વિશ્ર્વની ફાસ્ટેસ્ટ ઈકોનોમી હવે બની રહી છે ફાસ્ટેસ્ટ માર્કેટ…
ભારતીય શેરબજારે ગયા સપ્તાહમાં બે મોટા વિક્રમ નોંધાવ્યા. એક બીએસઈનું માર્કેટ કેપ ૪૦૦ લાખ કરોડ રૂપિયાની સપાટી વટાવી ગયું અને બીજો, સેન્સેકસ ૭૫ હજારને પાર કરી ગયો આમ દેશના અર્થતંત્રના ફંડામેન્ટલ્સ મજબૂત અને વિકાસલક્ષી હોવાથી આ બુલિશ ટ્રેન્ડ ચાલશે, પરંતુ ખરું ડહાપણ લાંબાગાળાનું રોકાણ કરવામાં છે…
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા
સેન્સેકસે આખરે વિક્રમસર્જક ૭૫૦૦૦નો આંક પાર કર્યો. ૭૫ હજાર તો એક સાઈકોલોજિકલ લેવલ હતું, જે ઉત્સાહ અને સેન્ટિમેન્ટને કારણે પાર થઇ ગયું, પણ હવે બજાર અહીં પણ અટકશે નહીં એવું માનવા માટે કારણો છે.
ટૂંકમાં, બજારમાં ઈલેકશન ફિવર નહી, બલકે મોદી સરકાર તરફી ફેવરેબલ પરિણામની ધારણા રાખે છે.
૭૫ હજારને પાર કર્યા બાદ પાછો ફરી ગયેલો સેન્સેકસ હાલ તો વિરામના મૂડમાં નથી. અલબત્ત, સેન્સેકસ-નિફટીનો ઉછાળો હાલ ચોકકસ હાઈ વેઈટેજ સ્ટોકસને કારણે આવતા રહે છે. લોકો આવા લગડી શેર્સમાં રોકાણ વધારતા રહ્યા હોવાનું જોવાય છે.
૧૦-૧૦ હજારના જમ્પનો સમયગાળો સેન્સેકસની યાત્રા ચઢાવ-ઉતારવાળી પણ રસપ્રદ રહી છે, ખાસ કરીને છેલ્લાં દસ વરસે તો જાણે માર્કેટની ફિતરત જ બદલી નાખી છે, જેમ ઈકોનોમીની બદલી છે. સેન્સેકસ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧માં ૬૦,૦૦૦ હતો, જેને ૭૦,૦૦૦ ઉપર પહોંચતા ૫૪૮ દિવસ લાગ્યા હતા, જે આમ ઘણી ધીમી ગતિ ગણાય. ૧૦ હજાર પોઈન્ટની યાત્રામાં આનાથી પણ ધીમી ગતિ સેન્સેકસે ૨૦ હજારથી ૩૦ હજાર થવામાં લગાડી હતી, જયારે તેને ૨૩૧૮ દિવસ લાગ્યા હતા. જયારે કે ૬૦ થી ૭૦ હજારમાં દોઢ વરસ લાગ્યું, જેને ૨૦ થી ૩૦ હજાર થતાં સવા છ વરસ લાગ્યા હતા. ૩૦ થી ૪૦ હજારની યાત્રા પણ ધીમી હતી, જો કે તે ધીમી ગતિમાં ત્રીજા ક્રમે આવે છે, જેમાં તેને ૫૨૦ દિવસ લાગ્યા હતા. ૧૦ હજારથી ૭૫ હજાર સુધી પહોંચતા સેન્સેકસને ૧૮ વરસ લાગ્યા હતા. ૫૦ થી ૬૦ હજારની ફાસ્ટેસ્ટ છલાંગ છ મહિનાથી પણ ઓછાં સમયમાં પૂરી થઈ હતી.
બીજી તરફ, ૭૦ થી ૭૫ હજારને માત્ર ચાર મહિના લાગ્યા છે…!
માર્કેટ કેપ ને જીડીપી
કોઈપણ શેરબજારના માર્કેટ કેપને તે દેશના જીડીપી (ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટસ) સાથે તોલવામાં આવે છે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ગુરુ બફેટના સિદ્ધાંત આધારિત પ્રાપ્ત ડેટા મુજબ યુએસએની માર્કેટ તેના જીડીપી સામે ૧.૮૪૪, જપાન ૧.૭૦૩ બાદ ભારતીય માર્કેટ ૧.૩૩ થઈને ત્રીજા ક્રમે આવી ગયું છે. ચીન જીડીપી સામે ૦.૫૬૩ નો રેશિઓ ધરાવે છે. ભારતના આ આંકડા બજાર હજી વધી શકવાના સંકેત આપે છે. ભારતીય બજાર બાદ ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીનો ક્રમ આવે છે.
હાઈ વેલ્યુએશનથી સાવચેત રહો
ભારતીય માર્કેટ વધવા માટે મજબૂત આર્થિક પરિબળોનાં કારણ અપાય છે, જયારે કે ચૂંટણીનાં પરિણામ બાદ માર્કેટે વધુ ઊંચાઈએ આગળ વધશે એવી ધારણા પાકી થતી જાય છે, તેમ છતાં હાલ ચોકકસ સ્તરે ભાવો વધુ પડતા ઊંચા (હાઈ વેલ્યુએશન) લેવલે પહોંચ્યા છે તેનો પણ ઈન્કાર થઈ શકે એમ નથી, જેથી કરેકશન ગમે ત્યારે ત્રાટકી શકે છે. જે કરેકશનમાં માર્કેટ જોરદાર કડાકા બતાવે તો તેને ખરીદીની તક ગણી લેવી જોઈએ એ વાત માનવી રહી, પણ આ ખરીદી સિલેકટિવ હોવી જોઈએ, આડેધડ નહી. મહત્તમ ભાર લાર્જ કેપ સ્ટોકસ પર આપવો રહ્યો. ફંડામેન્ટલ્સથી મજબૂત અને ઈકોનોમીની ગતિવિધિ સાથે આગળ વધી શકે એવી કંપનીઓ પર પસંદગી ઉતારવી તેમ જ અભિગમ લોંગટર્મ રાખવો. હવે લોંગટર્મની કરામત સમજવી હોય તો યાદ કરો, કોવિડના સમયને ૨૦૧૯-૨૦-૨૧ દરમ્યાન ૭૫૦૦ નો નિફટી હાલ ૨૨-૨૩ હજાર આસપાસ છે, સેન્સેકસ એ વખતે ૨૫ હજારથી પણ નીચે ઉતરી ગયો હતો, જે હાલ ૭૫ હજારની આસપાસ છે. આમ માત્ર પાંચેક વરસમાં વૃધ્ધિનો ગ્રાફ સમજી લો.
વિકાસ – વૃધ્ધિના આ રહ્યાં કારણ
તમને થશે કે આ વૃદ્ધિના નકકર કારણો કયાં છે? જેનો જવાબ પણ નજર સામે છે. દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી)ની વૃદ્ધિ, ઉત્પાદન, સર્વિસ સેકટરની વૃદ્ધિ, નિકાસ, મેક ઈન ઈન્ડિયા, ડિફેન્સ સેકટરની સ્વનિર્ભરતા, ઈન્ફ્રસ્ટ્રકચર અને ઓટો ઉધોગનો વિકાસ, મૂડીખર્ચમાં વૃદ્ધિ, બેન્કિંગ સેકટરમાં સતત સુધારા, એફએમસીજી સેકટરમાં વધતી ડિમાંડ, દેશી રોકાણનો સાતત્યપૂર્ણ રોકાણ પ્રવાહ, મ્યુચ્યુઅલ ફંડસ અને રિટેલ રોકાણકારોનો પણ અવિરત રોકાણ પ્રવાહ જેવા અનેકવિધ કારણો ભારતીય અર્થતંત્ર અને બજારમાં વિશ્ર્વાસ વધારી રહ્યા છે. આમ વિશ્ર્વની ફાસ્ટેસ્ટ ઈકોનોમી હવે વિશ્ર્વની ફાસ્ટેસ્ટ માર્કેટ બનવા તરફ ગતિ કરી રહી છે…