‘બે વાર ઝેર ખાઈ મરી’ને સફળતા મેળવી!

મહેશ્ર્વરી
મુંબઈમાં દેશી નાટક સમાજમાં મારું સ્થાન મજબૂત બનાવવાના અરમાન અને દ્રઢ નિશ્ર્ચય મને હવે પાછી નહીં પડવા દે એવો વિશ્ર્વાસ મજબૂત થઈ રહ્યો હતો. નાટક હોય એ દિવસે રિહર્સલ ન હોય, નાટકના નક્કી કરેલા સમયે પહોંચી જવાનું. નાટકોમાં કામ કરવાનું શરૂ થઈ ગયું હતું, પણ વધુ મહત્ત્વ ધરાવતા શનિ – રવિના નાટકમાં હજી મારી એન્ટ્રી નહોતી થઈ. દેશી નાટક સમાજના કલાકાર માટે શનિ – રવિના નાટકમાં કામ કરવું એ ગૌરવની ઘટના કહેવાતી. હિન્દી ફિલ્મમાં રાજ કપૂર કે ગુરુ દત્ત કે બીજા કોઈ મોટા બેનરની ફિલ્મમાં કામ મળતા કલાકારની કિંમત કેવી વધી જાય, લગભગ એવો જ મોભો આ શનિ – રવિના નાટકનો હતો. બુધ – ગુરુનાં નાટકોમાં સાઈડ રોલ હું કર્યા કરતી હતી. ત્યાં ખબર પડી કે ‘ચંદ્રગુપ્ત’ નાટકના શો બંધ થવાની તૈયારીમાં છે. આ વાત જાણ્યા પછી એક દિવસ હું એકલી બેઠી હતી ત્યાં જાણે મેં દિવાસ્વપ્ન જોયું કે ‘મહેશ્ર્વરી, હવે તું તૈયાર થઈ જા શનિ – રવિના નાટક માટે’ અને હું એકલી બેઠી બેઠી મલકાવા લાગી. એવામાં અચાનક કોઈએ મારા ખભે હાથ મુક્યો અને હું તંદ્રાવસ્થામાંથી બહાર આવી. ક્ષણવાર માટે સરસ મજાના દિવાસ્વપ્નમાં ભંગ પાડવા બદલ મને એ વ્યક્તિ પર રોષ ચડ્યો, પણ ‘પ્રફુલ દેસાઈ તારા માટે ‘સાગરનાં મોતી’ નાટક લખી રહ્યા છે’ એવું મને કહેવામાં આવ્યું ત્યારે બીજી જ ઘડીએ હું એ વ્યક્તિને રીતસરની ભેટી પડી. હું જે હવાઈ કિલ્લો બાંધી રહી હતી એનો હકીકતમાં પાયો નંખાઈ ગયો હતો. મારા આનંદની કોઈ સીમા નહોતી. નાના નાના કૂદકા માર્યા પછી મોટી છલાંગ મારવાની તક મળી રહી હતી. દેશી નાટક સમાજમાં સિદ્ધહસ્ત લેખકનો દરજ્જો ધરાવતા શ્રી પ્રફુલ દેસાઈ ખાસ મારા માટે રોલ લખી રહ્યા હતા એ મારા માટે ગર્વની વાત હતી. નાટ્ય જીવનના વળાંક પર હું પહોંચી ગઈ છું અને હવે દિશા અને દશા બદલાઈ જવાની શરૂઆત થઈ શકે છે એટલું હું જરૂર સમજી ગઈ. ‘સાગરનાં મોતી’ના હેમલતાના પાત્રથી પ્રથમ પંક્તિના ગણાતા દેશી નાટક સમાજના શનિ – રવિના નાટકમાં મારી એન્ટ્રી થઈ ગઈ. દિવાસ્વપ્ન હકીકત બની ગયું.
નાટક હોય કે ફિલ્મ, એની રજૂઆતમાં સાંપ્રત સમાજનું પ્રતિબિંબ નજરે પડ્યા વિના ન રહે. દેશી નાટક સમાજનાં અનેક નાટકોની કથામાં વર્તમાન સમયને ઝીલવાની કોશિશ જોવા મળતી હતી. ૧૯૭૧માં ભારત – પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ૧૫ દિવસમાં અમારી પાસે ‘જય જવાન, જય કિસાન’ નામનું નાટક તૈયાર કરાવ્યું. આ સ્લોગન દિવંગત વડા પ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ આપ્યું હતું અને એ થીમ પર મનોજ કુમારે ‘ઉપકાર’ નામની ફિલ્મ પણ બનાવી હતી એવી જાણકારી કંપનીના એક વરિષ્ઠ સહકારીએ મને આપી હતી. એ સમયે રાત્રે બ્લેકઆઉટ થતો એટલે લોકોએ ઘરમાં પુરાઈ રહેવું પડતું હતું. માત્ર બપોરના જ શો થતા હતા, પણ ‘જય જવાન જય કિસાન’ના લગભગ બધા જ શો હાઉસફુલ રહ્યા હતા. યુદ્ધ સમાપ્ત થયું, પરિસ્થિતિ થાળે પડી અને નાટક કંપની પહેલાની જેમ ફરીથી ધમધમવા લાગી. સાંજના શોની ભજવણી પણ પહેલાની જેમ શરૂ થઈ ગઈ. દર્શકો પણ અગાઉની જેમ ગર્દી કરવા લાગ્યા. ‘સાગરના મોતી’ના નિયમિત શો પણ શરૂ થઈ ગયા અને મહેશ્ર્વરી નામનું નવું મોતી અભિનય ક્ષેત્રમાં બંધાઈ રહ્યું હતું. એવામાં ધાર્યું નહોતું એવી ઘટના બની. ગયા હપ્તામાં મેં કહ્યું હતું ને કે ‘મેઈન રોલ હોય કે સાઈડનો રોલ, પૂર્ણ નિષ્ઠા અને એકાગ્રતા સાથે ભજવવો એ કલાકારનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ એ સમજણ સાથે મારો ઉછેર થયો હતો’. આ નિષ્ઠા, આ અભિગમ મને મીઠાં ફળ આપી રહ્યાં હતાં. થયું એવું કે બુધ – ગુરુમાં ‘સજ્જન કોણ’ નાટક હું કરી રહી હતી. એમાં હિરોઈન હતાં રૂપકમલ બહેન અને મારો રોલ હતો એમની નાની બહેનનો. જોકે, સદભાગ્યે એક બહુ સરસ સીન મારા ભાગે આવ્યો. એમાં હું ઝેર ખાઈને મરી જાઉં છું અને એમાં મારો અભિનય જોઈ નંદલાલ નકુભાઈ શાહ જે શનિ – રવિ માટે ‘સાસુના વાંકે’ નામનું નાટક લખી રહ્યા હતા એમાં ખાસ મારા માટે એક પાત્ર લખ્યું. આખા નાટકમાં માત્ર વીસ મિનિટ માટે હું અને મારી સાથે રમણ ભાઈ નજરે પડ્યા, પણ નાટકનો શો થયા પછી મારા સીનને ‘નાટકના સૌથી સારા સીન’ તરીકે ઓળખ મળી. ફિલ્મ જોવાના શોખીન કોઈ કલાકારે નાનકડા રોલની મારી સફળતા ‘આનંદ’ ફિલ્મના રાજેશ ખન્નાના અમર બની ગયેલા સંવાદ ‘બાબુ મોશાય, જિંદગી બડી હોની ચાહિએ લંબી નહીં’ સાથે સરખાવી ત્યારે હું એનો અર્થ સમજી નહીં પણ મને આનંદ જરૂર થયો. જીવનમાં તક તમારે બારણે ક્યારે ટકોરા મારશે એનો અંદાજ બાંધવો અશક્ય છે. હા, એટલો ખ્યાલ રાખવો જોઈએ કે તક બારણે ટકોરા મારે ત્યારે તમને એ સંભળાય. ‘સાગરના મોતી’માં હિરોઈનના રોલથી અને ‘સાસુના વાંકે’માં નાનકડા રોલથી દેશી નાટક સમાજની આંખોમાં અને ખાસ તો દર્શકોના દિલમાં મેં અલાયદી જગ્યા બનાવી લીધી. એ દિવસ પછી મેં પાછું વાળીને જોયું નથી. સફળતાની સીડીના એક પછી એક પગથિયાં ચડવાની શરૂઆત કરી દીધી. ‘સાસુના વાંકે’ નાટક દર્શકોને બેહદ પસંદ પડ્યું અને એના ૨૦૦ પ્રયોગ થયા. ઘણી વાર કોમેડીમાં રોલ પણ કરી લેતી હતી. વિવિધ પાત્ર ભજવતી હોવાથી અભિનેત્રી તરીકે મારો વિકાસ વધુ થયો. કલાકારે કારકિર્દીના પ્રારંભમાં વૈવિધ્યને પ્રાધાન્ય આપવું જોઈએ.
મારા બંને નાટકને સારો આવકાર મળવાથી મારી હિંમત વધી ગઈ અને કોઈ પણ પાત્ર ભજવી શકીશ એવો આત્મવિશ્ર્વાસ પેદા થઈ ગયો. સ્વાસ્થ્ય સૌથી મોટું ધન છે, સંતોષ સૌથી મોટું સુખ છે અને આત્મવિશ્ર્વાસ સૌથી મોટો મિત્ર છે. પોતાના પર વિશ્ર્વાસ રાખનાર વિધ્નોથી ગભરાયા વિના આગળ વધી શકે છે. દેશી નાટક સમાજમાં લેખકનું વિશેષ મહત્ત્વ હતું. પ્રફુલ દેસાઈના ‘સાગરના મોતી’ પછી બીજા સિદ્ધહસ્ત લેખક પ્રાગજી ડોસાના ‘માડીના જાયા’ નાટક માટે મારી પસંદગી કરવામાં આવી હતી. એમાં શાલિની બહેન, રૂપકમલ બહેન, રક્ષા દેસાઈ પણ હતાં. એમાં મારો નાની વંઠેલ બહેનનો રોલ હતો. એ રોલમાં મને નૃત્ય કરવાની તક મળી હતી. એમાં પણ હું ઝેર ખાઈને મરી જાઉં છું. શનિ – રવિના આ નાટકને પણ સારો આવકાર મળ્યો અને એના પણ ૨૦૦થી વધુ શો થયા. આમ બે નાટકમાં હું ઝેર ખાઈને મરી ગઈ અને એ નાટક સફળ થયા. ‘માડીના જાયા’ મૂળ કલકત્તામાં ભજવાયેલું નાટક હતું જે પ્રાગજીભાઈએ નવેસરથી લખ્યું હતું. ૧૯૭૫માં પ્રાગજીભાઈએ દેશી નાટક સમાજના ‘ગોપીનાથ’ નામના જૂના નાટકને મઠારી એમાં નવા રસાયણ ઉમેરી ‘સૌભાગ્ય કંકણ’ નાટક લખ્યું જેમાં મને હિરોઈનનો રોલ કરવા મળ્યો. આ નાટકના કોમેડી સુશીલા કરી રહી હતી જે ખાસ્સી લોકપ્રિય હતી. એક દિવસ એવું બન્યું કે સુશીલાનો કંપની સાથે ઝઘડો થયો અને…
શ્રી દેશી નાટક સમાજનો ઉમદા હેતુ
શ્રી દેશી નાટક સમાજ (૧૮૮૯થી ૧૯૮૦)ની પ્રમુખ ઓળખ છે ગુજરાતી વ્યવસાયી નાટક મંડળી તરીકે. જોકે, આ નાટક કંપનીએ એક એકથી ચડિયાતાં નાટકો આપવા ઉપરાંત ઉમદા લેખકો, કુશળ દિગ્દર્શકો અને અલાયદા અભિનેતા – અભિનેત્રીની ભેટ પણ આપી છે. ઘણા વર્ષ આ કંપનીને મેં નજીકથી જોઈ છે, જાણી છે એટલે એની બે ઉમદા વાત જણાવવા માગું છું. દેશી નાટક સમાજના જે નાટક મુંબઈમાં ભજવાય એના કેટલાક શો થયા પછી એ નાટકની સ્ક્રિપ્ટ ગુજરાતના વિવિધ ગામડાઓમાં પહોંચતી કરવામાં આવે, અલગ અલગ નાની મોટી નાટ્ય કંપનીઓ પોતાની જરૂરિયાત અનુસાર એ નાટકો ભજવે અને આ પ્રયાસ રંગભૂમિના વિકાસમાં નિમિત્ત બન્યો અને એને કારણે જ ગુજરાતના નાનકડા ગામના લોકોમાં પણ નાટક માટે રુચિ પેદા થઈ હતી. ખાસ વાત એ હતી કે મોકલેલી સ્ક્રિપ્ટ માટે દેશી નાટક સમાજ તરફથી રોયલ્ટીની કોઈ માગણી નહોતી કરવામાં આવતી. નાટકનો પ્રચાર અને પ્રસાર એ જ એકમાત્ર હેતુ હતો. બીજી એક મહત્ત્વની વાત એ હતી કે દેશી નાટક સમાજમાં જે બહારગામના કલાકારો હતા એ બધા નાયકો જ હતા. એમના રહેવાની, બે વખત જમવાની સગવડ કંપની જ કરી આપે. જોકે, મેં જે ગુજરાતની કંપનીઓમાં કામ કર્યું હતું ત્યાં પણ રસોડું તો ચાલતું જ હતું. કલાકારને બે ટંક ભોજનની ચિંતા નહોતી કરવી પડતી. રાહત આપનારી આ વ્યવસ્થા લગભગ બધે જ ઠેકાણે હતી. કંપની માટે લેખક, કલાકાર, દિગ્દર્શક વગેરે પરિવારના સભ્ય જેવા હતા.