કેન્વાસ: ઉનાળાની ગરમીનો રંગ કેવો હોય છે?

-અભિમન્યુ મોદી
વર્ષો પહેલાં: ડિસ્કવરી ચેનલ પર ‘એક્સિડન્ટલ સર્વાઇવલ’ નામની સાચી ઘટનાઓની સિરિયલમાં એક એપિસોડ જોયેલો હતો.
ચાલીસ વર્ષ પહેલાં એક ફેમિલી દરિયાની વચ્ચોવચ્ચ ફસાઈ ગયેલું. બનતા સુધી પ્લેનનો એક્સિડન્ટ થયેલો અને દરિયામાં સીધા ખાબક્યા. ચાર માણસ હતા. ચારેય પાસે લાઇફ જેકેટ હતું … ચાર આખા દિવસ અને ચાર રાત સુધી એ દરિયામાં નિ:સહાય તરતા રહ્યા. પછી ચોથા દિવસે પાણીની ખૂબ છાલકો ઉડાડતા એક હેલિકોપ્ટરનું ધ્યાન ગયું અને બધાને રેસ્ક્યુ કર્યા, પણ એ ચાર દિવસ દરમિયાન બપોરે એ ચારેયને બહુ તડકો લાગતો. સૂરજ ધણ ધણ જેવા કિરણોનો જાણે માથા પર વાર કરતો હોય એવું લાગતું.
આખું શરીર પાણીમાં હોય પણ માથું તો હવામાં હોય ને. સૂરજના સીધા કિરણોની ગરમીથી બચવા કરવું શું? એ ચારેયને લગભગ એક સમયે એકસરખો વિચાર આવ્યો. ચારેયે પોતાના અન્ડર પેન્ટ્સ કાઢ્યા અને એ ભીના કરીને માથે રાખવાનું શરૂ કર્યું. જીવ બચાવવા માટે અને ટકી રહેવા જોગ એ કુટુંબીજનો માટે અનાવૃત થવું આવશ્યક જ નહીં અનિવાર્ય હતું.
ઉનાળો બે-નકાબ કરવા માટે આવે છે. ગરમી નગ્નતાની પ્રેરક છે. લૂનો વાયરો મોહરા હટાવે છે. શિયાળામાં એક પછી એક લેયર શરીર ઉપર ચડાવ્યા હોય એ બધા સ્તરોને ઉનાળો બેરહમીથી કાઢે છે. ઉનાળો મૌલિકતામાં માને છે. ઉનાળાને જેવું છે તેવું જ જોવામાં અને એ જ બતાવવામાં રસ છે. શિયાળાની ઠંડી પાસે ગુલાબી રંગ છે. ચોમાસાના ઘનઘોર આકાશ પાસે કાજળઘેરો રંગ છે. ઉનાળા પાસે કોઈ રંગ નથી.
આ પણ વાંચો: કેન્વાસ: દેશના મુખ્ય સાંસ્કૃતિક, સાહિત્યિક પ્રવાહથી અલિપ્ત રહી જવા છતાં…
ઉનાળો માણસના અસલી રંગ ઉજાગર કરે છે. માંહ્યલામાં પડેલા રંગોને સપાટી ઉપર લાવે છે. શિયાળાનો પોતાનો ધ્વનિ છે. શિયાળાની વહેલી સવારનો, શિયાળાની રાતનો અવાજ. શિયાળામાં સાઉન્ડ વધુ મોટેથી સંભળાતો હોય છે. ચોમાસાં પાસે તો ધબધબાટી અને ઘરઘરાટી અને તડાફડી છે. ચોમાસું થોડું વધુ ડ્રામેટિક છે.
ઉનાળો સાઉન્ડ સિસ્ટમ વિનાનો છે. એ પોતાનું સ્પીકર સાથે લઈને ફરતો નથી. ગ્રીષ્મની મોસમને એમ્પ્લીફાયરની જરૂર નથી. ઉનાળાની બપોરે લીમડા નીચે બેસવાનો હવેની પેઢીને અનુભવ નથી. બાકી ખરા બપોરે આખું જગત શાંત થઈ જતું હોય છે. હવે તો એર કન્ડિશનરના કોમ્પ્રેસરના ઘોંઘાટમાં અને પંખાના પાંખીયાની રિધમમાં ઉનાળાનો સૂનકાર સંભળાતો હોતો નથી.
આંબા ડાળે બેસીને કોયલ ગરમીની મોસમને વિનવી વિનવીને કંઈક બોલાવવાની કોશિશ કરતી હોય છે. પણ કોકિલના કંઠની અસર એ ડાળીના ફળથી વધુ દૂર પહોંચતી નથી. કવિઓએ કોયલ ઉપર લખવાનું બંધ કરી નાખ્યું છે, કારણ કે કવિતા વાંચનારાઓએ કાન દઈને કોયલનો કિલ્લોલ સાંભળ્યો હોય એને દાયકો થઈ ગયો છે.
આ પણ વાંચો: કેન્વાસ : સુગંધનો પરપોટો વેચવા કામોત્તેજનાનો ધોધ વાપરવાનો?
માણસનો અસલી રંગ ધગધગતા વાતાવરણમાં જ બહાર આવે. કોઈ માણસની અસલિયત જાણવી હોય તો એ માણસ ભૂખ્યો હોય કે એને અત્યંત ગુસ્સો આવતો હોય ત્યારે એનું વર્તન અને વાણી ચકાસવા જોઈએ એવું મનોવિજ્ઞાન કહે છે.
ભૂખ માણસને રાક્ષસ પણ બનાવી શકે છે. વાસનાના ભૂખ્યા માણસોમાં આસુરી શક્તિ આવી જતી હોય છે ને ભાભીનું ચીરહરણ કરવાની કુમતિ સુઝાડતી હોય છે. એવું જ ગરમીનું છે. ગરમી પાસે એ તાકાત છે કે મગજનું અસંતુલન પ્રેરી શકે. ગરમી અને ગુસ્સાની રાશી અમથી જ એક નથી. મગજ ગરમ, ખેલ ખતમ. ઉનાળો બધાને એકસમાન ગરમી આપીને એકસાથે પરીક્ષા લઈ લે છે.
માણસના મનુષ્યત્વની સામૂહિક કસોટી આ મોસમમાં થઈ જતી હોય છે. ચાર રસ્તે સિગ્નલ તોડવાના બનાવો કે મારામારી-ઝઘડા આ સીઝનમાં વધે એ એકમાત્ર પરિણામ નથી. ગરમીના દિવસો તો દરેક માણસની માનવતાને કસોટીની એરણ પર ચડાવીને તેનો જીવનપથ નક્કી કરી નાખતી હોય છે. ગુસ્સો આવવાથી મોટો ગુનો હોય છે દૂર જવું, નિકટતાનો અભાવ સર્જાવો. શિયાળો ઘનિષ્ઠતા પ્રેરે છે.
માણસ સ્વાર્થી છે. ઠંડીમાં નજીક આવવું ગમે પણ ઉનાળો એકલતાનો સાક્ષી બની રહે છે. એકમેકના તનથી અને પછી મનથી દૂર જવું એ ઉનાળાનું વધુ ક્રૂર પરિણામ છે. એપ્રિલ-મે-જૂન માણસના દિલની હારની ટકાવારી કાઢતા મહિનાઓ છે. આ ત્રણેક મહિનાના કેલેન્ડરનાં પાનાં ઉથલાતાં સૌથી વધુ વાર લાગતી હોય છે. ઉપર બેઠેલો સૂરજ દાદો દોરાવાર નજીક શું આવ્યો કે માણસનો દિવસ ખેંચાઈ જાય છે!?
આ પણ વાંચો: કેન્વાસ: ‘ઓસ્કાર’ જેવો એવોર્ડ પણ જરૂરી છે ખરો?
માણસનો દિવસ જ નહીં, પણ સમય ખેંચાઈ જતો હોય છે. ઉનાળો માણસને તાલીમ આપે છે – મૂંઝવણનો સમય પસાર કઈ રીતે કરવો? સમસ્યામાં સલવાઈને રહેવું અને સમાધાનની તૈયારી કરવી – આ ગરમીની માણસને મળતી ટ્રેનિંગ છે.
આજથી બસ્સો-ત્રણસો વર્ષ પહેલાં ગરમીમાં રાહત આપતું એક પણ યાંત્રિક સાધન ન હતું. દર બીજા ઘરે વાતાનુકૂલનની વ્યવસ્થા તો છેલ્લા વીસ વર્ષથી થઈ. એની પહેલા પણ લોકો રહેતા હતા અને આવી જ ગરમીની સમસ્યાનો સામનો કરતા હતા.
હજારો વર્ષથી ગરમીમાં શેકાઈને અહીં સુધી પહોંચેલી માનવજાતે અજાયબીઓ ઊભી કરી છે, આ મહાન દુનિયા બનાવી છે. સૃષ્ટિનો જાણે સંકલ્પ રહ્યો છે કે સમાધાન પહેલા આપવું પછી જ સમસ્યાને ઇન્ટ્રોડ્યુસ કરવી. સમાધાનના અવતરણ પછી સમસ્યાનો જન્મ થવો એ કુદરતની પરંપરા રહી છે.
