ઉત્સવ

દુબઈના પાવર સેક્ટરમાં આ ગુજરાતીનો પાવર

દીપક શેઠ

આજે અમે તમને એક એવા જ ગુજરાતીનો પરિચય કરાવીએ જેમણે દુબઈ ઈલેક્ટ્રિસિટી એન્ડ વોટર ઓથોરિટી સાથે કામ કર્યું છે અને અવોર્ડ પણ મેળવ્યા છે. તેમનું નામ છે દીપક શેઠ.

એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતી નહીં વસતા હોય. થોડા સમય પહેલા જ આ વાત ભારતના વિદેશી બાબતોના કેન્દ્રીય પ્રધાન એસ. જયશંકરે કહી હતી. સૌ કોઈ જાણે છે કે ગુજરાતીઓએ દુનિયાના નકશામાં હશે તેટલા તમામ દેશો ખેડી કાઢ્યા હશે અને કાઠું કાઢ્યું હતું. મોટે ભાગે ગુજરાતીઓ વિદેશ વેપાર અર્થે જાય છે અથવા તો આજકાલ સર્વિસ સેક્ટર અને અભ્યાસ કરવા જનારા યુવાન ગુજરાતીઓની સંખ્યા પણ ઘણી છે. પણ ગુજરાતીઓ બીજા દેશમાં જઈ ત્યાંની સરકારી સેવાઓનો ભાગ બને તેવું ઓછું જોવા મળે છે અથવા તો આવા લોકોની જાણકારી આપણા સુધી ઓછી પહોંચી છે. આજે અમે તમને એક એવા જ ગુજરાતીનો પરિચય કરાવીએ જેમણે દુબઈ ઈલેક્ટ્રિસિટી એન્ડ વોટર ઓથોરિટી સાથે કામ કર્યું છે અને અવોર્ડ પણ મેળવ્યા છે. તેમનું નામ છે દીપક શેઠ. કેન્યામાં જન્મેલા દીપકભાઈ ૧૯૬૮માં જામનગર આવી સેટલ થયા. મધ્યમવર્ગીય પરિવારમાં હોય તે તમામ મુશ્કેલીઓ વેઠી મોરબીની એલ ઈ કૉલેજમાંથી એન્જિનિયરિંગ કરી તેમણે કારકીર્દીની શરૂઆત કરી. આંખોમાં મોટા સપના લઈ તેઓ પહેલા એસ્સાર કંપનીમાં જોડાયા. તે સમયની ભારત સરકારની આર્થિક ઉદારીકરણની નીતિએ ટેલિકોમ અને પાવર (ઊર્જા) સેક્ટરમાં વિદેશી કંપનીઓના રોકાણને આવકાર્યું. પાવર સેક્ટરમાં ઝંપલાવનારા એસ્સાર ગ્રૂપ સાથે કામ કરી પહેલો ગૅસ બેઈઝ્ડ પાવર પ્રોજેક્ટ પૂરો કર્યો. તે બાદ વિદેશ ભણી મીટ માંડી અને મિડલ ઈસ્ટની મોટી પાવર કંપની દુબઈ ઈલેક્ટ્રિસિટી અને વોટર ઓથોરિટીમાં ૨૦૦૨માં કામ શરૂ કર્યું. દીપકભાઈ કહે છે કે અહીં સખત મહેનત અને નિષ્ઠાથી કામ કરીએ તો બધા માટે સફળતાની એક સમાન તક ઉપલબ્ધ છે. તેમણે અહીં પોતાના કામ અને કૌશલ્યના જોરે બે અવોર્ડ પોતાને નામ કર્યા. આ સાથે દુબઈના વિકાસની હરણફાળના સાક્ષી પણ બન્યા. પણ પછી વતન અને પરિવારની યાદ આવી અને ફરી જામનગર આવી એસ્સાર ગ્રૂપમાં જોડાઇ ગયા. જેમનામાં કૌશલ્યો અને સાહસ બન્ને હોય તેમના સપનાઓની કોઈ સીમા હોતી નથી આ સાથે તેઓ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી નવા જોખમો ખેડતા રહે છે. દીપકભાઈ પણ આમાના એક. આખરે આ ગુજરાતીએ પણ બિઝનેસની વાટ પકડી. ફરી ગયા દુબઈમાં શરૂ કર્યો પોતાનો બિઝનેસ. ઘણા ઉતાર-ચઢાવ જોયા અને તે બાદ યુએઈ અને ઈન્ડિયામાં અલ બોર્ઝ ગ્રૂપની સ્થાપના કરી. હાલમાં ઘણા પ્રતિષ્ઠિત એવા સ્કેફોલ્ડિંગ (સ્કીલ ડેવલપમેન્ટ)ના પ્રોજેક્ટ્સ તેમની કંપની પાસે છે. આ સાથે બીજા દેશોમાં પાવર પ્લાન્ટ્સ સ્પેર્સ સપ્લાય કરવામાં આવે છે તેમ જ આ કંપની બીજી ઘણી પાવર પ્લાન્ટ્સને લગતી સેવાઓ પૂરી પાડે છે.

દીપકભાઈ તેમના જીવનની આ સફરથી ઘણા ખુશ છે. જીવનમાં આવતી અડચણો અને મુશ્કેલીઓનો તેઓ હિંમત અને સૂઝબૂઝથી સામનો કરે છે. તેઓ આપત્તીમાં પણ અવસર જૂએ છે અને યુવાનોને સલાહ આપે છે કે સાહસ કરો, સફળતા પોતાનો રસ્તો આપોઆપ શોધી લેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button