ઉત્સવ

પેન્ટેકોસ્ટના આદિવાસીઓ ભોંયભેગા થવામાં ‘ગર્વ’ અનુભવે છે

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચેના ભાગમાં આવેલા પેન્ટેકોસ્ટ ટાપુ પર એક સ્ત્રી રહેતી હતી. એના પતિનું નામ તમાલી હતું. તમાલી બહુ ખરાબ માણસ હતો. એ તેની પત્નીને બહુ મારતો. પતિની કનડગતથી કંટાળીને એ સ્ત્રી અવારનવાર ઘેરથી ભાગી જતી. એક દિવસ તે પતિથી ભાગીને વડના એક ઊંચા ઝાડ પર ચડી ગઈ. તમાલી પણ તેની પાછળપાછળ એ ઝાડ પર ચડયો. એ સ્ત્રીએ પોતાના પગમાં વડવાઈ બાંધી રાખેલી. જેવો તમાલી ઉપર આવ્યો કે પેલીએ હેઠે પડતું મૂક્યું. નીચે પહોંચીને તેણે પતિને લલકાર્યો અને તેને બાયલો કહ્યો. તમાલીને હાડોહાડ લાગી આવ્યું. તેને થયું કે જો તેની પત્ની આટલે ઊંચેથી કૂદીને બચી શકે તો પછી તે પોતે પણ કૂદકો લગાવી શકે તેમ છે. પણ તેણે પત્નીના પગે બાંધેલી વડવાઈ નહોતી જોઈ. તેણે પોતાની મરદાનગી દેખાડી દેવા વડ પરથી કૂદકો લગાવ્યો અને નીચે પછડાઈને મૃત્યુ પામ્યો. આ ટાપુ પર પુરુષને કોઈ સ્ત્રી મૂરખ બનાવે એવો દુર્લભ બનાવ પ્રથમ વાર બન્યો હતો. ત્યારથી ત્યાંની સ્ત્રીઓ સાથે મળીને દર વર્ષે મહિલાઓના ચાતુર્યને ઊજવવા માટે વડવાઈઓ બાંધીને ઊંચેથી કૂદવા લાગી. સમય જતાં આ વાનરકૂદકામાં પુરુષોએ પણ ઝંપલાવ્યું. હવે જોઈએ આજની સ્થિતિ.

આજે દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં પેન્ટેકોસ્ટ ટાપુના અત્યંત ઊંચા વડ પર આશરે ત્રીસેક મીટરની ઊંચાઈએ, એટલે કે નવ કે દસ માળના મકાનની અગાસી જેટલી ઊંચાઈએ પુરુષો માંચડાઓ પર પહોંચે છે. એ માંચડા પર ઝાડથી ત્રણેક ફુટ બહાર નીકળતું એક પાટિયું બનાવેલું હોય છે. પુરુષ એ પાટિયા પર જઈને ઊભો રહે છે. એ પાટિયું સ્વિમિંગ પૂલમાં ડૂબકી મારવા માટેના પાટિયા (ડાઇવિંગ બોર્ડ)ની યાદ અપાવે તેવું હોય છે. એ પાટિયા પર પહોંચનાર પુરુષના પગે વૃક્ષની વડવાઈઓ જેવી લાંબી ડાળીઓ બાંધવામાં આવે છે. પુરુષ એ પાટિયાના છેડે પહોંચે છે ત્યારે તેના – નિતંબ કંપી ઊઠે છે. તે નીચે નજર નાખે છે. નીચે ઊભેલાં સ્ત્રી પુરુષો નૃત્ય કરતાં હોય છે. કિકિયારીઓ અને સિસોટીઓના અવાજો કરીને તેઓ યુવાનને – નીચે કૂદી પડવાની પ્રેરણા આપે છે. યુવાન જાણે મંત્રોચ્ચાર કરતો હોય તેમ કશુંક બબડે છે. તે પોતાના કમરપટા સાથે બાંધેલા ક્રોટોન નામના છોડનાં પાંદડાં કાઢીકાઢીને નીચે ફેંકે છે. પછી તે પ્રાર્થનાની મુદ્રામાં હાથ ઊંચા કરે છે.
અને તે સહેજ વાંકો વળીને, બન્ને હાથ છાતીસરસા ચાંપીને ત્રીસ મીટર નીચે ઝંપલાવે છે. અત્યંત લાંબા દોરડા જેવી ડાળી સાથે તેના પગ બંધાયેલા હોવાથી અમુક નીચાણ સુધી મુક્ત પતન કર્યા પછી ઝટકાને કારણે તેની ગતિ અવરોધાય છે. ઢોળાવવાળી જમીનની એકદમ નજીકથી તેનું મસ્તક પસાર થઈ જાય છે અને છેવટે તે શીર્ષાસનની સ્થિતિમાં લટકી પડવાને બદલે ઝૂલીને સીધો પગ પર ઊભો થઈ જાય છે. નીચે નાચી-કૂદી રહેલા લોકો તેને વધાવી લે છે.

