ઉત્સવ

ફાઇલનું તાક ધિના ધિન : પૈસા ફેંકો તમાશા દેખો ! 

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: ઘણીવાર ‘તન-મન’થી નહીં ‘ધન’થી સેવા થાય. (છેલવાણી)

રાતે ભારે વાવાઝોડું આવવાથી સચિવાલયનાં બગીચામાં જાંબુનું ઝાડ પડી ગયું. સવારે માળીએ જોયું કે ઝાડ નીચે એક માણસ દબાયેલો હતો. માળીએ બૂમાબૂમ કરી એટલે પ્યૂન, ક્લાર્ક, ઓફિસરો ભેગા થયા.  ‘જુઓ તો જીવે છે કે ગયો?’, માળી બોલ્યો.‘જીવું છું’, ઊહકારા સાથે પેલા માણસે કહ્યું.  ‘પણ ઝાડ ખસેડીને આને બચાવવોનું અઘરું કામ છે.’ પ્યૂને કહ્યું. 

‘અઘરું કેમ? સુપ્રિન્ટેન્ડેન્ટસાહેબ ઑર્ડર આપે તો આપણે ઝાડ ખસેડીને ખેંચી કાઢીએ.’ બીજા ક્લાર્કે કહ્યું. ક્લાર્કે સુપ્રિન્ટેન્ડેન્ટને વાત કરી તો એમણે ઘટનાની ફાઇલ બનાવીને અંડર-સેક્રેટરીને દેખાડી. અંડર-સેક્રેટરી ડેપ્યુટી-સેક્રેટરી પાસે ગયો ને ડેપ્યુટી પછી જોઈન્ટ-સેક્રેટરી પાસે ગયો. જોઇંન્ટ-સેક્રેટરી, ચીફ-સેક્રેટરી પાસે, અને ચીફ-સેક્રેટરી મિનિસ્ટર પાસે પહોંચ્યો. આમ ફાઇલ અડધા દિવસ સુધી ફરતી રહી.

ઝાડ પાસેનાં ટોળાએ સરકારી મંજૂરીની વિના જ ઝાડ ખસેડવાનું શરૂ કર્યું, એટલામાં સુપ્રિટેન્ડન્ટે સૌને અટકાવીને કહ્યું, ‘ઝાડને આપણાંથી ના અડાય! એ કૃષિ-ખાતામાં આવે છે!’  કૃષિ-ખાતાએ કહ્યું, ‘ઝાડ, વાણિજ્ય-ખાતાના બાગમાં પડયું છે એટલે એને ખસેડાવાની જવાબદારી અમારી નથી!’


Also read: અનંતરાય ઠક્કરની ‘શાહબાઝ’ ગઝલો


બધા મૂંઝાયા ત્યારે ઝાડ નીચે દબાયેલો માણસ બોલ્યો, ‘હમને માના કિ તગાફૂલ (ઉપેક્ષા) ન કરોગે લેકિન, ખાક હો જાયેગેં હમ, તુમકો ખબર હોને તક!’

આ સાંભળતા જ માળી બોલ્યો, ‘ઓહો, શાયર છો?’ પછી તો થોડી જ વારમાં વાત ફેલાઈ ગઈ કે દબાયેલો માણસ શાયર છે! ત્યારે સચિવાલયની સબ-કમિટીએ કહ્યું ‘દબાયેલ માણસની ફાઇલ સાથે તો સાંસ્કૃતિક-ખાતાનો મામલો છે.’

સાંસ્કૃતિક ખાતામાંથી ફરતી ફરતી ફાઈલ, સાહિત્ય એકેડેમી પાસે પહોંચી. સા.અકા.સેક્રેટરીએ ઝાડમાં દબાયેલાને પૂછ્યું, ‘તમારું નામ શું છે?’ ‘ઓસ…’ ‘ઓહ! તમે પેલા કવિ ઓસ’ છો જેનો ‘ઓસનાં ફૂલ’ કાવ્ય-સંગ્રહ હમણાં જ આવ્યો?’

