ઉત્સવ

ગુજરાતી પદ્ય સાહિત્યના બે અજરામર વિલાસ

આજે આટલું જ -શોભિત દેસાઈ

*ત્રિભોવનદાસ લુહાર ‘સુંદરમ્’

*બાલમુકુંદ દવ

બાનો ફોટોગ્રાફ
અમે બે ભાઇ બાને લૈ ગયા ફોટો પડાવવા,
ભાવતાલ કરી નક્કી સ્ટુડયોમાં પછી ચડ્યા.

ભવ્ય શા સ્ટુડિયોમાં ત્યાં ભરેલી ખુરસી પરે,
બાને બેસાડી તૈયારી ફોટો લેવા પછી થતી.

‘જરા આ પગ લંબાવો, ડોક આમ ટટાર બા!’
કહેતો મીઠડા શબ્દે ફોટોગ્રાફર ત્યાં ફરે.

સાળુની કોરને પાલવ શિરે ઓઢેલ ભાગ ત્યાં
ગોઠવ્યાં શોભતી રીતે ફૂલ, પુસ્તકમાં પાસમાં.

ચ્હેરો પે તેજ ને છાયા શોભતાં લાવવા પછી
પડદા છાપરામાંહે આમ ને તેમ ગોઠવ્યાં.

શામળા વસ્ત્રથી ઢાંક્યા કેમેરામાં લહીલહી,
લઇને જોઇતું ફોકસ, પ્લેટ તેમાં ધરી પછી.

ઢાંકણું ખોલતા પ્હેલાં સૂચના આમ આપતો,
અજાણ્યો, મીઠડો, ખાલી ફોટોગ્રાફર બોલિયો:

‘જોજો બા, સ્થિર હ્યાં સામું’ ક્ષોભ ને શોક વિસ્મરી
ઘરમાં જેમ બેઠાં હો, હસતાં સુખડા સ્મરી.

આછેરું હસજો ને બા, પાંપણે પલકે નહીં,
રાખશો જેવું મોં તેવું બરાબર પડશે અહીં.
અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો,
જૂઠડા વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો.

હસવાં રડવાં બેમાં નમતું કોણ ત્રાજવું?
જિંદગી જોઇ ના જોખી કોઇએ કદી બા તણી

યૌવને વિધવા, પેટે છોકરાં ચાર, સાસરે
સાસુ ને સસરા કેરા આશ્રયે બા પડી હતી.

વૈતરું ઘર આખાનું કરીને દિન ગાળતી,
પુત્રોના ભાવિની સામું ભાળીને ઉર ઠારતી.

બાએ ના જિંદગી જોઇ, ઘરની ઘોલકી તજી,
એને કોએ ન સંભાળી, સૌને સંભાળતી છતાં.

ઘસાતી દેહમાં એના રોગ ને દોગ ઊતર્યા,
સૌની બેપરવાહીથી દર્દ દુ:સાધ્ય શું થયું.
અને બાના પ્રતિ સૌને કરુણાપ્રેમ ઊમટ્યાં,
એહના મનને રાજી રાખવા મથતાં બધાં.

આછેરા માતૃપ્રેમે ને આછા કર્તવ્યભાનથી,
પ્રેરાઇને અમે ચાલ્યાં દવા બાની કરાવવા.

બતાવ્યાં શહેર બાને ત્યાં બંગલા, બાગ, મ્હેલ કૈં,
સિનેમા, નાટકો કૈં કૈં, ગાડીઘોડે ઘુમાવી ને

અમારા પ્રેમ કે સ્વાર્થતણાં સ્મારક શો અમે
અનિષ્ટો શંકતાં ઇચ્છ્યું બાનો ફોટો પડાવવા.

અને ત્યાં નમતા પ્હોરે ફોટોગ્રાફરને તહીં,
અમે બે ભાઇ બાને લૈ ગયા ફોટો પડાવવા.

પુત્રોથી, પતિથી, સાસુ સસરાથી, અરે, બધા
વિશ્ર્વથી સર્વદા સાચ્ચે બિચારી બા ઉપેક્ષિતા,
પડાવા બેઠી ત્યાં ફોટો, ફોટોગ્રાફર ત્યાં ઊભો,
અજાણ્યો, મીઠડો ખાલી હસવા ત્યાં કહી રહ્યો.

અને બા હસતી કેવું જોવાને હું ફર્યો જહીં,
બોર શું આંસુ એકેક બાને નેત્ર ઠર્યું તહીં.

ચિડાયો ચિત્ર લેનારો. ‘બગડી પ્લેટ મ્હારી.’
પ્લેટ શું જિંદગીઓ કૈં બગડી રે હરિ હરિ!
-ત્રિભોવનદાસ લુહાર ‘સુંદરમ્’
જૂનું ઘર ખાલી કરતાં
ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું:
જૂનું ઝાડુ, ટૂથબ્રસ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોય-દોરો!
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જે
મૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઇ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો,
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો!
કૉલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:

‘બા-બાપુ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?’

ખૂંચી તીણી સજલ દૃુગમાં કાચ કેરી કણિકા!
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા!

  • બાલમુકુંદ દવે
    આજે આટલું જ…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ…