ઉત્સવ

એક્ટિવ અને પેસિવ આવકના ભેદને સમજો

જિંદગી ના મિલેગી દોબારા યોગ્ય ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરશો તો જીવનને ખરાં સમયે માણી શકશો!

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

શું તમારે વહેલી નિવૃત્તિ લેવી છે? શું તમારી નોકરીમાં ઊંચા પગાર છે અથવા બિઝનેસમાં અઢળક આવક છે? પરંતુ તમને એમ થયા કરે છે કે તમારી પાસે સંપત્તિ અને સુવિધા ખૂબ છે, કિંતુ જીવનમાં આનંદ-મોજ-મસ્તી, ટ્રાવેલિંગ સહિત પોતાના શોખ-પેશન પૂર્ણ કરવા માટે સમય જ નથી, પછી કરીશું, એવું વિચારીને તમે સમય આગળ ધકેલી રહયા છો, છેવટે તમે નિવૃત્તિની વયે આવી જાવ છો ત્યારે પણ તમને થાય છે કે હવે રિટાયરમેન્ટ માટે નાણાં બચાવવા છે, તેથી હજી થોડો સમય કામ કરી લઈએ. આમ કરતા-કરતા જીવન વૃદ્ધાવસ્થાના એવા મુકામ પર પહોંચી જાય છે, જયાં સમય છે, પણ સ્વાસ્થ્ય સાથ આપે એમ નથી, એ પછી રંજ રહ્યા કરે છે, કાશ, મેં એ બધાં આનંદના કામ પહેલાં કરી લીધા હોત. કોઈ લૌટા દે મેરે બિતે હુએ દિન જેવા ગીત અથવા જિંદગી ના મિલેગી દોબારા જેવી ફિલ્મ યાદ આવતી રહે છે.

આ એક સામાન્ય માનવીની જીવન કથા છે, તમારે આવી કથાના પાત્ર ન બનવું હોય તો વિકલ્પો છે, જે માટે તમારે મકકમ બનવું પડે, યુવાનીમાં સખત મહેનત કરી નાણાં કમાવા જોઈએ, તેને બચાવીને સિસ્ટેમેટિક પ્લાનિંગ સાથે ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તમારી આ માર્ગે આવકનો પ્રવાહ એટલો મજબુત થતો જોવો જોઈએ કે તમને થાય, બસ, હવે મારે પૈસા માટે કામ કરવું નથી, હવે આ મારા પૈસા મારી માટે કામ કરશે.

આના ઉપાય છે. આ માટે તમારે ફાયર ઈન્વેસ્ટર બનવું જોઈશે. ફાયર ઈન્વેસ્ટર એટલે કોણ? કઈ રીતે બની શકાય? શા માટે બનવું જોઈએ? ફાયર ઈન્વેસ્ટર બનવાથી જીવનમાં શું ફરક પડે? વગેરે સવાલોના જવાબ જાણવા રસપ્રદ અને પ્રેરક પણ છે. આવા ઈન્વેસ્ટર્સની સંખ્યા આપણા દેશમાં વધે તેવા સમય-સંજોગ આકાર પામી રહ્યા છે, તમને પણ ફાયર ઈન્વેસ્ટર બનવાનું મન થઈ શકે. અલબત્ત, આમ બનવું સરળ નથી, તેમ છતાં લોકોની જીવન જીવવાની યા લાઈફ સ્ટાઈલમાં અથવા માનસિકતામાં જબરદસ્ત બદલાવ આવશે એ પછી આ ફાયર ઈન્વેસ્ટર બનવાનું પ્રમાણ વધશે એવું કહી શકાય. બાકી આની શરૂઆત થઈ ચુકી છે. બાય ધ વે, આપણે સૌપ્રથમ ફાયર ઈન્વેસ્ટર શું છે એ સમજીએ.

