UGC : લોકો દ્વારા… બ્રાન્ડ માટે
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી
ગયા અઠવાડિયે મારા દીકરાએ નામી બ્રાન્ડના ૪-૫ જોડી શૂઝ ખરીદ્યા. ઘરે આવી બધાને લાઈનમાં ગોઠવી ફોટો લીધો અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો અને લખ્યું; બેબીસ હેવ અરાઈવ્ડ. મેં પૂછ્યું : કેમ બેબીસ ? તો કહે : તે એક સ્લેન્ગ અર્થાત્ શબ્દ છે આવા પ્રોડક્ટને બતાવવા માટે…
બીજો કિસ્સો બન્યો મારા એક ક્લાઈન્ટ સાથે, જેમની બેબી મસાજ ઓઇલ અને ટીનેજ બાથ ક્લીન્ઝરની બ્રાન્ડ્સ છે. એમનું ઇન્સ્ટા પેજ ફોલો કરતી, જે હાલમાં માતા બની છે એણે રિક્વેસ્ટ મોકલી કે હું તમારી બેબી મસાજ ઓઈલની બ્રાન્ડ ખરીદી તેનો વીડિયો મારા બાળક સાથે બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીશ જો તમને મંજૂર હોય તો…. ક્લાઈન્ટ આવી રિક્વેસ્ટને કઇ રીતે ના પાડી શકે ? પેલી યંગ મમ્માએ સરસ મજાનો વીડિયો બનાવી પોસ્ટ કર્યો.
ઘણીવાર આપણા પરિવારમાં કે પાડોશમાં જોતા હશું કે કોઈ નવું પ્રોડક્ટ ખરીદે તો તેનું અનબોક્સિગં અર્થાત્ બોક્સમાંથી પ્રોડક્ટ જાણે કાંદાના પળ ખોલતા હોઈએ તેમ ખોલી સાથે તેની કોમેન્ટ્રી આપી વીડિયો શૂટ કરતા હોય છે. આ વીડિયો ત્યારબાદ પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કરી લોકોને આની જાણ કરે.
આ બે વાત આજે અહીં કરવાનું કારણ એ કે આપણો આજનો વિષય છે. UGC (યુઝર જનરેટેડ ક્ધટેન્ટ) અર્થાત્ તે લોકો જે તમારા ગ્રાહકો છે અથવા તમારી બ્રાન્ડને ચાહવાવાળો વર્ગ છે, જેમના દ્વારા તમારા બ્રાન્ડ માટે બનતી ક્ધટેન્ટ… UGC એ વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવે છે – નહિ કે બ્રાન્ડ દ્વારા. UGC સોશિયલ મીડિયા અપડેટ્સ, સમીક્ષાઓ, બ્લોગ પોસ્ટ્સ, વીડિયોઝ અને પોડકાસ્ટ સહિત ઘણા સ્વરૂપોમાં આવે છે. તે ગ્રાહકો દ્વારા અનબોક્સિગં વીડિયો, Q-A જેવા પ્લેટફોર્મ એટલે કે પ્રશ્ર્ન અને જવાબ ફોરમ અથવા ફોટાઓ દ્વારા પણ શેર કરી શકાય છે, જે એમની ખરીદી દર્શાવે છે.
હવે પ્રશ્ર્ન થશે : આજના સમયમાં UGCની આવશ્યકતા અને એનું મહત્ત્વ શું છે?
સૌથી મોટી વાત તે છે કે આ ક્ધટેન્ટ ઉપભોક્તા દ્વારા બનાવવામાં આવે છે અર્થાત્ તે ત્રીજી વ્યક્તિ કે પક્ષ તરફથી આવે છે. UGCનું ક્ધટેન્ટ બ્રાન્ડ દ્વારા બનાવવામાં આવતી એડ કે ક્ધટેન્ટ કરતાં વધુ અધિકૃત અને વધુ અનુભવ આધારિત છે, કારણ કે તેમાં કોઈ ફેબ્રિકેશન, ન જોઈતો શણગાર અથવા ફોટોશોપ સામેલ નથી. તેના બદલે, તે વર્ડ-ઑફ- માઉથ જાહેરાતના આધુનિક સ્વરૂપ તરીકે કાર્ય કરે છે, જેણે હંમેશાં ગ્રાહક ખરીદીના નિર્ણયોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ગ્રાહકની ખરીદી મુસાફરીના તમામ તબક્કામાં UGC નિર્ણાયક ભૂમિકા ભજવે છે, કારણ કે તે કસ્ટમર એંગેજમેન્ટ અને વેચાણને વધારવામાં મદદ કરે છે, પછી ભલે તે પેઇડ અથવા ઓર્ગેનિક પ્રયત્નો દ્વારા હોય.
સૌથી મોટો ફાયદો એટલે તમને આના દ્વારા ઑથેન્ટિસિટી મળે છે. આજકાલ, બ્રાન્ડ્સ માટે સ્પર્ધા ઘણી છે, ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા હંમેશાં નવા આઈડિયા સાથે તૈયાર રહેવું પડે છે. જો તમે સતત ઓનલાઈન નથી દેખાતા તો લોકો તમને અવગણવાનું શરૂ કરશે. આવા સમયે ત્રીજી વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલું ક્ધટેન્ટ વધુ ઑથેન્ટિક ગણાશે, તમારા ગ્રાહકો તરફથી UGC કરતાં અન્ય કોઈ ક્ધટેન્ટ વધુ અધિકૃત નથી. લોકો એવી બ્રાન્ડ પર વધુ વિશ્ર્વાસ કરે છે કે જેનું ક્ધટેન્ટ સામાન્ય ગ્રાહકો દ્વારા બનાવેલ હોય અને આ બ્રાન્ડને અર્થાત્ UGCને શેર કરશે અને નહિ કે કોઈપણ બીજા ઈનફ્લુએન્સર દ્વારા પ્રમોટ કરાયેલ ઉત્પાદન પર ઉપરાંત આના કારણે ખરીદવાની સંભાવના પણ વધે છે.
બીજો ફાયદો બ્રાન્ડ લોયલટી અર્થાત્ બ્રાન્ડ પર વફાદારી વધે છે. લોકોને પોતે બ્રાન્ડનો હિસ્સો છે તેમ લાગે છે, કારણ એમણે બનાવેલું ક્ધટેન્ટ બ્રાન્ડ ઉપયોગમાં લે છે. આનાથી બ્રાન્ડ તરફ વફાદારી અને આકર્ષણ સહજતાથી વધે છે. બ્રાન્ડ લોકો સાથે ઈન્ટરેક્શન કરે છે અને એની સાથે થતી વાતચીતને પ્રતિસાદ સાંપડતા ગ્રાહક પોતાને તે સમુદાયનો ગણી એના નિર્માણ- વિકાસમાં મદદ કરે છે.
બીજા ફાયદાઓનો વિચાર કરીયે તો તે એક પ્રકારનો સામાજિક પુરાવો છે, જે લોકો દ્વારા કહેવામાં આવે છે અને નહિ કે બ્રાન્ડ દ્વારા. આજે જયારે ગ્રાહક ઓનલાઇન ખરીદીના અંતિમ તબક્કામાં હોય છે, જ્યાં તમે તમારા પ્રેક્ષકોને ક્ધવર્ટ કરવા અને ખરીદી કરવા માટે પ્રભાવિત કરવા માગો છો આવા સમયે UGC અધિકૃત સામાજિક પુરાવા તરીકે કાર્ય કરે છે કે તમારું ઉત્પાદન ખરીદવા લાયક છે.
ઉદાહરણ તરીકે, તમારા પ્રેક્ષકો તમારી પ્રોડક્ટ પહેરે છે અથવા તેનો ઉપયોગ કરે છે તેવા જ લોકોને જુએ છે, જે તેમને ખરીદવાનું નક્કી કરવા માટે પ્રભાવિત કરે છે.
UGC એ તમારી ક્ધટેન્ટમાં વૈવિધ્ય લાવવાની એક કોસ્ટ ઇફેકટીવ- ઓછી ખર્ચાળ રીત છે. તમે જયારે એડ બનાવો છો, ઇન્ફ્લ્યુએન્સરને રોકો છો ત્યારે તેનો ખર્ચ થાય છે, પણ અહીં તમને લગભગ મફતમાં ક્ધટેન્ટ મળી જાય છે. UGC તમને તમારા વ્યવસાયમાં સૌથી મહત્ત્વપૂર્ણ લોકો સાથે જોડાવા માટે પરવાનગી આપે છે. મોટાભાગના લોકો તમારી ચેનલ પર પોતાને જોવા માટે ઉત્સાહિત થશે. નાની બ્રાન્ડ્સ માટે અથવા માત્ર શરૂઆત કરનાર માટે, UGC ઘણી વખત સસ્તી અને મેનેજ કરવા માટે સરળ હોય છે.
ઘણીવાર લોકો ક્ધટેન્ટ બનાવી અપલોડ કરી નાખે છે અને મુશ્કેલીમાં મુકાય છે. આવા સમયે બ્રાન્ડ અને ક્ધટેન્ટ બનાવવાવાળા બંને માટે ધ્યાન રાખવા જેવી કેટલીક વાત જાણી લેવા જેવી છે.
સૌપ્રથમ ક્ધટેન્ટ બની ગયા બાદ લાગતાવળગતા લોકોની પરવાનગી લો, જેથી તમારું ક્ધટેન્ટ ઓફિશિયલ બને. જો તમે કોઈ મ્યુઝિક કે બીજી કોઈ સ્ટોક ઇમેજ, વીડિયો વાપર્યા હોય તો તેમને ક્રેડિટ આપો. બ્રાન્ડે તેમને કયા પ્રકારનું ક્ધટેન્ટ જોઈએ છે તેની માહિતી પહેલાથી આપવી જોઈએ જેથી બ્રાન્ડની ગરિમા જળવાઈ રહે. આમ UGCને એક સમજદારી ભરેલી વ્યૂહરચના સમજી અમલમાં મૂકવામાં આવે તો બ્રાન્ડ્સ માટે તે એક વરદાન સાબિત થઇ શકે છે, જેના દ્વારા તે ફક્ત ગ્રાહકની પસંદગીની બ્રાન્ડ નથી બનતી, પણ વેચાણના હિસ્સા સાથે માર્કેટ શેર પણ વધારે છે.