દુર્ગાદાસની અસલી કામગીરી માટેનો સમય આવી પહોંચ્યો

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૧૧)
ઔરંગઝેબનો પુત્ર શાહઝાદા અકબર ભલે મુખ્ય મોગલોનો મુખ્ય સેનાપતિ હતો પણ જમરુદ પહોંચીને શાંતિ સ્થાપિત કરવામાં તે મોખરે નહોતો. આની સામે મહારાજા જસવંતસિંહ જમરુદ પહોંચીને કામે લાગી ગયા. અહીં અફઘાનીઓ સાથે એક પછી એક અથડામણ થવા માંડી, પરંતુ જસવંતસિંહ અને તેમની સેના બહાદુરીપૂર્વક શત્રુને એમની જ જમીનની ધૂળ ચટાડીને તગેડી મૂકતી હતી.
મહારાજા જમરુદમાં હતા, ત્યારે તેમના પર આભ તૂટી પડ્યું. ના રે ના, શત્રુઓમાં તો એવું કરવાની તાકાત નહોતી. કુદરત વિફરી, નિયતી ક્રૂર બની. તેમના એકમાત્ર પુત્ર અને જીવિત વારસ કુંવર જગતસિંહ ઓચિંતા સ્વર્ગે સિધાવી ગયા. ઈ.સ. ૧૬૭૪ના દિવસે મહારાજા પર કુઠારાઘાત કર્યો પણ ન તેમણે ફરજ છોડી, ન જમરુદ છોડ્યું.
દીકરાને ગુમાવવાની વેદના અને ઉત્તરાધિકારીના અભાવની ચિંતા વચ્ચે ય તેઓ કર્તવ્ય પાલન ચુકતા નહોતા. આ જોઈને દુર્ગાદાસ રાઠોડને મનોમન ખુશી થઈ અને સાથોસાથ દુ:ખ પણ પોતે આવા ઉમદા માનવીની સેવા કરે છે એ બદલ તેમણે ગૌરવ અનુભવ્યું.
જસવંતસિંહે ભલે ફરજ ન છોડી પણ હવે અગાઉ જેવો જોશ દેખાતો નહોતો. એટલે કોઈ નેત્રદીપક સફળતા ય હાથ ન લાગી.
મહારાજા જસવંતસિંહ જમરુદમાં યંત્રવત દિવસો મનાવી રહ્યા હતા. આની વચ્ચે દુર્ગાદાસ બધુ જોતા હતા. સમજતા હતા અને શીખતા હતા. તેમને કર્તવ્ય પરાયણતા, ફરજ, વ્યૂહનીતિ, યુદ્ધ, સેના-સંચાલન જેવા અનેક અમૂલ્ય પાઠ શીખવા મળી રહ્યા હતા.
આ બધા વચ્ચે એકવાર દુર્ગાદાસ શિકાર કરવા માટે નીકળી પડ્યા. લાંબી મુસાફરી બાદ થાકી ગયા. તો ઘોડા પરથી ઊતરીને એક વૃક્ષ નીચે થોડો આરામ મેળવવા માટે આડા પડ્યા.
યોગાનુયોગ એ જ સમયે મહારાજા જસવંતસિંહનું ત્યાંથી નીકળવાનું થયું. એમની સાથેના માણસોને થયું કે હવે આવી બન્યું દુર્ગાદાસનું. આવી બેફિકરાઈ તે કંઈ હોય? મહારાજા જસવંતસિંહ અશ્ર્વ પરથી ઊતરીને હળવે પગલે તેમના તરફ આગળ વધ્યા. તેમણે એકદમ નજીક પહોંચીને દુર્ગાદાસના માથા પર રૂમાલ આડો ધરીને તડકાને એમના પર પડતા રોક્યો.
મહારાજાના અન્ય સરદારો આશ્ર્ચર્યચકિત થઈ ગયા. એમની આંખોમાં સવાલ જોઈને મહારાજા ગર્વભેર બોલ્યા કે ‘તમે હજી આને ઓળખી શક્યા નથી. ખૂબ પરાક્રમી વીર છે. યાદ રાખજો એક દિવસ આ જ યુવાન આખા મારવાડ (અર્થાત જોધપુર)ને છત્ર પૂરું પાડશે.’ કેવો અદ્ભુત વિશ્ર્વાસ હશે જસવંતસિંહનો? અને સામે કેટલું ગજબનાક વ્યક્તિત્વ હશે દુર્ગાદાસજીનું?
