ઉત્સવ

જાતે કરવું, જાતે રળવું, જાત વિના સૌ જૂઠું જી, જાતે ઝૂઝવું, જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું જી!

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

સુભાષિત સંસ્કૃત ભાષાનું એક અનોખું ઘરેણું છે. સંસ્કૃતના શ્ર્લોકરૂપે રહેલા સુભાષિતની કલ્પના યજ્ઞ સ્વરૂપે કરવામાં આવી છે. સુભાષિતનું મૂલ્ય સમજાવતો સમજાવતો સંસ્કૃત શ્ર્લોક છે: पृथ्वियां त्रिणी रत्नानि जलम,अन्नम सुभाषितम। मुढै पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते. પૃથ્વી પર ત્રણ જ રત્ન છે જળ, અન્ન અને સુભાષિત. મૂર્ખ લોકો જ પથ્થરને રત્ન તરીકે ઓળખાવે છે. સુભાષિત અને એના જેવા ભાવાર્થની કાવ્યપંક્તિની દુનિયામાં વધુ એક લટાર મારી ભાષા વૈભવની સમૃદ્ધિનો અનુભવ લઈએ. ગુજરાતી માધ્યમમાં ભણવાના જે લાભ હતા એમાંનો એક લાભ હતો ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં સુભાષિતોની હાજરી. આજે દેશ આખામાં આત્મનિર્ભરતાની વાત કરવામાં આવે છે અને એ માટે કોશિશ પણ થઈ રહી છે. આ વાત છઠ્ઠા – સાતમા ધોરણમાં સુભાષિત દ્વારા ભણવામાં આવી હોવાનું સ્મરણ છે. સુભાષિત હતું: જાતે કરવું, જાતે રળવું, જાત વિના સૌ જૂઠું જી, જાતે ઝૂઝવું. જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું જી. આપબળ – જાત મહેનતનો મહિમા ગાવામાં આવ્યો છે. સ્વાવલંબી બની ‘અપના હાથ જગન્નાથ’ ઉક્તિને જીવનમાં ઉતારવી જોઈએ. રળવું એટલે કમાવું. અર્થ પ્રાપ્તિ કરવી અને ઉદ્ધરવું એટલે ઉપર ઊઠવું, વિકાસ કરવો. આવો જ ભાવાર્થ ધરાવતી પંક્તિઓ છે: બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું, સૂતેલાનું દીસે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પણ સાથ ન આપે એ વાત અહીં કરવામાં આવી છે.

આત્મનિર્ભરતા અને પુરુષાર્થ પર પ્રકાશ ફેંકતી એક દ્રષ્ટાંત કથા પણ સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે. એક લાવરી હતી. તે ખેતરમાં માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી. બચ્ચાં હજુ નાનાં હતાં તેથી બચ્ચાંને માળામાં મૂકીને ચણ ચણવા જતી. એક દિવસ લાવરીએ બચ્ચાંઓને કહ્યું, ‘ખેતરનો માલિક જે બોલે તે ધ્યાનથી સાંભળી સાંજે મને કહેજો. આમ કહી તે ચણવા ગઈ. સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાંએ માને કહ્યું, ‘મા, ખેડૂત કહેતો હતો કે કાલે પાડોશીઓ આવશે તો પાક લણી લઈશું. હવે આપણે બીજી સલામત જગ્યાએ જતાં રહીએ?’ લાવરીએ કહ્યું ચિંતા કરવાની જરૂર નથી. એ પાડોશીઓ પર આધાર રાખે છે એટલે મહિનાઓના મહિના નીકળી જશે. કોઈ પાડોશીઓ મદદે આવ્યા નહીં તેથી બોલ્યો, ‘કાંઈ વાંધો નહિ, કાલે મારા સગાઓને પાક લણવા બોલાવી લઈશ.’ વાત સાંભળી લાવરી એટલું જ બોલી કે ખેડૂતે સગા પર આધાર રાખ્યો છે. એથી હજુ કેટલાંય દિવસ સુધી પાક લણાશે નહિ. લાવરી સાચી પડી. પછી ખેડૂતે મિત્રોને બોલાવી પાક લણવાની વાત કરી ત્યારે પણ લાવરીએ હસીને એટલું જ કહ્યું કે ‘ચિંતા કરવાની જરૂર નથી.’ થોડા દિવસ પછી જ્યારે બચ્ચાંઓએ કહ્યું કે ‘મા, આજે તો ખેડૂત ગુસ્સામાં હતો. ઘરવાળીને કહેતો હતો કે, ‘કોઈ ન આવ્યું તો આપણે બે જ કાલે પાક લણીશું.’ ત્યારે લાવરી બોલી કે ’અંતે ખેડૂતે પારકી આશા છોડી આત્મનિર્ભર બનવાનું નક્કી કર્યું છે એટલે કાલે ચોક્કસ પાક લણશે. આપણે આજે જ બીજી કોઈ સલામત જગ્યાએ જતાં રહીએ.’ આમ કહી લાવરી તેનાં બચ્ચાંને લઈ બીજે રહેવા જતી રહી. છે ને આત્મનિર્ભરતાનું ક્લાસિક દ્રષ્ટાંત.

