જિગરી દોસ્તનેય શરમાવે એવું દાના દુશ્મન દુર્ગાદાસનું કામ
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૩૮)
શાહજાદો મિર્ઝા મોહમ્મદ અકબર, આ એક જ નામ બાદશાહ ઔરંગઝેબને ઊંઘતા-જાગતા, ખાતા-પિતા, લડતા-જીતતા યાદ આવતું હતું. ખૂંચતું-ખટકતું હતું. સાથોસાથ શાહજાદાના દીકરા-દીકરી જોવા જાલીમ શાસક તરફડતો હતો. એમાંય બન્ને માસૂમ રાઠોડોના આશ્રિત હોવાથી મનને અમુક ભય કોરી ખાતો હતો.
ઔરંગઝેબને સતત પૌત્ર-પૌત્રીના વિચારો આવતા હતા. એમને જોવા અને પાછા મેળવવા શું કરવું એની મથામણ ચાલતી જ રહેતી હતી. બચ્ચાઓની ઉંમર વધવાને લીધે દાદાની ફિકર ડબલ થવા માંડી હતી.
મહારાજા અજિતસિંહને અવગણીને દુર્ગાદાસ રાઠોડને લાલચ આપીને બાળકો મેળવવાના પ્રયાસમાં નિષ્ફળતા મળી હતી. આની પાછળનો ઔરંગઝેબનો મલિન ઇરાદો દુર્ગાદાસ કળી ગયા હતા. એ અજિતસિંહ અને દુર્ગાદાસ વચ્ચે દુશ્મનીના બી રોપવા માંગતો હતો.
જયારે જોધપુરમાં શાંતિ-વ્યવસ્થાની સ્થાપના માટે સુજાત ખાનને ખાસ મોકલાયો, ત્યારે ઔરંગઝેબ દાદાએ બેય બાળકો પાછા મેળવવાના પ્રયાસ કરવા પર ભાર મૂકયો હતો.
સુજાત ખાનને માહિતી મળી કે મહેસૂલ ખાતાના વફાદાર કર્મચારી ઇશ્ર્વરદાસ નાગરને રાઠોડો સાથે મીઠા સંબંધ હતા. આથી દુર્ગાદાસ સાથે સંવાદ સેતુ સાધવાની જવાબદારી ઇશ્ર્વરદાસને સોંપાઇ.
ઇશ્ર્વરદાસની વાત સાંભળીને દુર્ગાદાસે પણ વિધેયાત્મક પ્રતિસાદ આપ્યો કારણકે દીકરી સફિયતુન્સ્સિા મોટી થઇ રહી હતી, પરંતુ આગળ બધાના અગાઉ દુર્ગાદાસ પોતાની અને ખાસ તો સફિયતુન્સ્સિાની સલામતીની ખાતરી માગી. ઇશ્ર્વરદાસે સુજાત ખાન સુધી અને સુજાત ખાને ઔરંગઝેબ સુધી પ્રસ્તાવ મોકલાવ્યો. ઔરંગઝેબે એકદમ ખુશખુશાલ બધી શરતો માની લીધી.
અંતે દુર્ગાદાસ રાઠોડે હસતે મોઢે આશિર્વાદ આપીને સફિયતુન્નિસાને ઇશ્ર્વરદાસ સાથે રવાના કરી, ત્યાંથી
સુજાત ખાન એને બાદશાહ પાસે લઇ
ગયો.
પાષાણ દિલ ઔરંગઝેબની આંખ ભીની થઇ ગઇ. બાદશાહ લાગણીશીલતા
છોડીને નક્કર વ્યવહારુ દુનિયામાં આવી ગયો.
તેણે વિચાર્યું કે લાંબો સમય દૂર રહેલી બચ્ચીને હવે આપણા રીત રિવાજ અને ધર્મની સમજ અને જ્ઞાન આપવાની તાતી જરૂર છે.
ઔરંગઝેબે ધાર્મિક જ્ઞાન અને કુરાન વાંચતા-સમજતા શીખવવા વ્યવસ્થા કરી, પછી એવા પગ નીચેથી ધરતી જ જાણે સરકી ગઇ.
સફિયતુન્નિસાએ મલકીને કીધું કે મને તો કુરાન વાચતા આવડે છે અને પૂરેપૂરું મોઢે યાદ છે. દુર્ગાબાબાએ મારા ધાર્મિક શિક્ષણની પૂરેપૂરી વ્યવસ્થા અને તકેદારી રાખી હતી.
ધર્માંતર માટે અનેકના જીવ લેનારા ઔરંગઝેબને પોતાના કાનો પર વિશ્ર્વાસ ન બેઠો. શત્રુની અને પરાજિતોની સ્ત્રીઓ સાથે અમાનુષી અત્યાચારનો આનંદ લેનારા શાસકને કલ્પનાય કયાંથી હોય કે દુર્ગાદાસ જેવો દાનો દુશ્મન તો જિગરી દોસ્તને ય શરમાવે એટલી માનવતા, દયા-અનુકંપા, સ્ત્રી-દાક્ષિણ્ય અને વહાલથી ભરપૂર
માનવી હોઇ શકે. છતાં હૈયું તો ભરાઇ જ આવ્યું.
આ ફરક હતો મોગલોમાં અને હિન્દુસ્તાનીઓમાં ઘાતકી દુશ્મનની અમાનતનું જીવથીય અદેકેરું જતન કરવું
એ રાજપૂતોની રાઠોડોની ખાનદાની હતી. પણ આનાથી ઔરંગઝેબ બદલવાનો થોડો હતો. (ક્રમશ:)