કોલસા પર ચાલનારા અને કાંટા-ખીલા પર આરામથી લેટી જનારાઓ પણ અનેક જગ્યાઓએ મળી રહે છે. હજારો ભૂંડ અને ભેંસોને બલિ ચઢાવવાની વિધિ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. આવી બધી અજાયબીઓ પર કોઈની મોનોપોલી નથી. પણ આ રીતે વડવાઈઓ જેવાં વૃક્ષોનાં દોરડાં સાથે બંધાઈને કૂદવાની પરંપરા માત્ર પેન્ટેકોસ્ટ ટાપુ પર જોવા મળે છે. અલબત્ત, આખા પેન્ટેકોસ્ટ ટાપુ પર પણ આ પરંપરા જળવાઈ નથી. માત્ર દક્ષિણ પેન્ટેકોસ્ટના આદિવાસીઓ જ દર વર્ષે એક ઉત્સવરૂપે આ ‘ખેલ’ કરે છે. આનંદની વાત તો એ છે કે એ ઉત્સવ પર્યટકો માટે એક આકર્ષણ બની રહ્યો હોવા છતાં આ પરંપરા કોઈ પણ રીતે આધુનિકતાથી અભડાઈ નથી. બાકી સામાન્ય રીતે તો એવું બનતું હોય છે કે જ્યાં પણ આવું કશુંક વિશિષ્ટ બનતું હોય ત્યાં તમાશો જોવા પહોંચી જનારાઓ પરંપરાને આધુનિકતાથી અભડાવી મૂકતા હોય છે તથા પર્યટકોની ભીડને ધ્યાનમાં રાખીને દર બે કલાકે ખાસ ‘શો’ યોજીને પૈસો ભેગો કરી લેવાના પેંતરાઓ રચાવા લાગે છે. દક્ષિણ પેન્ટેકોસ્ટમાં આવું કશુંય નથી બન્યું. ત્યાં તો ઊલટાનું, પર્યટનપ્રવૃત્તિએ આ પરંપરાને ધબકતી રાખવામાં મદદ કરી છે. વનૌતુના રાષ્ટ્રીય સંગ્રહાલયના વસ્તુપાલ કર્ક હફમાન કહે છે, “પેન્ટેકોસ્ટ ટાપુના જે ભાગમાં મિશનરીઓનો પ્રભાવ છે ત્યાં આ પરંપરા જળવાઈ રહી છે. આજથી વીસ વર્ષ પહેલાં આ પરંપરા જે રીતે સચવાયેલી હતી તેના કરતાં અત્યારે તે તેના મૂળ સ્વરૂપમાં વધુ સારી રીતે અમલમાં મુકાઈ રહી છે. હવે તો અહીંના લોકોને પોતાની આ પરંપરા માટે ગર્વ છે. દક્ષિણ પેન્ટેકોસ્ટના લોકો જાણે છે કે તેમની પાસે એવું કશુંક છે જે દુનિયામાં બીજા કોઈની પાસે નથી. તેમને ખબર છે કે તેમની આ વિશેષતા દુનિયાભરના લોકોને આકર્ષી શકે છે અને તેમને પૈસો અપાવી શકે છે. પર્યટન પરંપરાની જાળવણીમાં ઉપયોગી નીવડતું હોય તેવો આ એક દુર્લભ કિસ્સો છે.

