બધે તાળાં જ દેખાય, ચાવી એકેય નહીં!
સ્પોટ -લાઈટ -મહેશ્વરી
માણસના વ્યવસાયની, એના કાર્યક્ષેત્રની, એના મગજ પર કે વિચારવાની શૈલી પર અસર થતી હોય ખરી? કસાઈવાડે કામ કરનારો ખાટકી નિજી જીવનમાં નિર્દય હોય? કોર્ટમાં દલીલબાજીથી કેસ પર કેસમાં વિજય મેળવનાર વકીલ ઘરમાં પત્નીને આર્ગ્યુમેન્ટમાં મહાત કરી શકે? અનેક નાટકોમાં કામ કર્યા પછી એક વાત સુપેરે સમજાઈ ગઈ હતી કે સ્ટેજ પર તાળીઓના ગડગડાટ સાથે ગમે એવી પ્રભાવી એન્ટ્રી લીધા પછી અંતે તો એક્ઝિટ જ લેવાની હોય છે. અનેક શો કર્યા પછી એન્ટ્રીનો જબ્બર મોહ રહે નહીં અને એક્ઝિટ અકળાવનારી કે વ્યથિત કરનારી ન લાગે. વ્યવસાયી જીવનની આ એન્ટ્રી-એક્ઝિટની ખાસિયત અંગત જીવનમાં પણ રૂઢ થઈ ગઈ હતી. ઘર લીધાં પછી અચાનક છોડવાનો વખત આવે ત્યારે આંચકો લાગવાનું કે દુ:ખી થવાનું બંધ થઈ ગયું હતું. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગીતકાર સાહિર લુધિયાનવીની પંક્તિઓ `ગમ ઔર ખુશી મેં ફર્ક ન મેહસૂસ હો જહાં, મૈં દિલ કો ઉસ મકામ પે લાતા ચલા ગયા’ મારા જીવનમાં અજાણતા જ વણાઈ ગઈ હોય એવું હું માનતી હતી. આજે સુધ્ધાં માનું છું.
નાટકમાં તો એક્ઝિટ લીધા પછી બીજા શોની એન્ટ્રી નક્કી હોય છે, એની ચિંતા નથી કરવી પડતી. અહીં તો ઘરમાંથી એક્ઝિટ લેવી પડી હતી, કાયમી સ્વરૂપની. બોરીવલીના યોગી નગરના યોગ પૂરા થયા હતા અને નવી એન્ટ્રી ક્યાં મળશે એ ખબર નહોતી. એની કલ્પના પણ નહોતી. આવા પ્રસંગે સંકટ સમયની સાંકળ જેવાં જ્યોતિબહેન (વિનય દ્વિવેદીનાં પત્ની)ને ફોન જોડ્યો. ટ્રીઈઈઈઈન.. છએક વાર રિગ વાગી, પણ કોઈએ ફોન ન ઉપાડ્યો. જ્યોતિબહેન બપોરની નીંદર લેતા હશે? એવો સવાલ થયો. તરત ઘડિયાળમાં જોયું તો હજી બપોરનો એક વાગવામાં 10 મિનિટની વાર હતી. ના, ના, આટલાં વહેલાં તો ઊંઘી ન જાય જ્યોતિબહેન. કદાચ કોઈ કામસર બહાર ગયાં હશે. દસેક મિનિટ પછી ફરી ફોન જોડ્યો. એક રિગમાં ફોન ઉપાડ્યો અને મારું હેલો સાંભળી સામે છેડેથી જ્યોતિબહેન બોલ્યાં, ક્યાં છો તમે? કેટલા દિવસથી ફોન નથી. બધું ઠીકઠાક છે ને.’ બે ક્ષણ તો મારાથી કશું બોલાયું નહીં, પણ તરત સ્વસ્થ થઈ ગઈ અને બોલી,જ્યોતિબહેન, તમારું કામ પડ્યું છે.’
કેમ? ઘર છોડવાનો વખત આવી ગયો? નવા ઘરની શોધમાં છો?’ કદાચ મારો અવાજ કે પછી ફોન કરવાના સમય પરથી તેઓ મારી અવસ્થા પારખી ગયા હશે. પોતાના માણસોની આ જ તો ખાસિયત હોય છે. મેં હા પાડી અને અચાનક ઘર છોડવું પડે એમ છે એની વિગતે વાત કરી. હું વાત કરતી હતી અને મને એમના નિ:સાસા સંભળાઈ રહ્યા હતા. તકલીફ મારી હતી ને પીડા જાણે કે તેમને થઈ રહી હતી. તાત્કાલિક ઘર તો નહીં મળે એમ તેમણે કહ્યું. સેનેટોરિયમમાં પણ જઈને ઊભાં રહો એટલે રહેવા જગ્યા મળી જાય એ શક્ય નહોતું. બીજો એક વિકલ્પ હતો પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાનો, પણ મારા કામનો નહોતો. એટલા માટે કે મારી પાસે એટલા પૈસા નહોતા કે હું એ રીતે રહી શકું. ભાડાના ફ્લૅટમાં પણ રહેવું પોસાય એમ નહોતું. ટૂંકમાં કહું તો જ્યાં જ્યાં મારી નજર પડતી હતી ત્યાં ત્યાં મને તાળું જ દેખાતું હતું અને એકેય તાળાની ચાવી મારી પાસે નહોતી. જે દુકાનમાંથી હું ફોન જોડી રહી હતી ત્યાં એક ભાઈ ટ્રાન્ઝિસ્ટર પર ગીત સાંભળી રહ્યા હતા. એમાં કોઈ ગીત વાગતું હતું જેની બે પંક્તિ મારા કાને પડી કેબિન તાલે કી ચાબી લેકર ફિરતે મારે મારે’ અને એ સાંભળી મને હસવું આવી ગયું.
જ્યોતિબહેને કહ્યું હતું એ પ્રમાણે સાંજે તેમને ફરી ફોન કર્યો. તેમણે કહ્યું એ મુજબ તેમના જુહુના ઘરની સામે ઍરપોર્ટ કોલોની હતી. કોલોનીના એક ઘરમાં બાપ-દીકરો અને બે દીકરી રહેતાં હતાં. વડીલનાં પત્ની ગુજરી ગયાં હતાં. એક મહિના માટે ત્યાં રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. સારી વાત એ હતી કે આ નવા ઘરમાં તાત્કાલિક રહેવા માટે જઈ શકાય એમ હતું. વ્યવસ્થા થઈ જતાં નિરાંત થઈ અને તરત ઉદયભાઈના ઘરે ગઈ. એમણે મને સહકાર આપ્યો હતો એ બદલ તેમનો આભાર માન્યો. ફોનની સગવડ આપતાં બહેનની પણ રજા લીધી. એમના ફોનની સગવડને કારણે જ મને કાંતિ મડિયાના નાટકમાં કામ કરવા મળ્યું હતું એ હું ક્યારેય નહીં ભૂલું. જોકે, અચાનક જ હું ઘર છોડીને જઈ રહી હતી એની એમને નવાઈ તો લાગી. એમણે મને કંઈ પૂછ્યું નહીં અને મેં કોઈ ફોડ પાડ્યો નહીં. અમારી જીભ સિવાયેલી હતી, પણ મારી આંખો તેમણે એમની આંખોથી વાંચી લીધી. મારો હાથ હાથમાં લઈ એટલું જ બોલ્યા કે `હશે. જીવનમાં આવી પડતી મુશ્કેલીઓનો સામનો કરવામાં તો તમે પાવરધાં છો જ. મારે લાયક કંઈ કામ હોય તો ગમે ત્યારે ફોન કરજો.’
એક મહિના માટે બોરીવલીના યોગી નગરથી ઉચાળા ભરી જુહુની ઍરપોર્ટ કોલોનીમાં પહોંચી ગયાં. મહિનો જતાં વાર લાગે? જોકે, આ વખતે ખબર હતી એટલે કે નવા ઘરમાં પહોંચી બીજા જ દિવસથી સેનેટોરિયમની તપાસ શરૂ કરી દીધી. અરજી કરી, બધી વાત સમજાવી અને થોડા પ્રયત્ન પછી અંધેરીમાં નવરંગ થિયેટરની આગળ, ભવન્સ કૉલેજ નજીક રાજકુમાર સેનેટોરિયમમાં વ્યવસ્થા થઈ ગઈ. નાટકના શો તો ચાલુ જ હતા, પણ ત્યારે આજે મંડળો છે એવું નહોતું. એટલે અઠવાડિયે એક શો થાય. રવિવારથી રવિવાર. બાકીના દિવસોમાં નવરા. જોકે, અહીં મરાઠી નાટ્ય સૃષ્ટિ સાથેનું મારું અનુસંધાન કામ આવ્યું. મરાઠી નાટકોમાં કામ મળ્યું અને આ નાટકના શો તો દરરોજ થાય એટલે મારું ગાડું ગબડી રહ્યું હતું.
શેઠનો અહમ્ ઘવાયો અને…વીસમી સદીના પહેલા દાયકામાં નાટક કંપનીઓનું અને એ કંપનીના શેઠ લોકોનું ખાસ્સું વર્ચસ્વ હતું. મારું નાટક એટલે સર્વશ્રેષ્ઠ, બીજા બધા મારી આગળ પાણી ભરે અને હું બીજાનાં નાટકો કે અભિનય જોવા જાઉં નહીં’ એવી માન્યતામાં અનેક શેઠિયા કેદ રહેતા હતા.મુંબઈ ગુજરાતી કંપની’માં છોટાલાલ શેઠે બાપુલાલ નાયક, જયશંકર સુંદરી’ અને નાટ્યલેખક મૂળશંકર મુલાણીને ભાગીદાર બનાવ્યા હતા. 1910 આસપાસની વાત છે. મુંબઈના તાડદેવ વિસ્તારમાં આવેલી બાલીવાલા ગ્રાન્ડ થિયેટરમાં નકુભાઈ શાહનીઆર્ય નૈતિક નાટક સમાજ’ કંપનીનાં નાટકોને અફાટ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી. એ સમયે હરિહર દીવાના’ રચિતસતી તોરલ’ નાટક પૂરબહારમાં ચાલતું હતું. નાટકની પુસ્તિકામાં `કચ્છી પ્રેક્ષક વર્ગને ધ્યાનમાં રાખી લખેલું નાટક’ એવી નોંધ હતી. આવી લોકચાહના મેળવનાર નાટકમાં એવું તે શું છે એ વિચાર લેખકશ્રી મુલાણીને ઘેરી વળ્યો. નાટકની લાક્ષણિકતા તપાસવા લેખક નાટક જોવા ગયા. છોટાલાલ શેઠને આ વાતની જાણ થઈ અને તેમનો અહમ્ ઘવાયો. પોતાની નાટક કંપનીના લેખક – કવિ અને ભાગીદાર બીજી કંપનીનું નાટક જોવા જાય એ એમને જરાય ન ગમ્યું. બંને વચ્ચે અત્યંત ઉગ્ર ચર્ચા થઈ અને અંતે સિદ્ધાંતવાદી લેખક મૂળશંકર મુલાણી કંપનીમાંથી છૂટા થયા.
(સંકલિત)