ઉત્સવ

વઢવાણના આ વેપારીએ દુબઈમાં ખોલી છે સોનાની સુપરમાર્કેટ

રમેશભાઈ જૈન ધર્મ પાળે છે અને દુબઈમાં પણ તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે. આંબેલ હોય કે પ્રતિક્રમણ કે તપસ્યા તેઓ તમામ નિયમો અનુસરે છે. તેમના પત્ની તપસ્યા કરવામાં મોખરે હોય છે. આ સાથે તેમની ઓફિસમાં તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં કામ કરે છે, પરંતુ બિનશાકાહારી ભોજન ઓફિસમાં લાવી શકાતું નથી.

ઉ મુંબઈ સમાચાર ટીમ
દુબઈમાં સોનું લેવાનું સરનામું તમે કોઈને પૂછો તો પહેલું નામ આવે કે બાફલેહમાં ચોક્કસ જજો અને ત્યાંથી જ લેજો. આ હોલસેલ અને રિટેઈલ ગોલ્ડ જ્વેલરીની ચેઈન બધે નામના ધરાવે છે અને લોકોનો વિશ્ર્વાસ જીતી ચૂકી છે. અહીં લોકો કિલો સોનું લેવા હોલસેલ સ્ટોરમાં આવે તો દસ ગ્રામ લેવા રિટેઈલ સ્ટોરમાં આવે, પણ દુબઈમાં સોનું લેવાનું સરનામું અટલે બાફલેહ જ્વેલર્સ. તમામ પ્રકારની ડિઝાઈન તેમ જ અલગ અલગ કેરેટ્સવાળું સોનું એક જ છત નીચે મળતું હોવાથી આને ચોક્કસ સોનાનું સુપર માર્કેટ જ કહેવાય ને! હવે તમને જાણીને નવાઈ લાગશે કે એક નાનકડી દુકાનમાંથી આટલું મોટું સામ્રાજ્ય ઊભું કરનાર બીજું કોઈ નહીં પણ આપણા વઢવાણના વતની રમેશભાઈ વોરા છે, જે આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓ લગભગ ૩૨ વર્ષથી તેમના પાર્ટનર ક્યુવૈદર બાફલેહ સાથે ધંધો કરે છે અને શૂન્યમાંથી સર્જન તેમણે કરી બતાવ્યું છે.

રમેશભાઈ પોતાના સંઘર્ષ વિશે વાત કરવાનું પસંદ નથી કરતા. તે તેને જીવન જીવવાની રીત જ કહે છે અને તેને જીવનનો એક ભાગ જ માને છે. તેમ છતાં થોડી ઘણી વાતો તેમણે કરી છે. મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના રમેશભાઈ એ દિવસોને યાદ કરતા કહે છે કે મારે કંઈક મોટું કરવું હતું અને એટલે મેં સપનાના શહેર મુંબઈની વાટ પકડી. લગભગ ૧૯૭૧ આસપાસ ભણતર પૂરું કરી તેઓ મુંબઈ ગયા. જોકે અહીં શરૂઆતના છ મહિના તેમના જીવનના સૌથી કઠિન દિવસોમાંના એક રહ્યા તેમ કહી શકાય. અહીં ટકી રહેવા તેમણે ઘણો સંઘર્ષ કર્યો. આ સમય દરમિયાન પોતે ક્યાં રહે છે તે પરિવારને જણાવ્યું જ નહીં, કારણ કે તેઓ તેમની તકલીફો જણાવવા માગતા ન હતા. જીવનમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે તેમને ઝવેરી બજારમાં નોકરી મળી. તે બાદ શારજહામાં નોકરીની તક મળતા અહીં આવ્યા.

પહેલા શારજહામાં તેઓ જ્યારે આવ્યા ત્યારે શેરિંગ અપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેમની ઓફિસ પહેલા માળે અને ઘર ત્રીજા માળે. તે બાદ લગ્ન થયા અને બે બેડ રૂમના શેરિંગ અપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા તે પણ એક પરિવાર સાથે શેર કરવાનો હતો. જોકે બન્ને પરિવાર વચ્ચે સારા સંબંધો વિકસ્યા જે આજે પણ અકબંધ છે.)

ત્યાર બાદ ૧૯૯૨માં બાફલેહ પાર્ટનર સાથે માત્ર ૨૦૦ ક્વેરફૂટની જગ્યામાં દુકાન ખોલી ધંધો શરૂ કર્યો. જોકે આજે વઢવાણના આ દીર્ધદૃષ્ટિવાળા વેપારીએ પોતાનું સામ્રાજ્ય બહોળું ફેલાવ્યું છે. આજે તેમની પાસે દુબઈનો સૌથી મોટો હોલસેલ શો રૂમ છે અને આ સાથે દસ રિટેઈલ સ્ટોર છે. લગભગ ૩૦૦ જણના સ્ટાફ સાથે તેમની કંપનીનું નામ ટોપ ફાઈલ હોલસેલરમાં આવે છે. એક ભારતીય અને ગુજરાતી તરીકે આપણે સૌને અભિમાન થાય કે રમેશભાઈએ એકલપંડે આ પાયો નાખી આવડી મોટી ઈમારત ચણી છે.

તેમના સ્ટોરની વિશેષ વાત તો એ છે કે અહીં તમને આઠેક દેશની જ્વેલરી ડિઝાઈન મળી રહેશે અને તેમાં પણ એટલી વેરાયટી કે તમે જોઈને થાકી જશો. આ સાથે અહીં એક જ છત નીચે તમને ૧૮, ૨૧,૨૨ કેરેટની જ્વેલરી મળશે અને આ સાથે ડાયમન્ડ જ્વેલરીની પણ વાઈડ રેન્જ જોવા મળશે. અહીંથી ઈન્ડિયા, તૂર્કીયે, ઈટાલી, ચીન, હોંગકોંગ, મલેશિયા, ઓસ્ટ્રેલિયામાં માલ એક્સપોર્ટ થાય છે એટલું જ નહીં સૌથી વધારે માલ તેઓ એકસ્પોર્ટ કરે છે. આ સાથે સૌથી વધારે સોનું ભારતમાં એક્સપોર્ટ કરવા બદલ તેમને ભારત સરકારે એવોર્ડ્સથી નવાઝ્યા પણ છે.

આ બધુ રમેશભાઈની અથાગ મહેનત, તેમણે વિકસાવેલા સંબંધો, તેમની દીર્ધદૃષ્ટિ, પાર્ટનરનો સંગાથ, પરિવારનો સાથ અને તેમના માર્ગદર્શન હેઠળ કામ કરતી ટીમની મહેનતનું પરિણામ છે.
પરિવાર વિશે વાત કરતા રમેશભાઈ જણાવે છે કે મારા પત્નીએ પણ એટલો જ સાથ આપ્યો છે. મોરના ઈંડા ચિતરવા ન પડે તેમ તેમનો પુત્ર પણ આ ક્ષેત્રમાં ૨૦૦૮થી છે અને તેણે મુંબઈથી ડાયમન્ડ જ્વેલરી ડિઝાઈનિંગ વગેરે શિખી ધંધામાં જાણે એક નવી પાંખ ઉમેરી છે. તેમના પત્ની અને પુત્રવધુ પર આ ધંધામાં એટલો જ સક્રિય સહયોગ આપે છે. પોતે આવ્યા તે સમયનું દુબઈ અને આજના દુબઈને જોતા તે કહે છે કે હું આવ્યો ત્યારે તે ગુજરાતના કચ્છનું નાનકડું ગામડું હોય તેમ લાગતું હતું, પરંતુ ૧૯૮૫થી અહીંના શાસકોએ વિકાસની નેમ લીધી છે અને આજે તે વિશ્ર્વને અચંબો પમાડે તેવું બની ગયું છે. અહીં કામ કરવાની, વેપારધંધા વિકસાવવાની સવલતો તો છે જ, પણ તે સાથે કાયદો અને વ્યવસ્થા જે રીતે જળવાઈ છે તે નોંધનીય છે. ઘર પરિવારની મહિલાઓ રાત્રે બાર વાગ્યે પણ એકલી ફરે તો કોઈ ચિંતા હોતી નથી. ટ્રાફિક નિયમનથી માંડી નાગરિ સુવિધાઓ ખૂબ જ સારી છે. ક્વોલિટી ઑફ લાઈફ અહીં છે.

રમેશભાઈ જૈન ધર્મ પાળે છે અને દુબઈમાં પણ તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે. આંબેલ હોય કે પ્રતિક્રમણ કે તપસ્યા તેઓ તમામ નિયમો અનુસરે છે. તેમના પત્ની તપસ્યા કરવામાં મોખરે હોય છે. આ સાથે તેમની ઓફિસમાં તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં કામ કરે છે, પરંતુ બિનશાકાહારી ભોજન ઓફિસમાં લાવી શકાતું નથી. આ સાથે દિવાળી જેવા તહેવારો ખૂબ જ ધામધમૂથી ઉજવાય છે, સ્ટાફ સાથે તેમના પરિવારોને પણ સામેલ કરવામાં આવે છે. તેમની સાથે જોડાયેલા દેશવિદેશના વેપારીઓ પણ આવી ઉજાણીઓમાં આવવાનું પસંદ કરે છે. ભારતીયતા અને ગુજરાતીપણું હજુ અકબંધ રાખ્યું છે, તેમ તેમની સાથે વાત કરતા સહેજે જણાઈ આવે.

હવે વાત કરીએ રમેશભાઈ અને તેમના વતન વઢવાણ સાથેના અનેરા સંબંધની. પણ તે પહેલા રમેશભાઈ મુંબઈ સમાચાર સાથેના સંબંધોને વાગોળે છે. રમેશભાઈના ઘરે વર્ષોથી મુંબઈ સમાચાર આવતું હતું અને આનંદ સાથે આશ્ચર્યની વાત તો એ છે કે આખા વઢવાણ શહેરમાં માત્ર તેમના એક જ ઘરે મુંબઈ સમાચાર આવતું હતું. આ વાતને યાદ કરતા રમેશભાઈ કહે છે કે માત્ર અમે જ મુંબઈ સમાચાર છાપું ઘરે મંગાવતા હતા તે મહત્વની વાત નથી, પરંતુ માત્ર એક નકલ પહોંચાડવાની વ્યવ્સથા તમારા સંચાલકો-માલિકો એ સમયે કરતા હતા તે વાત વધારે મહત્વની છે. હવે વાત કરીએ વઢવાણ અને રમેશભાઈના અકબંધ સ્નેહસંબંધોની તો વિશ્વના ગમે તે ખૂણામાં રહો, વતન આખરે વતન હોય છે અને તે યાદ આવ્યા વિના રહેતું નથી. જોકે રમેશભાઈએ માત્ર વતનને યાદ નથી કર્યું, વતનને આપ્યું પણ છે. તમે નહીં માનો પણ રમેશભાઈ દર મહિને એકવાર દુબઈથી વઢવાણ આવે છે. વતન સાથેનો અતૂટ સંબંધ અને વતન માટે કંઈક કરી છૂટવાની ભાવના તેમને અહીં ખેંચી લાવે છે. અહીં તેમણે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઘણા કામ કર્યા છે. અહીં તેમણે તેમનાં માતા-પિતા વોરા ભોગીલાલ શાંતિલાલ અને શારદાબેન વોરાના નામે હોસ્પિટલ બંધાવી છે. એક વ્યક્તિ પોતાની કોઠાસૂઝ, સખત મહેનત, આશાવાદ, સારા સ્વભાવ અને નીતિમત્તાથી કેટલું મેળવી શકે અને તે મેળવ્યા બાદ કોઈ ભાર કે અભિમાન ન રાખતા કેટલું સરળ અને સાદું જીવન જીવી શકે તે તમે રમેશભાઈ વિશે જાણો ત્યારે ચોક્કસ સમજી શકશો.

હાઈલાઈટ્સ
આખા વઢવાણમાં તેમના એકના ઘરે જ મુંબઈ સમાચાર આવતું હતું
એક છત નીચે તમામ ડિઝાઈન, કેરેટેસનું સોનું મળી રહેશે
દર મહિને વતન વઢવાણની લે છે મુલાકાત ને કરે છે સત્કાર્યો

વ્યસ્તતા વચ્ચે પણ જૈનધર્મના તમામ નિયમોનું કરે છે પાલન

લગભગ૩૦૦ જણના સ્ટાફ સાથે તેમની કંપનીનું નામ ટોપ ફાઈલ હોલસેલરમાં આવે છે. એક ભારતીય અને ગુજરાતી તરીકે આપણે સૌને અભિમાન થાય કે રમેશભાઈએ એકલપંડે આ પાયો નાખી આવડી મોટી ઈમારત ચણી છે.

મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના રમેશભાઈ એ દિવસોને યાદ કરતા કહે છે કે મારે કંઈક મોટું કરવું હતું અને એટલે મેં સપનાના શહેર મુંબઈની વાટ પકડી. લગભગ ૧૯૭૧ આસપાસ ભણતર પૂરું કરી તેઓ મુંબઈ ગયા. જોકે અહીં શરૂઆતના છ મહિના તેમના જીવનના સૌથી કઠિન દિવસોમાંના એક રહ્યા તેમ કહી શકાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…