સંબંધોના પ્રકાર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
ફિલ્મો સાથે સંકળાયેલી કેટલીક અલગ અલગ બાબતો જેમ કે રોમાન્સ, લગ્ન, પાર્ટીઓ, મુહૂર્ત, ઍવોર્ડ વગેરે ફિલ્મવાળા અને ફિલ્મોના દર્શકોને સમાન રીતે પ્રભાવિત કરે છે. ફિલ્મી જિંદગીમાં રોજની બાબતો છે. લગ્ન અને રોમાન્સને લઈને તો અનેક વખત ભારે અફવાઓ ગરમ રહેતી હોય છે. ખંડન-મંડન ચાલ્યા કરતું હોય છે. આ જ બધી બાબતોની ચર્ચા આપણે અહીં કરવાની છે…
રોમાન્સ
એક અભિનેતા અને એક અભિનેત્રી વચ્ચે થનારા રોમાન્સનાં પરિણામો ઘણા દૂરગામી હોય છે. આને બે કલાકારો પરસ્પર કરતા હોય છે, જેને કારણે અનેક નાના મોટા ફિલ્મી પત્રકારોની રોજી-રોટી ચાલતી હોય છે અને લાખો વાચકોને આનંદ મળે છે.
સમાજમાં કોઈ રોમાન્સ કરતા રંગે હાથ પકડાઈ જાય ત્યારે એનાથી એમના નાક કપાઈ જતા હોય છે. ફિલ્મોમાં આનાથી ઊંધું થતું હોય છે. આનાથી તેમની ઈજ્જતમાં વધારો થાય છે, કેરિયર બને છે, લાયક કહેવાય છે. એક કલાકાર ઘણા ગર્વ સાથે રોમાન્સ કરતો હોય છે, ચતુરાઈપૂર્વક આ રોમાન્સની ખબરને લીક કરતો હોય છે અને પછી જ્યારે કોઈ પત્રકાર એને આ બાબતે સવાલ કરે ત્યારે શાનથી તેનું ખંડન કરતો હોય છે. પહેલાં રોમાન્સ પછી તેનું ખંડન, પછી નવો એક રોમાન્સ, ફરી એક નવું ખંડન. આવી જ પરંપરા છે. આ જ સત્ય છે, આ જ સુંદર છે, આ જ કલ્યાણકારી છે. રોમાન્સ વગર કોઈ કલાકારનું કલ્યાણ થઈ શકતું નથી.
લગ્ન
ફિલ્મો સાથે સંકળાયેલા લોકોના લગ્ન બે પ્રકારના હોય છે. એક એ લગ્ન, જેની જાહેરાત તો કરવામાં આવે છે, પરંતુ તે લગ્ન ક્યારેય થતા નથી. બીજા એવા પ્રકારના લગ્ન જે થઈ ચૂક્યાં હોય છે, પરંતુ તેનો સ્વીકાર કરવામાં આવતો નથી. એટલે કે આવા લગ્ની જાહેરાત થતી નથી. ‘તો યાર લગ્ન કર્યા છે, કોઈ પાપ તો કર્યું નથી. તો પછી સંતાડો છો કેમ?’
ફિલ્મવાળાઓ સાથે આવું જ થતું હોય છે. તેઓ રોમાન્સ કરીને મોં કાળું કરતા ફરતા હોય ત્યારે બધાને કહેતા ફરતા હોય છે અને લગ્ન જેવા પવિત્ર કામ કરે ત્યારે તેને સંતાડતા ફરતા હોય છે. આનાથી તેમની ઈમેજ ખરાબ થઈ જાય છે. પરણેલા નાયક-નાયિકાઓને તેમના ફેન રિજેક્ટ કરી નાખે છે. વાહ, કેવા ફેન છે. બિચારા કલાકારોનું ઘર વસે તે આમનાથી સહન થતું નથી. ફિલ્મ અભિનેત્રી જ્યારે લગ્ન કરે છે ત્યારે તેમની પહેલી પસંદગી હોય છે સેકેન્ડ-હેન્ડ પતિ. ખબર નહીં કે કેમ, પરંતુ તેમને કાચોકુંવારો પતિ પસંદ આવતો નથી. પરણેલા લોકો ધ્યાન આપે.