ઝબાન સંભાલ કે -યુદ્ધ સમાપ્ત થાય છે, યુદ્ધનો યુગ નહીં-હેન્રી શાસ્ત્રી

યુદ્ધ કરવું એ માનવ સ્વભાવનું લક્ષણ છે. યુદ્ધના મૂળમાં સ્વરક્ષણ, સ્વાર્થ, મહત્ત્વાકાંક્ષા કે અહંકારની ભાવના જોવા મળે છે. યુદ્ધને સાર્થક સાબિત કરવા વિવિધ દલીલ કરવામાં આવતી હોય છે પણ યુદ્ધ કાયમ તારાજીને જ નોતરું આપે છે. ખુવારીની ખાતરી હોવા છતાં મનુષ્ય યુદ્ધ કરતો રહ્યો છે અને કરતો રહેશે. જોકે, ભારતે ક્યારેય અંગત સ્વાર્થ સિદ્ધ કરવા યુદ્ધનું રણશીંગુ નથી ફૂંક્યું. હા, જાહોજલાલી ધરાવતા આપણા દેશને લૂંટવા વિદેશી આક્રમણોની કોઈ નવાઈ નથી. ભારતે યુદ્ધ નથી કર્યા એવું નથી પણ જ્યારે થયા છે એ કેવળ રક્ષણ માટે. યુદ્ધની કથાનું વર્ણન કરતાં પુસ્તકો લખાયાં છે અને રૂપેરી પડદે એની ફિલ્મો પણ જોવા મળી છે. ભાષામાં – સાહિત્યમાં પણ યુદ્ધની હાજરી જોવા મળે છે.
યુદ્ધસ્ય કથા રમ્યા કેમ કહેવાય છે? માણસને યુદ્ધ કેમ ગમે છે? અન્ય પર સત્તા ચલાવવાની અભિલાષા માણસને યુયુત્સુ બનાવે છે. યુયુત્સુ એટલે લડવા માટે તત્પર. જગવિખ્યાત રશિયન ફિલોસોફર અને લેખક લિઓ ટોલસ્ટોય અદ્ભુત વાત લખે છે ‘માણસ, યુદ્ધના મેદાનમાંથી પાછો આવી શકે છે પણ યુદ્ધના સમયમાંથી કે યુદ્ધનાં યુગમાંથી ક્યારેય પૂરેપૂરો પાછો ફરી શકતો નથી.’ એના માનસપટ પરથી યુદ્ધના ઓળા ક્યારેય મિટાવી નથી શકાતા. યુદ્ધખોર એટલે બિનજરૂરી લડાયક વૃત્તિ ધરાવતી કે લડી લેવા માગતી વ્યક્તિ. યુદ્ધે ચડવાનો આવેશ આવે કે ઝનૂન ચડે એ યુદ્ધજ્વર તરીકે ઓળખાય છે. યુદ્ધ કરવાની વૃત્તિ ધરાવતી વ્યક્તિ યુદ્ધપરસ્ત અથવા યુદ્ધપરાયણ કહેવાય છે. લડાયક ખમીર ધરાવતી વ્યક્તિ યુદ્ધશાળી કહેવાય છે. યુદ્ધ અને લડાઈમાં વ્યાપ – વિસ્તારનો ફરક હોય છે. લડાઈનું સ્વરૂપ સીમિત જ્યારે યુદ્ધ વિશાળ – વિકરાળ હોય છે. ઈ.સ. પૂર્વે 14મી સદીથી આપણા દેશમાં યુદ્ધ થતા આવ્યા છે અને કુરુક્ષેત્રના યુદ્ધથી બધા વાકેફ છે. !
મધ્યકાલીન સાહિત્યમાં યુદ્ધના ખમીર વિશે વર્ણન જોવા મળે છે. હેમચંદ્રાચાર્યજી લખી ગયા છે કે ‘ભલ્લા હુઆ જુ મારિઆ બહિણી મારા ક્ધતુ, લજ્જેજ્જં તુ વયંસિઅહુ જઈ ભગ્ગા ઘરુ એન્તુ’ (બહેન, મારો પતિ યુદ્ધમાં ખપી ગયો એ સારું થયું, જો યુદ્ધભૂમિમાંથી ભાગી ઘરે આવ્યો હોત તો સખીઓ વચ્ચે લાજી મરવાનો વખત આવ્યો હોત) અને તેમણે એમ પણ લખ્યું છે કે ‘પુત્તેં જાયેં કવણુ ગુણ, અવગુણુ કવણુ મૂએણ, જા બપ્પીકી ભૂંહડી, ચંપી જઈ અવરેણ’ (એવા પુત્રના જન્મથી શેનો આનંદ ને મૃત્યુથી કેવો શોક, જેના જીવતા પિતાની ભૂમિ દુશ્મનોના પગ તળે ચંપાય). હેમચંદ્રાચાર્યની આ પંક્તિઓ પણ દિલ દિમાગમાં સંગ્રહી રાખવા જેવી છે’ અમ્હે થોવા રિઉ બહુવ, કાયર એમ્વ ભણન્તી, મુદ્ધિ નિહાલ હિ ગયણયલુ કોઈ જોણ્હ કરન્તિ (અમે થોડા, દુશ્મન ઘણા એવા રોદણાં કાયર રડતો હોય છે, ઉપર જોશો તો ખ્યાલ આવશે કે ગગન પર ઉજાસ કોણ કરે છે). વિશાળ આકાશમાં એક ચંદ્રમા અજવાળું પાથરી શકે છે એની આ વાત છે. કવિ ન્હાનાલાલની કુંતી તો કહે છે કે ‘પાર્થને કહો ચડાવે બાણ. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, કહો, કુંતાની છે આણ, પાર્થને કહો ચડાવે બાણ.’
