ઊડતી વાતઃ એ હાલો, ખેલૈયા એકયુપ્રેશર – એકયુપંકચર ગ્રાઉન્ડમાં !
-ભરત વૈષ્ણવ
‘નવરાત્રિ…. એ વિશ્ર્વનો મોટો નૃત્ય ઉત્સવ છે’ તેમ બેધડક કહી શકાય. નવરાત્રિમાં શેરી ગરબા અને પાર્ટી પ્લોટના ગરબા વચ્ચે હરીફાઈ રહે છે. શેરી ગરબા એ સરકારી દવાખાના જેવા છે.જ્યારે પાર્ટી પ્લેટ ગરબા એ મલ્ટી સ્પેશિયાલીટી કોર્પોરેટ હોસ્પિટલ જેવા છે. એકમાં સાદગી છે. બીજામાં ભભકો છે. એકમાં કાંકરા ઉડવા જેવી અલ્પ હાજરી છે. જ્યારે બીજામાં હૈયે હૈયું દળાય તેટલો માનવ મહેરામણ છે. શેરી ગરબા સાત્વિક હેમ રેડિયો જેવા હોય છે, જ્યારે પાર્ટી પ્લોટ ગરબા એ મોંઘા પ્રોફેશનલ ગરબા હોાય છે, જેમાં કોઇ રેડિયો જોકીના ટાયલાવેડા હોય. અહીં ખેલૈયા માટે જાતજાતની કેટેગરીમાં કાંઇને કાંઇ ઇનામો હોય છે. પરંતુ, દેખૈયા-જોનાર માટે એક પણ ઇનામ કે ઇનામડી કે ઇનામડું અપાતું નથી.
વાસ્તવમાં નવરાત્રિના આયોજનની સફળતા આયોજક, ખેલૈયા, ગ્રાઉન્ડ, લાઇટ, લાઇન્ડ, સ્પોન્સરર, પાર્કિંગ વ્યવસ્થા, ફૂડ ઝોન, સિકયોરિટી નહીં, પણ છોરીઓને ઘુવડની જેમ અનિમેષ નજરે ત્રાટક કરી નિહાળતા દેખૈયાને આભારી છે. તમારા ભભકા માટે એ રોકડાં નાણાં ડિજિટલ પેમેન્ટ કરે છે. તમારી તિજોરી અને ગરબા ગ્રાઉન્ડ એના લીધે છલકાય છે.,
હવે નવરાત્રિ અર્ધા પડાવે પહોંચી ગઇ છે. એક શહેરની પ્રખ્યાત પાર્ટી પ્લોટમાં ગરબાનું સ્થળ બદલવાથી વિવાદ થયો છે. જે અટકવાનું નામ લેતા નથી. ગરબાના મેદાનની ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં ઓફલાઈન અને ઓનલાઇન પાસ વેચીને લક્ષ્મી ઉસેડી લીધી, જેનાથી ખેલૈયાને તકલીફ પડી. ગરબા સ્થળે પહોંચવા એક કિલોમીટર ચાલવાનું લટકામાં. …… તો મળતાં અહેવાલ મુજબ, એક ગ્રાઉન્ડમા શ્ર્વાસ અને ઉચ્છ્વાસ ટકરાય તેવી ચિકકાર ભીડ એમાં ગરબા રમનારનાના ચરણકમળમાં પથ્થર વાગ્યા . કોકના હાથના કર્યા કોકને પગે વાગ્યા. આયોજકોએ ઘઉંમાંથી કાંકરા વીણે તેમ પથ્થરો વિણાવ્યા, છતાં ખેલૈયાને પથ્થર વાગ્યા. આ ઘટના ક્રમથી વ્યથિત થયેલા ખેલૈયાએ એન્ટ્રી ફી રિ-ફંડની માગણી કરી, પાર્ટી પ્લોટની બહાર વિરોધના ગરબા ગાયા.
જોકે, અમારો રાજુ રદ્દી એવી ખુફિયા ખબર લાવ્યો છે કે ગરબા ગ્રાઉન્ડમાં પથ્થર પણ ખેલૈયાના ક્ષેમકુશળ માટે ખાસ હેતુસર નાખવામાં આવેલાં.
ખેલૈયા રોજ નવ દિવસ સુધી સાત-આઠ કલાક અસ્ખલિત નોન સ્ટોપ ગરબા રમે તો પગ કળવા, પગમાં દુખાવા, પગમાં મોચ આવવા જેવી ઘટના બને. પગમાં વધારે દુખાવો હોય તો બીજા દિવસે ગરબા ન રમે તો સરવાળે આયોજકે નુકસાન થાય. આવું ન થાય અને ખેલૈયાના દુખતા પગમાં એકયુપ્રેશર અને એકયુપંકચર જેવી રાહત થાય તે માટે ગરબા ગ્રાઉન્ડનાં પથ્થરોની કાર્પેટ બિછાવી હતી !
બોલો, અંબામાની જૈ..!