ઉત્સવ

વેપારીની મૂંઝવણ ઑનલાઇન કે ઑફલાઈન?

બ્રાન્ડિંગ -સમીર જોષી

જ્યારથી ઓનલાઇન વેચાણ શરૂ થયું છે ત્યારથી એક મૂંઝવણ હરેક વેપારીના મનમાં હોય છે કે વેપાર ઓનલાઇન કરવો કે ઓફલાઈન ?

આ મૂંઝવણ તેવી છે જયારે મોટી સુપર માર્કેટ્સ ખૂલવા લાગી અને લોકોને લાગતું કે સુપર માર્કેટમાં આપણો માલ મૂકીયે તો! અથવા આપણી દુકાન પણ હવે સુપર માર્કેટ જેવી બનાવવી પડશે અને ઘણા વેપારીઓએ પોતાની લોકલ એરિયાની દુકાન પરંપરાગત રીતે ન ચાલવતા સુપર માર્કેટની જેમ ચલાવવાનું શરૂ કર્યું. જવા દો , આપણે આપણા મુદ્દા મૂળ મુદ્દા પર પાછા આવીએ. બિઝનેસ મોડેલ ઓનલાઇન રાખવું કે ઓફલાઈન?

જેમ સિક્કાની બે બાજુ હોય તેમ આ બંનેના પણ ફાયદા અને ગેરફાયદા છે. આજે પણ ઘણા લોકો પરંપરાગત રીતે અર્થાત દુકાનોમાં જઈ માલ ખરીદવામાં માને છે તો ઘણા લોકો ઘેર બેઠા ઓર્ડર કરે છે. આવા સમયે મૂંઝવણ અનુભવવી સામાન્ય વાત છે. કોઈ પણ વ્યવસાયની સફળતા માટે મહત્ત્વનું છે યોગ્ય બિઝનેસ મોડેલ પસંદ કરવું. બિઝનેસ મોડેલમાં ઘણી વાતો આવે છે, પણ પાયાની વાતોમાં તમે કેવી રીતે આવક પેદા કરશો, તમે તમારાં ઉત્પાદનો અથવા સેવાઓ કેવી રીતે ક્ધઝ્યુમર સુધી પહોંચાડશો અને તમે તમારા ગ્રાહકો સાથે કેવી રીતે ક્રિયા-પ્રતિક્રિયા કરશોની સમજણ હોવી જરૂરી છે. અંતે તે લાંબા ગાળે નફાકારક હોવું જોઈએ. ઓનલાઇન અને ઓફલાઇનના ફાયદાઓ આપણે જાણીયે છીએ, જેમ કે ઓનલાઇનનો વેપાર તમે ગમે ત્યાંથી,ગમે તે સમયે થઈ શકે અને વિશ્ર્વમાં ક્યાંય પણ માલ વેચી શકો છો. તમને તેના માટે કોઈ સ્થાઈ જગ્યાની જરૂર નથી. ફક્ત તમારું ઈન્ટરનેટ વ્યવસ્થિત ચાલતું હોવું જોઈએ. તમને રોકાણની પણ મોકાણ ઓછી હશે, કારણ જગ્યામાં, ભાડામાં, ઓપરેટિંગ કોસ્ટ, બીજા બધા બિલો ભરવાની અહીં મથામણ નથી, જે તમને તમારો વેપાર વધારવામાં પણ મદદ કરશે , કારણ કે જે પૈસા તમે ઉપરોકત વાતોમાં બચાવશો તે તમે માર્કેટિંગ અને માલ બનાવવામાં વાપરી શકશો. સૌથી મહત્ત્વનું, તમને ક્ધઝ્યુમરનો જોઈતો ડેટા મળશે , જેના થકી તમે તમારી આગળની વ્યૂહરચના બનાવી શકશો. આની સરખામણીએ ઓફલાઈન અર્થાત્ દુકાનમાં માલ વેચવાના ફાયદા જોઈએ તો સૌથી મોટો ફાયદો એટલે ગ્રાહક સાથે સીધો સંબંધ બંધાય. ફેસ ટુ ફેસ વાતો થાય અને માલ વેચાય છે. આનાથી ગ્રાહક સાથે લાંબા ગાળાનો સંબંધ બંધાય છે-તમારા પર તેનો વિશ્ર્વાસ વધે છે અને સૌથી મહત્ત્વનું તે તમારી પાસેથી નિયમિત માલ ખરીદશે, જેને આપણે ‘રિપીટ પરચેઝ’ કહીયે છીએ. અહીં તમારું વેપાર પર અને તેના ઓપેરશન પર નિયંત્રણ હશે. ઘરાકને કોઈપણ સમસ્યા હશે તેનું સમાધાન ત્યારે થઈ શકશે. અહીં ગ્રાહક ઉત્પાદનોને જોઈ શકે છે, અડી શકે છે તેથી તેની ખરીદવાની શક્યતા વધી જાય છે અને એને વિશ્ર્વાસ બેસે છે કે તે જે ખરીદે છે તે સમજી- વિચારી- જોઈને ખરીદયું છે.

આમ બંનેના ફાયદા અને ગેરફાયદા છે. ઓનલાઇનમાં ઓપરેટિંગ કોસ્ટ ઓછી છે તો ઓફલાઇનમાં તે વધુ છે. ઓફલાઇનમાં ઘરાક સાથે સીધો સંબંધ બંધાય છે, જે ઓનલાઇનમાં મુશ્કેલ છે. ઓનલાઇનમાં ઉત્પાદનો ફક્ત જોઈ શકાય છે તો ઓફલાઇનમાં ઉત્પાદનો અનુભવી શકાય છે. ઓનલાઇનમાં આખું વિશ્ર્વ તમારી બજાર છે તો ઓફલાઇનમાં તમે જે વિસ્તારમાં છો ત્યાં પૂરતા સીમિત છો. આવી બીજી ઘણી અનેક બાબત છે,જે આપણને બંને તરફ જોવા મળશે.

હવે મુદ્દાની વાત, કયું બિઝનેસ મોડેલ અપનાવવું… આના માટે આ મુદ્દાઓનો વિચાર કરી તમે નિર્ણય કરી શકો:
પહેલી વાત : તમારા માર્કેટની માગ શું છે અર્થાત્ તમારા ગ્રાહકો કોણ હશે અને એ શું પસંદ કરે છે ઓનલાઇન શોપિંગ કે ઓફલાઈન શોપિંગ.

બીજી વાત : તમારી પાસે ભંડોળ કેટલું છે? આના આધારે તમે નક્કી કરો કે કયું મોડેલ અપનાવવું. શરૂઆતમાં કદાચ ભંડોળ જો ઓછું હોય તો ઓનલાઇન અપનાવી શકાય, જેથી બીજા ખર્ચાઓ બચાવી શકાય.

ત્રીજી વાત : તમે કયા વિસ્તારમાં તમારો વેપાર કરવા માગો છો. આને બીજા અર્થમાં જોવા જઇયે તો તમે પોતાને સીમિત રાખી અમુક લોકો સુધીજ પહોંચવા માગો છો કે તમે એક જગ્યાએ બેસી વિશ્ર્વમાં પહોંચવા માગો છો.

આ મહત્ત્વનું છે કે તમારી તાસીર, ગમા-અણગમા, શક્તિઓ, આવડત વગેરે જાણી નિર્ણય લો.

ચોથી વાત : તમે જે વેપાર કરવા માગો છો તેના પ્રતિસ્પર્ધીઓનો અભ્યાસ. એ લોકો કઈ વ્યૂહરચના અપનાવી છે અને એમને શેનાથી વધુ લાભ થયો છે. આ બધાનો બારીકાઈથી અભ્યાસ કરી તમે નિર્ણય લઇ શકો. પાંચમી અને અગત્યની વાત એટલે, તમારે તમારા ગ્રાહકોને કેવા અનુભવ આપવા છે ?

ફેસ ટુ ફેસમાં માનો છો કે પછી નવા જમાનાના ઓનલાઇન અનુભવો આપવામાં માનો છો…?

આવા બીજા ઘણા મુદ્દાને ધ્યાનમાં લઇ નિર્ણય લઇ શકાય, પણ એક વાત ધ્યાનમાં રાખો કે ઓનલાઇન આવ્યા પછી ઓફલાઈન વેપાર બંધ નથી થયો. આજે પણ નવી દુકાનો વધે છે અને ત્યાં પણ માલ વેચાય છે. હરેક શહેરમાં મોલોની સંખ્યા વધી રહી છે. આપણે નામી બ્રાન્ડો અને સુપર માર્કેટો જોશું તો સમજાશે કે એ બધા ઓનલાઇન અને ઓફલાઈન બંને જગ્યાએ વેપાર કરે છે.

આના મુખત્વે બે કારણ છે : એક ઓનલાઇન, ઓફલાઈનની જેમ એક ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ છે તેથી મારી હાજરી ત્યાં હોવી જોઈએ અને બીજું, બંને જગ્યાએ મારા ગ્રાહકો છે તેથી હું એમને અવગણી ના શકું અને મારા વેપારના વિસ્તાર માટે પણ તે જરૂરી છે. તમારી શક્તિઓ, ઉદેશ્યો, ગ્રાહકો અને ઉત્પાદનોને ધ્યાનમાં રાખી કોઈપણ એક મોડેલથી શરૂઆત કરી શકો છો. આગળ જતા તમે બંનેનો સમન્વય સાધી એક હાઇબ્રિડ અથવા ઓમ્નિચેનલ વ્યૂહરચના બનાવી શકો. તમે લીડ્સ જનરેટ કરવા, જાગરૂકતા વધારવા અને માહિતી પ્રદાન કરવા માટે ઓનલાઈન ચેનલોનો ઉપયોગ કરી શકો છો અને ઓફલાઈન ચેનલોનો ઉપયોગ માલ વેચવા, આફ્ટર સેલ્સ સપોર્ટ માટે, સંબંધ બાંધવા માટે કરી શકો છો. મુદ્દો તે છે કે સમય સાથે ખભા મિલાવીને ઓનલાઈન અને ઓફલાઈન દ્વારા ગ્રાહકને જોઈતો અનુભવ આપી લાંબા ગાળાની રમત રમવા પોતાને તૈયાર કરો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button