આજે આટલું જ : અભિનંદન મુબારકબાદી શુભેચ્છા…
-શોભિત દેસાઈ
બાર કરોડ લોકોનું મહારાષ્ટ્ર આજે હરખાય છે. ૮૦ ટકા માણસોને મનગમતી સરકાર આવી એટલા માટે અને બાકીના ૨૦ ટકા માણસોને કોઈ પણ પ્રકારની મૂંઝવણ વગરની સરકાર મળી એટલા માટે. ઇલેકશનના દિવસે ફોન જોડે રમત કરવા કરવામાં બે, એક એક મિનિટના, વર્તુળમાં ચહેરો દેખાય એવી મુદ્રામાં અર્ધભાન અવસ્થામાં મેસેજ સરસ રેકોર્ડ થઈ ગયા હતા. એનું આજે આ જીતના સમયમાં પુન: પ્રસારણ અહીંથી કરી લઉં.
જે જીત્યા છે એમણે જીતવું બહુ જ જરૂરી હતું અને જીત્યા એનો એમને અને આપણને અનહદ આનંદ છે, પણ એ હતા ત્યારે પણ એમના એમ રહી ગયેલાં કામ હવે એ વંદે ભારતની ઝડપથી પાર પાડે એવી અપેક્ષા છે જ, હઠાગ્રહ પણ છે. એસ. વી. રોડ નામનો બાન્દ્રા-બોરીવલીનો રસ્તો જે મુંબઈનો મુખ્ય રસ્તો અને શહેરની ધોરી નસ એ બાર વરસથી ખોદાયેલો જ પડ્યો છે, પહેલાં ડામરમાંથી હરામખોર પેવર બ્લોક્સ (સિમેન્ટની ઈંટો)ના પ્રયોગ માટે, એ બાદ પેવર બ્લોકસ ફૂટકળ, તકલાદી નીકળવાને કારણે એ પાછો ખોદાયો છે સિમેન્ટકરણ કાજે… અને એ પછી એ એયને ખોદાઈને પડ્યો છે
મેટ્રોના જન્મની તૈયારીરૂપે એનાં પારણાઓ બનાવવા માટે. મજાની વાત એ છે કે આ તમામ બાર વરસમાં જીતેલા અને હારેલા દરેક પક્ષ સરકારમાં રહી ચૂક્યા છે, છતાં આ બિસમાર મુંબઈ એવું ને એવું બીમાર એવા ને એવા ખડકાળ રસ્તા સાથે ચૂં કે ચાં કર્યા વગર સવારે ઊઠે છે, આખો દિવસ રાહદારીઓની તકલીફ વેઠે છે અને એમની નિર્વિર્યતા પર આંસુ સારે છે અને પોતે નિર્જીવ હોવાને કારણે એક વધુ દિવસ પોતાની જીવન નોંધમાં ઉમેરે છે. આ તો માત્ર એક કારણ છે.
આજે વિજયપંચમી કે દશમી કે અગિયારસ કે બારસના કહેવાતા શુભદિને બીજાં કેટલાંય કારણ તમને દેખાડું. દા. ત. જે દિવસે સરકારી કર્મચારીગણ કે એમનો કોઈ હરામખોર ઑફિસર રઘવાયો થાય એના થોડાક જ દિવસોમાં ફ્રેશ ટેન્ડર સિમેન્ટના સરસ બનેલા રસ્તાને ખોદવાનું બહાર નીકળે, અગાઉના નક્કી ટેન્ડરબાજો એ પોતાના ગજવામાં મૂકે અને કમિશન-વટાવ-લબાડી અને પબ્લિકના પૈસાનો ઘોર દુરુપયોગ (બહુ જ મોળો શબ્દ કરતૂતોના સંદર્ભમાં) ચાલુ જ ચાલુ.
૧૯૮૫માં મુંબઈ કેવું હતું! અને ૨૦૨૪માં કેવું થઈ ગયું!?
ચાળીસ વરસમાં મુંબઈને ઓછામાં ઓછું ૧૦૦ વરસ પાછળ લઈ જવાયું છે / રાખવામા આવ્યું છે. આ બધાનો હિસાબ સોશિયલ મીડિયા પરથી માંગવાનું ભૂલતા નહીં, હે મિત્રોને ઘરમાંથી બહાર કાઢી વોટિંગ બૂથ તરફ ધકેલવાનું મરદાના કામ કરવાવાળા મારા પ્રિય મુંબઈગરાઓ! અને આ આખીય પરમ લાંચિયા પ્રજા જેને શાસકોના નામથી ઓળખવામાં આવે છે, એમને કાયદાના દરેક રસ્તા અજમાવવા પડે તો અજમાવીને પણ હવે પછીનાં બે વર્ષોમાં ખૂબ સમજાવીને બધા જ ઇન્ફ્રાસ્ટ્રકચરના કામ આટોપવાનું ઠસાવજો, ઠસાવજો અને ઠસાવજો.
૧૦૦ ટકા આપણે એમને મોકો આપવાનો છે અગાઉની કદરૂપી છબીને સુંદર બનાવવાનો પણ પબ્લિક પાર્ટિસિપેશન અને ઑબ્ઝર્વેશન નહી હોય તો કાંઈ પણ થઈ શકે છે, એ પણ તમે મારા મુંબઈગરાઓ અને મહારાષ્ટ્રવાસીઓ!!! ન જ ભૂલતા!!! સુરત-અમદાવાદ-રાજકોટની વાત જવા દો… હમણાં ૧૬મી નવેમ્બરે નવસારી ‘ગઝલની ગુંજતી સરગમ’નો ભવ્ય શો લલિત પંડ્યાએ કર્યો ત્યારે નવસારી જેટલા નાના ટાઉનના રસ્તાઓની ચોખ્ખાઈ અને વ્યવસ્થા જોઈને હું શોભિત દેસાઈ બેભાન થઈ ગયો હતો… કંઈ સમજ્યા?
કોણ નેતા કેટલા હિંદુત્વવાદી છે કે હતા એ વાત દાટીને એટલું જાણીએ કે ભ્રષ્ટાચારની ગંગોત્રી (હસમુખ ગાંધીની શોધ) મુંબઈ મહાનગરપાલિકામાંથી ૧૯૮૫ બાદ પાર્ટી અને નેતાઓએ ઝુંપડા, ૧ રુમ કિચનમાંથી પબ્લિક પ્રોપર્ટીના હેક્ટર-કિલોમિટર ખાઈ જઈને મુંબઈ-મહારાષ્ટ્રને આજે ૧૯૫૫ના ઓરિસ્સા-બંગાળ કરતાંય તળિયાઝાટક બનાવી દીધું છે એના પુનરુત્થાન માટે ૨૦૨૫માં મહાનગરપાલિકા જીતી ત્યાં સાફસૂફી કરે ત્યારે સર્વોચ્ચ નેતાગીરી, એમના તમામ ચશ્મા અને એમના સંપૂર્ણ સાથીઓના માથે સાડીનો પાલવ ધરી ત્રણ ચાર વખત જમણો હાથ ફેરવી આપણે એમની નજર ઉતારવા બેતાબ છીએ.
આજે આટલું જ