ઉત્સવ

૨૦મી સદીનો સમય મોહનનો જ રહ્યો છે

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

એક મોહનદાસ ગાંધી અને બીજા ગઢડા (સ્વા)ના મોહન મોતીચંદ શેઠ

ક આપ (મેનન) ભાવનગર જાવ છો. કોઈ મુશ્કેલી પડે તો ગઢડાવાળા મોહનભાઈને મળજો.

  • સરદાર પટેલ
    ક સરદાર પટેલના ત્યાં સાત મહારાજાઓ બહાર બેઠા હતા અને મોહનભાઈ તો સીધા જ અંદર ગયા. તેમના માટે બધા જ દ્વાર ખુલ્લા હતા.
  • કવિ દુલાભાયા કાગ
    ક ગ્રામઉદ્યોગ કેન્દ્રનું કામ ભાવનગર રાજ્યમાં કરજો અને ગઢડામાં જ શરૂ કરજો. કેમ કે તમને કામ કરનાર મોહનભાઈ જેવા માણસો મળશે.
  • ગાંધીજી
    ‘ પોતાને ત્યાં પુત્ર રત્ન અવતરે તો પોતાનું જીવન સમાજસેવામાં માટે આપી દેવું’ તેવા પ્રભાશંકર પટ્ટણીના વચનને આત્મસાત કરીને મોહનભાઈએ પોતાનો વેપાર-ધંધો છોડી સૌરાષ્ટ્રની પ્રજાની સામાજિક સેવા કરવા તેમના વતન ગઢડામાં નિવાસ કર્યો હતો.
    ક સૌરાષ્ટ્ર સરકાર દ્વારા એક ગેઝેટ પ્રગટ કરી જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના શાંતિ, નમ્ર અને લોકપ્રિય સેવકશ્રી મોહનલાલ શેઠ ગઢડાવાળાના દુ:ખદ અવસાનની નોંધ લે છે.
  • સૌરાષ્ટ્ર સરકાર
    ગઢડા ગુજરાતનાં બોટાદ જિલ્લાનું નગર છે જે ગઢડા તાલુકાનું મુખ્ય મથક પણ છે. ગઢડા ઘેલો નદીના કાંઠે વસેલું છે. બોટાદ, ભાવનગર, અમરેલી, અમદાવાદ અને રાજકોટ એમ પાંચ જિલ્લાની સીમાઓથી ઘેરાયેલ છે.

ગઢડાના નગરશેઠ રાજરત્ન મોહનલાલ મોતીચંદ એટલે અનેક સમાજલક્ષી આયામોનો પર્યાય તે પછી શિક્ષણ, મહિલાઓના આરોગ્ય અને સુખાકારી, માળખાકીય સુવિધાઓ, દુષ્કાળ કે અતિવૃષ્ટિ, લોકોઉપયોગી કાર્ય કે, દલિત, પછાત, ગરીબોના જીવનમાં ઉજાસ પાથરવાનું કાર્ય હોય. આ દરેક સેવાકાર્યમાં મોહનભાઈની પ્રત્યક્ષ કે પરોક્ષ રાહબરી અને દેખરેખ નીચે થયાનું જોવા મળે છે. સેવા, આરોગ્ય, રાજકીય તેમજ શિક્ષણનું ક્ષેત્ર ગઢડાના સીમાડાઓ વટાવી સમગ્ર સૌરાષ્ટ્ર સુધી પ્રસરેલું હતું. આજે લેખના
માધ્યમથી મોહનભાઈ અને તેમના વિશે લખાયેલ ગ્રંથ મુઠ્ઠી ઊંચેરા માનવી રાજરત્ન મોહનલાલ મોતીચંદ શેઠ (ગઢડાવાળા) વિશે વિગતે જાણીએ.

શ્રી મોહનભાઈનો જન્મ ૧૬ જુલાઈ ૧૮૯૦ના રોજ ગઢડા તાલુકાના અડતાળા ગામે થયો હતો. તેમની માતાનું નામ અમૃતબા અને પિતાનું નામ મોતીચંદ હતું. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી માત્ર સાત ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો.
આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે વડતાલ મંદિર (ગુજરાત)માં માસિક રૂ. ૨ થી શરુ કરી ત્યારબાદ વડોદરાની એક દુકાનમાં બિલો ઉઘરાવવાનું નાના છોકરા તરીકે માસિક રૂ. ૪ ના પગારથી જોડાયા હતા.
ડો. રમેશ પંડ્યા પોતાના પુસ્તક ‘ગઢપુરનો ઈતિહાસ’માં જણાવે છે કે, ઈ.સ. ૧૯૦૯માં ૧૯ વર્ષની ઉંમરે મુંબઈ પહોંચી તેમણે એસ્ટેટ બ્રોકર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી. ૧૯૨૩ સુધીમાં તેમણે શ્રી દોલતરામ છિપારામ (લુણાવાડાના દીવાન), સર પ્રભાશંકર પટ્ટણી (ભાવનગર દીવાન) તેમજ અનેક અગ્રણ્ય મહાનુભાવો સાથે સંબંધો કેળવ્યા. સર પ્રભાશંકરે મોહનભાઈને કીધેલું કે, ધંધામાં ખૂબ આગળ આવો સાથે સાથે લોકોની સેવા પણ કરજો. એટલું જ નહીં તમારે ત્યાં પુત્ર અવતરે તો તમારો ધંધો સંકેલી પૂરું શેષ જીવન લોકસેવામાં અર્પણ કરી દેજો. તે સલાહને સ્વીકારી મૃત્યુપર્યંત નિભાવી છે.

મોહનભાઈ અને તેમના પરિવારનો સેવા યજ્ઞ
મોહનભાઈના ભાઈ દુર્લભભાઈએ માતૃશ્રી ‘અમૃતબા’ના નામે મોહનભાઈની પ્રેરણાથી સાર્વજનિક દવાખાનાની સ્થાપના કરી. દુર્લભભાઈના પુત્ર ચંપકભાઈએ માટુંગામાં અમુલખ અમીચંદ શાળામાં પિતા નામથી વિંગની સ્થાપના કરી. એ સિવાય નવી મુંબઈમાં વૃદ્ધાશ્રમ અને આરોગ્ય કેન્દ્રની પણ સ્થાપના કરેલ. તેમની દીકરી હેમલતાબેને જયપુરમાં સૌથી મોટી દુર્લભ
હોસ્પિટલ બનાવેલ. બીજા પુત્ર કાંતિભાઈએ કલકત્તા ભવાનીપુરમાં ૧૯૬૦માં અજમેરા કોલેજની સ્થાપના કરેલ જે પાછળથી કલકત્તામાં ગુજરાતી સમાજની મુખ્ય સંસ્થા બની રહી.

મોહનભાઈએ ઈ.સ. ૧૯૨૫ થી ૧૯૫૩ સુધીમાં અનેક લોકઉપયોગી કાર્યો કર્યા છે. ૧૯૩૬માં કમરીબાઇ ક્ધયાશાળા, ૧૯૪૧માં એમ.એમ. હાઇસ્કુલનું ખા મુહૂર્ત અને ઉદ્ઘાટન ભાવનગર રાજ્યના મહારાજા કૃષ્ણકુમારસિંહજી તેમજ મહારાણી વિજ્યાબાના હસ્તે થયું. એ જ વર્ષે ગઢડાના રમાઘાટનું ઉદ્ઘાટન, ૧૯૪૫માં રેલવે સ્ટેશનનું મકાન, ૧૯૪૭માં ગઢડા ઇલેક્ટ્રિક કંપનીનું ઉદ્ઘાટન, ૧૯૪૯માં સુખલાલ જીવરાજ દવાખાનું તથા લહેરીબાઈ પ્રસૂતિગૃહનું ઉદ્ઘાટન મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને જામસાહેબ દ્વારા કરવામાં આવ્યું. ૧૯૫૦માં સફાઈ કામદારોના ક્વાટર સૌરાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી ઢેબરભાઈના હસ્તે થયું. આ ઉપરાંત ગઢડા નગરપાલિકા બિલ્ડીંગ, ગ્રામોઉદ્યોગ મંદિર, ગઢડા, ખોડીયાર પોટરી સિહોર, સિહોર ઇલેક્ટ્રિક કંપની, ટી. બી. હોસ્પિટલના સ્થાપક મંત્રી તથા વિકાસકર્તા રહ્યા. એમ. એમ. શાકમાર્કેટ મુખ્યમંત્રી ઢેબરભાઈ અને સાર્વજનિક દવાખાનું ભોગીલાલ એમ. શેઠના હસ્તે થયું.

