ઉત્સવ

વિશ્ર્વનું ખ્યાતનામ યોગા નગર અને આપણું આધ્યાત્મિક કેન્દ્ર એટલે દેવોની ભૂમિનું દ્વાર : રોમાંચક ઋષિકેશ.

ટ્રાવેલ સ્ટોરી – કૌશિક ઘેલાણી

કોઈ પણ સ્થળની મુલાકાત લઈએ તો એ સ્થળ આપણા માનસપટ પર કોઈ આગવી છાપ છોડીને જાય અને સ્થળ છોડીએ ત્યારે એ સ્થળ આપણાથી લેશમાત્ર પણ ન છૂટે અને આપણાં મનમાં કાયમ માટે જગ્યા બનાવી લે… દેવોની ભૂમિ ઉત્તરાખંડમાં સ્વર્ગના દ્વાર તરીકે ઓળખાતું ઋષિકેશ કઈક આવી જ વિશિષ્ટતા ધરાવે છે. ઋષિકેશ એ કોઈ સ્થળ નહીં પણ એક ભાવના છે. ઋષિકેશ કે જયાં હિમાલયમાંથી કૂદતાં, ઊછળતાં, પોતાના મૂડમાં વહેતાં ગંગાજી શાંત અવસ્થામાં હિમાલયના પહાડોમાંથી ભારતમાં વિશાળ મેદાન વિસ્તારમાં આવીને વહે છે એવા ઋષિકેશની ધરતીનું સત્ત્વ જ કંઈક અલગ છે. ઋષિકેશમાં આધ્યાત્મિક અને માનસિક શાંતિનો અનોખો સંગમ છે. અહીંના કણ કણમાં મેડિટેશન રહેલું છે અને જીવમાત્ર એને કોઈ વિશેષ કોશિશ વિના અનુભવી શકે છે. અદ્દલ એમ જ કે જાણે હમણાં જ સ્થિર પ્રવાહમાં આવેલા ગંગાજી દરેકનો તણાવ હરીને મનની સ્થિરતા આપતા જતા હતા. જ્યારે જીવન અટકતું જણાય, જીવનમાં ક્યાંક મૂંઝવણ જણાય, ક્યારેય કઇ જ ન કરીને ખાલી બેસી રહીને જિંદગીના દિવસોને વીતી જતા જોવાનું મન થાય ત્યારે ઋષિકેશ આંટો મારવો. બધા જ રસ્તાઓ આપોઆપ મળશે. અહીં જીવનમાં મૂંઝવતા સવાલનાં જવાબ મળે કે ન મળે પણ અહીં આવીને તમામ પ્રશ્ર્નો આપોઆપ શૂન્ય થઈ જાય છે.

