ઉત્સવ

અદ્ભુત પ્રેમગંગા

આકાશ મારી પાંખમાં-ડૉ. કલ્પના દવે

જહાંગીર આર્ટ ગેલેરીમાં ફોટો અક્ઝિબિશન યોજાયું હતું. જેમાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રદીપ શેઠ (નામ બદલ્યું છે) તેમના વિવિધ ફોટાના અંતરંગ ભાવોને સમજાવી રહ્યા હતા. શાંત વાતાવરણમાં પ્રેક્ષકો ભાવુક થઈ સાંભળી રહ્યા હતા. “હું અને આ મારો મિત્ર શાર્દુલ, દક્ષિણના વન્યપ્રદેશમાં ટૂરિસ્ટ તરીકે ફરતા
હતા, ત્યારે બસમાંથી જે દૃશ્યો કેમેરામાં ઝડપાયા તે અહીં છે. જુઓ, પ્રથમ ફોટામાં માદા હરિણી તેના બે નાના બચ્ચાં સાથે ચાલી
રહી છે.

બીજા ફોટામાં હરિણીની પાછળ બે ખૂનખાર ચિત્તા તેના શિકાર માટે ઝડપથી પીછો કરી રહ્યા છે. હરિણીને પોતાની અને બે બચ્ચાની રક્ષા કરવાની હતી, એ શું કરે?, પોતે તો ઝડપથી ભાગી જાય- પણ નાના બે બચ્ચાં એટલી ઝડપથી ભાગી ન શકે. હરિણી વિચારે છે, હું મારાં બચ્ચાંનું કેવી રીતે રક્ષણ કરું ?મા એટલે મા.. .. હરિણી પોતે ઊભી રહી ગઈ, બચ્ચાં તેમની રીતે આગળ ભાગતા રહ્યા. પેલા બે ચિત્તા હરિણી પર તૂટી પડ્યા.

હરિણી સ્વબચાવ માટે ઝઝૂમવા લાગી. હવે જુઓ આ ત્રીજો ફોટો, હરિણીના બચ્ચાં ખૂબ દૂર જતાં રહ્યાં છે, એ બંને સલામત છે. હરિણી પણ ચિત્તાની ઝપટમાંથી છટકીને બચ્ચાં તરફ ઝડપથી આવી રહી છે. જુઓ, મિત્રો એક મૂક પશુ પણ પોતાના બચ્ચાં માટે પોતાની જાન કેવા જોખમમાં મૂકે છે.
બાજુમાં જ ઊભેલા શાર્દુલ પંડિતે ફોરેસ્ટ ટૂરનો પોતાનો અનુભવ જણાવતાં કહ્યું, “માતાની ગોદની હૂંફાળી છાયા મૂક પશુ પણ કેવું માણે છે, તે પણ અમે જોયું.

જંગલમાં એક હાથીનું મદનિયું એની મા અને હાથીના ઝૂંડથી છૂટું પડી ગયું, એ મને દેખાયું. તે મદનિયું પોતાની માતાને શોધતું ગભરાયેલું આમતેમ ભટકતું હતું. એ જોઈ અમારી બસના ટૂરિસ્ટ ગાઈડે ફોરેસ્ટ ઓફિસરને ફોન કરીને જણાવ્યું.

ફોરેસ્ટ ઓફિસર થોડી જ વારમાં આવી ગયો. એણે ડ્રોનની મદદથી હાથીના ઝૂંડને શોધી કાઢ્યું. નાના પાંજરામાં હાથીબાળને પૂરી દીધું અને પેલા હાથીઝૂંડ પાસે છોડી દીધું. અડધા કલાક પછી અમે બસમાંથી જોયું કે એ બાળહાથી એની માતાને વળગીને નિરાંતે સૂતું હતું.. આજના ડિજિટલયુગની યુવાપેઢી આ દિવ્યપ્રેમને સમજી શકે તો ઘણું. આમ કહેતા શાર્દુલ પંડિતની આંખ ભરાઈ આવી.
“મિત્રો, આ ફોટામાં જીવનની કરુણતા અને વાસ્તવિકતા બન્ને પ્રગટ થયા છે. મિત્રો, હું મારી વાત કરું તો મારા પેરેન્ટ્સે મારા માટે કેટલું બધું કર્યું છે, તે વિચારીને હું નતમસ્તક થઈ જાઉં છું. અત્યંત ખર્ચાળ કહી શકાય તેવા મેડિકલ સાયન્સમાં હું ભણવા માંગતો હતો, એટલે એજયુકેશન લોન, બેસ્ટ મેડિકલ કોલેજમાં એડમિશન, હોસ્ટેલનો ખર્ચ આ બધું મમ્મી-પપ્પાએ કર્યું હતું.

મારી મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા કેટલું મોટું તપ એમણે કર્યું. એમબીબીએસ પાસ કર્યા પછી રિસર્ચ કરવા પાંચ વર્ષ સુધી
યુ.કે.માં હતો. સાચું કહું તો લંડનમાં ઉજળી તક હોવા છતાં મારા માતા-પિતા સાથે રહેવા મળે એટલે મેં મુંબઈમાં જ સેટલ થવાનું સ્વીકાર્યું.
શાર્દુલ પંડિતની વાત સાંભળી શ્રોતાઓએ તેને તાળીઓથી વધાવ્યો. ત્યારે સાંઈઠેક વર્ષના નિરંજના મેડમ બોલ્યાં, “મારે પણ કંઈક કહેવું છે. હું, નિરંજના ભટ્ટ, આપણું જીવન પણ ચલચિત્ર જેવું છે. કૌટુંબિક સંબંધો અને એમાં ય માતા અને સંતાનના સંબંધ દિવ્ય છે.

૧૮ વર્ષના દીકરા કે દીકરી વિદેશ ભણવા જાય કે કોઈ સારી કંપનીમાં કામ કરતા યુવાનો વ્યવસાય માટે વિદેશ જાય ત્યારે આ દિવ્યપ્રેમ મનમાં ધરબાઈ જાય છે.
એક તરફ વૃદ્ધમાતા-પિતા પોતાની એકલતા, નિ:સહાયતા, આર્થિક મુશ્કેલી વેઠીને પણ સંતાનોને આગળ વધવા હિંમત અને સહકાર આપે છે તો બીજી તરફ યુવા સંતાન પોતાની મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા પ્રગતિ કરે છે. આપણે આ દિવ્યપ્રેમને જીવંત રાખી તેને સમૃદ્ધ રાખવાનો છે.

પોતાની આસપાસ વિંટળાઇને ઊભેલા લોકો તરફ એક નજર નાંખી, પેલા બહેને ઉમેળ્યું, હું ફાર્માસ્યુટિકલ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતી હતી, મારા પતિ જ્વેલરી બિઝનેસમાં હતા. અત્યારે અમે બન્ને રિટાયર જીવનનો આનંદ લઈ રહ્યા છીએ.

મારો એકનો એક દીકરો વિજય ઓસ્ટ્રેલિયામાં આઈ.ટી. કંપનીમાં છે. દર વર્ષે અમે દિવાળીનો ઉત્સવ સાથે જ મનાવીએ છીએ. એક દિવાળી વિજય એની ફેમિલી સાથે મુંબઈ આવે તો બીજી દિવાળીએ અમે વિજયને ઘરે જઈએ. સંબંધોને હરિયાળા રાખવા આપણે એકબીજાને મળતા રહેવું જોઈએ.

ટોળામાં ઊભેલા એક સફળ બિઝનેસમેનને તેમની માતા યાદ આવી. પોતાની માતાને યાદ કરતાં કહે છે, “આ મારી પર્સનલ વાત છે. મારી મા મને હંમેશા કહેતી હતી કે દીકરા તું ખૂબ કામ કરે છે, તે સારું છે. પણ, થોડી વાર મારી સાથે બેસ. ચાલ, સાથે કશે ફરવા જઈએ. પણ ત્યારે હું મારી માતાની લાગણી સમજી ન શકયો. આજે મારી પાસે બધો વૈભવ છે, પણ મારી મા કયાં છે?
પોતાની ફીલિંગ વ્યક્ત કરવા બદલ બિઝનેસમેનનો પ્રદીપભાઈએ આભાર માન્યો. પછી કહ્યું, યુવાસંતાનો ઘણી વાર માતા-પિતાની ભાવનાને ટેઈકટ ફોર ગ્રાન્ટેડ સમજે છે. એમણે આપણા માટે કંઈ કર્યું એમાં શું થયું? એ તો એમની ફરજ છે, એવું કહે છે, પણ, માતા-પિતાની લાગણીને, એમણે કરેલાં બલિદાનને, ઘણીવાર સમજતાં નથી.

મને લાગે છે કે માતા-પિતાના ચહેરા પર આપણા થકી સંતોષ અને પ્રસન્નતા આવે તે ક્ષણ દિવ્ય છે. જીવનની કેડી પર મળતા આ દિવ્યપ્રેમની અદ્ભુત પ્રેમગંગાને આપણે માણીશું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો