સિનેમાની સફ્રર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
(ભાગ બીજો)
સિનેમામાં ઋતુના પ્રકાર
ફિલ્મો પર ઋતુનો અને મોસમ પર ફિલ્મોનો પ્રભાવ પહેલેથી પડતો આવ્યો છે. આમ તો આપણે બધા જ જાણીએ છીએ કે વર્ષની ચાર ઋતુઓ હોય છે. ઠંડી, ગરમી, વરસાદ અને વસંત, પરંતુ ફિલ્મોમાં આ ચારેય ઋતુઓ જેવી દર્શાવવામાં આવે છે એવા જ આ મોસમ હોય એવું આવશ્યક તો નથી. ચાલો તો આપણે જોઈએ કે કેવા હોય છે ફિલ્મોમાં ઋતુઓના પ્રકાર-
બેઈમાન મોસમ
ફિલ્મોમાં એક અજબ જેવો મોસમ હોય છે, બેઈમાન મોસમ. અત્યાર સુધીમાં એકાદ ફિલ્મમાં જ આવ્યો છે અથવા તો બીજી કોઈ ફિલ્મમાં આવ્યો હશે તો પણ નાયકે તેની નોંધ લીધી નહીં હોય, પરંતુ જે ફિલ્મમાં આ ઋતુ આવે છે તે ફિલ્મમાં નાયકને ખબર પડતાંની સાથે જ તે ગીત ગાઈને નાયિકાને જાણ કરે છે કે ‘આજ મોસમ બડા બેઈમાન હૈ બડા.’
નાયક જે રીતે સ્મિત કરતાં કરતાં ઋતુ અંગેની જાણકારી આપી રહ્યો હતો અને નાયિકા જે રીતે સસ્મિત વદને સાંભળી રહી હતી, તેને જોઈને એવું લાગતું હતું કે આ મોસમ બેઈમાન હોવા છતાં ખરાબ નહોતી, અથવા તો સારી મોસમ હતી. હવે જ્યારે ઋતુ સારી હતી તો નાયક તેને બેઈમાન કેમ કહી રહ્યો હતો? આ ‘બેઈમાન મોસમ’ એટલી બધી ‘કોમન મોસમ’ તો નહોતી કે બધા તેના વિશે જાણતા હોય. અત્યાર સુધીમાં આ ઋતુ એક ફિલ્મમાં ઉડતી રકાબીની જેમ આવી હતી. નાયકે કહી દીધું એટલે મેં પણ તમને જાણ કરી નાખી કે બેઈમાન મોસમ પણ હોય છે. આગળ જઈને આ વાત ખોટી નીકળે તો તેના માટે લેખક જવાબદાર રહેશે નહીં.
પાંચમી મોસમ
આમ તો પહેલાં જ આપણે વાત કરી નાખી છે કે ઋતુઓ ચાર હોય છે ઠંડી, ગરમી, વરસાદ અને વસંત. હવે તેમાં એક ભૂલ સુધારવાની છે કે ઋતુઓ ચાર નથી હોતી, પાંચ ઋતુ હોય છે. પાંચમી ઋતુ (પાંચમી મોસમ) પ્યારની હોય છે. આ વાતની જાણકારી પણ એક નાયકને કારણે જ મળી છે. ‘પાંચવા મોસમ પ્યાર કા.’ હા યાદ આવ્યું, આની પહેલાં પણ એક નાયકે આવી જ કશી વાત કરી હતી. ‘ની સુલ્તાના રે, પ્યાર કા મોસમ આયા.’ જોકે, ત્યારે નાયકે એવું કહ્યું નહોતું કે પ્યારની ઋતુ પહેલી હતી કે પાંચમી હતી, પરંતુ એક વાત સિદ્ધ થઈ ગઈ છે કે ઠંડી-ગરમીની જેમ જ પ્યારની પણ એક મોસમ હોય છે. બે-બે નાયકો કંઈ જુઠું તો ન જ બોલતા હોય.
હવે તમે કહેશો કે નાયક તો બારે મહિના પ્રેમ કરતો રહેતો હોય છે, પ્યારની ઋતુ જો બારે મહિના ચાલશે તો બાકીની ઋતુઓ ક્યાં જશે? તો એ તો એવું છે ને કે દર્શક જતો હોય છે મોંઘાભાવની ટિકિટ લઈને ફિલ્મો જોવા માટે અને નાયક પણ એ ફિલ્મમાં કામ કરવા માટે ૨૦ કરોડ લેતો હોય છે. હવે કઈ ઋતુ ક્યારે રહેશે તેમાં ૧૦૦-૨૦૦ની ટિકિટ લઈને જનારા દર્શકોનું ચાલે કે પછી ૨૦ કરોડ લેનારા હિરોનું?