ઉત્તરાખંડમાં ગઢવાલ વિસ્તારમાં આવેલ ઋષિકેશ સમગ્ર વિશ્ર્વમાં હિન્દુ ધર્મનું મુખ્ય આસ્થા કેન્દ્ર અને યોગા કેપિટલ છે. હિમાલયની તળેટીમાં આવેલ આ સ્થળ અવનવા આકર્ષણ ધરાવે છે એટલે જ ઋષિકેશમાં દિવસો નહીં પણ મહિનાઓ પણ સરળતાથી વિતાવી શકાય. શહેરની કોલાહલથી દૂર ઋષિકેશનું તપોવન વિસ્તાર માંસ-મદિરા ફ્રી ઝોન છે અને અહીં વિવિધ દેવી દેવતાઓનાં મંદિરો તથા આશ્રમો આવેલાં છે. ગંગાજીના ઘાટ પર અલગ અલગ કેફે અહીંનું મુખ્ય આકર્ષણ છે. અહીં કોઈ પણ કેફેમાં બેસીને જીવનની ક્ષણોને જાણે સ્લો મોશનમાં માણી શકાય છે. તપોવનનું મુખ્ય સ્થળ લક્ષ્મણ ઝૂલા છે જેની આસપાસ લગભગ તમામ કેફે આવેલા છે અને ચાલીને આ વિસ્તાર ફરી શકાય છે. અહીં ઠેર ઠેર મળતી લિજ્જતદાર ચાટ, ભેળ જીભને સ્વાદની ચટપટી સફર કરાવશે જ અને એ સ્વાદની લિજ્જત વારંવાર માણવા જેવી ખરી. આજકાલ જૂના લક્ષ્મણ ઝૂલાને બંધ કરીને નવો ઝૂલા બનાવવામાં આવી રહ્યો છે. ગઢવાલ ઉત્તરાખંડમાં ક્યાંય પણ ફરવા જવું હોય ઋષિકેશ એનું મુખ્ય મથક છે. ઋષિકેશથી હિમાલયનાં દરેક સ્થળે જઈ શકાય, એટલે જ તો આ શહેરને સ્વર્ગનાં ઉંબર તરીકે ઓળખાય છે. વિદેશીઓના ભારતીય સંસ્કૃતિ તરફનાં આકર્ષણને લીધે અહીં વિદેશી લોકોને છાજે તેવો માહોલ અનુભવી શકાય. અહીંનું કેફે કલ્ચર ખૂબ જાણીતું છે. અહી લક્ષ્મણ ઝૂલા પાર કરતાં જ વિશ્ર્વ પ્રસિદ્ધ લિટલ બુદ્ધા કેફે છે જ્યાં બેસીને ગંગાજીમાં ડૂબતાં સૂરજની સોનેરી રોશનીનાં સૌંદર્યને આંખોથી પાન કરી શકાય. અહીંનું સ્વાદિષ્ટ સલાડ કે અહીંની વિશિષ્ટ કોફીના ઘૂંટડા ભરતા ભરતા મનમાં શાંતિનો ગજબ એહસાસ થાય. લિટલ બુદ્ધા કેફેમાંથી ગંગાજીનાં ઘાટ પર શ્રદ્ધાળુને જોઈ શકાય, તરતી રાફ્ટમાં ખુશમિજાજ જનોની ખુશીને સ્પષ્ટ રીતે જોઈ શકાય, લક્ષ્મણ ઝૂલા પરથી પસાર થતા લોકોને જોઈ શકાય અને અસંખ્ય પક્ષીઓ ગંગાજીની સપાટી પર મહાલતા જોઈ શકાય. ગંગાવ્યુ કેફેના રૂફટોપ પરથી વહેતા ગંગાજીને શાંતિથી બેસીને જોવું તે એક લ્હાવો છે.આ બધી નાની નાની ક્ષણો કોઈપણને પોતાનાં જીવનમાંથી ખુશીઓનો ખજાનો શોધવાનો મોકો આપે જ છે.

લક્ષ્મણ ઝુલાથી ચાલતા રામ ઝૂલા તરફ જઈએ કે અલગ અલગ મેડિટેશન આશ્રમ, યોગા શીખવતાં યોગગુરુઓ, રસપ્રદ સંગીતનાં સાધનોનું એક આગવું બજાર, હેંડીક્રાફટનું બજાર, ખાણી પીણીનું બજાર વગેરે વચ્ચેથી પસાર થઈએ કે ફરી એક વાર બાળક બની જઈએ. એ સિવાય અલગ અલગ ગંગા ઘાટ તો ખરા જ જ્યાં વિશાળ પટમાં ગંગાજી મુક્તપણે વહેતાં હોય ત્યારે મનમાં ક્યાંક ભગીરથ રાજા ચાલતા દેખાય અને પાછળ પાછળ ગંગાજી. લક્ષ્મણ ઝૂલા પાસે સાંઈ ઘાટ છે જ્યાંથી ખૂબ જ ઓછી ભીડમાં ગંગાજીની કંપની માણી શકાય. અહીં જૂજ લોકો આવે છે. લક્ષ્મણ ઝૂલા પર આવતા જ અહીંના નટખટ વાંદરાઓ તમારું સ્વાગત કરવા તૈયાર હોય છે. હાથમાં કોઈ ફળ ફળાદી હશે તો બસ હકથી એ છીનવી લેશે અને તમારી સામે જ વટથી આરોગવા લાગશે. ઋષિકેશ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે સમુદ્રમંથન બાદ મહાદેવએ અહીં જ વિષપાન કરેલું અને તે નીલકંઠ કહેવાયા. તેની યાદમાં અહીં પૌરાણિક નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. રામાયણ સાથે પણ આ સ્થળ જોડાયેલું છે. વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામે અહીં પણ થોડો સમય એકાંતમાં વ્યતીત કરેલો અને તે જ સમયમાં શ્રી લક્ષ્મણજી દ્વારા પ્રભુને ગંગાજીને સામે કાંઠે જવા માટે એક પુલનું નિર્માણ કર્યું જે આજે લક્ષ્મણ ઝુલા તરીકે ઓળખાય છે.

