આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
‘સંતુ રંગીલી’ એટલે સરિતા જોશી અને સરિતા જોશી એટલે ‘સંતુ રંગલી’ રંગભૂમિની સર્વકાલીન સ્મૃતિ ઘરેણું છે. નાટકની અનેક લાક્ષણિકતાઓમાં એક હતી નાટકમાં રજૂ થતી કાવ્ય પંક્તિઓ. કવિ કાન્તની ‘સાગર અને શશી’ની ‘જલધિજલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માંહી સરતી’ જેવી સાહિત્ય પ્રચુર પંક્તિઓ આવે તો બીજા છેડાની કહી શકાય એવી ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં, ચાર કાબરાં ને ચાર ભૂરિયાં રે લોલ’ જેવી લોકવાણીની પંક્તિઓ પણ આવે. ભાષા પર પકડ આવી રહી છે એ દર્શાવવા સંતુ રંગીલી પાસે કવિ શ્રી બાલમુકુંદ દવેની રસ નીતરતી પંક્તિઓ ‘આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી, પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી. આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી, પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી’ પણ રજૂ થઈ છે. આવતી કાલથી તહેવારોના રાજાની ઓળખ ધરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શ્રાવણ ભાષામાં કેવો વણાઈ ગયો છે એ જાણવાની મજા પડશે. કવિશ્રીની રચનાનું શીર્ષક છે ‘આ શ્રાવણ નીતર્યો સરવડે’. સરવડે શબ્દ દ્વારા કવિ થાય થાય ને વળી રહી જતા શ્રાવણના વરસાદની, એના ઝાપટાંની વાત કરે છે. અષાઢના ધોધમાર વરસાદ પછી શ્રાવણનો વરસાદ કેટલો હળવો હોય છે એ દર્શાવવા કવિ વરસાદને ઝીલવાનું ઈજન કરે છે. શ્રાવણના સરવડાંને નિમિત્ત બનાવી કવિતા રોમેન્ટિક સ્વરૂપ ધારણ કરે છે. કવિની કલમ કેવી રોમેન્ટિક થાય છે જુઓ. રૂપને કવાયતની જેમ સરકતું અને કાયાને સુગંધિત કપૂર સાથે સરખાવે છે. આ બધો શ્રાવણનો પ્રતાપ છે. વરસાદનો વરતારો કરતા ભડલી વાક્યોમાં પણ શ્રાવણની હાજરી છે: શ્રાવણ સુદ સપ્તમી, સ્વાતિ ઉગે સૂર્ય, ડુંગર બાંધો ઝૂંપડાં પાદર આવે પૂર. વરસાદને અનુલક્ષીને એક કહેવત છે કે શ્રાવણ જાય કોરડો ને કણે ભરાય ઓરડો. શ્રાવણ જો કોરોધાકોર જાય, મેઘ વરસે નહીં તો અનાજના કણ (દાણા)થી ઘર કેવી રીતે ભરાય? એવો સીધો ને સટ સવાલ કરવામાં આવ્યો છે. મેઘરાજાને કેન્દ્રમાં રાખી બીજી એક જાણવા જેવી કહેવત છે શ્રાવણનાં સરવડાં પરડાં ને ભાદરવાની હેલી, ને એક વરસ જો નહીં આવું તો રૈયત બને ઘેલી. શ્રાવણ સૂકો રહે તો બાવળિયા ઊગી નીકળે અને ભાદરવામાં હેલી થાય તો પ્રજા આકળવિકળ થઈ જાય એવું કહેવાય છે.
AUGUST: MONTH – MEANING
હિન્દુ કેલેન્ડર અનુસાર આજે અષાઢ મહિનો સમાપ્ત થાય છે, પણ ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે. ઓગસ્ટ કેવળ મહિનાનું નામ નથી, એક વિશેષણ સુધ્ધાં છે. Month of August started last Thursday. Here August is Proper Noun. ઓગસ્ટ મહિનાની શરૂઆત ગયા ગુરુવારથી થઈ. અહીં ઓગસ્ટ સંજ્ઞા વાચક નામ છે. હવે આ શબ્દ વિશેષણ સ્વરૂપે જોઈએ. વિશેષણ તરીકે એ પ્રભાવી, ભવ્ય, શ્રેષ્ઠ, તાલેવંત જેવા અર્થ ધરાવે છે. My brother is in the august company. મારો ભાઈ તાલેવંત લોકો સાથે ઉઠવા બેસવાનો સંબંધ ધરાવે છે. Month of March is also referred as Proper Noun and Verb. માર્ચ મહિનો સંજ્ઞાવાચક નામ તરીકે વપરાય છે અને ક્રિયાપદ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. March is the third month of the year. માર્ચ વર્ષનો ત્રીજો મહિનો છે. When a large number of people walk through a public place to express their support for something, or their disagreement with or disapproval of something is called March. કોઈ વિચારધારા કે મુદ્દા અથવા બાબતને સમર્થન આપવા કે તેની સામે વિરોધ વ્યક્ત કરવા મોટી સંખ્યામાં લોકો સાથે ચાલે એ માર્ચ કર્યું કહેવાય છે. The protest march went off peacefully. વિરોધ મોરચો શાંતિથી પાર પડ્યો. A walk especially by a group of soldiers all walking with same movement and speed is called March. એકસરખી ચાલ અને એકસરખી ઝડપે થતી સૈનિકોની ચાલ પણ માર્ચ કહેવાય છે. It had been a long march and the soldiers were weary. લાંબી કૂચ કરી હોવાથી સૈનિકો થાકી ગયા હતા. May when used as Proper Noun, is the fifth month of the year. સંજ્ઞા વાચક તરીકે મે વર્ષનો પાંચમો મહિનો છે. In Mumbai, during May, one gets to eat ripe mangoes. મુંબઈમાં મે મહિના દરમિયાન પાકી કેરી ખાવાનો લાભ મળે છે. MAY has different meanings: એક અર્થ છે શક્યતા વ્યક્ત કરવાનો. That may be true. એ વાત સાચી હોઈ શકે છે. બીજો અર્થ કોઈ મુદ્દા – વિચારને વધુ મહત્ત્વ દર્શાવવાનો. They may have been old-fashioned but they were excellent teachers. એમની શૈલી જુનવાણી હતી, પણ તેઓ ઉત્તમ શિક્ષક હતા. એક અર્થ પરવાનગી માંગવાનો કે આપવાનો પણ છે. You may get the permission to visit the camp. શિબિરમાં જવાની પરવાનગી તમને મળી શકે છે. આશા – ઈચ્છા વ્યક્ત કરવા માટે પણ વપરાય છે. May she rest in peace. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.
