવલકથા અને ટૂંકી વાર્તા માટે જાણીતા હતા. સમરસેટ મૉગમ લખવાની આદત છૂટી ન જાય એટલે રોજ ઓછામાં ઓછા 400 શબ્દ લખવાની પ્રેક્ટિસ રાખતા હતા. સ્ટિફન એડવર્ડ કિંગ (જન્મ 21 સપ્ટેમ્બર, 1947) હૉરર નવલકથામાં બહુ મોટું નામ. આ અમેરિકન લેખક ગમે તે થાય પણ રોજ બે હજાર શબ્દ લખે જ. જેમ્સ જોયસ તરીકે લોકપ્રિય જેમ્સ ઑગસ્ટિન એલોસિયસ જોઈસ (2 ફેબ્રુઆરી, 1882 – 13 જાન્યુઆરી, 1941) નવલકથાકાર, કવિ અને વિવેચક હતા. ‘યુલિસિસ’ (1922) જેવી યાદગાર કૃતિ આપનાર, જેમ્સ જોયસે પોતાને શબ્દ, લીંટી કે પાનાની મર્યાદામાં બાંધ્યા નહોતા. તેઓ ગણીને વાક્ય લખે અને ખુશ થાય. એકવાર મિત્રે પૂછયું કે કેવો રહ્યો આજનો દિવસ? જેમ્સે ખુશખુશાલ ચહેરે જવાબ આપ્યો: ‘ખૂબ સુંદર, આનંદદાયક, આજે મેં પૂરાં ત્રણ વાક્ય લખ્યાં.’ આનાથી વિપરીત બ્રિટિશ લેખક એન્થની ટ્રોલોપ (24 એપ્રિલ, 1815 – છ ડિસેમ્બર, 1882) એક કાલ્પનિક પરગણા બારશેટ શાયર પરની રચનાઓ માટે જાણીતા હતા. તેઓ રોજ સવારે 5.30 વાગ્યે ઘડિયાળ લઈને બેસી જાય. તેઓ દર પંદર મિનિટમાં 250 શબ્દ લખવાના આગ્રહી હતા.

કલ્પના – શક્તિ, શબ્દ – ભંડોળ અને અભિવ્યક્તિના સથવારે એક નવા – અનોખા વિશ્ર્વને કાગળ પર ઉતારવું આસાન નથી, છતાં અશક્ય પણ નથી જ. સર્જનાત્મકતા સાથે શિસ્ત અને સાતત્ય હોય તો બહુધા એ થઈ શકે. આપ લખો છો ખરા? શી પેટર્ન છે તમારી? ન લખતા હોય તો મજા ખાતર કંઈ પણ લખવાનો પ્રયાસ કરજો. શરત એટલી કે ગંભીરતા અને શિસ્ત હોવી જોઈએ. સર વિલિયમ ગોલ્ડિંગ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button