ક્રિકેટમાંથી શેરબજારમાં ઈન્વેસ્ટમેન્ટના પણ મળે છે સંખ્યાબંધ પાઠ
ઈન્વેસ્ટમેન્ટ અને ખાસ કરીને ઈકિવટી રોકાણના જગતને સમજવા માટે વિવિધ માધ્યમો કામ લાગતા હોય છે. જેમાં ક્રિકેટ મેચ પણ એક મહત્ત્વનું માધ્યમ ગણી શકાય. ક્રિકેટ મેચોમાં અજમાવાતી મોટાભાગની વ્યૂહરચના રોકાણ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. કઈ રીતે? સમજવું રસપ્રદ છે.
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા
હાલ દેશમાં વર્લ્ડ કપ ક્રિકેટનો માહોલ જામી ગયો છે ત્યારે બચ્ચાઓથી માંડી યુવાનો અને વુદ્ધો સુધી સૌ ભારતની મેચો જોવામાં વિશેષ મગ્ન રહે છે. ક્રિકેટ પાછળ દીવાના ન હોય એવા લોકોને અહીં ખરેખર દીવાના ગણવામાં આવે છે. આ ક્રિકેટની રમતને શેરબજાર સાથે સરખાવવામાં આવે કે ક્રિકેટની રમત પરથી શેરબજારના બોધ કે શીખ લેવામાં આવે તો? ક્રિકેટમાંથી શેરબજારમાં રમવાના કે રોકાણ કરવાના પાઠ સમજવા જોઈએ.
ટેસ્ટ મેચ, ૫૦ ઓવર કે ૨૦-૨૦
ક્રિકેટમાં ટેસ્ટ મેચ એટલે લાંબા ગાળાનું રોકાણ. જેમાં ખરીદવાની કે વેચવાની ઉતાવળ ન હોય. ધીરજ હોય, સંયમ હોય, લાંબા ગાળાનું લક્ષ્ય હોય. જેથી ઉતાવળે રન આઉટ થવા સહિત મેદાનમાંથી જ આઉટ થઈ જવાની સંભાવના ઓછી રહે છે. ૫૦ ઓવર એટલે મધ્યમ ગાળાનું રોકાણ, જયાં ટેસ્ટ મેચ જેવી શાંતિ કે ધીરજ ચાલી શકે નહીં, પરંતુ સાવ ઉતાવળ જેવું પણ નહીં.
જયારે ૨૦-૨૦ (ટવેન્ટી-ટવેન્ટી) એટલે જાણે કે ડે ટ્રેડિંગ અથવા પ્યોર સટ્ટોે. મેદાન પર આવો કે સમયનો ઝડપી ઉપયોગ શરૂ કરી દેવો પડે. મારો એટલે કે ફટકા લગાવો અર્થાત પ્રોફિટ બુક કરો અથવા
આઉટ થઈ જાવ એટલે કે લોસ બુક કરો. કલાકોમાં જ પરિણામ લાવવું પડે. જોખમી રમત, પણ એકસાઈટમેન્ટ ખુબ. ટાર્ગેટ સાવ જ સામે હોય અને ટુંક સમયમાં જ તેને પૂરો કરવાનો હોય. ઈન શોર્ટ કુછ ભી હો સકતા હૈ..
ફિલ્ડિંગ પર ફોકસ રાખવું જરૂરી
ક્રિકેટમાં તમે રમતા હો એટલે કે બેટિંગ કરતી વખતે તમારે ૧૧ જણ પર ધ્યાન રાખવું પડે, પણ તમારું ફોકસ બોલર પર ખાસ રહેવું જોઇએ. પણ બાકીના ફિલ્ડર્સ કયાં કઈ રીતે ઊભા છે તે તમારે દરવખતે બેટ ઉપાડતી વખતે ધ્યાનમાં લેવાનું હોય છે. આ જ રીતે તમે જયારે પોતે ફિલ્ડિંગમાં હો ત્યારે તમારે બેટસમેન પર નજર રાખવી પડે છે, એ કયાં ફટકો મારશે તેનો અંદાજ લઈ તમારે સતત એલર્ટ રહેવું પડે છે.
બોલર તરીકે તમારે બેટસમેનની ઉપર ફોકસ રાખવું જરૂરી બને છે. આમ આ જ બાબતને શેરબજારની દૃષ્ટિએ જોઈએ તો રોકાણકાર ખેલાડીએ ઘણીબધી સ્ક્રિપ્સને બદલે માત્ર પોતાના પોર્ટફોલિયો પર ધ્યાન રાખવુ મહત્તમ બહેતર છે, જેમાં ૧૦ કે ૧૨ સ્ક્રિપ્સ હોય તે આદર્શ છે. બહુ બધી સ્ક્રિપ્સ હોય તો ધ્યાન આપવાનું મુશ્કેલ બની જાય છે. બીજું, માત્ર એક જ પ્રકારે રમવાથી કે એક જ બાજુ ફટકા મારે રાખવાથી સામેનો બોલર તમને પોતાની વ્યુહરચનામાં ફસાવી શકે છે, એટલે કે શેરબજારમાં માત્ર અમુક જ સેકટરના શેરો લેતા રહેવા કરતા વૈવિધ્યસભર શેરો જાળવવા સલાહભયું છે.
