આપો દૃષ્ટિમાં તેજ અનોખું તો સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી
બે શિવલિંગ ધરાવતું મંદિર સૃષ્ટિને શિવરૂપ નિહાળવા માટેનું જો કોઈ ઉત્તમ પર્વ હોય કે ઉત્તમ રાત્રિ હોય તો એ મહાશિવરાત્રી છે. શિવરાત્રીનું મહત્ત્વ દર્શાવતાં શાસ્ત્રો-પુરાણોએ કંઈક એવું કહ્યું છે કે, બ્રહ્માંડમાં પહેલું જે લિંગ પ્રગટ થયું હતું તે પ્રગટ સ્વરૂપમાં મહાદેવજીએ બ્રહ્માજીને અને વિષ્ણુ ભગવાનને જ્ઞાનોપદેશ કર્યો. બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનના શિવજી ગુરુ બન્યા. તેમનું એ શિવલિંગના રૂપમાં પ્રાગટ્ય એ મહાશિવરાત્રીના નામે પ્રસિદ્ધ થશે. મહાશિવરાત્રીના પાવન પ્રસંગને યાદ કરતાં ભુજ કચ્છના પ્રખ્યાત એવા શિવલિંગ મંદિરની વાત કરીએ જેનાં દર્શન ભારતભરમાં દુર્લભ છે. એક જ ગર્ભગૃહમાં બે શિવલિંગ હોય તેવું મંદિર ક્યાંય નથી અને બે ગર્ભગૃહ પરંતુ એક જ મંદિર પરિસરમાં બે શિવલિંગ હોય તેવું મંદિર પણ ક્યાંય દૃશ્યમાન નથી. કચ્છ આ વિશિષ્ટતાને સાચવીને બેઠેલો એકમાત્ર જિલ્લો છે. સદીઓ પુરાણા સ્વયંભૂ બિરાજમાન આ ભોળા શંભુનાં દર્શન લોકહિતકારી છે.
ભુજમાં કલેકટર ઑફિસ પાસે આવેલું દ્વિધામેશ્વર મંદિર પાંચસો વર્ષ જૂનું છે. બે પોઠિયા, બે કાચબા સમેત એક જ નિજમંદિરે બે લિંગનાં દર્શન સહુને સુખ પમાડનારાં છે. કચ્છનાં રજવાડાઓના સમયે ગાયો ચરાવવા જતા ત્યારે એક ગાય નિયમિત દૂધ રેડવા જતી આ સાક્ષીએ ત્યાં એક લિંગ પ્રગટ થયું અને ત્યારે જ રાજાના કારોબારીને સપનામાં ચેતના થઈ કે એ જ જગ્યાએ બીજું લિંગ પણ છે. આ અનુસ્થાને ખોદકામ કરતાં બીજું શિવલિંગ પણ મળી આવ્યું. આમ બે શિવલિંગનું ધામ પ્રખ્યાત બનતાં નામ પડ્યું, દ્વી + ધામ + ઈશ્વર એટલે કે દ્વિધામેશ્વર. વિશાળ પરિસર, ફૂલઝાડ, કૂવા અને નાગાબાવાની ચેતનવંતી સમાધિ સાથે વાઘેશ્વરી માતાજીનું મંદિર પણ પરિસરમાં આવેલું છે. હરેશગીરી ગોસ્વામી હાલમાં આ મંદિરની સેવાપૂજા કરે છે.
આ સિવાય કચ્છી ભાષાના વૈયાકરણી કવિ શ્રી પ્રતાપરાય ત્રિવેદીજી પાસેથી મોરજો મલાર, કાવ્ય કલાપ, કલાધર કૃષ્ણ જેવા ત્રણ કાવ્યસંગ્રહ પ્રાપ્ત થયા છે જે કચ્છી સાહિત્યનો ખજાનો છે. તેમની ઘણી કાવ્યરચનાઓમાં ઈશ્વર અને અધ્યાત્મિકતાનાં અગાઢ દર્શન થાય છે. માનવીય પ્રેમ, પ્રકૃતિ, ઈશ્વર સંબંધિત ધાર્મિક અધ્યયન, જીવનઝરમર રજૂ કરતી વિવિધ કવિતાઓ પૈકી એક કવિતા ‘શિવ સ્રોત’ દેવોના દેવ મહાદેવ પર પણ લખાઈ છે. જેની સુંદર એક બે પંકિતઓ આપણે માણીએ,
રુસેં રુદ્ર કેનું જલાજે નં જેણા, ત્રુસે જે ત્રિશૂલી કુરો રંગ ગેણા, ભલારો ઘ઼ડી મેં ભને ભી઼ડહરી, પ્રભો! ચંદ્રચૂડામણિ! શ્રી પુરારિ
જડે ડૈત પી઼ડ ડીમેં દેવતા કે, સતી નેં જતી, ઘેનુકે નેં ધરા કે, ડિના ડુસ્ટ ડૂતા સમૂરા સમારી, પ્રભો! ચંદ્રચૂડામણિ! શ્રી પુરારિ…
આ સિવાય કચ્છી સંગર ‘માનસરોવરજી સવાર’માં પ્રવાસ વર્ણન સાથે શિવનો મહિમા રજૂ કરે છે. ગુજરાતી ભાષામાં આવી કૃતિઓ મળવી દુર્લભ છે. ત્યારે મને વિચાર થયો કે ગુજરાતી ભાષમાં પણ આવી કૃતિઓ મળવી દુર્લભ હોય તો કચ્છી ભાષામાં તો કયાંથી જ હોય! પરંતુ સ્વ. પ્રતાપરાયજીને કદાચ મહાદેવ શંભુના જ આશીર્વાદ રહ્યા હશે એવું માની શકીએ. મહાશિવરાત્રીના પાવન પ્રસંગને યાદ કરતાં ભોળા શંભુના સૌને આશીર્વાદ પ્રાપ્ત હો!