WAR IDIOMS
The world has seen numerous wars throughout history, including large-scale global conflicts like World War I and World War II, as well as numerous smaller, regional conflicts and civil wars. Some of the most impactful wars include the American Civil War, the Vietnam War, and ongoing conflicts like the Russo-Ukrainian War and the Syrian Civil War. વિશ્વએ અનેક યુદ્ધ નિહાળ્યા છે. ઈ.સ. પૂર્વે 2700માં મેસોપોટેમીયાના સુમેર અને એલામ વચ્ચે જગતમાં પહેલું યુદ્ધ ખેલાયું હોવાનું માનવામાં આવે છે. ત્યારથી અત્યાર સુધીના રશિયા – યુક્રેન યુદ્ધ સહિત અનેક વોર થયા છે. There have been quite a few meaningful idioms and phrases related to war. યુદ્ધ સંબંધિત ઘણી અર્થપૂર્ણ કહેવતો અને રુઢિપ્રયોગો જોવા મળે છે.
If you want peace, (you must) prepare for war. સાનમાં ઘણું સમજાવી જાય છે આ કહેવત. જો કોઈ દેશ શસ્ત્રોથી સજ્જ હોય તો દુશ્મન દેશ હુમલો કરતા બે વાર વિચાર કરે. બીજા વિશ્વયુદ્ધ વખતે શસ્ત્રવિરામની વાત કરતા લોકોને યુએસ આર્મી ઓફિસર વિલબર જવાબ આપતા કે Getting rid of our weapons won’t promote peace. If you want peace, you must prepare for war. શસ્ત્રો હેઠા મૂકી દેવાથી કે ત્યજી દેવાથી શાંતિ નહીં સ્થપાય. શાંતિ ઈચ્છતા હો તો યુદ્ધની તૈયારી કરો’ મતલબ કે તમને શસ્ત્રસજ્જ જોઈ દુશ્મન યુદ્ધ કરવાનું માંડી વાળશે અને સરવાળે શાંતિ જળવાશે. લડાઈમાં તાકાત અને ધગશ એ બે ખૂબ મહત્ત્વ ધરાવતી બાબત છે. એના વિશે એક રૂઢિપ્રયોગ છે કે To fight tooth and nail. This means To battle with all one’s strength and determination. પોતાની પૂર્ણ તાકાત અને દ્રઢ મનોબળ કામે લગાડી લડી લેવું એ આ પ્રયોગથી વ્યક્ત થાય છે. This phrase dates back to the 1500s when people literally used their teeth and nails as weapons during close combat. આ રૂઢિપ્રયોગ હજારેક વર્ષ જૂનો છે. એ સમયે હાથોહાથની લડાઈમાં લોકો દાંત અને ખીલાનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરતા હતા. યુદ્ધ અર્થહીન છે એ Beat swords into ploughshare કહેવતમાં સુપેરે પ્રગટ થાય છે છે. કહેવતમાં સોર્ડ – તલવાર અને પ્લાઉ – હળ એ અત્યંત વિપરીત ભાવાર્થ ધરાવતા ઓજારનો ઉલ્લેખ છે. એનો ભાવાર્થ એમ છે કે જો દુનિયા ધન સંપત્તિનો ઉપયોગ શસ્ત્રો ખરીદવા કે નિર્માણ માટે કરવાને બદલે જો માનવતાવાદી કાર્યો માટે કરે તો જગતમાં યુદ્ધ નહીં થાય, શાંતિ સ્થપાઈ જાય.