મોહનભાઈના દીકરા મહેન્દ્રભાઈની ચાર દીકરીઓમાં સહુથી મોટી રૂપલ IT સ્પેશ્યાલીસ્ટ છે. બીજી દીકરી સેજલ ડોક્ટર છે. તેમણે
USA- ૨૦૧૨ની ફેલોશિપ અને Best Gynec in Westren India’નો ગવર્નરAward મળેલ છે. સેજલબેને ઓલ ઇન્ડિયા
એસ્થેટિક ગાઈનેક એસોસીએશનની સ્થાપના કરી. ૨૦૨૧ ઇકોનોમિક ટાઇમ એવોર્ડ મળેલ છે. ડો. સેજલે ‘થ્રી ઈડિયટ્સ’ પિક્ચરમાં પ્રસૂતિનું જે દ્રશ્ય છે તે માટેનું માર્ગદર્શન શ્રી રાજકુમાર હીરાની તથા આમિરખાનને આપ્યું હતું જેનો આભાર માનતો પત્ર રાજકુમાર હીરાની દ્વારા પ્રાપ્ત થયેલ છે. ત્રીજી દીકરી ગોરલ Creative amp; Advertize’ ની કંપનીમાં જવાબદાર હોદ્દા પર કામ કરેલ છે. ચોથી દીકરી Advertize ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે. આમ ચારેય દીકરીઓ વિવિધ ક્ષેત્રે પોતાની સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે છે.
મોહનભાઈનું રાજકીય યોગદાન : ૧૯૨૫ થી ૧૯૪૧ સુધી નગરપાલિકાના સભ્ય તરીકે, ૧૯૪૨ થી ૧૯૫૩ સુધી સભ્ય અને પ્રમુખ તરીકે આમ સતત ૨૮ વર્ષ સભ્ય અને ૧૦ વર્ષથી વધુ પ્રમુખ રહી ૩૮ વર્ષ ગઢડામાં રાજકીય સેવાકાર્ય કર્યું. ૧૯૨૫ ભાવનગર પ્રજા પરિષદના સભ્ય તરીકે, ભાવનગર રાજ્યની ધારાસભામાં, ભાવનગર રાજ્યની કરજ નિવારણ સમિતિ અને કંટ્રોલ કમિટીમાં સભ્ય તરીકે રહી અનેક સેવાકીય કાર્યો કર્યા છે.

ભાવનગર રાજ્યના વિલિનીકરણના સમયે દેશને પ્રથમ રાજ્ય સોંપવા તેમજ ગાંધીજી અને સરદાર પટેલ સાથે મુલાકાત કરી આપવામાં મોહનભાઈની અગત્યની ભૂમિકા રહી હતી.
મોહનભાઈનું સામાજિક યોગદાન
૧૯૨૬માં સ્થપાયેલ સૌરાષ્ટ્ર સેવા સમિતિના મંત્રી રહ્યા હતા. આ સમિતિએ દુષ્કાળ સમયે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા રહેતી તેથી ‘તરસ્યાને પાણી’ એ મુજબ ગામડે ગામડે પાણીના પરબોની શરૂઆત કરી. ૧૯૨૭માં
પંજાબથી ડો. મથુરદાસજીને બોલાવી વઢવાણ રાજ્યની મદદ લઈને ચક્ષુદાન અંર્તગત નેત્રયજ્ઞ કરી હજારો લોકોને ઓપરેશન કરવામાં મદદ કરેલ. આ ઉપરાંત અનાજ સહાય, ગુપ્ત સહાય, કાપડ સહાય, જળપ્રલય, પશુસેવા, વિસામો, પુસ્તકાલય વગેરે સેવાકીય કાર્યો કયાર્ં હતાં.

મોહનભાઈનું શૈક્ષણિક યોગદાન : ૧૯૩૩-૩૪માં એમ. એમ. મિડલ સ્કૂલ, ૧૯૪૧માં ભાવનગર રાજ્યના ગઢડા મહાલમાં પ્રથમ તાલુકા શાળા એટલે મોહનલાલ મોતીચંદ પ્રાથમિક શાળા, ૧૯૪૫માં સાર્વજનિક હિંદુ વિદ્યાર્થીગૃહ, ૧૯૪૫માં ઉમરાળામાં પી.બી. ઓઝા શાળા, ૧૯૫૧માં મોહનલાલ મોતીચંદ વિદ્યાર્થીગૃહ (બોર્ડિગ) આ ઉપરાંત ગઢડા મહાલમાં નવ શાળાનું નિર્માણ કરવા પ્રત્યક્ષ કે પરોક્ષ તેમનું યોગદાન રહ્યું છે.

મોહનભાઈનું આરોગ્ય ક્ષેત્રે યોગદાન
૧૯૪૪માં અમૃતબા સાર્વજનિક દવાખાનું ગઢડા, ૧૯૪૪માં આયુર્વેદિક દવાખાનું ખોપાળા, ૧૯૪૫માં કે. જે. મહેતા ટી. બી. હોસ્પિટલ જીંથરી, ૧૯૪૭માં સુખલાલ જીવરાજ દવાખાનું, ૧૯૪૯માં લહેરીબાઈ પ્રસૂતિગૃહ, ૧૯૫૦માં આંખનો વોર્ડ ભાવનગર, ૧૯૫૧માં અમરબાઇ પ્રસૂતિગૃહ બોટાદ, ત્રાપજ દવાખાના બાંધવામાં ૩૦,૦૦૦ હજાર જેટલી માતબર રકમ દાન અપાવવામાં પરોક્ષ ભૂમિકા રહી હતી.

મોહનભાઈનું ધાર્મિક ક્ષેત્રે યોગદાન : ગઢડામાં જૈન લોકોની વસતી ઘણી હતી તેથી જૈન સાધુઓ-સાધ્વીઓને ચોમાસા દરમિયાન ઉપાસના અર્થે માણેકચોક ગઢડા ખાતે જૈન ઉપાશ્રય બનાવી આપેલ. ગોપીનાથજી દેવમંદિર ગઢડાના ટ્રસ્ટી તરીકે ૨૦ વર્ષ કે તેથી વધુ સમય સુધી સેવા આપી હતી. જૈન બાળકોના અભ્યાસ માટે તેમના પ્રયત્નથી ધારશી જીવનદાસે સ્થાનકવાસી જૈન શાળાના મકાન બાંધવા માટે રૂ. ૮૦૦૦ નું દાન મળેલ. ગઢડામાં ગૌ રક્ષા માટે મોહનભાઈએ પ્રયત્ન કરેલ તેથી જ ગૌશાળા/પાંજરાપોળ કાર્યરત કરેલ. આ ઉપરાંત તેમણે અનેક ધાર્મિક પ્રવૃત્તિ કરી છે.
ભાવનગર રાજ્ય સાથે એમનો ગાઢ સંબંધ રહ્યો છે તેથી નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને મહારાણીશ્રી વિજયાબાની હાજરી મોહનભાઈના દરેક કાર્યમાં જોવા મળે છે. અનેક કાર્યોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ તમામ પ્રકારનો સહયોગ મોહનભાઈને ભાવનગર રાજ્ય તરફથી હંમેશાં મળતો રહ્યો હતો. અખંડ ભારતના સ્વપ્ન સાકાર કરવામાં દેશના શરણે પ્રથમ રાજ્ય સોંપવાના ઐતિહાસિક પ્રસંગે ગાંધીજી પાસે મુલાકાતની તારીખ લાવનાર મોહનભાઈ જ હતા.

ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, નેહરુ તથા ગુલઝારીલાલ નંદા જેવા મહાનુભાવોના હૃદયમાં પણ મોહનભાઈ માટે વિશેષ આદર અને વિશિષ્ટ સ્થાન હતું. પ્રભાશંકર પટ્ટણી, જામસાહેબ, ઢેબરભાઈ, જીવરાજ મહેતા, બલવંતભાઈ મહેતા, ઘનશ્યામભાઈ ઓઝા, કવિ દુલાભાયા કાગ, હરભાઈ ત્રિવેદી, ખુશાલ મેહતા જેવા મહાનુભાવો અવાર નવાર મોહનભાઈના મહેમાન બનતા જેઓ આઝાદી બાદ આમાંના કેટલાક સૌરાષ્ટ્ર રાજ્ય અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

રાજા રજવાડાઓની અંદરો-અંદરની સમસ્યાઓ, સરકાર સાથેના વિવાદો અને સંબંધો તેમજ અન્ય રાજકીય બાબતે મોહનભાઈની સલાહ લેવામાં આવતી એટલું જ નહિ દરેક પક્ષ તેમની મધ્યસ્થી સ્વીકારતા બંને પક્ષે રાજી થાય તેવું ન્યાયિક સમાધાન કરાવવાની સૂઝ-બૂઝ અને કળા તેમને સહજ હસ્તગત હતી.

મૃત્યુપર્યંત સુધી તમામ રાજ્યો સાથે સારા સંબંધો હતા. તેમના અવસાન પછી પણ તેમના ધર્મપત્ની શ્રી રૂક્ષ્મણીબેન અનેક વર્ષો સુધી ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાતા. રૂક્ષ્મણીબહેને પણ ગઢડાના વિકાસમાં પ્રમુખ તરીકે મહત્ત્વનું યોગદાન આપેલ.

મોહનભાઈના વંશ વારસદારોએ પણ વિવિધ ક્ષેત્રે સેવા જ્યોતને નિરંતર પ્રજ્વલિત રાખી મોહનભાઈનો વારસો જાળવી રાખ્યો છે. ગઢડા જ નહીં – સમગ્ર સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં શૈક્ષણિક, સામાજિક, રાજકીય અને આરોગ્યનું ભગીરથ કામ કરનાર
મોહનભાઈના જીવન ઉપર ફોટોગ્રાફ, પત્રો, અનેક પ્રસંગો, તસ્વીરો, દસ્તાવેજી, પુરાવાઓ ધરાવતો આ ૪૦૦ પાનાનો દળદાર ગ્રંથ એટલે મુઠ્ઠી ઊંચેરા માનવી રાજરત્ન મોહનલાલ મોતીચંદ શેઠ (ગઢડાવાળા). આ ગ્રંથના લેખક ડો. રમેશ પંડ્યા જેઓએ આ પહેલા પણ સ્થાનિક ઈતિહાસને ઉજાગર કરતો ‘ગ્રંથ ગઢડાનો ઈતિહાસ’ લખીને તેમની ઈતિહાસ લેખન વૃત્તિ, રસ- રુચિને ઉજાગર કરી છે. આ ઐતિહાસિક ગ્રંથનું વિમોચન તા. ૦૮/૦૧/૨૦૨૪ ને સોમવારના રોજ બપોરે ૦૨ : ૦૦ વાગે ગઢડા ખાતે થશે. આ ગ્રંથ વિશાળ વર્ગ સુધી વાજબી કિમંતે એટલે ૪૦૦ રૂપિયામાં ઉબલબ્ધ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button