ઉત્સવ

પુરુષાર્થી જે રીતે લલાટે પ્રસ્વેદ પાડે છે,ઘણા પ્રારબ્ધને જળ છાંટી એમ જ જગાડે છે

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

સંસારમાં છો ત્યાં સુધી અનેક કામ કરવાના હોય છે. ઘણા થઈ ગયા હશે, ઘણા છૂટી ગયા હશે, કેટલાક કરતા હશો અને અમુક ભવિષ્યમાં કરવા મક્કમ હશો. બધું કરજો, પણ ભાષા અને ભાર્યા (ભાર્યા એટલે પત્ની)ને અફાટ પ્રેમ કરજો. જેટલો પ્રેમ કરશો એનાથી અઢળક પામશો. ભાષા બાબત ગેરંટી, ભાર્યા બાબતે જાત અનુભવ જ શ્રેષ્ઠ અનુભવ. જીવનની હળવી બાજુ માણી લીધા પછી ભાષાના ભવ્ય સાગરમાં ડૂબકી લગાવી મરજીવાની જેમ રત્ન પ્રાપ્તિની કોશિશમાં લાગી જઈએ. હાથ લાગેલું પહેલું રત્ન છે, પરાગ જો અંતરમાં હશે તો એ પાંગરી કદી પુષ્પ ખીલશે, મનોરથો સ્વપ્નો મહીં હશે તો સિદ્ધિરૂપે કાર્ય વિશે જન્મશે જ. પરાગ એટલે ફૂલની રજ, કુસુમરજ કે પુષ્પરજ. ફૂલની રજ સર્જનમાં નિમિત્ત બને છે. ટૂંકમાં ફૂલ ખીલવા માટે રજની હાજરી હોવી આવશ્યક છે. એ જ રીતે કશુંક પ્રાપ્ત કરવાના સપનાં જોયા હશે તો એ કાર્યની ફળશ્રુતિ તરીકે આકાર લેશે જ. તળપદી ભાષામાં કહેવાય છે ને કે કૂવામાં હશે તો હવાડામાં આવ્યા વિના નહીં રહે. બસ એવું જ. અસલના વખતમાં વડીલો શિખામણ આપતા અને એ શિખામણો સાંભળી એને જીવનમાં ઉતારવું યુવા પેઢીને પસંદ હતું ત્યારે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે એવું સમજાવવામાં આવતું. મતલબ કે મહેનત કરનારને જ નસીબ સાથ આપે છે. મહેનત વિના ફળની અપેક્ષા ન રાખવી એ એનો સાર છે. આ વાત સુભાષિતમાં કેવી પ્રભાવી અને પહાડી રીતે કહેવાય છે કે પુરુષાર્થી જે રીતે લલાટે પ્રસ્વેદ પાડે છે, ઘણા પ્રારબ્ધને જળ છાંટી એમ જ જગાડે છે. પરિશ્રમ જોઈ પ્રારબ્ધ પણ એનો સાથ નિભાવવા દોડતું આવે છે. રોદણાં રડતા કે રડમસ ચહેરે બેસી રહેતા લોકોએ હવે રજૂ થતું સુભાષિત ધ્યાનથી વાંચી, એનો ભાવાર્થ સમજી જીવનમાં ઉતારવા જેવું છે. જીવનપથ પર આગળ વધનાર સામે અંતરાય આવ્યા કરે, વિઘ્નો ભલે ઊભા થાય, હિંમત ગુમાવ્યા વિના હસતે મોઢે આગળ વધતા રહેવાનો જીવન મંત્ર ગોખી લેવાનો હોય. સૂર્ય – રશ્મિ – પંથમાં વાદળ વચ્ચે ભલે પડે, ખીલતા ફૂલને કદીયે મેં મ્લાન નથી દીઠું. વાદળ અંતરાય બને તો પણ સૂર્ય અને એના કિરણો પ્રકાશ ફેલાવવામાં પાછી પાની નથી કરતા. ખીલવા માગતું ફૂલ ક્યારેય ફીકું કે ચીમળાઈ ગયેલું ન હોય. બે પંક્તિમાં જીવનનો કેટલો મોટો બોધ મળી જાય છે. પ્રીતિ અને કરુણા – પ્રેમ અને દયાભાવ મનુષ્ય જીવનના બે આધાર સ્તંભ છે. અલબત્ત માનવી પ્રેમ કરી જાણે છે એમ પ્રેમ મેળવવાની ઝંખના પણ તેને હોય છે. એક હાથ દે તો એક હાથ લે જેવી આ વાત છે. જોકે, દયાનો સાગર તો વહેવામાં જ માને છે. પ્રેમ અને કરુણા વિશે સુભાષિતમાં સાદી અને સરળ વાણીમાં કેવી ઊંચી વાત કહેવાઈ છે કે પ્રીતિ કહે: ઘણું આપું છતાં પામું ના કશું હું, કરુણા કહે: આપું હું માત્ર, નવ ચાહું કશું. પ્રેમ ક્યારેક બિઝનેસમેનની જેમ રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટની ભાષા બોલે છે અને વળતર નહીં મળવાથી ફરિયાદ કરે છે. કરુણાની વિચારસરણી સાવ નોખી છે જે માત્ર આપી જાણે છે, પામવાની કોઈ તમન્ના જ નથી અને એટલે જ કોઈ ફરિયાદ નથી. આજના સમયમાં ફરિયાદ વગરનું જીવન શ્રેષ્ઠ અને શાંતિપૂર્ણ જીવન ગણાય. આજના અંતિમ સુભાષિતમાં વ્યવહારુ બોધ છે. અનેક ઈચ્છા – અરમાન સેવ્યા હોય. એ સાકાર કરવા માટે એડીચોટીનું જોર લગાવી ઉત્તમ પ્રયત્નો સુધ્ધાં કર્યા હોય, પણ બધી ઈચ્છા – અરમાન પૂરા થાય એ જરૂરી નથી. આ વાત સુભાષિતમાં કેવી સરળ વાણીમાં જણાવી છે કે બધી જ આશા, બધી જ ઈચ્છા ફળી શકે ના કદી જીવનમાં, બધી કળીઓ શું પૂર્ણ ખીલી સુમન થતી જોઈ છે ચમનમાં. સુમન એટલે ફૂલ અને ચમન એટલે બગીચો.