युद्ध की कहावतें और मुहावरे
યુદ્ધ અને લડાઈ સરખા માનવામાં આવે છે, પણ બંનેના અર્થમાં અંતર છે. युद्ध और लड़ाई में अंतर है. यह एक लंबी अवधि का सशस्त्र संघर्ष है जिसमें दो या अधिक राज्य या सरकारें शामिल होती हैं। यह एक व्यापक रणनीति और संसाधनों के उपयोग के साथ होता है, और इसमें कई लड़ाइयाँ शामिल हो सकती हैं. युद्ध के उदाहरणों में प्रथम विश्व युद्ध, द्वितीय विश्व युद्ध, और कारगिल युद्ध शामिल हैं. लड़ाई युद्ध का एक हिस्सा है। यह एक विशिष्ट सैन्य संघर्ष है जो एक सीमित क्षेत्र में, एक सीमित समय में होता है. लड़ाइयों के उदाहरणों में प्लासी की लड़ाई और घाघरा की लड़ाई शामिल हैं. યુદ્ધ સંદર્ભની કેટલીક કહેવતો જોઈએ. एक लड़ाई हारने से पूरा युद्ध नहीं हार जाता. કોઈ એક નાનકડી લડાઈ હારી જવાથી સમગ્ર યુદ્ધમાં પરાજિત થયા એવું ન કહેવાય. ક્યારેક રણ નીતિના ભાગરૂપે એક નાનકડી લડાઈ ઈરાદાપૂર્વક હારી જવામાં આવે જેથી લશ્કર લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધ માટે સજ્જ રહી શકે. બીજા વિશ્વયુદ્ધમાં ફ્રાન્સ જર્મની સામેની લડાઈ હારી ગયું હતું, પણ મિત્ર રાષ્ટ્રો (ફ્રાન્સ એનો હિસ્સો હતું) યુદ્ધ જીતી ગયા હતા. युद्ध में तीन गाय की तुलना में शांति में एक गाय बेहतर है. યુદ્ધના સમયમાં ત્રણ ગાય હોય એના કરતા શાંતિના સમયમાં એક ગાય વધુ સારી ગણાય છે. યુદ્ધ નહીં, શાંતિ આવકાર્ય છે. પરિસ્થિતિ અનુસાર પરિણામ મહત્ત્વ ધરાવે છે એ આ કહેવત પરથી સમજાય છે. હવે લડાઈના રૂઢિપ્રયોગ જોઈએ. लड़ाई खड़ी करना એટલે આફતને આમંત્રણ, પેટ ચોળી શૂળ ઊભું કરવું. लड़ाई ठानना એટલે દુશ્મની કરી લેવી. लड़ाई नांधना એટલે લડાઈ સતત ચાલુ રહેવી. लड़ाई मोल लेना એટલે કારણ વિના કોઈ સાથે લડાઈ – ઝઘડા કરવા કે પછી એવી પરિસ્થિતિ માટે નિમિત્ત બનવું.
युद्धाच्या म्हणी
વિષ્ણુ વામન શિરવાડકર – વિ. વા. શિરવાડકર ‘કુસુમાગ્રજ’ મરાઠી સાહિત્ય વિશ્વના તેજસ્વી તારલા છે, આદરણીય સર્જક છે. ચાર દાયકા સુધી મરાઠીભાષી જનતાની અભિરુચિ પર પ્રભાવ પાડનારા આ મૂઠી ઊંચેરા સર્જકનું સાહિત્યમાં અનન્ય યોગદાન છે. મનુષ્ય વૃત્તિનો અભ્યાસ કરી એની ફરતે સર્જન કરનારા ‘કુસુમાગ્રજ’ના સાહિત્યિક પ્રદાનમાં કવિતાનો પણ સમાવેશ છે. १९६२च्या भारत चीन युद्ध पृष्ठभूमीवर कुसुमाग्रज यांनी लिहिलेली कवितेच्या सुरुआतीच्या ओळी आहे बर्फाचे तट पेटूनि उठले, सदन शिवाचे कोसळले, रक्त आपुल्या प्रिय आईचे, शुभ्र हिमावर ओघळते! 1962માં થયેલા ભારત – ચીન યુદ્ધની પાર્શ્વભૂમિ પર તેમણે લખેલા કાવ્યની શરૂઆતની પંક્તિઓ આ પ્રમાણે છે: બરફની દીવાલો સળગી ઊઠી છે, શિવજીનું ઘર ધરાશાયી થયું છે, આપણી વહાલસોયી પ્રિય માતાનું લોહી સફેદ બરફ પર વહી રહ્યું છે. નિસર્ગ, ધાર્મિક આસ્થા અને હૃદયની ભાવના એક સાથે વણી લઈ યુદ્ધને કારણે થતી પીડાનું કેવું મર્મવેધક નિરૂપણ થયું છે. યુદ્ધની નિરથર્કતા ઊડીને આંખે વળગે છે. યુદ્ધ સંદર્ભે અનેક કહેવતો – રૂઢિપ્રયોગો અસ્તિત્વ ધરાવે છે. એક ખાસ નોંધી રાખવા જેવી કહેવત છે युद्धाने माणसे मरतात, पण सत्य मरत नाही. યુદ્ધમાં માણસ જીવ ગુમાવે છે, મૃત્યુ પામે છે, પણ સત્ય કદી નાશ પામતું નથી. એ તો છડી પોકારી બોલે છે.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરનું મૃત્યુ કે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના બે ટુકડા એના બોલકા ઉદાહરણ છે. शांततेत युद्धाची तयारी करा, युद्धात शांततेची तयारी करा કહેવત પણ અર્થપૂર્ણ છે. શાંતિ જળવાઈ રહી હોય ત્યારે જો બેઉ મોરચે યુદ્ધની તૈયારી થઈ રહી હોય તો એને કારણે યુદ્ધ ટળી ગયા હોય એવા ઉદાહરણ છે. અને જો યુદ્ધ અચાનક ફાટી નીકળે તો તૈયારીના કારણે ઊંઘતા ઝડપાઈ જવાનો વારો ન આવે.