ઉત્સવ

આ વેપારી પિતાપુત્રની જોડીએ દુબઈમાં અલગ અલગ બિઝનેસમાં કાઠું કાઢ્યું છે

ચેતન-કુશલ ભટ્ટ

મુંબઈ સમાચાર ટીમ
દુબઈની ખૂબ જ જાણીતી એવી મીના બજારમાં એક દુકાન છે. પ્રાઈમ લોકેશનમાં આવેલી આ દુકાનનું નામ છે ઈરકાન મેન્સ વેર. આ દુકાનમાં અંદર જશો તો નીચે અલગ અલગ કપડાના તાકા છે અને ઉપર ટેઈલર માસ્ટર બેઠા છે તમારું માપ લઈ તમારા કપડા સિવવા. અહીં રેડીમેઈડ શેરવાની જોઈ તમે ખુશ થઈ જશો. લગ્ન પ્રસંગ હોય, પૂજાવિધિ હોય કે પછી કોઈ પાંરપારિક તહેવાર. દુબઈના ભારતીય પુરુષો એક સરનામે આવે છે અને તે છે ઈરકાન મેન્સ વેર.

હવે આ સ્ટોરના જે માલિક છે તે ખૂબ જ યંગ એવો એક ગુજરાતી યુવાન છે કુશલ ભટ્ટ પણ કુશલ ભટ્ટની આ સફરની વાત કરીએ તે પહેલા વાત કરવી છે તેના પિતા ચેતન ભટ્ટની કારણ કે આ પિતાના અનુભવે દિકરાને પાંખો ફફડાવી નવી દિશામાં ઉડવાનું સાહસ અને બળ આપ્યું છે.

ચેતનભાઈનો પરિવાર મૂળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના મુળીનો વતની છે. ચેતન ભટ્ટ પોતાનો એલચી સહિતના મસાલાનો બિઝનેસ ધરાવે છે. આ ક્ષેત્રમાં તેમનું ખૂબ જ મોટું નામ છે. તેમનો જન્મ મુંબઈના માટુંગામાં થયો અને અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે મંગળદાસ માર્કેટમાં કપડાના વેપારી તરીકે કામ કર્યું હતું. અહીં કામ કરતાં સમયે તેમને એક જ્યોતિષીએ કહ્યું હતું કે છ મહિનામાં તમારી વિદેશયાત્રા થશે અન તેમની વાત સાચી પડી. ચેતનભાઈને ૧૯૮૨માં લંડન જવાનો મોકો મળ્યો અને તેઓ લંડન ગયા. અહીં ત્રણ વર્ષ રહ્યા અને ફરી મુંબઈ આવ્યા. તે બાદ ૧૯૯૦માં તેઓ દુબઈ આવ્યા. આ દરેક સમયે તેમણે ફૂડ સ્ટફના બિઝનેસ સાથે સંકળાયેલા કુમારભાઈ શ્રીમાંકર સાથે જ કામ કર્યું અને દુબઈમાં પણ તેમને ત્યાં જ ૧૫ વર્ષ જોબ કરી. તેમના માટે તેઓ એક પરિવાર સમાન જ હતા. તેઓ દુબઈ ગયા તે એ સમય હતો જ્યારે ગલ્ફવોર ચાલી રહી હતી. ચેતનભાઈના માતા-પિતાને આ સ્થિતિમાં દીકરો બીજા દેશમાં રહે તે વાતની સ્વાભાવિક ચિંતા થતી હતી, પરંતુ ચેતનભાઈએ તેમને હિંમત આપી. તેમણે અહીં લગભગ ૧૫ વર્ષ જોબ કરી. ફૂડ સ્ટફ બિઝનેસમાં તેમના બહોળા અનુભવે તેમને હામ આપી અને ૨૦૦૫માં તેમણે બિઝનેસમાં ઝંપલાવ્યું. ગુરુજીના આશીર્વાદ મળ્યા અને તેમણે પર્લ લાઈન નામ સૂચવ્યું અને ચેતનભાઈએ પર્લ લાઈન ટ્રેડિંગ એલસીસી નામે બિઝનેસ શરૂ કર્યો. તેમણે એલચીની બે મોટી બ્રાન્ડ એમ્પેરર અકબર બ્રાન્ડ અને એલિફન્ટ બ્રાન્ડને આગળ વધારવામાં દિવસરાત એક કરી નાખ્યા. ચેતનભાઈ કહે છે કે એક સમયે સો ટન જેટલી એલચી માંડ વેચાતી ત્યારે હવે ૩૦૦૦થી ૪૦૦૦ ટન જેટલી એલચીનું વેચાણ થાય છે. બર્માથી દુબઈ દાળ લાવનારા ચેતનભાઈ પહેલા વેપારી છે. દાળ બજારને પણ સમજ્યું. તેમ જ અન્ય મસાલા, સૂકો મેવો વગેરે ફૂડ સ્ટફમાં પણ ધીકતો ધંધો તેમણે કર્યો છે. ચેતનભાઈ કહે છે કે મેં અહીં આવી તનતોડ મહેનત કરી, સમય આપ્યો હવે તેનુ ફળ મળ્યું છે. જોકે તમને જણાવી દઈએ કે ચેતનભાઈ તેમની આ સફર વિશે જણાવે ત્યારે તેમના ચહેરા પર કે તેમની વાતોમાં નામનું પણ મોટાપણું છલકાતું નથી. ખૂબ જ શાંત અને નમ્રભાવે તેઓ દરેક વ્યક્તિ સાથે વાત કરે છે.

હવે ફરી આપણે કાપડના ધંધાની વાત કરીએ અને વાત કરીએ કુશલની. તો પિતાનો મંગળદાસ માર્કેટનો અનુભવ દિકરાને કામ આવ્યો. ચેતનભાઈનો દિકરો મોટો થયો. તેણે અમેરિકામાં બીબીએનો અભ્યાસ કર્યો. ફરી દુબઈ આવી તેણે પિતા પાસે ઈચ્છા વ્યક્ત કરી કે તે પિતાએ જમાવેલા નહીં, પરંતુ ટેક્સટાઈલ્સ બિઝનેસમાં કંઈક કરવા માગે છે. તે બાદ તેણે એથનિક મેન્સ વેરનો કોન્સેપ્ટ પિતા સમક્ષ મૂક્યો. જે પિતાએ પાસ કર્યો અને તેણે આ બિઝનેસમાં ઝંપલાવ્યું. કુશલે મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું કે મારા પિતા એક સમયે આ ધંધા સાથે જોડાયેલા હતા. મને પણ તેમાં રસ પડ્યો અને તેમનું માર્ગદર્શન લઈ મેં આ ધંધામાં ઝંપલાવ્યું અને ઈરકાન એથનિક મેન્સ વેરની શરૂઆત થઈ. ઈરકાન એક તૂર્કીશ નામ છે જેનો અર્થ થાય છે મજબૂત પુરુષ. કુશલના આ કલેક્શનમાં તમને ભારતીયતાની છાંટ મળશે. એકથી એક ચડિયાતું કલેક્શન અહીં મળશે. આ માટે કુશલ તેના ડિઝાઈનર અને ટીમને પણ શ્રેય આપે છે. કુશલના આ મેન્સવેર સેલિબ્રિટીમાં પણ લોકપ્રિય છે. કુશલ હાલમાં દુબઈમાં વધારે સ્ટોર ખોલી પોતાની બ્રાન્ડને વધારે મોટી અને લોકપ્રિય કરવા માગે છે તેમ જ આગળ જતા તે ભારતમાં પણ પોતાનું કલેક્શન લોંચ કરવા અંગે વિચારશે તેમ તેણે જણાવ્યું હતું.

ચેતનભાઈની બીજી એક ઓળખ તેમની સામાજિક પ્રવૃત્તિઓ છે. કોઈપણ સાહિત્ય, સંગીત કે કલાને લગતી પ્રવૃત્તિઓનું આયોજન કરવું હોય તો ચેતનભાઈ મોખરે હોય છે. પોતાનાથી બનતી મદદ તેઓ કરે છે. દુબઈ કોઈ નવું નવું આવે તો તેને માર્ગદર્શન આપવાનું, મદદ કરવાનું તેમને ગમે છે. અમુક સમયે તેમણે લોકોને પોતાની ઘરે રાખીને પણ મદદ કરી છે. આ બાબતે તેઓ જણાવે છે કે મને પહેલેથી જ આવી પ્રવૃત્તિઓ કરવી ગમે છે. લોકોને ભેગા કરી તેમની સાથે મજા માણવી અને આ સાથે આપણી સંસ્કૃતિને જીવતી રાખવી, નવી પેઢી સુધી પહોંચાડવાનો મને શોખ છે. આ સાથે તેમણે જણાવ્યું કે દુબઈમાં વેપારીવર્ગ કરતા પણ વધારે સર્વિસક્લાસ રહે છે. આ લોકો પોતાને વતનથી દૂર અહીં કામ કરતા હોય છે. તેમને પણ મનોરંજન મળી રહે, પોતાનાપણું લાગે તે જરૂરી છે. દુબઈ અંગે તેઓ જણાવે છે કે અહીંની વ્યવસ્થા ખૂબ જ સરળ છે. અહીં આવીને રહેતી વ્યક્તિ જીવનમાં આગળ જાય છે, પાછળ પડતો નથી. અહીં થોડા સમય રહ્યા બાદ કેનેડા, યુકે, યુએસએ પણ ઘણા લોકો સેટલ થાય છે. જીવન જીવવાની અહીં આસાની છે એટલે એકવાર જે અહીં આવે તેને બીજે જવું ગમતું નથી, તેમ ઉમેરતા ચેતનભાઈ કહે છે ઈસ્ટ ઓર વેસ્ટ દુબઈ ઈઝ ધ બેસ્ટ.

હાઈલાઈટ્સ
પિતાનો કાપડના વેપારનો અનુભવ પુત્રને કામ આવ્યો
પિતાએ એલચી સહિતના મસાલામાં નામ બનાવ્યું
પુત્રએ નવી દિશામાં આગળ વધી એથનિક મેન્સવેરમાં ધંધો જમાવ્યો
દુબઈમાં ભારતીય તેમ જ ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખવામાં અગ્રેસર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…