સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે યા હોમ કરીને પડો ક્રિકેટ છે આગે
પ્રાસંગિક – શોભિત દેસાઈ
(મહાન નર્મદની મહાન પંક્તિ આજના ખાસ દિવસની સુસંગતતા સાથે)
આ વર્લ્ડ કપના જાહેરાતોનાં ઘરેણાના શણગાર હતા નોખા
તો ચાલો કરીએ એ બધી જ જાહેરાતોના આજે તો લેખાં જોખાં
આજના આ અતિમંગળમય દિવસે દુંદુભી નાદ અને રણશિંગા ફૂંકાતા હોય એવી વેળાએ પ્રસ્તુત લેખનો સંકલ્પ માત્ર તમારા ચહેરે સ્મિત પૂરવાનો જ છે. આજના દિવસ માટે જ ખાસ બેહરામ કોન્ટ્રાક્ટર બીઝીબી, The Afternoonમાં દર શનિવારે કહેતા એમ, થોડાક રખડું વિચારો અને કેટલાંક સામાન્ય નિરીક્ષણ અને અવલોકન તેમ જ મુદ્દા (બધા જ મારા અંગત)…
જેમ કે તમને કાલા કુત્તાનાં સેવન તરફ વાળવા માટે પ્રચારાર્થક આવતી સ્ત્રીનાં ગાલ-નાક-આંખ ચંદ્રની જમીન જેવા હોવાથી પીણાના શોખીન એવા તમે કદાચ કાલા કુત્તાનો વિલાસ કાયમ માટે ત્યજી ય દો.
જેમ કે ભીંત ભીંત જ હોય અને રહે. ભીંત કદાચ સજીવ સ્મિત ફરકાવે તો ય દેખાય તો નહીં જ કે ભીંત હસે છે. એટલે ભીંત લગ્નોત્સુક બાલિકાઓને carના lubricantની સલાહ આપે તો એ ભીંતની નક્કામી ડખલ જ લેખાય અને વેચાણમાં ઘટાડો જ થાય.
જેમ કે ભૂમિ તત્ત્વ આકશ તત્ત્વ બનવાની ગમે એટલી કોશિશ કરે પણ એ સત્વ ન હોવાથી ભૂમિ તત્ત્વ હોવામાંથી ય જાય અને પ્રવાહીના નામના વાજિંત્રો બેસૂરા વાગવા માંડે.
જેમ કે સેવન બજારની અત્યંત જૂની અને જાણીતી પેઢીએ જો ચાલવું હોય તો બહુ જ સલુકાઇ અને દમામથી ચાલવું રહ્યું. હવે આ ઉંમરે જહોનીએ જો ડગ ભરવામાં ગફલત આદરી તો પારોઠના પગલાં જ ભરવા પડશે અને નવા પ્રવાહીઓ નાદારીનો રસ્તો દેખાડશે એ નફામાં… જે સ્ત્રીની જરૂર ડેવિડ કોપરફિલ્ડ કે કે. લાલના કપાતી સ્ત્રીના જાદુના પ્રયોગમાં છે એને અને પ્રવાહીની જાહેરાતને કંઇ જ ન લાગે ના વળગે એ તો જાણી જ લે કાળું ચાલવાવાળા.
જેમ કે વાત સો ટકા સાચી કે બ્રાન્ડ આ દેશની સૌથી પ્રતિષ્ઠિત અને પ્રમાણિક… પણ એમણે જો જીવન વિમા બાબત જાહેરાત આવી રીતે કરવી હોય તો દેશના ૧૪૧ કરોડ લોકો એને સમજી શકે એ માટે એમણે નવનીતની એક ગાઇડ પણ આપવી જોઇએ.
જેમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાહીની એક સસ્તી અને સારી બ્રાન્ડ પણ છે જે ખણખણિયા પૂરતા ન હોય ત્યારે સહેલાઇથી ગળેથી ઉતરી જવાની શાખ ધરાવે છે… પણ એના સેવન માટે જો દીવાલો પર આટલી મુઠ્ઠીઓ પછાડવી પડે તો એના કરતાં ભારતીયતાને સમર્પિત રહેવું હિતાવહ.
જેમ કે ચાલ્યું બચ્ચનનું જોરદાર મોડેલિંગમાં… પણ બાકીની કંપનીઓ (કે બેંકો પણ) બીજા એકટર્સને મોડેલિંગમાં ચલાવાની વાત કરશે તો એકટર્સ ચાલે કે નહીં બૅન્ક બંધ થઇ જશે.
જેમ કે આયુષ્યમાન ખુરાના આટલા રૂપિયા રળ્યા પછીય જો હવે નવી લિગ નહીં લે તો એ નદીને પૈસા આપવાનો હુકમ છોડશે અને નદી એનું કહ્યું નહી માને.
જેમ કે જાહેરાતની દુનિયા ઘોર સ્વાર્થી અને તકવાદી છે. જે સર્વોચ્ચ ક્રિકેટર આખી જિંદગી જે ટાયર બેટને પહેરાવે એ નિવૃત્ત થતાં જ ગાડીના ટાયરની બ્રાન્ડ બદલી નાંખે છે.
જેમ કે એ જાહેરાત આમ તો હળવા પીણાની હતી જેનો સંદેશ હતો કે આ દિલ વધુ (More) માંગે છે, પણ આ વખતે એક બાથરૂમ ફીટીંગ્સની જાહેરાતમાં ઑફિસમાં મોર આવતા દેખાડાય છે, of course સ્વપ્નમાં…ભગવતી શર્માએ કહ્યું હતું કે શહેરમાં મોરના ટહુકાની ઊડેલી મોટી અફવા… એમ.
હવે જેમ કે થોડીક અલગ તરી આવતી સારી એડસ…. જેમ કે બાપા અને દિકરી જે Car insurance ને promote કરે છે એ લેવાય જ… એ જ લેવાય… કારણોમાં એક તો અંગત અનુભવ અને બીજે નંબરે જાહેરાતની ગુણવત્તા-અને comical, creative, innovative તો ખરી જ.
જેમ કે સુંદર ચહેરાઓના સાથ સંગાથનો આનંદ એટલે દ્રાક્ષાસવનું સહસેવન.
જેમ કે એક બાજુ અકાળે સફેદ વાળ ધરાવતા યુવાનને પ્રિયતમાના બાપા ધારી લેવાય ત્યારે ‘છોકરી’ ખાસ બ્રાન્ડના પાણીનો ઘૂંટ ભરે પછી જ ખુલાસો આપવાની હિંમત એનામાં આવે.
અને છેલ્લે મારા અતિ અંગત અવલોકનના બે ખાસ મુદ્દા.
૧. આખો દેશ ગળા અને જીભના કેન્સરના ડરથી પીડાઇ રહ્યો હોય તો ય અતિ મોંઘા ફિલ્મ સ્ટાર્સ દ્વારા થતી ભલે સાદા પણ માવાની જાહેરાત કેન્સરના પ્રોત્સાહન માટે અપાય છે?
૨. જો શરાબનું સેવન નુકસાનકારક જ છે તો એ જ બ્રાન્ડને બીજા કોઇક ઉત્પાદનના અંચળા હેઠળ છુપાવીને કરાતી જાહેરાતોનો પ્રપંચ શા માટે?