ટિટલાગઢનું શિવમંદિર બહાર ભયંકર ગરમી છતાં ઠંડું રહે છે!
હેં… ખરેખર?! -પ્રફુલ શાહ
ભારતના સૌથી ગરમ વિસ્તારોમાં ઓરિસાના બાલનગીરનું નામ આવે. બાલનગીરના કુમ્હાડ પર્વત પર આવેલા ટિટલાગઢમાં એક મંદિર છે. આ શિવમંદિરની વિશિષ્ટતા ખૂબ આશ્ચર્યજનક છે. એના રહસ્યનો તાગ વિજ્ઞાનીઓ આજ સુધી મેળવી શક્યા નથી. આ વણઉકલ્યો કોયડો ક્યારેય ઉકેલાશે ખરો? આ સવાલ તો તર્ક, પુરાવા અને વિજ્ઞાનના સંદર્ભમાં છે. શ્રદ્ધાળુઓ માટે તો આ ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપા છે, ચમત્કાર છે, પ્રસાદ છે અને આશીર્વાદ છે.
આ શિવમંદિર ખૂબ જ પ્રાચીન છે. ખૂબ ખાંખાખોળા કરવા છતાં એ ક્યારે બંધાયું અને કોણે બાંધ્યું એની માહિતી મળતી નથી. સૌથી મહત્ત્વની બાબત છે આ મંદિરની વિશિષ્ટતાની. શું વિશિષ્ટતા છે એમાં? એક તો કુમ્હાડા પર્વતીય વિસ્તાર. સૂરજનો તડકો સીધો માથા પર આવે. પાછા ઠેરઠેર પથ્થર એટલે એ ગરમ થાય અને ઉષ્ણતામાનમાં વધારો કરે. આ બધુ સ્વાભાવિક છે. આ કારણોસર જ 2022માં ભારતના સૌથી ગરમ વિસ્તારોમાં બાલનગીર જિલ્લાનો સમાવેશ થયો હતો.
અહીં સુધી બધું સરળ અને સમજાય એવું છે, પરંતુ આ પર્વત પર આવેલા મંદિરમાં તમે પગ મૂકો કે તરત જ આનંદ અને આશ્ચર્ય થાય. મંદિરની અંદર ખૂબ જ ઠંડક લાગે. કહેવાય છે કે બહાર જેમ જેમ ગરમી વધતી જાય એમ એમ મંદિરની અંદર ઠંડી વધતી જાય. ના પરિસરમાં કે મંદિરમાં સેન્ટ્રલી એસી નથી કે નથી ક્યાંય કોઈ કુલર. ભોળાનાથ અને પાર્વતીનો ચમત્કાર ગણાવવા સામે કહે છે કે ક્યારેક બહાર ગરમી વધી જાય તો અંદર ખૂબ ઠંડી લાગે ધાબળો ઓઢવાની જરૂર પડે. આવું શું કામ થાય છે એ શોધવાના અનેક પ્રયાસ થયા પણ આજ સુધી કોઈને કારણ હાથ લાગ્યું નથી.
ભેદી આધ્યાત્મિક ચેતનાના મંદિર તરીકે પણ ઓળખાતા આ શિવ-પાર્વતી મંદિરના પૂજારી દૃઢતાપૂર્વક કહે છે કે ભોલાનાથ-પાર્વતી માતાની મૂર્તિમાંથી આવતી ઠંડી હવાને લીધે મંદિરમાં હવામાન એકદમ આહ્લાદક અને કુલ કુલ રહે છે. કોઈકને આ સ્થળ રહસ્યમય લાગે છે, તો અન્ય એને ચમત્કારનો સાક્ષાત અનુભવ ગણે છે. આશ્ચર્યની બાબત એ છે કે મંદિરમાં ઠંડક અનુભવવા મળે પણ પરિસરની બહાર નીકળ્યા કે તરત કાળઝાળ ગરમી ઘેરી વળે. જૂનમાં બહાર 55 ડિગ્રી સેલ્સિયશ જેટલી ગરમી હોય ત્યારે મંદિરની અંદર ઠંડકથી ધ્રૂજારી અનુભવાય.
રોજ સવારે છ વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ અનોખા મંદિરના દર્શને જવું હોય તો શું કરવું? ટે્રન કે મોટરમાં બાલનગીર પહોંચી શકાય છે. ત્યાંથી બસ, ટેક્સી કે અન્ય વાહન મળી શકે. હવાઈ માર્ગે જવું હોય તો બાલનગીર પહોંચવા માટે છત્તીસગઢના રાયપુરમાં આવેલું સ્વામી વિવેકાનંદ એરપોર્ટ સૌથી નજીકમાં પડે. એ 240 કિ.મી. દૂર છે. એ ફ્લાઇટની ટિકિટ ન મળે તો ઓરિસાના ભુવનેશ્વરમાં આવેલા બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ જઈ શકાય. પણ અહીંથી બાલનગીર જવા માટે 340 કિ.મી.નું અંતર કાપવું પડે. હા, ભુવનેશ્વરથી બાલનગીર કે ટીટલાગઢ સુધી જવા માટે ટેક્સી મળી જાય. અને હા, ટિટલાગઢમાં જોવા લાયક સ્થળોમાં ચમત્કારિક શિવમંદિર ઉપરાંત રાધા-કૃષ્ણ મંદિર, પાટણોશ્વર મંદિર, રાણીપુર મંદિર અને ધાબળેશ્વર મંદિર પણ છે. તો ક્યારે બનાવો છો ગરમીમાં ઠંડીનો પ્રસાદ મેળવવાનો પ્રોગ્રામ?