ઉત્સવ

આ કાઠિયાવાડી ચા હવે દુબઈમાં પણ ધૂમ મચાવશે

દર્શન દાસાણી

ચા કાં તો ઘરમાં બને અને કાં તો ટપરી પર વેચાય. અથવા તો જ્યાં બધુ જ વેચાતું હોય તેવી હોટેલોમાં મોંઘીદાટ ચા મળે. ચાના કોઈ દિવસ કાફે હોય..?ન હોય. તો જે ન હોય તે ઊભું કરવાને તો વેપારીબુદ્ધિ કહેવાય ને. આ વાત સમજવા માટે દર્શનભાઈને ઘણો સમય લાગ્યો અને ૨૦૧૩માં ટી પોસ્ટનો જન્મ થાય તે પહેલા અલગ અલગ ધંધા અને ખેતી સુધ્ધાં કરી નાખી.

મુંબઈ સમાચાર ટીમ
આપણા લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ એક સમયે રેલવે સ્ટેશન પર ચા વેચતા અને આજે વિશ્ર્વના સૌથી સક્ષમ અને મજબૂત નેતા બની દેશને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે. ચા હવે ાવકાસનું પ્રતિક બની ગયું છે.

જોકે આપણે જે ચાવાળાની વાત કરવાના છીએ તેમણે આ ધંધાને એક નવો જ રંગ આપ્યો છે. શરૂઆતમાં અનેક મુશ્કેલીઓ વેઠી અને તે સાથે મિત્રોની ટીખ્ખળ અને ટીકા પણ સહન કરી. પણ સૌરાષ્ટ્રમાં જન્મેલા આ યુવા ઉદ્યોગસાહસિકે પોતાના મનની વાત સાંભળી ને આજે કરોડોની કમાણી કરે છે અને સેંકડોને નોકરી આપે છે. તો ચાલો આપણે મળીએ અમરેલીના આ ચાવાળાને જેમનું નામ છે દર્શન દાસાણી અને જેમની ટી પોસ્ટમાં તમે ચોક્કસ ચાની ચુસ્કીઓ લીધી જ હશે.

ચા કાં તો ઘરમાં બને અને કાં તો ટપરી પર વેચાય. અથવા તો જ્યાં બધુ જ વેચાતું હોય તેવી હોટેલોમાં મોંઘીદાટ ચા મળે. ચાના કોઈ દિવસ કાફે હોય..?ન હોય. તો જે ન હોય તે ઊભું કરવાને તો વેપારીબુદ્ધિ કહેવાય ને. આ વાત સમજવા માટે દર્શનભાઈને ઘણો સમય લાગ્યો અને ૨૦૧૩માં ટી પોસ્ટનો જન્મ થાય તે પહેલા અલગ અલગ ધંધા અને ખેતી સુધ્ધાં કરી નાખી. પણ મન જેમાં સંતોષ અનુભવે તેવું કંઈ થતું ન હતું. પણ દરેક ટનિર્ંગ પોઈન્ટ પહેલા એક ટર્ન આવે આ ટર્નથી જે સાચી દિશામાં વળે તેમને રસ્તો જડે ને પછી પ્રગતિની કેડી કંડારાય. આવું જ થયું અને આ પણ થયું એક ચાની ટપરી પર. આ વાતને યાદ કરતા દર્શનભાઈ કહે છે કે અમે મિત્રો સાથે મળી રોજ રાજકોટમાં આવેલા કેકેવી હોલ પાસેની ટપરી પર ચા પીવા જઈએ. એક દુકાનની બહાર એક લારી પર ચા પીવાની લગભગ અમને રોજની ટેવ. બન્યું એવું કે ત્યાં બાજુમાં એક કોમ્પ્લેક્સ વેચાતું હતું. મને વળી મજાક સૂઝી ને મેં લારીવાળાને કહ્યું કે તમે જ લઈ લો ને આ કોમ્પ્લેક્સ. સ્વાભાવિકપણે તે મારી વાત હસી કાઢશે તેવી મારી અપેક્ષા હતી, પણ તેણે ગંભીરતાથી કહ્યું કે સાહેબ મારી તો બહુ ઈચ્છા છે, પણ તેનો માલિક રૂ. પાંચ કરોડ કહે છે અને મારી પહોંચ રૂ. સાડાચાર કરોડ સુધીની છે. તમે જો ડીલ કરાવી આપો તો હું તો તૈયાર જ છું. તેમના આ જવાબે દર્શનભાઈના હોશ ઉડાડી દીધા અને તે બાદ તેમને હાશ પણ થઈ કારણ કે તેમને રસ્તો મળી ગયો.

આ રસ્તો એટલે ટી પોસ્ટ. તેમણે નક્કી કરી લીધું કે હું તો ભઈ ચા વેચીશ. સામાન્ય રીતે દરેક જગ્યાએ કોફી માટે વ્યવસ્થિત લાઉન્જ હોય છે. ઘણા મોટા આઉટલેટ્સ છે, પરંતુ ચા માટે ટપરી હોય છે. જ્યાં મોટે ભાગે એક ચા વારંવાર ગરમ થતી હોય, બેસવાની જગ્યા ન હોય, ગંદકી હોય, હાઈજિનના નામે કંઈ ન હોય. આથી ચા બેસી ને આરામથી પી શકાય, સ્વછતા હોય, સ્વાદમાં વરાયટી હોય તેવો કોન્સેપ્ટ તેમના મનમાં હતો. તેમણે પહેલી ચાની દુકાન રાજકોટમાં ખોલવાનો વિચાર કર્યો. ચા પીવા સિવાય ચા વિશે કંઈ ખબર ન હતી, પરંતુ ઈરાની ચાની હોટલોના દેખાવથી પ્રભાવિત હતા. તેમણે પોતાની દુકાન ડિઝાઈન કરવામાં પણ એટલો સમય લીધોને રૂ. પાંચ લાખમાં તૈયાર થતી દુકાન તેમને રૂ. ૨૫ લાખમાં પડી. તે બાદ એસેસરીથી માંડી બધું લેવામાં માથે પરસેવો વળી ગયો. જોકે મહેનતના ફળ મીઠા તેમ પહેલી ટી પોસ્ટ ખૂલી ને ત્યારે જ મનને એટલો સંતોષ થયો કે નક્કી કરી નાખ્યું કે આવી સો તો ખોલી જ નાખીશ. જોકે સો તો શું આજે ગુજરાત, મહારાષ્ટ્ર,રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તેમના ૨૨૫ જેટલી ટી પોસ્ટ છે. દેશમાં પાંખો ફેલાવી હવે તેમણે વિદેશ તરફ પ્રયાણ કર્યું છે અને તેની શરૂઆત કરી છે સિટી ઓફ ગોલ્ડ દુબઈથી. દુબઈ જ શા માટે તેમ પૂછવામાં આવતા દર્શનભાઈ કહે છે કે અહીં ગુજરાતીઓ અને ભારતીયો મોટા પ્રમાણમાં છે. મને પહેલેથી જ ઈચ્છા હતી કે જ્યારે પણ હું દેશના સીમાડા વટી વિદેશ જઈશ ત્યારે શરૂઆત દુબઈથી જ કરીશ. અહીંના ખૂબ જાણીતા ડેસ્ટિનેશન જેએલટી ખાતે તેમની પહેલી ટી પોસ્ટ તેમણે શરૂ કરી છે. અત્યારે તેઓ અહીં લગભગ ૩૫ જેટલી ટી પોસ્ટ ખોલવાની ઈચ્છા ધરાવે છે. ચા સાથે ખાવા ગમે તેવા સ્નેક્સ પણ તમને મળે છે. આ સાથે ફ્રી વાઈફાઈ, સ્વચ્છ સુંદર એમ્બિયન અને ધીમે ધીમે ચાલતું મ્યુઝિક ચાની ચુસ્કીને વધારે તાજગીસભર બનાવી દે છે. દર્શનભાઈએ માત્ર હાઈફાઈ ચાની ટપરી નથી ખોલી, ચાની ક્વોલિટી જાળવી રાખી છે. તે માટે એક સિસ્ટમ સેટ કરી છે અને તે પ્રમાણે જ કામ થાય છે. ટી પોસ્ટનું વાતાવરણ જોઈ અને ચાની ચૂસકી ભરતા ભરતા વાતો કરવાની મજા જ કંઈક જુદી છે.