સખત પ્રેકિટસ-અભ્યાસ આવશ્યક
ક્રિકેટમાં મેચમાં ઝંપલાવતા પહેલા પ્રેકિટસ કરવી ખૂબ જ જરૂરી છે, એટલું જ નહિ, સતત અભ્યાસ પણ મહત્ત્વનો છે. શારીરિક ફિટનેસ સાથે માનસિક સમતુલા પાવરફુલ રાખવી પડે છે. કયારે કઈ રીતે તમારી પર ટીમની મોટી જવાબદારી આવી પડે એ કહેવાય નહીં. ટેન્શન, પેનિક કે સ્ટ્રેસમાં આવી જનાર ખેલાડી સારૂં પરફોર્મ કરી શકતો નથી.
આ જ રીતે શેરબજારમાં સતત અભ્યાસ તો જરૂરી છે જ, પણ
સાથે સાથે બજારની ચાલ પર પણ નજર રાખવી પડે તેમ જ બજારને અસરકર્તા પરિબળો પણ સમજવાં પડતાં હોય છે. શેરબજારમાં કયારેક તોફાની તો વળી કયારેક સતત વોલેટિલીટી ચાલતી રહે છે, ઘણીવાર મોટા કડાકા કે મોટી મંદી પણ આવી જાય છે, જેમાં ગભરાટમાં આવી જનાર રોકાણકાર ખોટા નિર્ણયો લઈ બેસે છે અને પોતાને નુકશાન પહોંચાડે છે.
સતર્કતા અને નિર્ણયશક્તિનું મહત્ત્વ
ક્રિકેટમાં સતર્કતા અને નિર્ણયશકિતનું ખાસ મહત્વ રહે છે. ટોસ જીતીને પહેલા બેટિંગ લેવી કે ફિલ્ડીંગ એ નિર્ણય પણ ઘણીવાર મહત્ત્વનો બની જાય છે. કયારે બોલિંગ લાઈન બદલવી, કઈરીતે ફિલ્ડિંગ ચેન્જ કરવી, હરીફ ટીમની સામે કેવી વ્યૂહરચના રાખી જીત સંભવ બનાવી શકાય કે હારને ટાળી શકાય જેવી બાબતોની જેમ શેરબજારમાં કયારે ખરીદી શરૂ કરી દેવી, કયારે નફો બુક કરી લેવો, કયારે લોસ સ્વીકારી લેવી, કયા શેરો ખરીદવામાં કે રાખી મૂકવામાં સાર ગણાય વગેરે જેવી બાબતો રોકાણકાર પાસે સતર્કતા અને નિર્ણયશકિત માગી લે છે.
ક્રિકેટમેચના બેટિંગ (સટ્ટા)ની
જેમ ટિપ્સથી દૂર રહો
ક્રિકેટમાં મેચો પર જુગાર રમાતો હોવાનું જાહેર છે, જેમાં મેચ ફિક્સિગં સહિતના વિવિધ પ્રકારના આક્ષેપો પણ થતા હોય છે. જેથી ખેલાડીઓ તેમ જાહેર જનતા આ જુગારથી દૂર રહે તેમાં જ સૌનું હિત હોય છે, તેમ શેરબજારમાં રોકાણકારો ટિપ્સ કલ્ચરથી સાવધ રહે એમાં જ તેમનું હિત છે, કેમ કે ટિપ્સમાં લલચાયા બાદ અને સટ્ટાની જાળમાં ફસાયા બાદ તેના માથે જોખમ સદા લટકતું રહે છે.
તેમ જ વધતું રહે છે. બાકી તો શેરબજારમાં સકર્યુલર ટ્રેડિંગ, ઈન્સાઈડર ટ્રેડિંગ, પ્રાઈસ રિગિંગ (કુત્રિમ ભાવ ઉછાળા) યા મેનિપ્યુલેશનની પ્રવૃત્તિ ચાલતી રહેતી હોય છે, જેના પ્રત્યે રોકાણકારો સતર્ક રહે અને તેના પ્રલોભનમાં પડવાને બદલે પોતાના અભ્યાસ અને બજારના ફંડામેન્ટલ્સ પર વધુ ધ્યાન આપે એ જરૂરી ગણાય છે.