બાળ પાટવીકુંવરને એક સ્થળે રાખવામાં ભારે જોખમ હતું
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
વીર દુર્ગાદાસ રાઠોડ અને સાથીઓમાં બધા ગુણ હતા. કહો કે સર્વગુણ સંપન્ન હતા, પરંતુ એક-બે વાર પરાક્રમ કરવું, જીતવું એ શક્ય લાગે. અહીં તો ઔરંગઝેબની પાશવી તાકાતથી બચાવેલા નાનકડા રાજકુમાર અજિતસિંહને જીવનભર, એટલિસ્ટ યુવાન ન થાય ત્યાં સુધી, સાચવવાના, બચાવવાના અને ઉછેરવાના હતા. નજીકના સગાંય આવા પડકાર વખતે આઘાપાછા થઇ જાય.
પરંતુ દુર્ગાદાસ રાઠોડ સાવ જ અલગ માટીના ઘડાયેલા હતા. કેટલા અનોખ-અનુઠા હતા એની કલ્પના ટૂંકી પડે એવું જીવન તેઓ જીવી બતાવવાના હતા.
એક વખત આખી મંડળી દિલ્હીથી સફળતાપૂર્વક નીકળીને બલુંદાના ઠાકુર મોહકન સિંહના ધર્મપત્ની સાથે હેમખેમ મારવાડના બલુંદામાં પહોંચી ગયા. અહીં નિરાંત અનુભવવા, આરમ કરવા કે વિજયોત્સવ મનાવવાને બદલે વ્યવહારુ વિચાર કર્યો. દુર્ગાદાસને લાગ્યું કે બલુંદામાં રહેવું સંપૂર્ણપણે સલામત નથી.
દુર્ગાદાસ સતત એક માત્ર વિચાર કરતા હતા કે પાટવીકુંવરને સલામત કેવી રીતે રાખવા? સૌપ્રથમ તો સિરોહી લઇ ગયા. ત્યારબાદ નજીકના કાલન્દ્રી ગામે વિશ્ર્વાસુ એવા જયદેવજીને ઘરે ગુપ્ત રૂપે રાખ્યા. કાલન્દ્રીમાં રહેવાનું વિશિષ્ટ કારણ હતું.
ઔરંગઝેબના જાસૂસો દુર્ગાદાસ અને અજિતસિંહને મારવાડમાં શોધતા જ હતા. એટલે કાલન્દ્રીની ભૂગોળ વ્યૂહાત્મક રીતે ઉપયોગી હતી. આસપાસના પર્વતો હતા. અહીં લડવાથી લઇને ભાગવાનું આસાન બની રહે.
મોગલોને વફાદાર સૈનિકો અને ગુપ્તચરની નજરોથી બચવા માટે રાજકુમારને એક સમયે લાંબો સમય ન રાખવાનું દુર્ગાદાસે નક્કી કર્યું હતું. એ સિવાય પાટવીકુંવર અજિતસિંહની સલામતીની જવાબદારી મુકનદાસ ખીચી અને ચાંપાવત સોનગને સોંપવા સાથે દુર્ગાદાસે ખાસ સૂચના આપી હતી કે ક્યાંય વધુ ન રોકાવું.
આમ અજિતસિંહના દિવસો સિરોહીથી કાલન્દ્રી, ડોડુઆ, પાડીવ, ખાંભલ અને વેલાંગિરી જેવા વનથી ઘેરાયેલા પર્વતીય વિસ્તારોમાં ગુપ્તવાસમાં વીતતા હતા. ગામ બદલવા ઉપરાંત જયાં ગુપ્તપણે રહે ત્યાં પણ એમનું રાત્રી રોકાણ બદલાતું રહે. ઉપરોક્ત ગામોમાં આવેલી હવેલી કે મહેલ ઉપરાંત રાજકુમારને અલગ અલગ મંદિરમાં પણ રખાતા હતા.
પરંતુ માત્ર દોડાદોડી કે જીવ બચાવવાથી મૂળ કામ પતવાનું નહોતું. રાજકુમાર અજિતસિંહનો વ્યવસ્થિત ઉછેર થાય, તેઓ સ્વસ્થ રહે અને રાજ્ય સંભાળવાને લાયક બને એવી વ્યવસ્થા કર્યા વગર છૂટકો નહોતો. નિશ્ર્ચિત સ્થળે અને એ પણ સલામત રહે એ અનિવાર્ય બનતું જતું હતું.
દરેક દૃષ્ટિકોણથી લાંબું વિચાર્યા બાદ દુર્ગાદાસની નજર એક વ્યક્તિ પર ઠરી, રાજસિંહ, મેવાડના મહારાણા. દુર્ગાદાસે મહારાણાને વિનવણી કરી કે પાટવીકુંવર અજિતસિંહને આશ્રય આપો. રાજસિંહ ઉદાર અને સંવેદનશીલ રાજવી. આ ઉપરાંત તેઓ ઔરંગઝેબની ધાર્મિક કટ્ટરતાના ઉગ્ર વિરોધી હતા. હિન્દુસ્તાની સંસ્કૃતિ અને ધર્મના આ રક્ષકે બાળક અજિતસિંહને પોતાની પાસે રાખવાનું સ્વીકારી લીધું. આ સીધેસીધું આફતને આમંત્રણ હતું. ઔરંગઝેબને ઉશ્કેરવા સમાન હતું.
આ બદલ મહારાણા રાજસિંહનો આભાર માનવા માટે દુર્ગાદાસે ૧૫ અશ્ર્વ, એક હાથી, એક રત્નજડીત કટાર, એક તલવાર અને દસ હજાર દીનાર ભેટરૂપે મોકલ્યા. મહારાણા રાજસિંહે ઉદારતાપૂર્વક બાર ગામ સહિતનો કેલવાનો પટ્ટો આપીને અજિતસિંહને મેવાડમાં આશ્રય આપ્યો.
આ તો થઇ ગયું પણ હવે ચિંતા ઔરંગઝેબના પ્રતિભાવની હતી. એ દ્વેષીલો, ડંખીલો અને ઝનૂની હતો, પરંતુ દુર્ગાદાસને મોગલોની તાકતની પરવા કે ડર નહોતા. તેમણે મહારાણાને ખાતરી આપી કે સિસોદિયા અને રાઠોડોની સંયુક્ત તાકાત સામે મોગલ સેનાનું કંઇ ઉપજવાનું નથી. આ શાબ્દિક વિશ્ર્વાસને ભરોસે બેસી રહેવાને બદલે બન્નેએ મળીને જરૂર પડ્યે લડવા માટેની સહિયારી યોજના બનાવી. હવે તર્કબદ્ધ રીતે દુર્ગાદાસે બે જ કામ કરવાના હતા. સાવચેતી સાથે પાટવીકુંવરનો ઉછેર અને મોગલ સેનાની પ્રતીક્ષા, પરંતુ દૂરંદેશી ધરાવતા દુર્ગાદાસ એનાથી ઘણું આગળનું વિચારતા હતા. (ક્રમશ:)