આ ઘર આપણું છે
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે
બેંકમાંથી નિવૃત્ત થયેલા શાંતિભાઈ સંઘવીએ પોતાની ગ્રેચ્યુટીમાંથી મળેલી રકમ, બચત અને ૩૫ લાખની લોન લઈને કાંદિવલીમાં હમણાં જ ત્રણ બેડરૂમનો દસમા માળે આધુનિક એમીનીટી ધરાવતો ફ્લેટ ખરીદ્યો.
શાંતિભાઈ મનોમન વિચારતા હતા- હાશ, હવે, આપણે શાંતિથી રહીશું. મારી મધુએ અને મેં ખૂબ કપરા દિવસો જોયા છે. પણ હવે મારો દીપક સારું કમાય છે, બસ, એને સારી વહુ મળી જાય જે આ ઘર
સાચવી લે.
ત્યાં જ મધુબેને ટહુકો કર્યો- લો, ચા પીઓ.
મધુ, દીપકે સરસ ફર્નિચર કરાવ્યું છે. તું ખુશ છે ને? શાંતિભાઈએ ચાનો કપ હાથમાં લેતા કહ્યું.
“ત્રણ બેડરૂમનો આવો સરસ ફ્લેટ અને સામે દેખાતું ખુલ્લું આકાશ. માલતીબેન તો કહી જ ગયાં છે, ભાભી આ દિવાળી તો ભાઈના નવા ઘરે જ કરીશ. મધુએ કહ્યું.
“મધુ બસ, હવે દીપકના લગ્ન થઈ જાય, ઘરમાં રૂમઝૂમ કરતી વહુરાણી આવી જાય. પણ, મને દીકરી જ્યોતિની ખૂબ ચિંતા રહે છે. આપણા પછી એનું કોણ? શાંતિભાઈએ આંખમાં ઝળઝળિયાં સાથે કહ્યું.
“હમણાં જ માલતીબેને એને સમજાવતા કહ્યું હતું કે બેટા, આપણી જ્ઞાતિનો જ એક ભણેલો, અને સારું કમાતો સારો છોકરો છે. તારો ફોટો બતાવ્યો છે. એણે હા પાડી છે. તું એક વાર મળ. મધુએ યાદ દેવડાવતા કહ્યું.
ત્યારે જ્યોતિએ કહ્યું હતું, મારા જીવનમાં લગ્નસુખ નથી, એટલે જ હું આવી અપંગ થઈ ને- બારમા ધોરણમાં ૯૪ ટકા મેળવીને મેડિકલમાં જવાની હતી, ત્યારે સખત તાવમાં ઝડપાઈ જવું, પગના સ્નાયુ ખેંચાઈ ગયા અને આ પંગુતા આવી. પણ હું હિંમત ન હારી. બી.એસ.સી, બી.એડ ફર્સ્ટ કલાસમાં પાસ કરી. પણ ફોઈ, જે સ્વપ્ના પૂરાં ન જ થવાના હોય એનો વિચાર નહીં કરવાના.
પણ મેં એને કહ્યું હતું, “બેટા, એક વાર મળ.
મમ્મા, મારે દયાની ભીખ નથી જોઈતી. જો મારું આવનાર બાળક પણ મારા જેવું અપંગ જ આવ્યું તો? હું કોઈના પર બોજ થવા નથી માગતી. હું શિક્ષિકા તરીકે કામ કરું છું. મારો પગાર પણ સારો છે. જ્યોતિએ ગંભીર થતા ફોઈને કહ્યું હતું.
“મઘુ, આપણે છીએ ત્યાં સુધી તો કંઈ વાંધો નહીં. પણ પછી શું થશે. મારે જ એનો કોઈ ઉપાય કરવો પડશે. શાંતિભાઈ ફરી ઊંડા વિચારોમાં ડૂબી ગયા.
“નવા ઘરમાં આવે ચાર મહિના જ થયા હશે ને શાંતિભાઈના ઘરમાં શરણાઈઓ ગૂંજી ઊઠી. દીપકની જ ઓફિસમાં કામ કરતી જયશ્રી મોદી સાથે તેના લગ્ન લેવાયાં.
સવારે ૯ વાગ્યે દીપક અને જયશ્રી ટિફિન લઈને નીકળી જાય. જ્યોતિ ૧૧વાગે સ્કૂલમાં જાય. આખો દિવસ કામ કરી આ પંખીઓ માળામાં પાછા આવે. મધુબેન કહેતાં કે હે,પ્રભુ મારા પરિવાર પર આવી જ કૃપા રાખજે.
જયશ્રી હંમેશાં પોતે વધુ સ્માર્ટ છે, વધુ કમાય છે. એવું વર્તન કરતી, પણ વ્યવહારુ મધુબેન પરિસ્થિતિ સાચવી લેતાં. એક વાર જયશ્રીની ત્રણ બહેનપણી ઘરે આવી હતી ત્યારે જ્યોતિ વિષે કંઈ વાત કરતાં એણે કહ્યું- “શી ઈઝ સીંગલ એટ ૪૩., એ બીગ લાયબિલિટી.
મધુબેને શાંતિભાઈને પૂછ્યું કે સિંગલ અને લાયબિલિટી એટલે શું? “જયશ્રી પરણી નથી, એ મોટી જવાબદારી છે, પણ એનો બાપ જીવે છે.
બીજે જ દિવસે શાંતિભાઈ વકીલને મળ્યા. પોતાનું વીલ તૈયાર કરાવી લીધું. મધુબેનને પણ સમજાવ્યું. જો આ મારા વીલના કાગળ છે. જરૂર પડે ત્યારે દીપકને આપવાના છે.
છ મહિના પછી અચાનક હ્રદયરોગનો હુમલો આવતાં શાંતિભાઈનું અવસાન થયું. હવે કુટુંબના મોભી વગર સૌની એ સાથે રહેવાની ખરી કસોટી થવાની હતી.
જયશ્રી અને દીપકને માલતી ફોઈ અને મામાએ સલાહ આપતાં કહ્યું- હવે બધું તમારે જ સાચવવાનું. મમ્મી અને જ્યોતિનું, તમારા સિવાય કોણ છે? દીપક ગંભીર થઈ ગયો. મામાએ પૂછયું- “મધુ, શાંતિભાઈએ વીલ કર્યું છે?
મધુબેન પોતાના આંસુ ખાળી શકતાં ન હતાં. થોડી વારે ડૂમો શાંત થતા કહ્યું- ભઈ, મને શી ખબર કે આ બધું અચાનક થઈ જશે, પણ કદાચ એમને અણસાર આવી ગયો હશે એટલે— કહેતાં ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યાં.
મમ્મી હું છું ને, તારે કોઈ ચિંતા નહીં કરવાની. દીપકે કહ્યું.
એમણે વીલ કર્યું છે. ભઈ હું, દીપક અને તમે કાલે લોકરમાંથી લઈ આવીશું. તમારી દેખતા જ વીલ વાંચીએ તો સારું. મધુબેને કહ્યું.
રાત્રે જયશ્રીએ દીપકને કહ્યું- પપ્પાએ તમને તો કહેવું જોઈએ ને, પણ મમ્મીને તો ખબર છે ને- દીપકે કહ્યું.
હવે જરા સ્માર્ટ નહીં રહો ને તો તમારા જ પૈસે બધા તાગડધીન્ના કરશે અને તમે ડુગડુગી વગાડજો.
વીલમાં લખ્યું હતું- “મારા શૅર સર્ટિફિકેટ મધુ, દીપક અને જ્યોતિને ત્રણ ભાગમાં વહેંચવા, આ ફ્લેટના નોમિનેશનમાં દીપક અને જ્યોતિ બંનેના નામ રાખવા. આ ઘર મારા પછી મધુના નામનું રાખવું. એ પછી દીપક અને જ્યોતિ બંનેના નામ રાખવા, મારી ફિક્સ ડિપોઝિટ તથા અન્ય બચતમાંથી ૫૦ ટકા જ્યોતિના અને ૫૦ ટકા દીપકના છે.
મામા અને ફોઈ દેખતાં જ વીલ વંચાયું. દીપકને મનમાં થયું કે બધી જવાબદારી તો મારી પણ, ઘર પર મારું નામ નહીં અને બધામાં મારા જેટલો જ જ્યોતિનો ભાગ.
સમય જતાં જયશ્રીનું વલણ બદલાવવા લાગ્યું. ઓફિસથી આવ્યા પછી વધુ સમય પોતાના બેડરૂમમાં રહેતી, એક નવું ટી.વી પોતાના બેડરૂમમાં મૂકયું. એનું અતડાપણું મધુબેનથી સહન ન થતું. આખો દિવસ ઘરમાં એકલાં રહેતાં મધુબેન દીકરા સાથે મન ખોલીને વાત કરી શકતાં નહીં.
મધુબેન અને જ્યોતિ જાણે પોતાના ઘરમાં જ પારકા થઈ ગયાં. ૭૦ વર્ષની ઉંમરે મધુબેન ઘરકામના ધસરડાં કરે અને જ્યોતિના પગારમાં ઘર ચાલે.
એક રાત્રે જ્યોતિને થયું આનો કોઈ રસ્તો કાઢવો જોઈએ, આ રીતે કેમ રહેવાય. આ તો મારું માનસિક અને આર્થિક શોષણ થાય છે. મમ્મી પણ હેરાન થાય છે. હું સ્વમાનથી રહેવા માગું છું, આવી રીતે નહીં.
એણે દીપકભાઈને કહ્યું, “દીપક, હું અને મમ્મી ટેન્શનમાં છીએ. મમ્મી તો કહે છે, ચાલ, મામા સાથે અમદાવાદમાં રહીશું.
“પણ પોતાનું ઘર છોડીને, તમારે મામાના ઘરે શું કામ જવું છે?- અને તારી આવી સરસ નોકરી શા માટે જતી કરે છે? શું મળી સંપીને રહી ન શકીએ?
તમે જ મારું જીવન છો. જુઓ, પગમાં ખોડ હોવા છતાં હું પગભર છું. આ ઘર આપણું છે.
દીપક એની બહેન જ્યોતિને ભેટી પડ્યો.