દિલને સ્પર્શતું દાર્જિલિંગચા અને મૂડનું સરનામું છે આ હિલ સ્ટેશન
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી
આપણે કોઈ પણ જગ્યાની મુસાફરી કરીએ ત્યારે હંમેશાં વિન્ડોસીટ પર બેસવાનો આગ્રહ રાખીએ છીએ. એ પછી કાર, બસ, ટ્રેન કે ફ્લાઇટ કેમ ન હોય, બારી પાસે બેસીને અવિરત નજર સામેથી પસાર થતા દ્રશ્યો નિહાળવા સૌ કોઈને ગમે. ખાસ કરીને કુદરતના રંગો માણીને મન અભિભૂત થઈ જાય છે. એમાં પણ જો હિમાલયનું સાનિધ્ય હોય, વાદળો તમારી સાથે સાથે ચાલતા વાતો કરતા હોય, ઊંચાં વૃક્ષો ડોલતા ડોલતા તમે હાઈ હેલ્લો કરી રહ્યા હોય, કુદરતે તેનો સંગીત જલસો માંડ્યો હોય એવું લાગે મન કલ્પનાના પ્રદેશમાં પહોંચી ગયું હોય એવું લાગે ને.. તો આ કલ્પના નથી હકીકત છે. રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર પર ફિલ્માંકન કરેલું ને કિશોર કુમારે ગાયેલું, “મેરે સપનો કી રાની કબ આયેગી તું આ સોંગ જોયું હશે તો ખબર પડી જશે આજે આપણે ક્યાંની વિન્ડોસીટ પકડવાના છીએ.. હજી ન સમજાયું હોય તો પરિણીતા મૂવીમાં સૈફ અલીખાનનું સોંગ છે “કસ્તો મઝાં…. પહાડીની ટ્રેન મુસાફરીની સુંદરતાનો અંદાજ લગાવવા આ બને સોંગ જ કાફી છે. વિન્ડોસીટ સાથે જે ટ્રેનની મુસાફરીના શોખીન હશે તેના માટે દાર્જિલિંગની હિમાલયન ટોય ટ્રેન સ્વર્ગની મુસાફરી સમાન બની જાય છે.
આજે આપણે પહાડોની રાણી તરીકે ઓળખાતા એટલે કે The queen of hills એવા દાર્જિલિંગની મુસાફરી કરીશું. પશ્ર્ચિમ બંગાળની ઉત્તર દિશામાં આવેલું હિમાલયની શિવાલીક રેન્જનો ભાગ એવું આ હિલસ્ટેશન અનુપમ સૌંદર્ય ધરાવે છે એમાં કોઈ શંકા નથી. ઘણા લોકોને પશ્ર્ચિમ બંગાળમાં હિમાલય ક્યાંથી એવો પણ સવાલ થયો હશે. મેપમાં આ હિલ સ્ટેશનનું ભૌગોલિક સ્થાન જોઈ લેવું. અહીંની ખાસિયત તો ઘણી છે પણ આપણે શરૂઆત તેની હિમાલયન ટોય ટ્રેનથી કરીશું. ખાસ વાત તો એ છે કે અહીંની આ હિમાલયન ટોય ટ્રેન યુનેસ્કોની વલ્ડ હેરિટેજ સાઈટનો દરજજો ધરાવે છે, કેટલું રસપ્રદ! અહીંની ટેગ લાઇન કંઈક આવી છે, “”take a toy train ride to the clouds ! An experience beyond journey! અહીંની ટોય ટ્રેન ન્યુ જલ્પાઈગુડીથી દાર્જિલિંગ વચ્ચેના કુદરતના ખજાનાની સેર કરાવે છે. દૂર દૂર સુધી દેખાતી હરિયાળી અને ગિરિવર હિમાલયની ટેકરીના ઢોળાવમાં ખીલેલા ચાના વિશાળ બગીચા જોઈને જ તન અને મનમાં તાજગી આવી જાય છે. અહીંના રેલવે સ્ટેશનની ગણના વિશ્ર્વના હાઈએસ્ટ હેરિટેજ રેલવે સ્ટેશનમાં થાય છે. જો તમને રેલવેની મુસાફરી ગમતી હોય તો અહીંની હિમાલયન ટોય ટ્રેનની મુસાફરી જરૂર કરવી જોઈએ. અહીં નજીકમાં એક ઘુમ સંગ્રહાલય આવેલું છે. જો હિમાલયન રેલવેનો ઇતિહાસ જાણવો હોય અને પહેલાના સમયમાં કેવા ગેજેટ્સ વપરાતા હતા એ બધું જોવું ગમતું હોય તો અહીં અવશ્ય જવું જોઈએ.
દાર્જિલિંગને મિત્રો સાથે પરિવાર સાથે કે એકલા મનભરીને માણી શકાય. વિશ્ર્વભરમાં અહીંની ચા વખણાય છે. અહીંના કોઈ આકર્ષક ટી સ્ટોલમાં બેસીને ૧૦ રૂપિયાથી માંડીને ૫૦૦૦ હજારની કિંમત સુધીની ચાની ચૂસકીની મજા માણી શકાય. પરિવાર કે મનગમતો સાથ હોય કે ના હોય હિમાલય તમને ક્યારેય એકલું નહીં લાગવા દે. જે ચા પીવાના શોખીન હોય તેને તો જરૂરથી અહીં આવવું જ જોઈએ. અહીંની ચાનો સ્વાદ જ કંઈક હટકે છે. અહીં ચાના બગીચામાં ફરવું એક લહાવો છે. ચા પત્તી વીણતા લોકો એમનું જીવન જોઈએ તો મનમાં એમ થાય ખરેખર કોણ સુખી જીવન જીવે છે. અહીંના નજારો જોઈને સમજી શકાય કે દાર્જિલિંગને એમ જ ધી કવીન ઓફ હિલ્સ નથી કહેવામાં આવ્યું. ખાસ કરીને પરિવાર સાથે અહીં એકવાર આવવું જોઈએ. દાર્જિલિંગનું અન્ય લોકપ્રિય સ્થળ એટલે ટાઇગર હિલ. અહીંનો સૂર્યોદય જોનારા નસીબદાર કહેવાય. દૂર દૂર વિરાજમાન કાંચનજંઘા પર્વતની શ્ર્વેત સપાટી પર પડતા સૂર્યના સોનેરી કિરણો એવું તો દ્રશ્ય સર્જે છે કે જોનારા અવાચક બની જાય છે. અહીં સૂર્યોદય જોવા માટે હંમેશા ભીડ જોવા મળે છે. આ સૂર્યોદય જોવાનો મોકો પણ નસીબથી જ મળે એવું કહી શકાય. જો ક્લિયર વેધર હશે તો જ સૂર્યોદય દેખાય બાકી તો વાદળોનું સામ્રાજ્ય છવાયેલું હોય.
બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલાં અનેક સ્થળો અહીં જોઈ શકાય. અહીંની મોનાસ્ટ્રીમાં જઈને અપાર શાંતિ અનુભવી શકાય તેમજ બૌદ્ધ ધર્મને નજીકથી જોઈ અને અનુભવી શકાય. અહીંનું પીસ પેગોડા તેમાં મુખ્ય છે. ખૂબ જ ઊંચાય પર આવેલું આ સ્થળ તેની ભીતરથી જાણે શાંતિનું ઝરણું વહાવી રહ્યું હોય એવું લાગે. આસપાસનાં દ્રશ્યો અહીંની શોભામાં વધારો કરે. પીસ પેગોડામાં બુદ્ધના જીવનના ચાર તબક્કા દર્શાવતી ચાર વિશાળ પ્રતિમાઓ છે જેમાં મેત્રૈય બુદ્ધાનો પણ સમાવેશ થાય છે. જાપાનીઝ બોધિસ્ટ સાધુ દ્વારા આ બાંધવામાં આવ્યું હતું. અહીં બેકડ્રોપમાં મેજિસ્ટિક કાંચનજંઘાનો વ્યુ જોઈ શકાય.જો અહીંના પ્રેયરના સમયે જાવાનું થાય તો અવિસ્મરણીય અનુભવ બને. આ ઉપરાંત એક ઘુમ મોનાસ્ટ્રી છે. બહારથી સફેદ અને અંદરથી રંગબેરંગી અને એકદમ વાઈબ્રન્ટ દેખાય છે. અલગ અલગ પ્રકારનાં થાંગકા ચિત્રો, કોતરણીઓ, બુદ્ધાની કરુણામય આંખોવાળું વિશાળ શિલ્પ ત્યાં એક અલગ જ વાતાવરણ ઊભું કરે છે.
દાર્જિલિંગના રસ્તા પર કોઈ પણ જગ્યાએ ઊભા રહીને નજર કરશો તો જાણે પહાડીઓની ગોદમાં બેઠા હોય એવા સુંદર નાનાં નાના ઘરો અને ચાના વિશાળ બગીચાઓ નજરે પડશે. એડવેન્ચરહોલિક માટે તીસ્તા નદીમાં રિવરરાફટીંગ કરી શકાય. જો રોક કલાઈમ્બિંગ કરવાની ઈચ્છા હોય તો અહીં હિમાલયન માઉન્ટ્રેનિગ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે જ્યાં માઉન્ટેન કલાઈમ્બિંગ વગેરેના કોર્સ થાય છે. અહીં ઘણા બધા ટ્રેકિંગ રૂટ પણ છે. સ્ટ્રીટ શોપિંગ પણ ભરપૂર કરી શકાય. અહીંના સ્થાનિક હસ્તકલાના નમૂનાઓ, સ્લીપિંગ બુદ્ધાના સ્ટેચ્યૂ, ગરમ કપડાં જેવું બીજું ઘણું બધું સાથે સાથે અહીંના લોકલ ફૂડને કેમ ભૂલી શકાય. અહીંની લોકલ ડિશ એટલે મોમોઝ અને થુપકા. બીજી વાત દાર્જિલિંગ આવ્યા ને અહીંની ચા લીધા વિના જવું ભૂલ ભરેલું કહેવાય. ચાની અઢળક વેરાયટી અહીં મળી રહે છે. અહીં પેસેન્જર રોપવેની પણ સુવિધા છે. અહીં એક મહાકાલ મંદિર આવેલું છે. રંગબેરંગી પ્રેયર ફ્લેગ અને પ્રેયર વિલ સાથેનું આ મહાકાલ મંદિર ખૂબ સુંદર અને હકારાત્મક છે. થોડી તિબેટીઅન અસર ધરાવતું બાંધકામ લાગે. તેની પણ જરૂર મુલાકાત લેવી. આ મહાકાલ મંદિર એક ઓબ્ઝર્વેટ્રી હિલ્સ પર આવેલું છે. આ હિલ્સ પરથી કાંચનજંઘાનો જાદુ જોઈ શકાય છે. ટાઈગર હિલ્સ પર સૂર્યોદય જોવા માટે સવારે વહેલા ચાર વાગ્યે જવું પડતું હોય છે અને ત્યાં ભીડ પણ બહુ હોય છે તેના બદલે અહીંથી કાંચનજઘાને જોઈ શકાય. અહીંના અને સિક્કિમનાં લોકો માટે કાંચનજંઘાનું વિશેષ મહત્ત્વ છે. તેનું જાદુ જ એવું છે. દાર્જિલિંગની વાતો તો અઢળક છે. તેનું સૌંદર્ય પણ અનુપમ છે.