ઉત્સવ

સંબંધોના પ્રકાર

સંબંધો વગર જિંદગી ચાલી શકતી નથી અને તેથી જ આ સંબંધો આપણી દુનિયામાં પણ હોય છે અને ફિલ્મોની દુનિયામાં પણ સંબંધો હોય છે. બંને પ્રકારના સંબંધોની તુલના કરવામાં આવે તો એવું લાગે છે કે ફિલ્મોમાં દેખાડવામાં આવતા સંબંધો સામે આપણા વાસ્તવિક સંબંધો સાવ ટૂચ્ચા પડે છે. આવો આપણે કેટલાક ફિલ્મી સંબંધોના પ્રકારો વિશેની જાણકારી મેળવીએ..

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

દોસ્તી
ફિલ્મોમાં દોસ્ત-દોસ્ત માટે હંમેશા કુરબાની આપતો હોય છે, જ્યારે વાસ્તવિક જિંદગીમાં એક દોસ્ત હંમેશા બીજા દોસ્ત પાસેથી કુરબાનીની અપેક્ષા રાખતો હોય છે. ફિલ્મોમાં એક મિત્રને બીજા મિત્ર પાસેથી પૈસા ઉછીના માગવાની આવશ્યકતા ક્યારેય પડતી નથી અને ભૂલેચૂકે આવી સ્થિતિ આવી જાય તો બીજો મિત્ર સામે ચાલીને પૈસા મોકલી આપે છે એટલું જ નહીં, સામેથી પોતાના મિત્રને વઢે છે કે તેં મારી પાસે પૈસા કેમ માગ્યા નહીં. જ્યારે વાસ્તવિક જિંદગીમાં મિત્ર પહેલેથી જ દરવાજા પર લખાવીને રાખે છે કે ‘ઉધાર પ્રેમની કાતર છે.’
‘શોલે’, ‘બેમિસાલ’, ‘તેરે મેરે સપને’, ‘મુન્નાભાઈ એમબીબીએસ’ અને ‘કુછ કુછ હોતા હૈ’ જેવી ફિલ્મોના મિત્રો કોણ જાણે કઈ દુનિયામાંથી આવતા હોય છે? અમારી દુનિયામાં તો આવા પ્રકારના મિત્રો જોવા મળતા નથી, ઉલટાનું હતાશા આપીને જતા હોય છે.

રામુ કાકા
ફિલ્મોમાં નાયક કે નાયિકાના ઘરમાં એક વૃદ્ધ અને સારો નોકર હોય છે, રામુ. જેને પરિવારના સભ્યો પ્રેમથી રામુ કાકા કહેતા હોય છે. જ્યાં સુધી ઘરના બધા લોકો ભોજન ન કરી લે ત્યાં સુધી રામુ કાકા પોતે ભોજન કરતો નથી. નાયક બેદરકારીમાં ચાદર ઓઢ્યા વગર સૂઈ ગયો હોય તો રામુ કાકા અત્યંત પ્રેમપુર્વક એને ચાદર ઓઢાડીને લાઈટ બંધ કરતો હોય છે. ક્યારેય વેતન વધારવાની વાત નથી કરતો કે ક્યારેય રજા પણ માગતો નથી. ક્યારેક તો એવું મન થાય છે કે ફિલ્મવાળાઓને પૂછી લઈએ કે આવા દેવદૂત જેવા નોકર તમને મળે છે ક્યાંથી? ભાઈ આવા એકાદ નોકર અમને પણ અપાવી દ્યો, આખી જિંદગી તમારો ઉપકાર માનીશું. તમે તો આદરના નામે ફક્ત રામુ
કાકા કહીને ફક્ત મૌખિક રીતે સન્માન આપો છો, અમે તો તેમના પગે પણ લાગીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button