આશરે નવમી સદીમાં આદિ શંકરાચાર્યએ વસાવેલું આ નગર આમ તો દેશનું આધ્યાત્મિક કેન્દ્ર અને હિન્દુ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. આદિગુરુ શંકરાચાર્ય દ્વારા નિર્મિત ભરત મંદિર, લક્ષ્મણ મંદિર, શત્રુઘ્ન મંદિર જેવાં પૌરાણિક મંદિરો પણ અહીં આવેલા છે. અહીં સાંજ ઢળે કે પરમાર્થ આશ્રમનાં ઘાટ પર ગંગાજીની સંધ્યા આરતીની તૈયારીઓ શરૂ થાય અને બધા લોકો અહીં હોશે હોશે ગોઠવાય જાય. આરતીની પાવક જ્યોતિનું વિશાળ પ્રતિબિંબ જયારે ગંગાજીના પટ પર દેખાય ત્યારે જાણે એમ લાગે કે મા ગંગા જીવમાત્રને પોતાના વાત્સલ્યથી ભીંજવી રહી છે. એ જ રીતે ત્રિવેણી ઘાટની આરતી પણ મુખ્ય આરતી તરીકે આગવું આકર્ષણ ધરાવે છે. ત્રિવેણીઘાટ એ ત્રણ પવિત્ર નદીઓના સંગમ પર આવેલો છે જેથી શ્રદ્ધાળુઓ પોતાના પાપોને ધોવાના ભાવથી શ્રદ્ધાની ડૂબકી લગાવે છે. અહીં સ્નાન કરનારાનાં પાપોનું ગંગાજી પોતાનાં પ્રવાહમાં હરણ કરી લે છે એવી માન્યતા પુરાતન કાળથી ચાલતી આવે છે જેથી અહીં યાત્રાળુઓ શ્રદ્ધાની ડૂબકી અચૂક લગાવે છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે કલાક જેટલો સમય ચાલતી આ આરતી જીવનમાં એક વાર અચૂક માણવી જોઈએ. આપણા ભુલાયેલાં નૈતિક મૂલ્યો, આધ્યાત્મિક ચેતના વગેરે ક્ષણ માત્રમાં જાગ્રત થઈ જાય છે. હિન્દુત્વનાં સાત્ત્વિક મૂલ્યોથી પ્રભાવિત થઈને ઘણા વિદેશીઓ પણ પોતાનું સઘળું વેચીને અહીં આધ્યાત્મિક જીવન વિતાવતા ધન્યતા અનુભવે છે. અહીં વિશ્ર્વ પ્રસિદ્ધ બેન્ડ બીટલ્સ પણ આકર્ષાયું હતું અને અહીં જ સાધના કરી હતી. મહર્ષિ મહેશ યોગી દ્વારા સ્થાપિત આશ્રમમાં તેઓ ૧૯૬૮માં મેડિટેશન માટે આવ્યા હતા અને ત્યાર બાદ ચોર્યાસી કુટિયા તરીકે ઓળખાતી આ જગ્યા બીટલ્સ આશ્રમનાં નામથી પ્રસિદ્ધ થઈ. પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર આ આશ્રમ આજે રાજાજી નેશનલ પાર્કનો હિસ્સો છે અને અહીંયા પણ કલાકો વિતાવી શકાય છે. બીટલ્સ આશ્રમ ઉપરાંત અહીં સ્વર્ગાશ્રમ , મુનિ કી રેતી, ઓમકારનંદ આશ્રમ, મૂજી આશ્રમ, પરમાર્થ આશ્રમ, ઓશો આશ્રમ જેવા અલગ અલગ આશ્રમ આવેલા છે જે આધ્યાત્મિક મૂલ્યોને જાળવી રાખવા વિવિધ પ્રકારનાં મેડિટેશન અને આધ્યાત્મિક અભ્યાસક્રમ ચલાવે છે. આ ઉપરાંત ઋષિકેશમાં હેલ્થ સ્પા, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું આયુષ કેન્દ્ર પણ છે. જ્યાં પ્રાકૃતિક સારવાર લઈ શકાય છે. અહીં શિરોધારા પણ ખૂબ જ જાણીતું છે.

કુંજાપુરી મંદિર જ્યાંથી સુંદર નજારાઓ માણી શકાય તેવું વાતાવરણ , વશિષ્ઠ ગુફા કે જ્યાં ગુરુ વશિષ્ઠએ ધ્યાન કર્યું હતું એવાં અઢળક સ્થળો ઋષિકેશને માત્ર એક સ્થળ નહીં પણ જીવનનો હિસ્સો બનાવે છે અને અહીં વધુ ને વધુ સમય વિતાવવાનાં કારણો આપે છે. હાલના ઋષિકેશનું વાતાવરણ એવું ગણી શકાય કે અહીં આજનો યુવાન હોય કે કોઈ વયસ્ક હોય દરેકને પોતાની જરૂરિયાત મુજબનો માહોલ અહીં મળી રહેશે. આધ્યાત્મ, શાંતિ , સૂકુન, એડવેન્ચર એક્ટિવિટીસ, યોગા, શાંત નદી કિનારો, પ્રાકૃતિક વાતાવરણ જેવું બધુ જ મળી રહે તેવું સ્થળ. આધ્યાત્મિક સ્થળો, યોગનાં કેન્દ્રો અને સરસ કેફે દરેક સાથે ગંગાજીનું સાંનિધ્ય એથી વિશેષ શું જોઈએ બ્રેક માટે?

ઋષિકેશમાં લોકો લાંબા સમય માટે રહેતા હોય છે. અહીં ઘણાં આશ્રમ છે જ્યાં રહીને જીવનને મેડિટેશન તરફ વાળીને એક અદભુત બ્રેક લઈ શકાય. આ સિવાય અહીં હોસ્ટેલ કલ્ચર છે જ્યાં માત્ર ૨૦૦ રૂપિયા આસપાસ બેડ અને બ્રેકફાસ્ટ, જાતે રાંધી શકાય એવું રસોડું વગેરે સરળતાથી મળી રહે છે. પ્રવાસીઓ માટેનું આકર્ષણ અહીંનું રિવર રાફ્ટિંગ છે. અહીં શિવપુરીમાં ગંગાજીના ધસમસતા પ્રવાહમાં રાફટિંગ કરવું એ યાદગાર અનુભવ બની રહેશે. એ સિવાય અહીં ફલાયિંગ ફોકસ, બંજી જમ્પિંગ જેવી એડવેન્ચર એક્ટિવીટીઝ છે જે જીવનમાં યાદગાર ક્ષણોની ભેટ આપે છે. ઋષિકેશ રેલ અને વિમાન માર્ગે સરળતાથી પહોંચી શકાય. ઋષિકેશથી માત્ર ૧૫ કિમી દૂર જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે અને નજીકનું રેલવે સ્ટેશન હરિદ્વાર છે. ગુજરાતમાંથી યોગા એકસપ્રેસ ડાયરેક્ટ હરિદ્વાર સુધી જાય છે એ સિવાય દિલ્હીથી સરળતાથી બસ અને ટેક્સી પણ મળી રહે છે. જીવનને શ્રેષ્ઠ ક્ષણોની ભેટ આપવી હોય તો એક વાર નહીં પણ વારંવાર ઋષિકેશની મુલાકાત લેવી જ જોઈએ. અહીં બેકપેકર્સ અને યોગાનાં રસિયાઓની અલગ જ દુનિયા છે. ટૂંકમાં અહીં દરેક ઉંમરના સભ્યો માટે કઈક ને કઈક તો છે જ જે તેમને માનસિક શાંતિ પ્રદાન કરે છે.

ગંગાજીને અહીં હિમાલય વિદાય આપીને ભારતનાં વિશાળ મેદાનોમાં, જંગલોમાં મુક્ત મને વહેવાનો માર્ગ બતાવે છે. બીટલ્સ આશ્રમમાં આમતેમ દોડતા વિચારો સ્થિર થતા અનુભવાશે, સાંઈ ઘાટ પર જાતને મળ્યા હોય એવો અનુભવ થશે, લક્ષ્મણ ઝૂલા પર પોતાનાંમાં રહેલું બાળક જીવંત થશે, ત્રિવેણી ઘાટ પર પોતાની જાત સાથે ઊંડો સંવાદ થશે તો લિટલ બુદ્ધ કેફેમાં દોડતી જિંદગીને જરાક સ્લો મોશનમાં મહાલતી દેખાશે.

ગંગાજીનો વહાલ દરેક ઘાટ પર અનુભવાશે દોસ્ત. ઋષિકેશ સ્થળ નહિ પણ સ્વર્ગનું ઉંબર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત