ઉત્સવ

ત્રિકોણના ત્રણ ખૂણા

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

“રૂચિતા, ચલો જલદી, મોડું થાય છે. મનિષા જોષી અકળાઈને બોલી.

“મમ્મા, તું ઓલવેઝ ગુસ્સો કરે છે. મને તારી સાથે વકીલઆંટીની ઓફિસમાં આવવું ગમતું જ નથી. પપ્પા અને તું બંન્ને ત્યાં ખૂબ સિરિયસ થઈ જાઓ છો, હું પણ ગભરાઈ જાઉં છું. બાર વર્ષની દીકરી રૂચિતાએ આંખમાં આંસુ લાવતાં કહ્યું.

“રૂચિ, તું આમાં કંઈ ન સમજે. પણ ઈટસ અવર હાર્ડ લક. જે હશે તે આજે તો આખરી ફેંસલો આવી જશે. કહેતાં મનીષા ડોકયુમેન્ટસની ફાઈલ ગોઠવવા લાગી.

“મમ્મા, તું કેમ અપસેટ છે? હું છું ને તારી સાથે, બટ, આય લવ માય પાપા. પાપા ગ્રાન્ડ પાપાને ઘરે રહેવા જતા રહ્યા છે, મને એ ગમતું નથી. એમને મારા વગર ગમે કેવી રીતે ગમતું હશે?
મમ્માની આંખમાં આસું જોતા રૂચિ ચૂપ થઈ ગઈ.

ત્યાં જ વકીલ મેડમ અગ્રવાલે ફોન પર જણાવ્યું- “મનિષા, કદાચ આજે જ જજમેન્ટ આવી જશે, કારણકે જજસાહેબ પછી લોંગલીવ પર જાય છે.

“મેડમ, હું ટાઈમસર આવી જઈશ. મારે હવે કેસ પ્રોલોંગ નથી કરવો. રિયલી આય કાન્ટ કેરી ધીસ બર્ડન ફોર લોંગ ટાઈમ. મનિષાએ અકળામણ ઠાલવતાં કહયું.

“મનિષા, રિલેક્ષ. નાવ અ ડેઝ ડાયવોર્સ ઈસ વેરી કોમન. કહેતાં અગ્રવાલ મેડમે ફોન મૂકી દીધો.

ર રનાવ અ ડેઝ ડાયવોર્સ ઈસ વેરી કોમન, બટ્, એ જિંદગીભરની સજા પણ છે. જેને હ્રદયના અતલઊંડાણથી પ્રેમ કર્યો હોય એનાથી જોજનો દૂર ફેંકાઈ જવાનું? કારણ શું, તો કહે સંબંધોમાં અવિશ્ર્વાસ અને બેવફાઈના શૂળ. જેના વગર હું શ્ર્વાસ પણ લઈ શકતી ન હતી- એની સામે હું ત્રણ વર્ષથી લડત આપી રહી છું. શા માટે? ડોયવોર્સ લેવા.

શું રૂપેન મને ભૂલી શકશે? એ તો મોટો બિઝનેસમેન અને દોમદોમ સાહ્યબી, પણ જીવન તો સૂકા રણ જેવું જ ને! તેને ખબર છે, આપણી દીકરી કેટલી હિજરાય છે.

રૂચિતા રડમસ અવાજે બોલી ત્યારે મનિષાને ખ્યાલ આવ્યો કે પોતે રૂપેનના જ વિચારોમાં ખોવાઈ ગઈ હતી. “મમ્મા, હું વકીલઆંટીને કહીશ કે આપણા પાપાને ઘરે પાછા આવવાનું કહે. મારે તો મમ્મા અને પાપા બન્ને સાથે રહેવું છે.

રૂચિરાની વાતને અટકાવતાં મનિષા બોલી- “રૂચિ, આ બધું સમજવા તું નાની છે બેટા. આય લવ યુ બેટા, તું જ મારી શક્તિ છે. કહેતાં મનિષાએ રૂચિને હ્રદયસરસી ચાંપી દીધી.

મનિષાએ કંસ્ટ્રકશન કંપનીની પોતાની સેક્રરેટરી જુલીને ફોન કરીને જણાવ્યું કે કોઈ પાર્ટી આવે તો તું અને પ્રદીપ એટેન્ડ કરજો. આજે મારી ડેટ છે, ખબર નહીં કેટલા વાગશે. આટલું બોલતાં મનિષાનો અવાજ રૂંધાવા લાગ્યો. પોતાની લાગણી છુપાવવા એણે ફોન કટ કર્યો.

મુંબઈ કોર્ટ-નં ૧૯માં મનિષા અને રૂપેનના ડાયવોર્સ કેસના અંતિમ ચરણનો આરંભ થયો.

જજસાહેબે કહ્યું:- “ફેમિલી કોર્ટના સેશનની પાંચ બેઠકો, બન્ને પક્ષે કાઉન્સિલિંગ તથા હીયરિંગ થયા બાદ તમે બન્ને મારા પ્રશ્ર્નનો ફાઇનલ ઉત્તર આપો, તમારે ડાયવોર્સ લેવા જ છે? શું તમારા લગ્નજીવનને એક ચાન્સ આપવા તૈયાર છો?

મનિષા રૂચિરાને જોઇ રહી.

બાજુની બેંચ પર પોતાના મિત્ર સાથે બેઠેલો રૂપેન પણ ગંભીર થઈને હારેલા યોદ્ધાની જેમ મનિષા ભણી જોઈ રહ્યો હતો.

સંસ્મરણોનું ધુમ્મસ મનિષાની આંખ સામે છવાઈ ગયું. તેનો કૉલેજીયન પ્રેમી રૂપેન જાણે હાથમાં લાલ ગુલાબ પકડીને, કહી રહ્યો છે:- “વીલ યુ બી માય વેલેનટાઈન ગર્લ?

ત્યાં જ જજસાહેબનો અવાજ- “મિસિસ જોષી, શું તમે તમારા લગ્નજીવનને બચાવવા ઈચ્છો છો?

રૂપેનની નજર મનિષા પર જ મંડાયેલી હતી. કૉલેજકાળનું એ રોમેન્ટિક ગીત- તેરે ચહેરે સે, નજર નહીં હટતી… પણ આજે મારી મનિષાના ગૌરમુખ પર શોભતા કંકુના લાલ ચાંદલાને કયું ગ્રહણ લાગી ગયું છે.

મનિષાના મનમાં પણ દ્વંદ્વયુદ્ધ શરૂ થયું. એક તરફ રૂચિતાનું દુ:ખ, સિંગલ મધરના પડકાર, જયારે બીજી તરફ કદી ન ભૂલી શકાય તેવી રૂપેનની બેવફાઈ. એના મનમાંથી શબ્દો પડઘાયા- નો કોમ્પ્રોમાઈસ- કેટલીક ભૂલો અક્ષમ્ય હોય છે. મનિષાની એક આંખમાં વિષાદના આંસુ હતા જ્યારે બીજી આંખમાં આક્રોશના અંગારા… ના,ના હું એની સાથે હવે રહી જ ન શકું.

મનિષાને આંખે અંધારા આવવા લાગ્યાં. રૂચિતા ઊભી થઈ ગઈ. મમ્મા, શું થાય છે? પછી બૂમ પાડતાં કહ્યું, “પાપા, જુઓને મારી મમાને શું થાય છે?

રૂપેન ઊભો થઈને મનિષા તરફ જતો હતો, પણ અગ્રવાલ મેડમે હાથના ઈશારા વડે બેસી જવા કહ્યું.

મનિષાની મનોદશા અને રૂચિતાની વેદના જોઈ જજસાહેબે કહ્યું: “ત્રણ અઠવાડિયા પછીની ડેટ આપું છું.

“ના,ના, સાહેબ આજે જ, હું સ્વસ્થ છું આય એમ ઓલ રાઇટ.. આય કાન્ટ લીવ વીથ રૂપેન… મનિષા વધુ બોલી ન શકી.

“મારે કોની સાથે રહેવાનું છે? રૂચિતાએ રડમસ અવાજે કહ્યું.

મનિષા-રૂપેન અને રૂચિતાનું કુટુંબ ત્રિકોણના ત્રણ ખૂણાની જેમ વિખૂટું પડી ગયું.

ત્રણેય થયા દુ:ખિયારા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button