કવિએ ‘હા’ પાડી તો અકાદમીનાં સેક્રેટરીએ પૂછ્યું, ‘સાહિત્ય અકાદમીનાં મેમ્બર છો?’ ‘ના.’‘ઓહ! આટલા મોટા કવિ ને આમ ગુમનામીનાં અંધાર્યા ખૂણાંમાં પડ્યા છો?’

‘ખૂણામાં નહીં, અત્યારે તો ઝાડ નીચે પડ્યો છું. પ્લીઝ બચાવો.’‘હમણાં વ્યવસ્થા કરું’, કહીને સેક્રેટરીએ ફાઇલ સાંસ્કૃતિક ખાતામાં આપી. 

બીજા દિવસે સેક્રેટરીએ શાયરને મીઠાઇ ખવડાવીને પત્ર આપતાં કહ્યું, ‘અભિનંદન, સાહિત્ય એકેડેમીએ તમને ખાસ સભ્ય બનાવ્યા છે.’‘પહેલાં મને અહીંથી તો કાઢો!’, માણસ બરાડ્યો. 

‘આ કામ ફોરેસ્ટ ખાતું કરશે. મેં અરજન્ટ લખીને ફાઇલ મોકલી.’જંગલખાતાના માણસો ઝાડ કાપવાના જ હતા એટલામાં ઉપરથી ઓર્ડર આવ્યો કે ૧૦ વરસ પહેલાં ફોરેનનાં કોઇ પ્રધાનમંત્રીએ ઝાડ વાવેલું, જો એ ઝાડ કપાય તો એ દેશ સાથેના આપણા સંબંધો પણ કપાય! માટે આમાં વડા પ્રધાનની મંજૂરી જોઇએ. 


Also read: કોઈ અવાજ કર્યા વિના, રોબોટ ક્રાંતિની ટોચ પર ઊભું છે ભારત


પી.એમ.ના સેક્રેટેરીએ જણાવ્યું: ‘પી.એમ, સવારે જ વિદેશ પ્રવાસેથી આવ્યા છે. સાંજે ૪ વાગે વિદેશખાતું, એમને ફાઇલ દેખાડશે.’ સુપ્રિન્ટેન્ડેન્ટે સાંજે ૫ વાગે ખુશખબરી આપી: ‘વડા પ્રધાને ઝાડ કાપવાની મંજૂરી આપી..હાશ, આજે એક ફાઈલ ખતમ!’ -પણ ત્યાં સુધી તો શાયરના જીવનની ફાઈલ પણ ખતમ!.. ઉર્દૂ લેખક કૃશનચંદરની ૭૦ વર્ષ પહેલાંની ‘જામુન કા પેડ’ વ્યંગ-કથા જેવું જ સરકારી તંત્ર હંમેશથી ચાલ્યું આવે છે.

ઇન્ટરવલ:

જબ તક હમ મૂર્ખ ઝિંદા હૈં,

તબ તક તુમકો કિસકા ગમ હૈ?

 (પં. ગોપાલપ્રસાદ વ્યાસ)

હમણાં કેન્દ્રીય-મંત્રી નીતિન ગડકરીજીએ પૂનાનાં કોલેજ-ફંક્શનમાં એક ધારદાર નિવેદન આપ્યું: ‘સરકારી વિભાગોની ફાઈલો, એના પર મૂકવામાં આવેલા વજન(એટલે કે પૈસા એમ વાંચો) પ્રમાણે આગળ વધે છે. સિસ્ટમમાં કેટલાંક ‘ન્યૂટનના બાપ’ છે! દેશની સિસ્ટમમાં પૈસાનું વજન મુકાય તો ફાઇલ હલે ને ઝડપથી કામ થાય!’ 