WORDS WITHOUT VOWELS

પાંચ અંગ્રેજી સ્વર વગરના શબ્દોની યાત્રા હવે અંતિમ પડાવ પર પહોંચી છે. નવાઈ પમાડનારી વાત એ છે કે સ્વર (ટજ્ઞૂયહત: અ, ઊ, ઈં, ઘ, ઞ) વગરના બે અક્ષરના શબ્દો જૂજ છે જેમ કે ઇુ, ખુ વગેરે. ત્રણ અક્ષરના શબ્દોનો પરિવાર પણ બહુ બહોળો નથી. સામાન્ય બોલચાલમાં કે વાંચનમાં ભાગ્યે જ જોવા મળતા શબ્દો ટાળ્યા છે. Cry, Dry, Fry, Ply, Pry, Shy, Sly, Spy etc. એના પ્રચલિત અને વ્યવહારુ ઉદાહરણ છે. દરેકમાં અંગ્રેજી અક્ષર ‘વાય’ની હાજરી ધ્યાન ખેંચનારી છે. ચાર અને પાંચ અક્ષરના સ્વર વગરના શબ્દો જાણ્યા પછી હવે એવા છ અક્ષરી શબ્દો જોઈએ. વ્યવહારમાં નિયમિત આવતા હોય એવા આ પ્રકારના બે જ શબ્દ છે: Rhythm and Sphynx. રિધમ એટલે ગદ્ય કે પદ્યમાં તાલ કે gebÙsp. The Rhythm of the song is excellent. It will hold listeners. સ્ફિન્ક્સ એટલે મોટા કાન ધરાવતી શરીર પર રુંવાટી વગરની બિલાડી. A Sphynx is a breed of medium-sized hairless cat with large ears and a long whip like tail. એક એવો શબ્દ છે જેનો ભાષામાં વપરાશ ઓછો છે, પણ જીવનશૈલીમાં એનો વપરાશ મહત્ત્વ ધરાવે છે. એ શબ્દ છે Thyme જેને આપણે બ્રાહ્મી તરીકે ઓળખીએ છીએ. ભાષાની ખૂબી – અજાયબીની દુનિયામાં હવે હેરત પમાડનારું ઉદાહરણ જોઈએ. અંગ્રેજી અક્ષર આઈ વગરના શબ્દો વિશે જાણ્યા પછી એવો સવાલ થઈ શકે કે શું ‘આઈ’ અક્ષર ન આવતો હોય એવા અર્થપૂર્ણ વાક્ય લખી શકાય? વાક્ય જ નહીં આખેઆખો પેરાગ્રાફ પેશ છે: What an easy task! Not much energy has to be used to do what you ask. You pose the task at hand as one that should be hard, or troublesome. Yet, as my answer becomes longer and longer, more words are found that don’t depend upon the use of the currently contraband glyph that was stated beforehand. One would probably expect more problems along the way, but once focused, the request becomes far more easy than formerly thought. Could one form a sentence that forgoes the use of the one letter that holds a known spot as the letter after H and before J? To answer what your query asked beforehand: Yes. Why only one

मराठी – ગુજરાતી सेम ટુ સેમ

ગયા સપ્તાહની એકમેકને આલિંગન આપતી, એકમેકના પ્રતિબિંબ જેવી મરાઠી – ગુજરાતી સેમ ટુ સેમ કહેવતનો દોર આગળ વધારીએ એક એવી કહેવતથી જે ભાવાર્થમાં તો સામ્ય ધરાવે છે જ પણ એની શબ્દ રૂપરેખામાં પણ ગજબની સમાનતા નજરે પડે છે. થોડી મિનિટ કે થોડા કલાકના અંતરે જન્મેલા ટ્વિન્સ જેવી. મરાઠી કહેવત છે जेनुं काम तेनुं ठाय, बिजा करे सो गोता खाय. કહેવત મરાઠી છે, લિપિ દેવનાગરી છે, પણ ભાષા ગુજરાતી છે. એનો ભાવાર્થ છે જેની જેમાં આવડત હોય એ જ કામ તેણે કરવું જોઈએ. લેંઘામાં નાડું ખોસવાની આવડત ધરાવનાર જો માંદા માણસની નાડ તપાસવા બેસે તો શું થાય એ સમજાવવાની જરૂર ખરી? ગુજરાતીમાં આ કહેવત એ જ સ્વરૂપે – જેનું કામ તેનું થાય, બીજા કરે તો ગોથાં ખાય – છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મુંબઈ સમાચાર’ના દ્વિશતાબ્દી નિમિત્તેના કાર્યક્રમમાં એનો ઉલ્લેખ કર્યો હતો અને અર્થ પણ સમજાવ્યો હતો. બીજી કહેવત છે आधी पोटोबा मग विठोबा. મતલબ કે ખાલી પેટે પ્રભુ ભક્તિ ન થાય. આવી ગઈને ગુજરાતી કહેવત યાદ કે પહેલા ભોજન અને પછી ભજન. ત્રીજી કહેવત છે कुंपणानेच शेत खाल्ले મતલબ કે રક્ષણ કરવાની જેની જવાબદારી છે એ જ ભક્ષણ કરે. રક્ષક બન્યો ભક્ષકનો ભાવ ધરાવતી ગુજરાતી કહેવત છે વાડ જ્યારે ચીભડાં ગળે. સેમ ટુ સેમ કથાની આજની અંતિમ કહેવત છે कोरड्याबरोबर ओले जळते. અહીં વપરાયેલા બે મરાઠી શબ્દના અર્થ જાણતાંવેંત એવી જ ભાવાર્થ ધરાવતી એના પ્રતિબિંબ જેવી ગુજરાતી કહેવત તમે વાંચ્યા પહેલા જ બોલી ઉઠશો. કોરડયા એટલે સૂકું અને ઓલે એટલે ભીનું જેને લીલું પણ કહેવાય છે. હા, તમારી વાત સાચી છે કે ગુજરાતી કહેવત છે સૂકા ભેગું લીલું બળી જાય.

भरमानेवाले शब्द 

ભાષાની બારીકીઓ સમજાવતા અને જ્ઞાનના પટનો વિસ્તાર કરતા ભ્રમ પેદા કરી અચરજ જન્માવતા શબ્દ યુગ્મની દુનિયામાં આગળ વધીએ. શરૂઆત એવા યુગ્મથી કરીએ જેને સમજણ સાથે સીધો સંબંધ છે. આજનું પહેલું યુગ્મ છે बुझना और बूझना. બુઝના એટલે ઠરી જવું કે ઓલવાઈ જવું. आग बुझने में नौ घंटे लग गए. હ્રસ્વ ઉ જ્યારે દીર્ઘ ઊ બની જાય ત્યારે બૂઝના એટલે સમજવું કે ઉકેલવું એવો અર્થ ધારણ કરી લે છે. अब तुम्हें पहेली बूझाकर इनाम पाना है. હ્રસ્વ અને દીર્ઘ અક્ષરનો ફરક ધરાવતું અન્ય એક ઉદાહરણ છે: बुरा और बूरा. બુરા એટલે ખરાબ, માઠું લાગે એવું. जब कोई अपना भला बुरा सुनाता तो है तो बहुत तकलीफ होती है. બૂરા એટલે બૂરું ખાંડ જે દળેલી ખાંડ તરીકે પણ ઓળખાય છે. बूरा खाने से पाचन ठीक रहता है. રાધા માટે કાન અને કાનો ભલે એક હોય પણ કાનાના ફરકથી અર્થ ઘણાં બદલાઈ જતા હોય છે. बेर और बैर યુગ્મથી આ વાત સ્પષ્ટ થાય છે. બેર એટલે ઝાડ પરથી તોડીને ખાતા એ ઠળિયાવાળું નાનકડું ફળ. ચણી બોર નાનપણમાં ખાધા હશે. बचपन में बेर और जामुन खाने का आनंद अलग ही था. બૈર એટલે વેર કે દુશ્મની. जल में रहकर मगर से बैर नहीं रख सकते કહેવત તમે સાંભળી હશે. આજનું અંતિમ યુગ્મ છે बोना और बौना. બોના એટલે વાવવું. जैसा बोओगे वैसा पाओगे – વાવશો તેવું લણશો કહેવતથી તો તમે પરિચિત હશો જ. अंग्रेज़ किसानों से जबरदस्ती नील की खेती करवाते थे जबकि वे बेचारे खाने के लिए गेहूं और धान बोना चाहते थे। બૌના એટલે વામન કદનો – ઠીંગણો માણસ. ટૂંકા કદ માટે પણ આ શબ્દ ઉપયોગમાં લેવાય છે. आप आँगन में गमलों में बौने शंकुवृक्ष उगा सकते हैं.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો