ઉત્સવ

આ વિસ્તાર ત્યારે ‘લાલબાગ’ નામથી ઓળખાતો હતો. પછી નામ માધવબાગ રાખવામાં આવ્યું

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

મુંબઈના ‘માધવબાગ’થી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે અને આજે તો એ પ્રાચીન સ્મારક છે. આજથી ૧૧૫ વરસો પહેલાં ઈ. સ. ૧૮૭૫માં મુંબઈના શ્રીમંત નાગરિકો અને સાગરભાઈ શ્રી વરજીવનદાસ અને નરોત્તમદાસે તે સમયે રૂ. ૧ લાખ ૫૦ હજારના ખર્ચે માધવબાગની સ્થાપના કરી હતી. માધવબાગ માટે ૧૮૭૪માં સી. પી. ટેન્ક નજીક આવેલો જમીનનો વિશાળ પ્લોટ ખરીદવામાં આવ્યો હતો. આ વિસ્તાર ત્યારે ‘લાલબાગ’ નામથી ઓળખાતો હતો. વરજીવનદાસ અને નરોત્તમદાસે પોતાના પિતા માધવદાસ રણછોડદાસના નામ ઉપરથી આ બાગનું નામ માધવબાગ રાખવામાં આવ્યું છે.

માધવબાગની સામે જે મંદિર બાંધવામાં આવ્યું છે તે લક્ષ્મીનારાયણનું મંદિર છે અને એની ઉદ્ઘાટન વિધિ વિક્રમ સંવત ૧૯૩૧ (ઈ. સ. ૧૮૭૫)ના વૈશાખ સુદ ૧૨ના દિવસે કરવામાં આવી હતી. એના બાંધકામમાં પોરબંદરનો પથ્થર વિશેષ રૂપે વાપરવામાં આવ્યો છે. અહીં મુરલીધર, કાળભૈરવ, મહાલક્ષ્મી અને કાલિકાની પ્રતિમાની કોતરણી કરવામાં આવી છે. એના આર્કિટેક્ટ તે વખતના ખૂબ જ જાણીતા આર્કિટેક્ટ રાજેશ્રી ભીમા રામજી હતા.

માધવબાગ જાળવણીના ખર્ચ માટે વાલકેશ્ર્વરના ડુંગર ઉપરનો એક જમીનનો પ્લોટ ખાસ અલગ કાઢી આપ્યો હતો અને તેનું તે સમયે વાર્ષિક ભાડું રૂા. ૧,૨૦૦ આવતું હતું. માધવબાગ સામે વિશાળ ધરમશાળા બાંધવામાં આવી છે. આ ધરમશાળા શ્રી વરજીવનદાસે એમના સ્વર્ગસ્થ ભાઈ શ્રી મૂળજીભાઈ માધવદાસના સ્મરણાર્થે રૂા. ૮૦ હજારના ખર્ચે બંધાવી હતી. એમાં જમીન ખરીદવામાં રૂા. ૩૦ હજારનો ખર્ચ થયો હતો.

શ્રી વરજીવનદાસ શ્રીમંત શેઠિયા હતા, પરંતુ મુંબઈની સર્વ કોમોમાં લોકપ્રિય હતા અને સહુનો આદરભાવ ધરાવતા હતા. શ્રી સોરાબજી બંગાળી એમના વેપારમાં એક ભાગીદાર હતા અને જ્યારે શ્રી સોરાબજીનું અવસાન થયું ત્યારે શ્રી વરજીવનદાસે સોરાબજીનું સમારક સ્થાપવા રૂા. ૨,૫૦૦ અને બાઈ ભીખીબાઈ બંગાલી સ્કૂલને રૂા. ૧,૦૦૦ આપી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

જ્યારે ૧૮૯૩ના ઑગસ્ટની ૧૫મી તારીખે મુંબઈમાં હિન્દુ-મુસલમાન રમખાણ ફાટી નીકળ્યું હતું અને લશ્કરને શહેરમાં ગોઠવી દેવામાં આવ્યું હતું ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર એચ. એ. એકવર્થે મ્યુ. કોર્પોરેશનના સભાખંડમાં સર્વ કોમોના આગેવાનોની એક બેઠક યોજી અને મ્યુ. કમિશ્નરે શ્રી વરજીવનદાસને શાંતિ સ્થાપવામાં સહાયક થઈ પડવા વિશેષ વિનંતી કરી હતી. ૩૧ મી ઑગસ્ટે હિન્દુ – મુસલમાન નેતાઓની બેઠક શ્રી વરજીવનદાસના નિવાસસ્થાને યોજાઈ હતી. સહુએ મુંબઈના નાગરિકોની જાહેર સભા ટાઉનહોલ ખાતે છઠ્ઠી સપ્ટેમ્બરે ગવર્નર લોર્ડ હેરિસના પ્રમુખપદે યોજવાનો નિર્ણય લીધો હતો. આ સભામાં સહુ નાગરિકોને શાંતિ સ્થાપી શહેરની પ્રતિષ્ઠા જાળવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો અને મામલો થાળે પડ્યો હતો.

શ્રી વરજીવનદાસ શ્રીમંત હતા, સખાવતી હતા તો એટલા જ સનાતની હતા. જ્યારે દેશમાં અને યુરોપ – અમેરિકામાં લોકપ્રિય ભારતીય પત્રકાર, કવિ શ્રી બહેરામ મલબારીએ ક્ધયાની લગ્ન સમયે વય ૧૪ કે ૧૬ વર્ષથી ઓછી હોવી નહિ જોઈએ એવી રજૂઆત વાઈસરોય સમક્ષ કરી હતી ત્યારે ૧૮૮૬માં મુંબઈમાં એવી અફવા ફેલાઈ કે વાઈસ રીગલ કાઉન્સિલ તરફથી એ કાયદાનું બિલ પસાર થનાર છે. ત્યારે એનો વિરોધ કરવા રાવસાહેબ નારાયણ મંડલિકે આગેવાનીભર્યો ભાગ લીધો હતો અને શ્રી વરજીવનદાસના કહેવાથી ૧૫૦ હિન્દુ સનાતની આગેવાનોની એક બેઠક આ બિલનો વિરોધ કરવા માધવબાગ ખાતે યોજવામાં આવી હતી. આ પ્રચંડ વિરોધના કારણે વાઈસરોય લોર્ડ રિપને આ બિલ પસાર કરવાનું તે વખતે માંડી વાળ્યું હતું. જો કે શ્રી મલબારી આ બિલ પસાર કરાવીને જ રહ્યા હતા.

શ્રી વરજીવનદાસનો જન્મ ૧૮૧૭ના જાન્યુઆરીની ૨૮મી તારીખે થયો હતો અને ૭૯ વર્ષની વયે ૧૮૯૬માં એમનું અવસાન થયું હતું. એમના માનમાં જાહેર શોકસભા સર દિનશા માણેકજી પિટિટના નિવાસસ્થાન પિટિટ હોલમાં બોલાવવામાં આવી હતી.

જ્યારે સત્તરમી સદી આથમવા આવી રહી હતી ત્યારે ઈ. સ. ૧૬૯૨માં વરજીવનદાસ પૂર્વજ રૂપજી ધનજી દીવથી મુંબઈ આવ્યા હતા. અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કોન્ટ્રક્ટર બનવાની સાથે વેપાર અને શરાફેનું કામ પણ શરૂ કર્યું હતું. ઘોઘામાં હતા ત્યારે ત્યાંથી દીવ જઈ પોર્તુગીઝના કોન્ટ્રાક્ટર બન્યા હતા એટલે અનુભવી હોવાથી મુંબઈમાં અઢળક નાણં કમાયા હતા.

રૂપજી ધનજીને ત્રણ પુત્રો હતા તેમાંથી મોટા પુત્ર મનોરદાસે પિતાનો વેપાર ચાલુ રાખ્યો હતો અને તેમની ગણના મુંબઈના નગરશેઠમાં થતી હતી. આ મનોરદાસના પુત્ર રણછોડદાસના પુત્ર માધવદાસે વેપારી અને શરાફ તરીકે પૂર્વજોની નામના જાળવી રાખી હતી. જ્યારે માધવદાસનું મરણ ૧૮૩૭માં થયું ત્યારે મુંબઈના ગવર્નર સર રોબર્ટ ગ્રાન્ટે માધવદાસના પાંચ પુત્રોને ગવર્નર હાઉસમાં બોલાવી આશ્ર્વાસન આપ્યું હતું અને દરેકને શાલ અને પાઘડી આપ્યાં હતાં. આ પાંચ પુત્રો તે મોહનદાસ, મૂળજીભાઈ, ગોપાલદાસ, નરોત્તમદાસ અને માધવદાસ. સહુભાઈએ પોતાનો ભાગ વહેંચી લધો હતો, પણ નરોત્તમ અને વરજીવન એ બે ભાઈઓએ સાથે રહીને વેપાર વિકસાવ્યો હતો. આજે નરોત્તમ અને વરજીવનદાસ નથી, પણ એમનો કીર્તિધ્વજ માધવબાગ લહેરાવી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…