વાત આજની નથી, સરકારો આવે ને જાય પણ ફાઇલોને એક ટેબલથી બીજા ટેબલ સુધી ‘અંડર-ટેબલ’ ધક્કો મારવો જ પડે. જેટલો વાંદરામાંથી આપણને માણસ બનવામાં સમય લાગેલો એટલો જ સમય એક ટેબલથી બીજા ટેબલ પર ફાઇલ પહોંચવામાં લાગે, આપણે ત્યાં ફાઇલો ચલાવવી ફૂલટાઇમનો બિઝનેસ છે. જેની સરકારી ખાતાંઓથી લઇને મિનિસ્ટરો સુધી ઓળખાણ હોય એ જ માણસ કેશ ને કોન્ટેક્ટ્સ દ્વારા ફાઇલ ચલાવવાની ‘સૂક્ષ્મ કળા’ કરી શકે,  પણ આ કામમાં સત્તા સાથે સંબંધો સાચવવાની વિદ્યા શીખવી પડે. મંત્રાલયોની ‘કુંજગલીમાં કેશ’ની કૂંજી લઇને અદ્રશ્ય બનીને ઘૂસતા-ફરતા તમને આવડવું જોઇએ. .

એક સરકારી ઓફિસમાં નવો ક્લાર્ક આવ્યો. પહેલા જ દિવસે સાહેબે એને જૂની ફાઇલ શોધવા કહ્યું. પુરાતત્ત્વ શાસ્ત્રીઓ જૂનાં અવશેષો શોધે એમ નવા કલાર્કે ફાઇલ શોધી કાઢી, પણ ફાઇલને કબાટમાંથી કાઢવા ખેંચી તો એ બહાર જ ના નીકળે! એણે ખૂબ જોર કર્યું. આસપાસની ફાઇલોનો હલાવી જોઇ પણ પેલી ફાઇલ ના હલી તે ના જ હલી. 

આ જોઇ જૂના સીનિયર કલાર્કે કહ્યું, ‘૫૦૦ની નોટ છે?’ 

‘કેમ?’, નવા કલાર્કે પૂછ્યું. 

‘શુકન આપ્યાં વિનાં નવી વહુ પણ ઘુંઘટ નથી ખોલતી ને આ તો જૂની ફાઇલ છે. ૫૦૦ રૂ. દેખાડ!’ પેલાંએ ૫૦૦ની નોટ દેખાડી, જેવાં ગાંધીજીનાં દર્શન થયા કે કબાટમાંથી ફાઇલ જાતે જ બહાર કૂદી. 

સરકારી ખાતાંઓમાં ફાઇલ શોધવાનાં, ફાઇલ પાસ કરવાનાં કે કદી તો ફાઇલ ગાયબ કરવાનાં,….અલગ અલગ ભાવ ચાલે. ઘણીવાર લાલ રિબીનોથી બંધાયેલી સરકારી ફાઇલો વરસો સુધી એમનાં પ્રેમીઓનાં ઇંતેજારમાં કુંવારી જ પડી પડી ઉધઇનાં પેટમાં જતી રહે, પણ ઘણી ફાઇલો સરકારી બાબુઓ કે મંત્રીઓનાં સુંવાળા સ્પર્શથી ખીલી ઊઠે. ફાઇલ, મનમાં મલકાઇને વિચારે, ‘હાશ, હવે ખાવા-અગાઉ એક ગુજરાતી ફિલોસોફિકલ કવિતા વાંચેલી: ‘માઇલોના માઇલો, હું મારી અંદરને અંદર..’ આમાં ‘માઇલ’ને બદલે ‘ફાઇલ’ શબ્દ મૂકીને ફાઇલોની ફાઇલો, ‘અમે અંદરને અંદર!’ એમ બને. ફાઇલો’ કમાલની કબ્રસ્તાનો છે જયાં સરકારી તપાસનાં રિપોર્ટો કે કહેવાતાં ઇમાનદારોની ઇજ્જત દફન હોય છે.

એન્ડ ટાઇટલ્સ:

આદમ: આઇ લવ યુ. 

ઈવ: ગિફ્ટ લાવવાનું ભૂલી ગયોને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker