ઉત્સવ

બ્રિટિશ કાળના ત્રણ ફોજદારી કાયદા બદલાયા, પણ … હવે બંધારણના વિરોધાભાસ દૂર કરવા જરૂરી…

કાયદા-કલમ બદલવાથી કશું થતું નથી. એનો કડક અમલ જરૂરી છે… છેતરપિંડીની કલમ ‘ચારસો વીસ’ તો ગઈ, પણ ‘ચારસો વીસી’ જશે ખરી?!

કવર સ્ટોરી -વિજય વ્યાસ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મોટું પગલું ભરીને ૩ નવા કાયદા અમલી બનાવી દીધા. ’સાપ ગયા પણ લિસોટો રહ્યા’ એમ અંગ્રેજો ભલે ગયા પણ તેમના સમયથી અમલી કાયદા અને કાયદાકીય પ્રક્રિયા ભારતમાં ચાલુ હતા. આ કાયદા અને કાનૂની પ્રક્રિયા બદલવાની દિશામાં એક મોટું પગલું ભરીને મોદી સરકારે ૩ નવા ક્રિમિનલ બિલ બનાવ્યાં હતાં. ધ ભારતીય ન્યાય (સેક્ધડ) સંહિતા ૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા (સેકંડ) સંહિતા ૨૦૨૩ અને ભારતીય સાક્ષ્ય (સેક્ધડ) સંહિતા બિલ ૨૦૨૩ એ ત્રણ નવા કાયદા ૧ જુલાઈ, ૨૦૨૪થી અમલી બનતાં દેશમાંથી અંગ્રેજોના સમયની વધુ એક નિશાનીને ભૂંસી નાખવામાં આવી છે.

ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી) અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ (આઈઈએ) આપણે ત્યાં આઝાદી પહેલેથી અમલમાં હતા. ઈન્ડિયન એવિડન્સ એક્ટ (આઈઈએ) ૧૮૭૨માં અમલમાં આવેલો, જ્યારે ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી) તો તેનાથી પણ જૂનો એટલે કે ૧૮૬૦નો કાયદો છે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી) ૧૯૭૩માં અમલી બનેલો પણ એ જૂના અંગ્રેજોના વખતના કાયદા પર આધારિત હતો.

હવે ત્રણ નવા કાયદા અમલી બન્યાં તેમાં ઈન્ડિયન એવિડન્સ એક્ટના સ્થાને ભારતીય સાક્ષ્ય (સેક્ધડ) સંહિતા એક્ટ, ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી)ના સ્થાને ધ ભારતીય ન્યાય (સેક્ધડ) સંહિતા ૨૦૨૩ જ્યારે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી)ના સ્થાને ભારતીય નાગરિક સુરક્ષા (સેકંડ) સંહિતા ૨૦૨૩ અમલી બન્યા છે. મોદી સરકારે બ્રિટિશના કાળના જરીપુરાણા ને ઘણા કાયદા અત્યંત હાસ્યાસ્પદ થઈ ગયેલા કાયદાને બદલીને

એક પ્રશંસનિય પહેલ કરી છે. મોદી સરકારે આ ત્રણેય કાયદાને સ્થાને આજના જમાનાને અનુરૂપ નવા કાયદા અમલી બનાવ્યા છે. મોદી સરકારે નવા કાયદા બનાવ્યા તેની પ્રશંસા કરવી જોઈએ પણ આ દિશામાં હજુ ઘણું કરવાનું બાકી છે. આપણે ત્યાં સેંકડો કાયદા એવા છે કે જે બદલવાની જરૂર છે.

આજ રીતે દેશના બંધારણમાં પણ ઘણી વિરોધાભાસી જોગવાઈઓ છે કે જેમને કાઢી નાખવાની કે પછી તેમાં મોટા ફેરફારની જરૂર છે ને હવે પછી આ કામગીરી હાથ ધરાવી જોઈએ.

મોદીએ આ મામલે મોટી મોટી વાતો કરેલી પણ ખાસ નોંધપાત્ર કશું કર્યું નથી. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ના ચૂંટણી પ્રચારમાં આ મુદ્દો ઉઠાવીને કહેલું કે, હાલમાં અસ્તિત્વમાં છે એવા અર્થહીન કાયદાઓથી દેશને છુટકારો અપાવવાનું એમનું મિશન છે. દેશમાં અમે એક નવો કાયદો બનાવીશું તો સામે આવા દસ નકામા કાયદા નાબૂદ કરીશું….’ મોદી વડા પ્રધાન બન્યા પછી પહેલી વાર અમેરિકા ગયા ત્યારે મેડિસન સ્ક્વેરની સભામાં નરેન્દ્ર મોદીએ કહેલું કે, આપણે ત્યાં અંગ્રેજોના વખતના કેટલાય કાયદા એવા છે કે જેની વાત આજે સાંભળીએ તો હસવું આવે અને હું રોજ આવો એક કાયદો નાબૂદ કરવા માગું છું.

મોદી સરકારે શરૂઆતમાં ભારે ઉત્સાહ બતાવીને એક બિલ પસાર કરીને એક સામટા ૩૬ આવા નકામા કાયદા રદ પણ કરી નાખેલા. ગુજરાતી ‘આરંભે શૂરા’ એવું કહેવાય છે ને મોદીના કિસ્સામાં એ વાત સાચી પડી. મોદી આરંભે શૂરા સાબિત થયા ને આ ઉત્સાહ પછી ના ટક્યો. મોદીનું નકામા કાયદા નાબૂદ કરવાની ઝુંબેશ અટવાઈ જતાં હજુય સેંકડો નકામા કાયદા આ દેશમાં અસ્તિત્વમાં છે.

લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ભવ્ય જીત પછી મોદી સરકારે બંધારણની કલમ ૩૭૦ અ ૩૫ એ નાબૂદ કરીને ફરી નકામા કાયદા નાબૂદ કરવાનું અભિયાન શરૂ કરવાની આશા જગાવેલી. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ અને જમ્મુ તથા કાશ્મીરના નાગરિકોને ખાસ અધિકારો આપતી કલમ ૩૫ કલમો સમાનતાના મૂળભૂત અધિકારની મજાક ઉડાવનારી હતી. મોદી સરકારે આ બંને કલમ દૂર કરીને સારું કામ કર્યું પણ પછી પાછા ઠંડા પડી ગયા. મોદી પાછું એ મિશન ન હાથ ધરે તો બિનજરૂરી કાયદા નાબૂદ થાય ને આપણું બંધારણ જમાનાને અનુરૂપ બને. મોદીએ તો રોજનો એક નકામો
કાયદો નાબૂદ કરવાનો હુંકાર કરેલો. આપણે રોજ એક નકામો કાયદો દૂર થાય એવી આશા રાખતા નથી, પણ વરસમાં સો કાયદા પણ નાબૂદ થાય તો પાંચ વરસમાં આપણું બંધારણ સંતુલિત બને ને હાસ્યાસ્પદ ના લાગે.

મોદી બીજું કંઈ ના કરે પણ કમ સે કમ બંધારણના વિરોધાભાસ દૂર કરે તો પણ ઘણું છે. ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટું બંધારણ મનાય છે પણ તેમાં ઘણી ખામીઓ છે એવું બંધારણીય નિષ્ણાતો જ કહે છે. આપણું બંધારણ વિરોધાભાસી જોગવાઈઓથી ભરેલું છે. અત્યાર સુધીમાં આપણા બંધારણમાં કુલ ૧૦૩ સુધારા થયા છે, છતાં બંધારણ ખામીયુક્ત રહી ગયું કેમ કે, મોટા ભાગના સુધારા રાજકીય કારણોસર થયા છે.

આપણી ખરી જરૂરિયાત વિરોધાભાસી જોગવાઈઓને દૂર કરવાની છે કેમ કે આ જોગવાઈઓ બંધારણે આપેલા મૂળભૂત અધિકારોનો ભંગ કરનારી છે.

ઉદાહરણ તરીકે, આપણા બંધારણની કલમ ૧૪ અને ૨૧ હેઠળ દેશનાં તમામ લોકોને જ્ઞાતિ, ધર્મ, જાતિ, રંગ સહિતના તમામ માપદંડ હેઠળ સમાનતાનો મૂળભૂત અધિકાર અપાયો છે ત્યારે પર્સનલ લો બનાવીને એ અધિકારોનો ભંગ કરાયો છે.

આપણે ત્યાં દરેક ધર્મના લોકોની અંગત બાબતો માટે અલગ અલગ કાયદા છે. આ કાયદા સમાનતાના અધિકારનો છેદ ઉડાવી દે છે. હિંદુ મેરેજ એક્ટ હેઠળ હિંદુઓને એક લગ્નની છૂટ આપે છે પણ મુસ્લિમ પર્સનલ લો મુસ્લિમ પુરુષોને ચાર પત્નીઓ રાખવાની છૂટ આપે છે. હવે તમે જ કહો કે સમાનતાની વાત ક્યાં આવી ? આ ધર્મના આધારે ભેદભાવ થયો કે નહીં? મુસ્લિમોમાં પુરુષને ચાર પત્નીની છૂટ છે પણ સ્ત્રીને એવી છૂટ નથી. આ જાતિ કે લિંગના આધારે ભેદભાવ થયો કે નહીં?

આ તો એક ઉદાહરણ આપ્યું પણ આવા તો કેટલાય કાયદા છે. એક ધર્મનાં લોકો માટે અલગ કાયદો ને બીજાં ધર્મનાં લોકો માટે અલગ કાયદા એ બંધારણે આપેલા સમાનતાના મૂળભૂત અધિકારનો ખુલ્લો ભંગ છે પણ એ ભંગ મતબૅંકના રાજકારણને કારણે થયા જ કરે છે. આપણા બંધારણમાં સમાન સિવિલ કોડની જોગવાઈ છે પણ મતબૅંકના રાજકારણના કારણે તેનો અમલ થતો નથી. એ પણ બહુ મોટો વિરોધાભાસ છે.

આ પ્રકારની ઘણી વાતો આપણા બંધારણમાં છે. આ ખામીઓ દૂર કરવા કેન્દ્ર સરકારે બંધારણ અને મહત્ત્વના કાયદાઓની સમીક્ષા કરવા બંધારણીય પંચ રચવું પડે. બિનરાજકીય અને બંધારણીય નિષ્ણાતોનું બનેલું પંચ અર્થહીન જોગવાઈઓ અને કાયદા દૂર કરવાની અને તેના સ્થાને આજના જમાના પ્રમાણેના કાયદા ઘડવા ભલામણો કરે. સંસદ તેના પર ચર્ચા કરીને સુધારાવધારા સાથે તેને મંજૂરી આપે તો આપણું બંધારણ સરખું થાય.

અત્યારે તો વિરોધાભાસી જોગવાઈઓ તથા કાયદાના કારણે ન્યાયતંત્રનો સમય બગડે છે અને આપણે હાસ્યાસ્પદ લાગીએ છીએ એ સ્થિતિ બદલવી જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button