ઉત્સવ

ધરતીના સૌથી જૂના જીવ કાચબા પાસે છે ડાઈનાસોરના લુપ્ત થવાનું રહસ્ય

૨૩ મે વિશ્ર્વ કાચબા દિવસ નિમિત્તે વિશેષ

પ્રાસંગિક -કે. પી. સિંહ

આપણી પૃથ્વી પર સૌથી જૂનો જીવ કયો છે તેની જાણકારી છે? હા, આ જીવનું નામ છે, કાચબો. તે આ પૃથ્વી પર ૨૦ કરોડ વર્ષની પહેલાથી ધરતી પર વિચરણ કરી રહ્યો છે. જ્યારે સાપ નહોતા, પક્ષી નહોતા, ગરોળીઓ નહોતી અને કદાચ આપણે (માનવી) પણ નહોતા. આ રીતે જોવામાં આવે તો તેઓ આ પૃથ્વી પરના સૌથી જૂના જીવ છે અને તેથી જ તેઓ આપણા બધાના વડવા પણ છે. કાચબાની સેંકડો પ્રજાતિઓ છે, તેમના ડઝનથી વધુ આકાર હોય છે. ચાર ઈંચનો નાનો કાચબો પણ આ પૃથ્વી પર છે અને બે મીટર લાંબો કાચબો પણ અસ્તિત્વ ધરાવે છે. કાચબાને માનવ એટલા માટે પણ જાણી શક્યો છે કેમ કે તે આ પૃથ્વી પર સૌથી લાંબી આવરદા ધરાવતો જીવ છે. કાચબાનું સરેરાશ આયુષ્ય ૧૭૦-૧૮૮ વર્ષનું હોય છે. કાચબાએ પોતાની નજર સામે ડાઈનાસોરને પૃથ્વી પરથી નાબૂદ થતા જોયા છે અને તેઓ જીવંત રહ્યા છે એટલે ચોક્કસ તેમની પાસે ડાઈનાસોરના ખાતમાનું રહસ્ય હોવું જોઈએ. વિજ્ઞાનીઓ એ વાતથી પરેશાન છે કે સમુદ્રી કાચબા પાસે કુદરતી રીતે પોતાનું એવું અનોખું જીપીએસ હોય છે જે તેને રસ્તો દેખાડવા ઉપરાંત પોતાની ચારેય તરફ ચુંબકીય ક્ષેત્રને પણ મહેસૂસ કરી શકે છે.

પૃથ્વી પર માનવ દ્વારા મોટા ભાગના જીવ સાથે ઘણા જુલમ થયા છે, જેમાંથી કાચબો પણ એક છે. માણસે કેટલાક પ્રકારના કાચબાને મારી નાખ્યા, ખાધા અને અન્ય અનેક પ્રકારે તેમનો ઉપયોગ કર્યો કે ગઈ સદીના અંત સુધીમાં એવી સ્થિતિ આવી ગઈ હતી કે જીવશાસ્ત્રીઓને એવી ચિંતા થવા લાગી હતી કે કાચબા ઈતિહાસ ન બની જાય. એ સમયે અમેરિકામાં એક કાચબા બચાવ સંગઠન અમેરિકન ટર્ટાઈઝ રેસ્ક્યુ (એટીઆર) સ્થાપન થયું અને તેના વોલન્ટિયર પૃથ્વીના વડવાઓની સુરક્ષા માટે આગળ આવ્યા હતા. એટીઆરે લગભગ ૫૦૦૦ કાચબાને ઉગારીને તેમને નવાં ઘરોમાં સુરક્ષા અને સંરક્ષણ ઉપલબ્ધ કરાવ્યું. સાલ ૨૦૦૦માં આ સંગઠને નિષ્ણાતો સાથે મળીને વૈશ્ર્વિક સ્તરે જાગૃતિ ફેલાવી કે જો પૃથ્વી પરથી કાચબા ગાયબ થઈ જશે તો વાતાવરણવિજ્ઞાનની સૌથી જૂની અને જિવંત કડી ગાયબ થઈ જશે. આ ચિંતાને પગલે હજારો કાચબા પાલકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું કે તેઓ કાચબાની સુરક્ષા અને સંરક્ષણમાં સહયોગ કરે.

આ પ્રયાસોને પગલે કાચબાના સંરક્ષણનું કામ શરૂ કરવાનું ચાલુ થયું. આ જ સંગઠને સાલ ૨૦૦૦માં ૨૩ મેના રોજ કાચબાની સુરક્ષા અને સંરક્ષણ પ્રત્યે ધ્યાન ખેંચવા માટે વિશ્ર્વ કાચબા દિવસ ઉજવવાનું ચાલુ કર્યું અને છેલ્લાં ૨૪ વર્ષથી આખી દુનિયામાં ૨૩ મેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ માટે દરવર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવતી હોય છે. ૨૦૨૩માં થીમ હતી ‘આઈ લવ ટર્ટલ.’ જેમાં લોકોને કાચબાના ખતમ થઈ રહેલા રહેઠાણ સ્થાનને અને તેને કારણે લુપ્ત થઈ રહેલી વિશિષ્ટ પ્રજાતિઓને સંરક્ષિત કરવા માટે લોકોને પ્રેરિત કરવાનો પ્રયાસ હતો. કાચબા વાસ્તવમાં એવા સરીસૃપ વર્ગના જીવ છે જે આખી દુનિયામાં અલગ અલગ પ્રકારના વાતાવરણમાં જીવિત રહી શકે છે. કાચબા માટે એવી ધારણા બનાવવી ખોટી છે કે તેઓ ફક્ત પાણીમાં કે પછી સમુદ્રમાં જ રહી શકે છે. ઓછું પાણી હોય એવા સ્થાનમાં પણ કાચબા રહી શકે છે.

કાચબાની ૩૦૦માંથી ૧૨૯ પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે. બાકીની પ્રજાતિઓ લુપ્ત ન થાય તે માટે આખી દુનિયાના કાચબા પ્રેમીઓ, ઈકોલોજિસ્ટ, જીવશાસ્ત્રીઓ કાચબાને જીવતા રહેવા દેવા માટે માનવજાતીને વિનંતી કરે છે. કાચબાઓની પૃથ્વી પર હાજરીનું સૌથી મોટું સુખ અને માનવી માટે મહત્ત્વની બાબત એ છે કે માનવી તેમનો અભ્યાસ કરીને જાણી શકે છે કે ડાઈનાસોર જેવાં પ્રાણીઓ ખતમ થઈ ગયાં તો કાચબા જીવતા કેવી રીતે રહ્યા? પરંતુ એની સાથે આવશ્યક છે કે આપણે કાચબાને આપણી સાથે પૃથ્વી પર જીવતા રહેવા દઈએ. કેટલાક લોકો પોતાના જીભના સ્વાદ માટે કાચબાનો શિકાર કરે છે. તેઓ કાચબાને જ નહીં, તેમના માળામાં જઈને તેમના ઈંડા અને નાના બચ્ચાને પણ ખાઈ જાય છે. આવા નરભક્ષી માનવો જ પૃથ્વી પર મોટી મુશ્કેલીઓ માટે જવાબદાર છે.
આથી જ કાચબા દિવસ નિમિત્તે આવા લોકોને વિનંતી છે કે પૃથ્વીની જીવ સૃષ્ટિના વડવાઓને જીવતા રહેવા દેવા જેથી ક્યારેક માનવી પોતાના વડવાની લાંબી ઉંમરના રહસ્ય વિશેની જાણકારી મેળવી શકશે.કેમ કે કાચબામાં કોઈ તો એવી વિશેષતા છે કે જે બીજા જીવ સહન ન કરી શકે તેવા વાતાવરણમાં કાચબા પોણા બસો વર્ષ સુધી જીવી શકે છે. જેટલાં વર્ષો જીવવા માટે માનવ બધું દાવ પર લગાવવા તૈયાર હોય તે કાચબા પાસે છે. આ વર્ષે કાચબા દિવસની થીમ છે-‘લેટ્સ પાર્ટી.’ જોકે, આનો અર્થ એવો થતો નથી કે ચાલો કાચબાની પાર્ટી કરીએ. વાસ્તવમાં આ થીમનો અર્થ થાય છે કે કાચબાને બચાવવાની ઝુંબેશનો આનંદ ઉઠાવીએ. વિશ્ર્વ કાચબા દિવસે આપણે પોતે કાચબા માટે જાગૃત હોવા જોઈએ, પરંતુ બાળકોને પણ કાચબાના મહત્ત્વની જાણકારી આપવી જોઈએ. કેમ કે કાચબાની અનેક પ્રજાતિઓ હજી પણ સતત વિલુપ્ત થઈ રહી છે. આથી કાચબાને આ વિશેષ વૈશ્ર્વિક દિવસને પૂરી ગંભીરતા અને સજાગતા સાથે ઉજવવો જોઈએ.

ભારત દુનિયાના એવા ગણ્યા ગાંઠ્યા દેશોમાં આવે છે, જ્યાં કાચબાની અનેક પ્રજાતિઓ મળી આવે છે. ભારતમાં પણ કેટલાક લોકો કાચબા સાથે ઘણી બર્બરતા અપનાવતા હોય છે. આથી હવે ગોવાના ગલગીબાગા અને પૂરીના સમુદ્રકિનારા પર કાચબાના સંરક્ષણ માટે તેમને ઈંડા મુકવા માટે માળા બનાવીને રાખવામાં આવે છે અને જ્યાં સુધી ઈંડા ફૂટીને તેમાંથી બાળક ન નીકળે ત્યાં સુધી તેમની દેખરેખ રાખવામાં આવે છે. ભારતમાં કાયદા મુજબ કેટલાક કાચબાને પાળતુ બનાવવાનો પ્રતિબંધ છે. આમ છતાં આફ્રિકન સીડેનેક ટર્ટલ જેવી પ્રજાતિઓ છે જેને ભારતમાં સૌથી વધુ પાળવામાં આવે છે. અંધવિશ્ર્વાસને કારણે પણ કાચબાનો ગેરકાયદે વેપાર થાય છે. આમ પણ એક ડઝનથી વધુ વિશિષ્ટ કાચબાની પ્રજાતિવાળા ભારત દેશમાં તેમના અસ્તિત્વ સામે પડકાર ઊભો થયો છે. લુપ્ત થઈ રહેલા કાચબાના મહત્ત્વને ધ્યાનમાં લેતાં તેમના સંરક્ષણ માટે યોગદાન આપવું જોઈએ.
-ઈમેજ રિફ્લેક્શન સેન્ટર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button