गुजराती प्रयोग हिंदी में
મનુષ્ય સ્વભાવની જે કેટલીક વિશિષ્ટતા છે એમાં સ્મૃતિનું અનેરું મહત્ત્વ છે. જોકે, માનવ સ્વભાવ ગળપણ વિસરી જવા માટે અને કડવાશ દિલમાં સંઘરી રાખવા માટે બદનામ છે એ કડવું સત્ય છે. કોઈએ કરેલી કૃપા – ઉપકાર – અમી દ્રષ્ટિ સગવડ અનુસાર ભૂલી જવાય છે, પણ કોઈ કરેલું નાનકડું અપમાન કે કીધેલો એક નઠારો શબ્દ હિમાલયનું સ્વરૂપ ધારણ કરી દિલ – દિમાગમાં સંગ્રહિત થઈ જાય છે. દાયકાઓ પછીની મુલાકાતમાં જૂનું વેર ચપટી વગાડતામાં ઉખેળવામાં આવે છે. આ વાત હિન્દીમાં गड़े मुर्दे उखाड़ना તરીકે જાણીતો છે. यह मुहावरा अक्सर उन बातों के लिए प्रयोग किया जाता है जो किसी के लिए शर्मनाक या अपमानजनक हों। इस मुहावरे का प्रयोग अक्सर विवाद खड़ा करने या किसी को परेशान करने के लिए भी किया जाता है। વાક્યમાં વપરાશ પરથી વાત વધુ સ્પષ્ટ થશે. बचपन की बातें याद करके रोना और गड़े मुर्दे उखाड़ना मत करो। બાળપણની વાતો યાદ કરી રડવાનું અને જૂની વાત ઉખેળવાનું હવે બંધ કરો. કેટલાક લોકો એવા હોય છે જેમને જાતે કામ કરવાની આદત કે ઈચ્છા નથી હોતા, પણ અન્યના કામમાં દખલ કરવાની, ચંચુપાત કરવાની ટેવ હોય છે. હિન્દીમાં એને માટે टाँग अड़ाना રૂઢિપ્રયોગ વપરાય છે. सुरेश काम तो कुछ करता नहीं है बस अपने बड़े भाई के काम में टांग अड़ाता रहता है।
विलक्षण भाषा
અમુક ઓળખ શબ્દાર્થમાં સાચી હોય, પણ ભાવાર્થમાં એ અજુગતું લાગે એવું બની શકે છે. શબ્દાર્થ અને ભાવાર્થની ઊંડાઈ સમજવાની દિશામાં આગળ વધીએ. આજનું પહેલું શબ્દયુગ્મ છે आवाज – नाद. બંને શબ્દ ધ્વનિ સાથે નાતો ધરાવે છે. ભાવાર્થમાં સૂક્ષ્મ ફરક છે. जो आपल्या चालण्यानं होतो तो आवाज. આપણા ચાલવાથી જે થાય – સંભળાય એ અવાજ. અલબત્ત એમાં પણ થોડું અંતર છે. लता मंगेशकारांच्या आवाजात गाणी ऐकल्यावर मन प्रफुल्लित झालं। લતા મંગેશકરના અવાજમાં ગીતો સાંભળી મન પ્રફુલ્લિત થઈ ગયું. કાનને સંભળાય એ અવાજની અહીં વાત છે. જોકે, એક અવાજ એવો હોય છે જે દિલ – દિમાગને ઢંઢોળવાનું કામ કરતો હોય છે. विरोधकांचा आवाज दाबण्याचा शासनाच्या प्रयत्नांना अपयश आलं. વિરોધ પક્ષનો અવાજ દાબી દેવાની સરકારની કોશિશ નિષ્ફળ રહી. આ અવાજ કાનમાં સંભળાઈ દિલ – દિમાગને જાગૃત કરવાના પ્રયત્નો કરે છે. जो घ॔टेचा होतो तो नाद. ઘંટ વાગવાથી જે ધ્વનિ નીકળે એ નાદ કહેવાય છે. ઘંટ વાગે એનો અવાજ નહીં, એનો નાદ સંભળાય એમ કહેવું ઉચિત કહેવાય. નાદ શબ્દ સામાન્યપણે વાદ્યના સૂર સાથે નાતો ધરાવે છે. आपण जे ऐकतो ते ध्वनीच आहेत. काही ध्वनी ऐकणे आपणास आवडते, अशा ध्वनीला मधुर ध्वनी अशी संज्ञा आहे. काही ध्वनी ऐकणे आवडत नाही, अशा ध्वनीला कर्णकटू किंवा कर्कश अशी संज्ञा आहे. पुरातन ग्रंथांमध्ये मधुर व कर्णप्रिय ध्वनीकरिता नाद ही संज्ञा आहे.