ઉનાળો આ શીખવે છે, આ સિદ્ધાંતની અનુભૂતિ કરાવે છે. કઠિન સમયમાં ટકી જતા અને આગળ વધતા રહેવાની શિક્ષા આપે છે. ગરમીમાં થતો પરસેવો એ ચરબીનું ઓગળવું જ નથી, એ માણસ નામના નાચીઝનો બચ્યો કૂચ્યો અહમ્, અહંકાર કે અભિમાનને ઓગાળે છે.
આ પણ વાંચો: કેન્વાસ : બુદ્ધિ સીમિત ને મૂર્ખતા અંતહીન!
ગરમીમાં પરસેવો થવો એ ખૂબ આહલાદક અનુભવ છે. ગળામાં તરસ અને ચામડીમાં ભીનાશ-કુદરતની આ વિરોધાભાસી કરામત ગ્રીષ્મનું કાવ્ય છે, એ પણ છંદમાં. એક નાટકનો ડાયલોગ સાંભળ્યો હતો-‘તરસ્યાની તરસ ન છીપાવી શકો તો કઈ નહીં, એની નજર સામેથી ઝાંઝવા તો ન હટાવો’.
મૃગજળ તો ભ્રમ છે. અમુક ભ્રમને જોવાની પણ મજા આવતી હોય છે. બસ ભ્રમને તાકી રહેવાની આદત ન પડવી જોઈએ, નહીંતર એવા દાઝી જવાય કે રાગ મલ્હાર પણ ટાઢા ન પાડી શકે.
હાંફવું, શ્વાસ ચડવો, પરસેવો થવો, શ્વાસોશ્વાસ સંભળાવા, કપડાં ચોટી જવા, કંઈક અજીબોગરીબ લાગણીઓ થવી-આ લક્ષણો બહુ રોમેન્ટિક છે. આ વર્ષનો ડિક્શનરી વર્ડ ઓફ ધ યર છે ‘ગિગિલ’. ગિગિલ એટલે પ્રેમની પરાકાષ્ઠાએ આવતી તીવ્ર લાગણી. નાના ક્યૂટ બાળકને જોઈને વહાલથી બટકું ભરવાની લાગણી માટેનો શબ્દ ગિગિલ છે.
સૂરજને દર વર્ષે થોડો સમય માટે ધરતી માટે આવો ઇન્ટેન્સ પ્રેમ ઊભરાઈ જાય છે. પ્રેમીને આગોશમાં લઈને એમાં ઓગળી જવાનું મન થાય. પ્રિયજનનો પરસેવો ઉત્તમ અત્તર જ નહીં પણ શ્રેષ્ઠ ફેરોમોન પણ છે. સૂરજને ધરતીના આ પ્રેમ પ્રકરણમાં પીસાવાનું આપણે આવે છે, હે ને? ભડભડતી લૂ તો સીડકશન છે.
આ પણ વાંચો: કેન્વાસ : બોલિવૂડને હવે કોણ બચાવી શકે?
જે તનથી જ નહીં મન મનથી પણ અનાવૃત કરે છે. જન્મ્યા ત્યારે તદ્દન નગ્ન હતા. પછી તો શરીર ઉપર કપડાં ચડતાં ગયાં, ક્ષણવાર માટે ઊતરતાં ગયાં અને ફરીફરીને કપડાં ચડતાં ગયાં. આ જાહોજલાલી મન પાસે નથી.
જન્મતી વખતે જ મન અનાવૃત હતું. પછી તો પહેલા રુદન સાથે ને પ્રથમ હાસ્ય સાથે આજીવન એક પછી એક કપડાં ચડતાં જ ગયાં, ચડતાં જ ગયાં. સાલુ, મન આજીવન નગ્ન નથી થઈ શકતું. અને જો, ભૂલેચૂકે પણ, ચમત્કાર થાય તો, રેરેસ્ટ ઑફ ધ રેર ઇવેન્ટમાં, આ ભવમાં કોઈ એક બીજા ધડકતા હૃદય સામે મન સાવ અનાવૃત થઈ જાય તો એ ઘટના કેટલી અજોડ હશે? મનને ઉઘાડું કરવા માટે જોઈતી હૂંફની ઉષ્માની ગુણવત્તા કેવી દૈવી કક્ષાની હશે? અને આવો અનુભવ આ દુનિયાના કેટલા જૂજ ભાગ્યશાળીઓને થયો હશે?