મોગલોનું લશ્કરી થાણું જમરુદમાં, જે પેશાવરથી લગભગ ૧૭ કિલોમીટરના અંતરે હતું: અહીં ઓરછાના રાજા પુરણમલના બગીચામાં જસવંતસિંહનો તંબુ હતો.
જમરુદમાં શાંતિ સ્થાપી પણ મહારાજાના ચિત્તમાં ભારે અજંપો હતો, અસહ્ય ઉચાટ અને અશાંતિ હતા. ઘડી-ઘડી બન્ને ગુમાવી દીધેલા પુત્રોના ચહેરા સામે આવે: ક્યારેક પૃથ્વીસિંહ, તો ક્યારેક જગતસિંહ. બબ્બે વ્હાલસોયા દીકરાને પોતાની પહેલા ચિતાએ ચડતા જોવાનું કયા બાપથી સહન થવાનું?
બેચેની, અનિંદ્રા, ખાવા-પીવાની અનિચ્છા અને ચિંતાએ અંતે તેમને બીમાર પાડી દીધા. માંદગી વધતી ગઈ. એમના સાથી-મિત્રોએ તબિયત સુધારવા માટે પ્રાર્થના કરી, દાન-પુણ્ય કર્યા, પરંતુ આયખાની રેખાને તસુભાર પણ કોણ લંબાવી શક્યું છે?
અંતે ઈ.સ. ૧૬૭૮ની ૨૮મી નવેમ્બર અને પોષ સુદ દશમે મહારાજા જસવંતસિંહનો જીવ અનંતની યાત્રાએ નીકળી પડ્યો. મારવાડના સાચુકલા પણ લાચાર ધણીએ પેશાવર જીવ છોડ્યો. ઘડી ખૂબ જ દુ:ખ, વેદના અને પીડાની
હતી, પરંતુ મોટા માણસના મોત સાથે ઘણા પ્રશ્ર્નો સંકળાયેલા હોય છે. જસવંતસિંહના વિશ્ર્વાસુઓ અને ખાસ સાથીદારો ચિંતામાં ગરકાવ થઈ ગયા. જસવંતસિંહ ભલે ઔરંગઝેબને આધીન હતા પણ બન્નેના વિચારોમાં મોટો વિરોધાભાસ હતો.
ઔરંગઝેબ હિન્દુ વિરોધી હતો. એ મંદિરો તોડાવીને ત્યાં મસ્જિદો બાંધતો હતો. હિન્દુઓને કનડતો હતો. એનાથી તદ્દન વિપરીત જસવંતસિંહ પાક્કા હિન્દુ હતા. તેમણે ભૂતકાળમાં મસ્જિદો તોડીને મંદિર બનાવ્યાં હતાં. તેઓ ઔરંગઝેબની આ નીતિના સ્પષ્ટ અને ખુલ્લા વિરોધી પણ હતા. હવે મહારાજાની ગેરહાજરીમાં ઔરંગઝેબ કોઈ ચાલ ન રમે તો જ નવાઈ.
આ તરફ મહારાજા જસવંતસિંહની બબ્બે પત્ની સાથે હતી, ને બન્ને ગર્ભવતી. આ બેઉ પતિ પાછળ સતિ થવા તૈયારી કરવા માંડી, રાજા છત્રસિંહની દીકરી યાદવાણી અને ફતેહસિંહ કકોડની પુત્રી નરુકીને ગર્ભસ્થ બાળકના હિતમાં સતિ ન થવા માંડમાંડ સમજાવાઈ. આ બન્નેને મનાવીને આગેવાનોએ નક્કી કર્યું કે બાદશાહ કે એની સેનાને લેશમાત્ર ખોટું કે ખરાબ ન લાગે એટલી પૂરેપૂરી વિવેક અને વિનમ્રતા સાથે સૌથી પહેલા મારવાડ પહોંચી જવું જોઈએ. હવે થવાની હતી વીર દુર્ગાદાસના અસલી રોલની શરૂઆત. (ક્રમશ:)