આર્થિક સ્વનિર્ભરતા આવશ્યક
ફાયર ઈન્વેસ્ટરનો અર્થ છે, ફાઈનાન્સિયલ ઈન્ડિપેન્ડન્સ એન્ડ રિટાયર અર્લી ( FIRE- FINANCIAL INDEPENDENCE AND RETIRE EARLY). આમ તો આપણે ત્યાં અમુક અંશે વહેલી નિવૃત્તિનો ટ્રેન્ડ ચાલે છે, પણ પ્રમાણ ઓછું છે, જયારે કે સ્વૈચ્છિક નિવૃત્તિ તો મોટેપાયે પરાણે યા મન મરજીથી ચાલે છે, પરંતુ આ નિવૃત્તિ બાદ લગભગ મોટાભાગના લોકો કંઈને કંઈ કામકાજ કરતા જ હોય છે અથવા હાલાતને કારણે કરવું પડે છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગની પસંદગી જ એ માટે થાય છે કે માણસ પોતાના નિવૃત્ત જીવનમાં મરજીનું જીવન જીવી શકે યા કમ્ફર્ટ લાઈફ જીવી શકે એટલું ધન કમાઈને યોગ્ય સાધનોમાં રોકી રાખવું, જયાંથી જીવનની રોજબરોજની અને/અથવા જીવનને માણવાની આવક નિયમિત મળતી રહે. સાદી ભાષામાં કહીએ તો લોકો ફરજિયાત નિવૃત્તિ માટે બૅંક એફડીમાં, પેન્શન ફંડમાં, વગેરેમાં નાણાં મૂકી રાખે છે, અમુક વર્ગને નોકરી બાદ પેન્શન મળતું હોય છે, જયારે કે ખાનગી પેન્શન ફંડ આપણા નાણાંનું એ રીતે રોકાણ કરી સાચવે છે કે તેમાંથી આપણને ચોક્કસ રકમ જીવનધોરણ માટે નિયમિત મળતી રહે.

નવી પેઢીના નોખાં લોકો
કોવિડના કારમા કાળ બાદ લોકોમાં જીવન પ્રત્યેનો અભિગમ બદલાઈ રહ્યો છે. લોકોને જીવનની ફરજ-કર્તવ્ય સાથે મોજમજા પણ કરવી છે, પછી કરીશુંના નાદમાં રહી જવું નથી, આજની પેઢી કલ કિસને દેખા હૈ? ના સવાલ લઈ પોતીકા આનંદને માણવા-જીવવા માગે છે. ફાઈનાન્સિયલ સાધનોમાં વેરાયટી સાથે ફાઈનાન્સિયલ લિટરસી (આર્થિક સાક્ષરતા) પણ વધતી જાય છે. લોકો ફિઝિકલ રોકાણ સાધનો ઉપરાંત યા તેને છોડીને નવા રોકાણ સાધનોમાં નાણાં મૂકતા થયા છે. જોકે આ સાધનો કાયમ લાંબા ગાળાના રહેશે એ યાદ રાખવું. અહીં કેટલાંક વાસ્તવિક ફાયર ઈન્વેસ્ટરના કિસ્સાની ઝલક જોઈએ. જયપુરના ૩૯ વરસના યુવાન, પુણેના ૪૫ની ઉંમરના મધ્ય વયના, દિલ્હીના વનમાં પહોંચી ગયેલા માણસને, પુણેના ૪૭ની મધ્ય વયના ફાયર ઈન્વેસ્ટર બનવાનું પસંદ કર્યું. આવા તો ઘણાં છે યા હોઈ શકે, બધાં જ તેની જાહેરાત કરતા નથી. આ બધાંને પોતાની મરજી મુજબ જીવવું છે, તેમણે પોતાના શોખ પ્રમાણે નિવૃત્તિના વયની રાહ જોવાને બદલે પોતાને યોગ્ય લાગ્યું ત્યારથી જીવન માણવાનું શરૂ કર્યું. આ લોકો કહે છે, ફાયર ઈન્વેસ્ટર બનતી વખતે તમારી પાસે રિટાયરમેન્ટ પછી શું કરશો તેનું સ્પષ્ટ લક્ષ્ય હોવું જોઈએ, તમારા લાઈફ પાર્ટનર સાથે વિચારધારા મેળ ખાતી હોવી જોઈએ. તમારી સંતોષની રેખા અને ઈચ્છાઓની રેખા પણ સમાન હોવી જોઈએ. રિટાયરમેન્ટ બાદ સમય કયાં વાપરશું એ જેમને ક્લિયર ન હોય તેમને ફાયર ઈન્વેસ્ટર બનવાનું પગલું દઝાડી
શકે છે.

પરિવારની જવાબદારી પ્લાનિંગ
આ દરેક વ્યક્તિ પોતાને મહિને ઘરખર્ચ કે જીવનધોરણ માટે કેટલાં નાણાં જોઈએ એનો અંદાજ લગાવીને આગળ વધે તે પહેલાં તેણે પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારી માટે જોગવાઈ કરી લેવાની રહે છે. આને ફાઈનાન્સિયલ પ્લાનિંગ કહી શકાય, જેના હેઠળ વ્યક્તિએ જીવન વીમો, મેડિકલેઈમ-હેલ્થ ઈન્સ્યોરન્સ, મિનિમમ કેશ-પ્રવાહિતા, ઈમરજન્સી ફંડ, વિવિધ અન્ય જીવનલક્ષી વ્યવહારોની જોગવાઈનું ભંડોળ બાજુએ રાખી મૂકવાનું આવે છે. સમયાંતરે સતત વધતી મોંઘવારી કે બદલાતી લાઈફ સ્ટાઈલ સાથે ખર્ચ વધતા રહે છે ત્યારે પોતાની નિયમિત આવક બંધ થઈ જશે તો તેને રોકાણની આવકમાંથી ઉપજતા વળતરમાંથી ચાલી જશે એવો વિશ્ર્વાસ બેસવો જોઈએ, તેણે ભાવિ અનિશ્ર્ચિંતતાને પણ ધ્યાનમાં રાખવી પડે છે. પોતે ૮૦-૮૫ વરસ જીવશે એવું માનીને કે એવો અંદાજ મૂકીને ચાલવું પડે. બાકી કોણ કયારે વિદાય લઈ લેશે એ તો કોઈ જાણતું હોતું નથી.

ફાયર ઈન્વેસ્ટર બનવાનો અર્થ સમજો
ફાઈનાન્સિયલ ક્ધસલટન્ટ કહે છે કે, ફાયર ઈન્વેસ્ટરનો અર્થ એ નહીં કરતા કે તેમને કામ જ કરવું નથી, તેમને બસ બેસીને જલસા જ કરવા છે. એક સીધો-સરળ અર્થ કરીએ તો આ એવા લોકો છે જેઓ યુવા-મધ્ય વયે ખૂબ મહેનત કરીને-યોગ્ય આયોજન સાથે રોકાણ કરીને નાણાંનું એવું મોટું ભંડોળ ઊભું કરી લેવા માગે છે કે પછી તેઓ રોજબરોજના ટિપિકલ બિઝનેસ કે નોકરીના કામકાજથી મુકત થઈ પોતાના શોખ-પેશનનું જીવન જીવી શકે. બીજા શબ્દોમાં કહીએ તો તેમની સક્રિય-એક્ટિવ આવક ઘટી જાય અથવા રહે જ નહી, કિંતુ નિષ્ક્રિય-પેસિવ આવકનો પ્રવાહ વધે અને નિયમિત આવતો રહે. જે તેમના ઈન્વેસ્ટમેન્ટમાંથી આવતો હોય, જેમ કહેવાય છે ને કે તમે પૈસા માટે કામ કરો એ કરતા પૈસા તમારે માટે કામ કરે. મૂળ મુંબઈના હાલ દુબઈસ્થિત ફાઈનાન્સિયલ ક્ધસલટન્ટ ઉમેરે છે કે, ફાયર ઈન્વેસ્ટર બનવાની દિશામાં આગળ વધતી વખતે તમારી ઉંમર, સ્વાસ્થ્ય, પરિવારના સભ્યોની સંખ્યા-જવાબદારી, તબીબી ખર્ચ, વગેરે જેવા પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. આ કામ દરેક વ્યક્તિ માટે સંભવ નથી. આ બાબત વ્યક્તિ-વ્યક્તિએ જુદી-જુદી હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button