ઉત્સવ

મીઠડા મોર મલાર કરીંતા, નભ ન્યારીતા હેત ધરીંતા

વલો કચ્છ -પૂર્વી ગોસ્વામી

ખેડૂતોને કણમાંથી મણ કરી આપનારી વર્ષારાણીનો પ્રવેશ થઈ ચૂક્યો છે. બધી ઋતુઓમાં આનંદદાયક અને આહ્લાદક આ ઋતુ મન-હૈયાને તરબોળ કરવા પધારે ત્યારે સૌ થનગની ઊઠે છે. વર્ષાઋતુનું વર્ણન શાસ્ત્રોમાં ખૂબ કરેલું છે અને કવિઓએ પણ તેને ખૂબ લાડ લડાવી છે. કચ્છીઓ પણ આ કાજે પાછળ નથી રહ્યા, ત્યારે આજે મહાત્મા તુલસીદાસ રચિત ‘રામચરિત માનસ’ ના વર્ષાવર્ણનનો કચ્છી સાથે ભવાનુવાદ માણીએ જે કચ્છી બોલીના આરાધક સ્વ. શ્રી પ્રતાપરાય ત્રિવેદીના ઉત્તમ સર્જન પૈકીનું એક છે.

દોહરો
શ્રી રઘુનાયક રામજા, ચરણકમલ ચિતલાય,
કચ્છીમેં કોદેં લિખાં, વરસારો વરતાય… ૧

ચોપાઈ
મિઠડા મોર મલાર કરીંતા, નભ ન્યારીંતા હેત ધરીંતા ૨
ગજણ ઘોરજા, પડઘા પેંતા, મોરેંજા મન નાચ નચેંતા ૩

ભાવાર્થ: શ્રી રઘુનાયક રામચંદ્રના ચરણકમળનું હૃદયમાં ધ્યાન કરીને ઉમંગભેર વર્ષાઋતુનું વર્ણન હું કચ્છીભાષામાં કરું છું. મધુર અવાજે મોર ટહુકી રહ્યા છે. નભો મંડળ તરફ એકીટશે જોઈ રહ્યા છે અને આનંદ પામે છે. મેઘગર્જનાના ભયંકર પડઘા આકાશમાં સંભળાય છે અને તેથી મયૂરનાં મન આ જોઈ નાચી ઊઠે છે.

ચોપાઈ
અઙણ પ્રભુજો ભક્ત પધારે, સાધૂકે ગુણીજન સત્કારે ૪
નમી નમી નેં વડર વસેંતા, ભણીગુણી જી ગુણી નમેંતા ૫
પરવતતે ત્રટકેતો પાણી, સંત ખમેજી ખલજી વાણી ૬
સરિતા સની છિલી છિલકાજે, લિખધનર્સે ખલનું ન ઝલાજે ૭
જાનેં પાણી મલિન થીએતો, માયા વિચર્જી જીવ વીએતો ૮
ભાવાર્થ: જેમ પ્રભુનો કોઈ ભક્ત પોતાને આંગણે આવે અને સદ્ગૃહસ્થ તેનો ભાવભીનો સત્કાર કરે તેમ મોર મેઘને સત્કારે છે. વિદ્યા સંપાદન કરી જેમ ગુણીજન વિનમ્ર બને છે તેમ વાદળાં નીચા નમીનમીને વરસે છે. સંત પુરુષો જેમ દુર્જનની વાણીનો પ્રહાર સહન કરી લે છે, તેમ વર્ષાનાં પાણીનો આઘાત પર્વતો સહી લે છે. થોડુંક ધન મળતાં દુર્જન જેમ ઝાલ્યો ઝલાતો નથી તેમ નાની નાની નદીઓ થોડુંક જળ આવતાં જ છલકાઈ – ઉભરાય છે. અને વિશુદ્ધ જીવ માયાની જંજાળમાં જેમ મિલન દેખાય છે, તેમ નભનું વિશુદ્ધ પાણી ધરતી પર પડતાં મલિન બની જાય છે.

ત્રિમી તરામેં નીર નચેં કીં, સદ્ગુણ સજ્જન વટે અર્થે તીં ૯
સરિતા જલ વ્યો સાગરસામી, જીવ અચલ જી પ્રભુ કે પામી ૧૦

દોહરો
ઘા નીલા ગુલ્ઝાર થૈ, પૂરે છડીયેં પંથ, પાખંડવાદ વધે ત જીં, લિકી વિને સદ્ગ્રંથ ૧૧
ભાવાર્થ: પ્રભુને પામીને જીવ જેમ અચળ બની જાય છે, તેમ સરિતાનું જળ સાગરમાં સમાઈ અચળ બની જાય છે. લીલુંછમ ઘાસ સર્વત્ર ઊગી આવવાથી રસ્તા પણ ઢંકાઈ ગયા છે, આવી જ રીતે દુનિયામાં પાખંડ અને વાદવિવાદ જ્યારે વધી જાય છે ત્યારે સદગ્રંથો અલોપ થઈ જાય છે. સજ્જન પાસે જેમ ચારે તરફથી સદ્ગુણો ચાલ્યા આવે છે તેમ બધે સ્થળેથી ઝમી ઝમીને નીર તળાવોમાં
આવે છે.

ચોપાઈ:
સુર ડેડરજા ડિસા સુર્ણે કીં, ભ્રામણ બાલક વેદ ભણેં તીં ૧૨
ભાવાર્થ: દશે દિશાઓમાં દેડકાંનો અવાજ સંભળાય છે, જાણે કે બ્રાહ્મણનાં બાળકો એકી સાથે વેદ ન ભણતા હોય!

ચોપાઈ:
નાં નાં પન મેં વનરાવનમેં, જીં વિવેક વે સાધક-મનમેં ૧૩
પન ઉતારીએં અક્ક-જવાસો, સુરાજમેં ખલ કરીયે પાસો ૧૪
રજમાતર રજ નતી ડિસજે, ક્રોધ કરેજીં ધરમ ધબાજે ૧૫
અવનિ અન્નસે ઓપે કેડ઼ી, ઉપકારીજી સંપત ઍડ઼ી ૧૬
અંધારે જંતૂ ઝબકેંતા, દંભી જન જીં સાધ ભનેતા ૧૭
ભાવાર્થ: સાધકના મનમાં જેમ વિવેકનાં અંકુર ફૂટે તેમ વનસ્પતિ પર નવાં નવાં કૂંપળ બેસવા લાગ્યાં છે. આકડો અને જવાસો પોતાના પાંદડા-વરસાદ થવાથી ફગાવી દીધાં છે. એવી જ રીતે સુરાજ્યનાં મંડાણ થતાં પુરુષો પોતાની કુટિલ કારવાઈઓ સમેટી લે છે. તલ માત્ર પણ ક્યાંય ધૂળ દેખાતી નથી. એ રીતે ક્રોધ કરવાથી ધર્મ દબાઈ જાય છે. ઉપકારી પુરુષની સંપત્તિ શોભતી હોય તેમ, ઘરતી ધાન્યથી શોભી ઊઠે છે. રાત્રીનાં અંધકારમાં (આગિયા જેવા) જંતુઓ ઝબકી રહ્યાં છે. દંભી લોકો પણ આવી રીતે પોતાને ઓપ ચઢાવી શોભતા બનવાનો પ્રયાસ કરે છે.