અહીંના લોકો પોતાની આ પરંપરાનું બેહૂદું માર્કેટિંગ કરવામાં જરાય માનતા નથી. અહીંનાં વિશિષ્ટ વૃક્ષોની પ્રતિકૃતિઓ વેચવાનો કોઈ ધંધો અહીં નથી ચાલતો. આ પરંપરાની છડી પોકારતાં ટી-શર્ટ્સનો વેપલો કરવા જેટલી વેપારી વૃત્તિ પણ અહીંના લોકોમાં નથી. એટલું ખરું કે જ્યારે વૃક્ષ પરથી કૂદવાનો ઉત્સવ શરૂ થાય તે પહેલાં ગામનો વડો પર્યટકોનો પૈસા ખર્ચવા બદલ આભાર માને છે. આ સ્થળ સુધી પહોંચવા માટે પર્યટકો વીસ બેઠકવાળા નાના વિમાનમાં મુસાફરી કરીને હરિયાળા મેદાન પર ઉતરાણ કરે છે. એ મેદાનથી આ સ્થળ સુધી પહોંચવા માટે નાના ખટારાઓનો ઉપયોગ કરવો પડે છે.

આ પરંપરા સદીઓ જૂની છે, પણ કેટલી જૂની તે વિશે કોઈ કશું કહી શકે તેમ નથી. ઈ.સ. ૧૮૩૦ પછીનો અહીંનો ઈતિહાસ જાણીતો છે, પણ તે પહેલાંનો અહીંનો ઇતિહાસ કોઈ નથી જાણતું. અહીંના લોકોને કૂદવાની આ પરંપરા વિશે પૂછવામાં આવે છે ત્યારે તેઓ માત્ર એટલું જ કહે છે : ‘મારો બાપ પણ કૂદતો હતો અને મારા દાદાને પણ મેં ઝાડ પરથી કૂદતા જોયા છે. અને બાપ-દાદા પહેલાં? આ સવાલના જવાબમાં અહીંનો આદિવાસી માથું ખંજવાળે છે. પરંપરાની શરૂઆત કયા સમયે થઈ છે તે વિશે તો કોઈ કંઈ કહી શકતું નથી, પણ એ કઈ રીતે શરૂ થઈ તે વિશે પત્નીની પાછળ કૂદી પડેલા મૂર્ખ પતિની દંતકથા અહીં પ્રચલિત છે. આ પરંપરાની શરૂઆત ભલે સ્ત્રીઓથી થઈ, પણ આગળ જતાં સ્ત્રીઓએ કૂદવાનું બંધ કરી દીધું અને હવે માત્ર પુરુષો જ કૂદે છે.

હવે આ પરંપરા પુરુષો માટે મરદાનગી દેખાડવાનો અવસર બની રહી છે. જે પુરુષો કૂદવાના હોય તેમણે કૂદવા માટેના મંચ બંધાઈ જાય ત્યારથી માંડીને ઉત્સવ પૂરો થાય ત્યાં લગી બ્રહ્મચર્ય પાળવું પડે છે. આ ઉત્સવ સાથે સેક્સને લગતાં પ્રતીકો પણ સંકળાયેલાં છે. જેમ કે કૂદકો લગાવવા માટે પુરુષ જે પાટિયા પર ઊભો રહે છે તેને ત્યાંની ભાષામાં લિંગ માટે જે શબ્દ વપરાય છે એ શબ્દથી ઓળખવામાં આવે છે. એ પાટિયાની બન્ને તરફ હાથીદાંત આકારના બે શૂળ હોય છે. એ શૂળને યોનિના નામે ઓળખવામાં આવે છે. એક વાર માંચડા બંધાવાની શરૂઆત થઈ જાય ત્યાર બાદ મહિલાઓ માટે એ વિસ્તાર પ્રતિબંધિત બની જાય છે. જે દિવસે કૂદકા લગાવાય છે એ દિવસે પણ મહિલાઓને માંચડાથી વીસ મીટર છેટી જ રાખવામાં આવે છે.

પહેલાં દર પાંચ વર્ષે કૂદવાનો આ ઉત્સવ ઊજવાતો, પણ ધીમેધીમે દર વર્ષે આ પ્રસંગ ઊજવાવા લાગ્યો છે. અહીં સૂરણ પ્રકારના એક કંદમૂળની ખેતી થાય છે. એ કંદમૂળની લણણી હોય તે પહેલાં કૂદવાનો આ ઉત્સવ આવે છે. અહીંના લોકો માને છે કે એ કંદમૂળના મબલક પાક માટે સારા કૂદકા લાગે તે અનિવાર્ય છે.

હજી હમણાં સુધી બહારની દુનિયાના લોકોને આ ઉત્સવથી દૂર રાખવામાં આવતા હતા. છેલ્લાં બે વર્ષથી જ બહારના લોકો માટે આ ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. બહારની દુનિયાને આ ઉત્સવથી પરિચિત કરાવવાનું કામ નેશનલ જ્યોગ્રાફિકના એક લેખક અને એક તસવીરકારે
૧૯૫૫માં આ ઉત્સવને નજરે નિહાળીને તેનું રિપોર્ટિંગ કરીને કર્યું. ત્યાર બાદ ૧૯૭૦માં આ જ સામયિકના નૃવંશશાસ્ત્રી કેલ મ્યુલર અહીં સાત મહિના રહ્યા અને આ પરંપરા અનુસાર કૂદકો લગાવનાર પહેલા પરદેશી બન્યા. ન્યૂઝીલેન્ડના લોકોએ આ પરંપરા પરથી
પ્રેરણા લઈને બંજી જમ્પિંગ શરૂ કર્યું અને શરીરે દોરડું બાંધીને પુલ પરથી કૂદકા લગાવવાની પ્રવૃત્તિ શરૂ કરી. પણ એ બંજી જમ્પિંગ ગમે તેમ તોય શહેરી જમ્પિંગ છે. આ જંગલી જમ્પિંગની સરખામણીમાં તે બહુ ઊણું ઊતરે છે, કારણ કે અહીંના કૂદકામાં તો કુદરતી રીતે ઊગેલી વૃક્ષની ડાળીઓનો જ દોરડા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આધુનિક બંજી જમ્પિંગવાળાઓ સ્પ્રિંગવાળા દોરડા બાંધીને કૂદે છે. તેની સરખામણીમાં પેન્ટેકોસ્ટ ટાપુઓના લોકોના કૂદકાઓ ઘણા વધારે જોખમી છે. બહારના લોકોને પોતાના આ ઉત્સવથી દૂર રાખનારા અહીંના વતનીઓ હવે ઉદાર બન્યા છે. હવે તેઓ વાલી નામના ગામમાં એપ્રિલ અને મે મહિનાના પ્રત્યેક શનિવારે યોજાતા કૂદકાઓમાં વિદેશીઓને પણ ભાગ લેવાની છૂટ આપે છે. અલબત્ત, અત્યારે એવી ગોઠવણ છે કે વધુમાં વધુ ૩૫ વિદેશીઓ જ આ કૂદકાવિધિમાં ભાગ લઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