ઉત્સવ

સફળતા મેળવવા માટે કોઈ ટૂંકો રસ્તો નથી ..

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

તત્ત્વ ચિંતક ડાયોજિનસ

થોડા દિવસો અગાઉ એક યુવાને સોશિયલ મીડિયા પર એક વાત શેર કરી કે ‘લેખકો સાથે ઊઠબેસને કારણે મને પણ લખવાની પ્રેરણા મળી અને અંતે હું પણ લેખન તરફ વળી ગયો. મારે ઘણા બધા લેખકોને મળવાનું થયું અને એમની સાથે વાતો કરવાની તક મળી અને એને કારણે હું સારું લખતો થયો.’

એ ઉત્સાહી યુવાને પોતાની લેખનપ્રક્રિયા વિશે વાત કરી હતી અને કઈ રીતે લખવું જોઈએ એ વિશે સલાહો પણ આપી હતી. એ યુવાન વ્યવસાય પણ કરે છે અને સાથેસાથે વાંચવા-લખવાનો શોખ છે. જો કે એણે એવો ઉલ્લેખ કર્યો હતો કે મને વાંચવા કરતાં લખવાનો વધુ શોખ છે!

એ યુવાને એવું કહ્યું કે ‘લેખકો સાથે ઊઠબેસને કારણે હું લેખક બની શક્યો’ એટલે મને ઈસવીસન પૂર્વે ૪૧૨માં જન્મેલા અને અને ઈસવીસન પૂર્વે ૩૨૩મા મૃત્યુ પામેલા વિવાદાસ્પદ ફિલોસોફર ડાયોજિનસના જીવનનો એક કિસ્સો યાદ આવી ગયો.

ડાયોજિનસ તત્ત્વજ્ઞાની તરીકે ખ્યાતનામ બની ગયા પછી એમના ટીકાકારોની સંખ્યા પણ બહુ વધી ગઈ હતી. ગ્રીસના ઘણા વિદ્વાનોને એમની બહુ ઈર્ષા થતી હતી. જો કે ડાયોજિનસ એમનાથી વિચલિત થયા નહોતા. એ સહેજ પણ ડંખ વિના આવા ઈર્ષાળુઓને મળતા અને એમની સાથે મોકળા મને વાતો કરતા.

એક દિવસ એક છીછરો વિદ્વાન ડાયોજિનસને મળવા પહોંચી ગયો. એણે કહ્યું કે ‘તમારા જેવા તો કંઈક તત્ત્વચિંતક મેં જોઈ નાખ્યા છે. એમની સાથે મેં તત્ત્વજ્ઞાનની લાંબી લાંબી વાતો કરી છે અને એ બધાને મેં જ્ઞાન આપ્યું છે, પણ મેં એટલા બધા તત્ત્વજ્ઞાનીઓ પાસેથી જ્ઞાન મેળવ્યું છે કે ‘હું કહી શકું કે મારા જેટલો વિદ્વાન બીજો કોઈ મળવો મુશ્કેલ છે.’
ડાયોજિનસે કહ્યું, ‘સારી વાત છે, ક્યાંયથી પણ જ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ.’

પણ પેલા છીછરા વિદ્વાનને સંતોષ ન થયો. એણે કહ્યું: તમને ખાતરી હોય કે તમે સૌથી વધુ વિદ્વાન, તત્ત્વજ્ઞાની છો તો મારી સાથે ચર્ચા દ્વારા એ સાબિત કરી બતાવો. મેં દુનિયાના મોટામોટા તત્ત્વચિંતકો પાસેથી જ્ઞાન મેળવ્યું છે એટલે તમારા જ્ઞાનની ખાતરી થઈ જશે.

ડાયોજિનસ હસી પડ્યા. એમણે કહ્યું, ‘ભલા માણસ, મેં પણ દુનિયાના મોટામોટા ધનવાનોને જોયા છે. એમને મળ્યો પણ છું. એમની સાથે ઘણીબધી વાતો પણ કરી છે, પરંતુ આમ કરવાથી હું ધનવાન નથી બની શક્યો!’

ડાયોજિનીસનો આ કિસ્સો અને એમની ટિપ્પણી એટલે યાદ આવ્યાં કે લેખકો સાથે ઊઠ-બેસને કારણે જો લેખક થઈ શકાતું હોય તો પછી તમામ નવોદિત લેખકોએ અનુભવી લેખકો સાથે ઊઠ-બેસ જ રાખવી જોઈએ! મારે એવા અનેક નવોદિત લેખક-લેખિકાઓને મળવાનું થતું હોય છે કે જેમને વાંચવા કરતાં લખવાનો વધુ શોખ છે.

એક પરિચિત યુવાન ફિલ્મલેખક અત્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક નામાંકિત પ્રોડક્શન હાઉસ માટે ફિલ્મ લખી રહ્યો છે. એણે અનેક ફિલ્મ્સ અને વેબ સિરીઝ લખી છે. થોડા દિવસ અગાઉ એની સાથે વાત થઈ ત્યારે મેં એને પૂછ્યું: ‘તું આટલું બધું લખે છે તો તને વાંચવાનો સમય મળે છે?’

એણે જવાબ આપ્યો: ‘મને પુસ્તકો કે બીજું કશું વાંચવાનો બહુ સમય મળતો નથી, પણ મને લખવાનું બહુ ગમે છે.’
‘તેં કેટલાં પુસ્તકો વાંચ્યા છે?’

‘એમ તો મેં ઘણાં પુસ્તકો વાંચ્યા છે.’
મેં કુતૂહલથી પૂછ્યું: ‘ઘણાં એટલે અંદાજે કેટલા?’

‘પચ્ચીસેક પુસ્તકો તો ચોક્કસ જ!’

મેં એવા અનેક કિસ્સાઓ જોયા છે કે કોઈ વ્યક્તિને વાંચનનો ખૂબ શોખ હોય એને કારણે તે લેખન તરફ વળી હોય અને સારું લખી પણ શકતી ય હોય, પરંતુ માત્ર લેખકોને મળીને કે સાહિત્યકારો સાથે મુલાકાતો કરીને લેખક બની જવાય એ વાત આશ્ર્ચર્ય પમાડે છે.

સોશિયલ મીડિયાને કારણે ઘણી વ્યક્તિઓ એવું માનતી થઈ ગઈ છે કે અમે ખૂબ સારું લખી શકીએ છીએ. સોશિયલ મીડિયાને કારણે કેટલીક વ્યક્તિઓને લેખનક્ષેત્રે સફળતા પણ મળી છે, પણ માત્ર લેખકોને મળીને કે પચીસ-પચાસ પુસ્તકો વાંચીને સફળ થવાનો મોહ ન રાખવો જોઈએ. સફળતા મેળવવા માટે ટૂંકો રસ્તો પસંદ ન કરવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button