ચોપાઈ:
વેર વિરછ ક્યાં ચતુર સુ જાણે, મો’મદ માન છડયાં કર શાણે ૧૮
ચકવા ચંગા પખી લિકેં કીં, કલયુગ વે નેં ધરમ વિને તીં ૧૯
કલર ભોમમેં ઘા નં ફુટે તિ, કામ નં સંત હ્રદય ફુટે તો ૨૦
વસુધાતે જંતૂ વિહરેંતા, જી સુરાજ સજ્જન ઉભરેંતા ૨૧

ભાવાર્થ: ચતુર-સુજાણ ખેડૂતો પોતાના ખેતરમાં નિંદામણ કરે છે, નકામા ઘાસને ઉખેડી ફેંકી દે છે, શાણા પુરુષો આવી જ રીતે મોહ, મદ અને અહંકારનો ત્યાગ કરતા હોય છે. કળિયુગમાં જેમ ધર્મનાં દર્શન થતાં નથી તેમ સુંદર ચકવા પક્ષી વર્ષાઋતુમાં ક્યાંય દેખાતું નથી. વરસાદ થવા છતાં ક્ષારવાળી જમીનમાં ઘાસ નથી ઉગતું તેમ સંતોના હૃદયમાં કદી પણ કામ પ્રગટતો નથી. વર્ષા થવાથી અનેક જંતુઓ ધરતી પર વિહાર કરવા નીકળી પડ્યા છે તે પ્રમાણે સુરાજ્યતંત્રમાં જ્યાં ત્યાં સજ્જન લોકોનાં જ દર્શન થાય છે.

ચોપાઈ:
વસસેં વાટ મુસાફર વીરેણ, ઇન્દ્રિયું જ્ઞાન ગ઼િની વિરમી રેં ૨૨
ભાવાર્થ: વરસાદના કારણે મુસાફરો માર્ગ પર જ થંભી જાય છે અને જ્ઞાન પામવાથી દસે ઇન્દ્રિયો પણ એવી જે રીતે વિરમી શાંત થઈ જાય છે.

દોહરો:
વા ત્રૂફેઈ-તટકે કડે, વડર વિને વીંખાઈ, જી કુમૂર કુલમેં થીએ, સંપત ઘરમ સિરાઈ ૨૩
કડે નં ડીંજો કીં ડિસોં, પ્રગટ કડેંક પ્રકાશ, જ્ઞાન કુસંગે જીં ઘટે, વધે સુસંગ સુવાસ ૨૪
ભાવાર્થ: ક્યારેક ભયંકર પવનનો તોફાન ત્રાટકી પડે છે, તેથી વાદળાં વરસ્યા વિના વિખેરાઈ જાય છે. તેમ જ્યારે કૂળમાં કપૂત પાકે છે ત્યારે કૂળના સંપત્તિ અને ધર્મ બંને નાશ પામે છે. ક્યારેક દિવસે પણ કંઈ ન દેખાય એવો ગાઢ અંધકાર જામે છે અને ક્યારેકે વળી પ્રકાશ પણ પ્રગટ થાય છે. આવી જ રીતે કુસંગ કરવાથી જ્ઞાન ઘટતું જાય છે અને સારી સોબતથી જ્ઞાનમાં વૃદ્ધિ થઈ તેની સુવાસ પ્રસરે છે. મૂળ ફરાદી ગામના સ્વ. ત્રિવેદીજીનાં ત્રણેક જેટલાં કાવ્ય સંગ્રહો ઉપરાંત ‘કચ્છી ધાતુકોષ’ અને મધ્યમ વ્યાકરણ’ ગ્રંથોએ સમગ્ર કચ્છીને ન્યાલ કર્યા છે. આવતા રવિવારે અષાઢી બીજ છે ત્યારે ગુજરાત (કચ્છી) સાહિત્ય અકાદમી તથા કચ્છ સાહિત્ય મંડળના સંયુક્ત ઉપક્રમે સરસ એક કાર્યક્રમ કચ્છી નવા વર્ષની ઉજવણી થશે સાથે સ્વ. પ્રતાપરાય ત્રિવેદીજીના સમગ્ર સર્જનને યાદ કરવામાં આવશે જેની અનેરી ખુશી છે. (સાભાર: ‘મોરજો મલાર’ પુસ્તક, ખાસ આભાર: લાલજી મેવાડા)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button