સંબંધોના પ્રકાર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
સંબંધો વગર જિંદગી ચાલી શકતી નથી અને તેથી જ આ સંબંધો આપણી દુનિયામાં પણ હોય છે અને ફિલ્મોની દુનિયામાં પણ સંબંધો હોય છે. બંને પ્રકારના સંબંધોની તુલના કરવામાં આવે તો એવું લાગે છે કે ફિલ્મોમાં દેખાડવામાં આવતા સંબંધો સામે આપણા વાસ્તવિક સંબંધો સાવ ટૂચ્ચા પડે છે. આવો આપણે કેટલાક ફિલ્મી સંબંધોના પ્રકારો વિશેની જાણકારી મેળવીએ.
રહેમદિલ મકાન માલકણ
નાયકે છેલ્લા છ મહિનાથી ભાડું આપ્યું નથી. કેટલા? છ મહિનાથી. ક્યારે આપશે? આપશે કે નહીં આપે? એનું કશું જ નક્કી નથી. મકાન માલકણ રોજ ધમકી આપે છે કે ‘સાંજે ભાડું નહીં આપે તો સામાન બહાર ફેંકી દઈશ. પરંતુ રહેમદિલ મકાન માલકણ ક્યારેય સામાન બહાર ફેંકતી નથી, એને બદલે બીજા દિવસે ચોરી છૂપે એના ખિસ્સામાં દસ રૂપિયા રાખી દે છે, જેથી નાયક નોકરી શોધવા માટે બહાર નીકળી શકે. નાયક પણ એને માતા સમાન સન્માન આપે છે.
મકાનમાલિક અને ભાડૂત વચ્ચે આટલો મધુર સંબંધ! આવું તો ફક્ત ફિલ્મોમાં જ શક્ય છે, અન્યથા આ બંને વચ્ચે તો ઉંદર-બિલાડા જેવી દુશ્મની જોવા મળતી હોય છે. જો વાત ખોટી લાગતી હોય તો અદાલતોમાં ચાલી રહેલા ખટલા ઉઠાવીને જોઈ લો.
ભલે ફિલ્મોમાં જ કેમ ન હોય, મકાનમાલિક અને ભાડૂત વચ્ચેનો આવો સંબંધ જોઈને સતયુગની યાદ આવી જાય છે.
તવાયફનો ત્યાગ
મોટા ભાગે શ્રીમંતોના દીકરા તવાયફોના કોઠા પર જતા હોય છે અને પોતાના બાપાની બ્લેક મનીને એડજસ્ટ કરતા હોય છે, પરંતુ ફિલ્મોમાં તો નાયક તવાયફની પાસે રૂપિયા-નાણાં લઈને નહીં, દિલ લઈને જતો હોય છે. નાણાંની થેલી લઈને જતો હોય છે નાયકનો બાપ, ‘મારા દીકરાને છોડવાની કેટલી કિંમત લેશે? દસ લાખ, વીસ લાખ, ત્રીસ લાખ, પચાસ લાખ…’
કહેવત છે કે ઘોડો ઘાસ સાથે દોસ્તી કરી શકે નહીં, પરંતુ ફિલ્મોમાં આવું જોવા મળે છે. તવાયફ પચાસ લાખ રૂપિયાને ઠોકર મારી દે છે. ‘આટલામાં તો હું એની તસવીર પણ નહીં વેંચું. શેઠજી પોતાના રૂપિયા લઈને પાછા વળી જાય છે. તેઓ એક તવાયફને ખરીદી શકતા નથી. ખરીદી પણ કેવી રીતે શકે? આ તો ફિલ્મી તવાયફ છે, તે સતી-સાવિત્રીઓની પણ મા હોય છે.