ચાની આટલી વેરાયટી હોઇ શકે? અહીં મળતા ગરમા ગરમ ગુજરાતી નાસ્તા એકવાર દાઢે વળગે પછી કાયમની મીટીંગ પ્લેસ ટી પોસ્ટ જ બને છે. વ્યાજબી ભાવે શુદ્ધ, સાત્ત્વિક, સ્વાદસભર નાસ્તા અને સોડમ સાથે કરંટવાળી ચા ટી પોસ્ટની ગુડવિલ છે.

ગમે તેટલા પ્રયાસો બાદ સફળતા ન મળે તે એકવાર ચાલી જાય, પરંતુ સફળતા મળ્યા બાદ જો વચ્ચે બ્રેક લાગે તો સ્થિતિ વધારે ગંભીર બની જાય. આવો સમય પણ આવ્યો જ્યારે કોરોના નામની વિકરાળ મહામારીએ વિશ્ર્વને ભરડામાં લીધું. દર્શનભાઈને એક વાર તો થયું કે આ સાકાર થઈ ગયેલા સપનાને ક્યાંક અધવચ્ચે જ તૂટતું જોવાનો વારો તો નહીં આવે ને. જોકે આ સમયે પણ તમામ કર્માચારીઓને સાચવી લીધા અને ધીમે ધીમે ફરી ટી પોસ્ટ પર ચાની સોડમ ઊડતી થઈ. ઘોર અંધારામાંથી ફરી અજવાળું થયું અને આ અજવાળું આ વર્ષે લગભગ રૂ. ૧૨૫ કરોડને આંબી ગયું છે. તેમની આ વર્ષની નેટવર્થ રૂ. ૧૨૫ કરોડ થઈ હોવાનું તેઓ
જણાવે છે.

દર્શનભાઈએ પહેલી નોકરી મેડિસિન સાથેની કરી હતી. મેડિસિન એક એવી વસ્તુ છે જે કોઈ હસતા હસતા ન લે આથી આ નોકરીમાં કંઈ ફાવ્યું નહીં ને તેમણે છોડી દીધી. મારે તો ખુશીઓ આપે તેવો ધંધો કરવો છે તેવી તેમની ઈચ્છા હતી. હવે તેમણે આવો જ બિઝનેસ કર્યો છે. તેમની ટી પોસ્ટ પણ ચા પી કોઈ તાજુમાજુ થાય છે, કોઈ રિલેક્સ થાય છે, કોઈ મિત્રો સાથે મસ્તી કરે તો કોઈ બિઝનેસ મીટિંગ પણ કરે. અહીં પ્રેમના પ્રપોઝલ પણ
અપાઈ તો ક્યારેક એકાંતનો આનંદ પણ લેવાય. અહીં સાહિત્યકારો, ગાયકો, સંગીતકારો આવી પોતાના પ્રોગ્રામ્સ પણ કરે, સ્ટેન્ડપ
કોમેડી પણ થાય. પણ બધું તેમની ચા જેવું સ્ટાન્ડર્ડ અને હાઈ ઈન ક્વોલિટી.

કોઈ કામ નાનું કે મોટું નથી હોતું, તેમ આપણે વારંવાર કહીએ કે સાંભળીયે છીએ, પરંતુ કરતા સમયે તો મૂલવ્યા વિના રહેતા નથી અને લગભગ એટલા માટે જ કેટલાય નવા ઉદ્યોગસાહસિકો, કલાકારો, ચિત્રકારો, લેખકોની કારકિર્દીનો સૂરજ ઊગતા પહેલા જ આથમી જાય છે. એક સારા, સમૃદ્ધ ઘરનો ભણેલોગણેલો છોકરો નાનકડી દુકાન ખોલી ચા વેચે? આ સવાલનો જવાબ મોઢેથી દેવામાં દર્શનભાઈ જો પડ્યા હોત તો લગભગ ટી પોસ્ટનો પહેલો સ્ટોર પણ ન ખૂલ્યો હોત, પરંતુ તેમણે કહેણીથી નહીં કરણીથી જવાબ આપ્યો. આજે તેમનો અહીં સુધીનો પ્રવાસ જ એ સવાલનો જવાબ છે. તો તમે શાનો વિચાર કરો છો મારો ચાની એક ચુસ્કી ને શરૂ કરો આવી જ કોઈ નવી દિશામાં ઉડાન.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button