સંબંધોના પ્રકાર
સાહબ બાથરૂમ મેં હૈ – આશકરણ અટલ
સંબંધો વગર જિંદગી ચાલી શકતી નથી અને તેથી જ આ સંબંધો આપણી દુનિયામાં પણ હોય છે અને ફિલ્મોની દુનિયામાં પણ સંબંધો હોય છે. બંને પ્રકારના સંબંધોની તુલના કરવામાં આવે તો એવું લાગે છે કે ફિલ્મોમાં દેખાડવામાં આવતા સંબંધો સામે આપણા વાસ્તવિક સંબંધો સાવ ટૂચ્ચા પડે છે. આવો આપણે કેટલાક ફિલ્મી સંબંધોના પ્રકારો વિશેની જાણકારી મેળવીએ..
ભાઈચારો
અલગ- અલગ ધર્મ, ભાષા અને પ્રદેશવાળાઓની એકતા ફિલ્મોમાં દેખાડવામાં આવે છે ત્યારે ઘણું સારું લાગે છે. ફિલ્મોનો ભાઈચારો જોઈને ક્યારેક એવું લાગતું હોય છે કે આપણે ક્યાંય કોઈ સપનું તો નથી જોઈ રહ્યા. ફિલ્મોનો આ ભાઈચારો જો થોડો પણ મળી જાય તો આ દુનિયા સ્વર્ગ બની શકે છે. આહા! એક ધર્મનો માણસ પ્રાર્થના (ઈબાદત) કરતો હોય છે અને તેના પર કોઈ વાર કરે છે, ત્યારે વિપરિત ધર્મનો એક માણસ પોતાના જીવની પરવા કર્યા વગર તે વાર પોતાના શરીર પર ઝીલી લે છે. ઓ ફિલ્મવાળાઓ, આવી ઈન્સાનીયત તમે ક્યાંથી ઈમ્પોર્ટ કરો છો? અમને પણ એનું સરનામું આપી દો. અમે તમારી બધી જ બેવકૂફીઓને માફ કરી દઈશું.
પ્રેમ
ફિલ્મોવાળાઓ તમે કહો છો કે પ્યાર કિયા તો ડરના ક્યા? આ કેવી રીતે થઈ શકે છે? હા, ક્યાંક મોં કાળું કરવું હોય તો વાત અલગ છે, પરંતુ પ્રેમ કરવા પહેલાં તો સારો માણસ દસ વખત વિચાર કરશે. તમારો પ્રેમ તો ફૂલ ટાઈમ જોબ જેવો છે. તમે બધા તો પ્રોફેશનલ પ્રેમી છો. જેવી રીતે ખુલ્લમ-ખુલ્લા પ્રેમ તમે લોકો દેખાડો છો, એવો જો અમે કરવા જઈએ તો મોહલ્લાવાળાઓ તો પછી કૂટશે, એની પહેલાં તો છોકરી જ હાથમાં સેન્ડલ ઉપાડી લેશે.
અમારી દુનિયામાં તો આજ સુધી લૈલા-મજનુ, શીરી-ફરહાદ અથવા સોહની-મહિવાલ જેવા કુલ પંદર-વીસ પ્રેમીઓના જોડા થયા છે. જેમની ગણતરી કરવામાં પણ શરમ આવે છે. તમારી ફિલ્મોમાં તો જેટલી ફિલ્મો બને છે એટલા લૈલા-મજનુ, એનાથી પણ આગળ વધીને કોઈ-કોઈ ફિલ્મમાં તો ત્રણ-ત્રણ જોડા લૈલા-મજનુનાં જોવા મળે છે, જે બધા ફિલ્મના અંતમાં પોતાની ગૃહસ્થી વસાવી લેતા હોય છે. જ્યારે અમારે ત્યાં તો પ્રેમીઓમાંથી કોઈ એકાદ જ લગનના મંડપ સુધી પહોંચી શકતા હોય છે. તમારા ફિલ્મોના પ્રેમીઓની આ સફળતાનું રહસ્ય શું છે? – શબ્દાંકન: વિપુલ વૈદ્ય