સ્ટ્રગલરના પ્રકાર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
ફિલ્મોમાં પ્રવેશ મેળવવા માટે જે પોતાના ઘર-ગામ છોડીને મુંબઈમાં આવે છે અને મુંબઈ આવીને જે ભૂખ્યો-તરસ્યો રહીને નિર્માતાઓની ઓફિસના ચક્કર લગાવતો હોય છે તેને સ્ટ્રગલર કહેવામાં આવે છે. આ સ્ટ્રગલર ઘણા પ્રકારના હોય છે. જેન્યુઈન સ્ટ્રગલર, ગેરસમજનો ભોગ બનેલા સ્ટ્રગલર, ગરીબ સ્ટ્રગલર, શ્રીમંત સ્ટ્રગલર, ઘરેથી ભાગીને આવેલો સ્ટ્રગલર, ઘરેથી પરવાનગી લઈને આવેલો સ્ટ્રગલર વગેરે વગેરે. જ્યારે દેશ આઝાદ થઈ ગયો ત્યારે આપણા યુવાનો સામે કોઈ મહાન ઉદ્દેશ બચ્યો નહોતો એટલે તેમાંથી મોટા ભાગના યુવાનોએ ફિલ્મ ઉદ્યોગ તરફ મીટ માંડી હતી. ભૂખ્યા રહ્યા, ધક્કા ખાધા અને ગર્વથી સ્ટ્રગલર કહેવાયા. ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા ન હોવા છતાં પણ તેઓ ફિલ્મી દુનિયાનો હિસ્સો હોય છે. ફિલ્મી સ્ટ્રગલર્સના નીચે જણાવ્યા મુજબના પ્રકાર હોય છે.
ગેરસમજનો શિકાર
એક ખાસ પ્રકારનો સ્ટ્રગલર હોય છે, ગેરસમજનો શિકાર બનેલો સ્ટ્રગલર. તે કોઈ પિકનિક કે પછી પાર્ટીમાં કે કોઈ ફોર્મ પર ચિપકાવવા માટે પહેલી વખત ફોટો ખેંચાવે છે અને પોતાનો પહેલો ફોટો જોઈને જોતો જ રહી જાય છે. તે ફોટાને નજીકથી જુએ છે.
પછી દૂરથી જુએ છે. ફરી નજીકથી જુએ છે. સવારે ઊઠીને જુએ છે. રાતે સૂવા પહેલાં જુએ છે. તેને લાગે છે કે દુનિયાના કેટલાક અતિસુંદર લોકોમાંથી તે એક છે. તે વિચારે છે કે એક હેન્ડસમ વ્યક્તિ માટે શું કરવાનું યોગ્ય રહેશે? એક દિવસ તે નક્કી કરી લે છે કે તેને ફિલ્મસ્ટાર બનવું છે. હવે તે એક તકની શોધમાં, ચાન્સની શોધમાં રહે છે.
ચાન્સ એટલે મુંબઈ જવા માટે ટિકિટના પૈસાની વ્યવસ્થા. એક દિવસ એને ચાન્સ મળી જાય છે. તે ચોરી કરીને મુંબઈ પહોંચે છે અને પછી એક આદર્શ સ્ટ્રગલર બની જાય છે.
શેખચિલ્લી સ્ટ્રગલર
એક શેખચિલ્લી પ્રકારનો સ્ટ્રગલર હોય છે. તે કાયમ સુખી રહે છે. કેમ કે તે હંમેશાં ફ્લેશ ફોરવર્ડમાં જીવતો હોય છે. તે જ્યારે પોતાના ઠેકાણા પરથી ફિલ્મ નિર્માતાને મળવા માટે તેમની કચેરી માટે રવાના થાય છે તો ત્યાં પહોંચવા સુધીમાં તે ફ્લેશ ફોરવર્ડમાં અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યો હોય છે અને એક વેલ એસ્ટાબ્લિશ સ્ટાર બની ચૂક્યો હોય છે. ફિલ્મોમાં સાથે સાથે કામ કરતાં કરતાં તેને કેટરિના કૈફ સાથે રોમાન્સ પણ થઈ જાય છે અને એક દિવસ મોટો અભિનેતા બનીને તે પોતાના ગામડે પાછા ફરવાનો કાર્યક્રમ બનાવે છે ત્યારે મુશ્કેલી ઊભી થઈ જાય છે. કેટરિના કૈફ જીદ કરે છે કે તે પણ તેની સાથે તેના ગામડે આવશે. હવે વૃદ્ધ માતા પૂછશે કે આ ફિલ્મની છોકરીને પોતાની સાથે કેમ લાવ્યો તો તે શું જવાબ આપશે? માતા કેટરિનાને ધક્કા મારીને ઝૂંપડામાંથી બહાર કાઢી મૂકશે તો કેટરિનાને શું મોં દેખાડશે? આટલામાં સ્ટુડિયોનો ચોકીદાર કેટરિનાવાળી સમસ્યાનું નિરાકરણ કરી નાખે છે. તે તેને સ્ટુડિયોની અંદર ઘૂસવા પણ દેતો નથી.