WORDS WITHOUT VOWELS
તમે જો ગુજરાતી માધ્યમમાં ભણ્યા હશો તો તમને સ્વર (અ, આ, ઈ ઉ વગેરે) અને વ્યંજન (ક, ખ, ગ વગેરે) શીખવવામાં આવ્યા હશે અને જો તમે અંગ્રેજી માધ્યમની શાળામાં ભણ્યા હશો તો You must have learnt Consonants (b, c, d etc.) and Vowels (a, e, i, o, u) during primary years. અંગ્રેજી ભાષામાં સ્વર અથવા વોવેલ છે તો ગણીને પાંચ જ પણ એમાંનાં ઓછામાં ઓછા એકની હાજરી વિના ભાષા જગતને ફાંફાં પડે એવી પરિસ્થિતિ છે.Is there a sentence in English without any vowels? ના, અંગ્રેજીમાં કોઈપણ શબ્દ કે વાક્ય સ્વરના ઉચ્ચાર વિના લખી જ ન શકાય. હા, કેટલાક શબ્દો કે નાનકડા વાક્ય વોવેલ વિના લખી શકાય, પણ એ બોલતી વખતે કે એનો ઉચ્ચાર કરતી વખતે સ્વર એટલે કે વોવેલ્સ મદદે દોડી જ આવતા હોય છે. આજે આપણે પાંચ સ્વરની ગેરહાજરીથી બનેલા અંગેજીના કેટલાક ચાર અક્ષરના શબ્દો અને એના અર્થ જાણીએ.

4 Letter Words without Vowels. પહેલો શબ્દ છે Cyst જેનો અર્થ થાય છે શરીરમાં પ્રવાહી સ્ત્રાવ. I was born with cyst in my eyelid. હું જન્મ્યો ત્યારથી જ મારી આંખમાં પાણી રહેતું હતું. બીજો શબ્દ છે Hymn જેનો અર્થ ભજન, સ્તોત્ર થાય છે. On 22nd January, the whole country was agog with Hymns of Prabhu Ram. ૨૨ જાન્યુઆરીએ દેશભરમાં ‘સજા દો ઘર કો ગુલશન સા, અવધ મેં રામ આયે હૈં’ જેવા પ્રભુ શ્રી રામના અનેક શ્ર્લોક અને ભજનનો ગુંજારવ હતો. હવેના સ્વર રહિત શબ્દને પ્રાણી જગત સાથે નિસ્બત છે. Lynx એટલે ટૂંકી પૂંછડીવાળું પ્રાણી. ખાસ કરીને ઉત્તર અમેરિકા અને યુરેશિયા વિસ્તારમાં મળી આવતી જંગલી બિલાડી અત્યંત ટૂંકી પૂંછડી ધરાવતી હોય છે. આ શબ્દ કોમ્પ્યુટર જગતમાં પણ પ્રસિદ્ધ છે જેમાં માત્ર કીબોર્ડની મદદથી ઘણું કામ થઈ શકે છે. હવે જે શબ્દની વાત કરવાના છીએ એ ભારતમાં ખાસ્સો લોકપ્રિય છે. Mythએટલે પ્રાચીન દંતકથા અથવા કલ્પિત વાતો જેને મોટેભાગે ઐતિહાસિક આધાર નથી હોતો. Pushpak Viman is a mythical aeroplane mentioned in mythology. આજનો અંતિમ શબ્દ છે Sync જેનો અર્થ છે એક સાથે કરવું, મેળ બેસવો કે મેળ ખાવો.If ideas are in sync then people are likely to make progress.

मराठी – ગુજરાતી सेम ટુ સેમ

ભૌગોલિક નિકટતા અને ઐતિહાસિક કારણોને લીધે મરાઠી અને ગુજરાતી ભાષામાં કેટલુંક ગજબનાક સામ્ય છે. વ્યાકરણમાં સમાનતા હોવા ઉપરાંત શબ્દભંડોળમાં સુધ્ધાં સામ્ય જોવા મળે છે. અનેક શબ્દ એવા છે જે બંને ભાષામાં સેમ ટુ સેમ છે, માત્ર ફરક છે લખવામાં. મરાઠી દેવનાગરી લિપિમાં લખાય છે જ્યારે ગુજરાતીની પોતાની લિપિ છે. બંને ભાષાની કહેવતો એકબીજાના પ્રતિબિંબ જેવી છે. એક મરાઠી કહેવત છે दुरून डोंगर साजरे જેનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુ દૂરથી સારી જ દેખાય. ગુજરાતી કહેવત ડુંગરા દૂરથી રળિયામણા યાદ આવી ગઈ ને. બીજી મરાઠી કહેવત છે डोंगर पोखरून उंदीर काढणे જે ગુજરાતીમાં ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર તરીકે પ્રચલિત છે. ભારે પરિશ્રમ કર્યા પછી નજીવો ફાયદો થવો એ બંને કહેવતના અર્થ છે. पाण्यात राहून माश्याशी वैर करू नये કહેવત ગુજરાતીમાં પાણીમાં રહીને મગર સાથે વેર ન કરાય તરીકે જાણીતી છે. બંનેનો અર્થ એ જ છે કે જ્યાં રહેતા હોઈએ ત્યાંના માણસો સાથે વેરભાવ ન રાખવો. જોકે, આશ્ચર્ય એ વાતનું જરૂર થાય છે કે મરાઠીમાં માછલી બદલાઈને ગુજરાતીમાં મગર કેમ થઈ હશે? શું ગુજરાતીઓની માણસને ઓળખવાની દ્રષ્ટિ અલગ હશે? जे न देखे रवी ते देखे कवी વાંચી તમે કહેશો કે આ તો આપણી જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ જેવી સેમ ટુ સેમ છે. અલબત્ત અહીં પણ એક બદલાવ એ છે કે મરાઠીમાં રવિ એટલે કે સૂર્યના જોવાની વાત છે જ્યારે ગુજરાતીમાં પહોંચવાની વાત છે. घरोघरी मातीच्या चुली – ઘેર ઘેર માટીના ચૂલા એકબીજાના પ્રતિબિંબ જેવી જ છે. બંનેનો અર્થ પરિસ્થિતિ બધે સરખી જ હોય એ થાય છે.

भरमानेवाले शब्द

ભાષા વૈભવ સમૃદ્ધ કરી એની બારીકી સમજાવતા ભ્રમ યુગ્મના પ્રદેશમાં લટાર આનંદ આપી સમજણ વિકસાવે છે. એમાં આગળ વધીએ. પહેલું ભ્રમયુગ્મ છે पेहली और पहेली: માત્રાના સ્થાનફેરનો નજીવો ફેરફાર છે, પણ અર્થમાં આસમાન જમીન જેટલો જુદો છે. પેહલી એટલે પ્રથમ, પહેલું. मेरा पोता पेहली कक्षा में पढता है. બીજું ઉદાહરણ છે पेहला प्यार, पेहला नशा हमेशा याद रहता है. પહેલી એટલે કોયડો અથવા ઉખાણું. ज़िंदगी वाकई में एक पहेली है. બીજું યુગ્મ છે पाबंद और पैबंद. સાંભળવામાં સામ્ય પણ ભાવમાં કોઈ સામ્ય નહીં. પાબંદ એટલે નિયમબદ્ધ અથવા નિયમિત. लक्ष्य को हासिल करने के लिए वक्त का पाबंद होना बहुत ज़रूरी है. પૈબંદ એટલે થીગડું. बातों का रफूगर हूं पैबंद नहीं लगाता. વાતચીતમાં ખૂટતી કડી ઉમેરી આપું, કપડાને થીગડું મારવાની આદત નથી. पालकी और पालथी યુગ્મમાં ફરક કેવળ અંત્ય અક્ષરનો જ છે. જોકે, પાલકી (ગુજરાતીમાં પાલખી) એક સવારી જેમાં સવાર થયેલી વ્યક્તિ આરામથી બેસી શકે છે અથવા આડે પડખે થઈ શકે છે. હિન્દીમાં डोली, शिविका પણ કહેવાય છે. પાલથી એટલે પલાંઠી. तराजू सामने रखकर दुकानदार पालथी मारकर बैठ गया. હવે જે યુગ્મની વાત આવે છે એમાં સીધું સામ્ય નથી પણ આડકતરો ઈશારો છે. ‘મુંબઈ સમાચાર’ના ચતુર વાચકો સમજી જશે. पाहन और पाहुना. પાહન એટલે  પાષાણ અથવા પથ્થર.પરોણો અથવા મહેમાન. કોઈ પ્રદેશમાં જમાઈને પણ આ સંબોધન કરવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…